સરદાર પટેલે મેનનને એકીકરણની જવાબદારી સોંપી અને ત્યાર બાદ પણ તેમને નિવૃત્ત થવાનો ઇનકાર કરી દેશના પ્રથમ ગૃહ સચિવ બનાવ્યા
સત્તા હસ્તાંતરણના પ્રથમ ડ્રાફ્ટમાં બ્રિટનની સંસદે એટલા સુધારા કર્યા કે દેશના ટુકડા થઈ જાય, તે પછી મેનને તૈયાર કર્યો માઉન્ટબેટન પ્લાન
રિયાસતોની સમસ્યા એટલી મોટી છે કે માત્ર તમે જ આનો ઉકેલ લાવી શકો છો, એવું મહાત્મા ગાંધીએ સરદાર પટેલને કહ્યું હતું. તે પછીના થોડા વર્ષોમાં સરદાર ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા. ૫૫૦ રજવાડાના એકીકરણની પ્રક્રિયામાં સરદાર પટેલની સાથે બીજા પણ એક મહાનુભાવ હતા. કહો કે તેમના હનુમાન. તેઓ વપલ પંગુન્ની મેનન. સરદાર પટેલે એકીકરણના આ મહાકઠીન કામમાં મેનનને સચિવ તરીકે પસંદ કર્યા હતા. એક મહારથી હતા તો બીજા મહાસારથી.
ભારતનું નામ ઇંડિયા મેનનને કારણે છે. મોહમ્મદ અલી ઝીણાની માગણી એવી હતી કે બંને દેશોના નામ અલગ રાખવામાં આવે. મેનને કહ્યું, પાકિસ્તાન ઇંડિયાથી અલગ થઈ રહ્યું છે આથી ઇંડિયાનું નામ ન બદલવું જોઈએ. સંપત્તિના અધિકારો પણ ઇંડિયા પાસે જ રહેવા જોઈએ. તેમની આ દલીલ લોર્ડ માઉન્ટબેટનને પસંદ પડી. આથી તેમણે બ્રિટિશ ઇંડિયા કોલોનીને આઝાદ કર્યા બાદ તેનું નામ ઇંડિયા રાખવાનું માન્ય કર્યું.
તેમનો જન્મ કેરળના મલબાર ક્ષેત્રમાં થયો હતો. તેમના પિતા એક વિદ્યાલયના આચાર્ય હતા. શૈક્ષણિક ખર્ચનો બોજ પરિવારજનો પર ન પડે તે માટે નાનપણમાં ઘર છોડીને ભાગી ગયા હતા. સર્વપ્રથમ કામ રેલવે એન્જિનમાં કોલસા ઠલવવાનું કર્યું. ત્યાર પછી બેંગલોરમાં તમાકુ કંપનીના અકાઉન્ટન્ટ બન્યા. તે પછી બ્રિટિશ ઇંડિયા સરકારમાં ક્લર્ક તરીકે જોડાયા.
૧૯૪૭માં દેશની કુલ વસ્તી ૪૦ કરોડ હતી. તેમાંથી નવ કરોડ લોકો દેશી રિયાસતમાં રહેતા હતા. હૈદરાબાદ સૌથી મોટી અને બાબરી સૌથી નાની રિયાસત હતી. રિયાસતના રાજાઓએ બ્રિટનના મહારાણીની આધીનતા સ્વીકારી હતી. રિયાસતોમાંથી કર ઉઘરાવાતો. તે બ્રિટન જતો અને બદલમાં રાણી તરફથી રિયાસતદારોને બાંધી આવક મળતી. સરદાર સાહેબના સચિવ તરીકે મેનને આ રિયાસતોને ભારતમાં ભેળવવાનું કામ માથાના વાળ ખેંચવા જેવું હતું.
તેઓ બ્રિટિશ સરકારમાં ક્લર્ક તરીકે ભરતી થયા હતા. બાદમાં સખત અભ્યાસ કરીને આઇસીએસ (વર્તમાન આઇએએસ)ની પરીક્ષા પાસ કરી. નોકરીના અંતિમ વર્ષોમાં તેઓ બ્રિટિશ ઇંડિયાના ત્રણ વાઇસરોયના કર્મચારી રહ્યા. લિનલિથગો, વાવેલ અને માઉન્ટબેટન. તેમના બે કામ ચિર સ્મરણીય રહ્યા. ૧) માઉન્ટબેટન પ્લાન અને ૨) દેશી રિયાસતોનું વિલિનિકરણ. સંવિધાન, રાજ્ય અને સાર્વભૌમત્વ જેવા મુદ્દા પર તેમની જબરદસ્ત પકડ હતી. અંગ્રેજ અધિકારીઓ તેમને ખૂબ મહત્ત્વ આપતા. ધ્યાનથી સાંભળતા.
મેનનને સંભારતા લોર્ડ માઉન્ટબેટને તેમના પુસ્તક માઉન્ટબેટન એન્ડ પાર્ટીશન ઑફ ઇંડિયામાં લખ્યું છે, વાઇસરોય તરીકે મેં મારા નજીકના સ્ટાફ સાથે મુલાકાત કરી. તેમાં મેનન પણ હતા. કોઈએ મને ન કહ્યું કે તેઓ એક વરિષ્ઠ અધિકારી છે અને તેમને સલાહકારોમાં સામેલ કરવા જોઈએ. ઇવન મારા સચિવ જ્યોર્જ એબેલે પણ નહીં.
એક દિવસ વાઇસરોયે તેમને સામેથી મળવા બોલાવ્યા. મેનનને જ્યારે ખબર પડી કે વાઇસરોય તેમને મળવા માગે છે તો ચકિત થઈ ગયા. માઉન્ટબેટન જ્યારે તેમને મળ્યા ત્યારે પલકારામાં સમજી ગયા કે આ જ એ અધિકારી છે જે ભારતના વિભાજનને અંજામ આપી શકશે.
માઉન્ટબેટનને મેનન સત્યનિષ્ઠ, સમજુ અને વાસ્તવવાદી અધિકારી જણાયા. પહેલા તેઓ તેમને મીટિંગમાં સામેલ ન કરતા, પણ વ્યક્તિગત સલાહ જરૂર લેતા. જેમ-જેમ વખત ગયો તેમ તેમ તેમના ખાસ બનતા ગયા અને હંમેશા તેમની સાથે રહેવા લાગ્યા. એક વખત માઉન્ટબેટને તેમને પૂછ્યું, શું અગાઉના વાઇસરોયે ક્યારેય તમારી સલાહ નથી લીધી?
સલાહ તો શું તેઓ મને મળ્યા પણ નથી., મેનન ઉવાચ.
હવે માઉન્ટબેટન પ્લાનની વાત. લોર્ડ માઉન્ટબેટને તેમના અધિકારીઓ પાસે તૈયાર કરાવેલો સત્તા હસ્તાંતરણ (ટ્રાન્સફર ઑફ પાવર)નો મુસદ્દો બ્રિટન મોકલ્યો હતો. બ્રિટિશ સંસદે તેમાં એટલા બધા ફેરફાર કર્યા કે દેશના અનેક ટુકડા થઈ જશે તે નિશ્ચિત હતું. લંડનથી પરત આવેલા મુસદ્દાનો અભ્યાસ કરી મેનને પોતાનો અભિપ્રાય પ્રસ્તુત કર્યો. તેમણે કહ્યું, વિલિનિકરણ પહેલા અંગ્રેજો દેશને આઝાદ કરી દેશે તો આર્થિક અને રાજકીય સંકટ ઊભું થઈ જશે. તેમણે સૌપ્રથમ રિયાસતોના વિલય પર કામ કરવાની સલાહ આપી.
વાઇસરોય ગડમથલમાં સરી પડયા. તેમણે મેનનની બુદ્ધિમત્તા પર ભરોસો મૂક્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું. તેમણે ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા એક્ટ ૧૯૩૫ને કેન્દ્રમાં રાખી નવો મુસદ્દો તૈયાર કર્યો જે મંજૂર થયા બાદ માઉન્ટબેટન પ્લાન તરીકે ઓળખાયો. તે અંતર્ગત ધાર્મિક બહુમતીના આધારે વિભાજનને મંજૂરી મળી.
બંને દેશોને ડોમિનિયન એટલે કે અધિરાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. રિયાસતો બેમાંથી કોઈ પણ ડોમિનિયન સાથે જવાની છૂટ આપવામાં આવી. એ સમયે હજુ પટેલ અને મેનન સાથેસાથે કામ કરી રહ્યા નહોતા. તેમ છતાં તેમણે પટેલને ડોમિનિયન સ્ટેટ માટે રાજી કરી લીધા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ પણ સહમત થઈ ગયા.
વી. પી. મેનનની સલાહ માની માઉન્ટબેટને નક્કી કરી લીધું કે અંગ્રેજો રિયાસતોના વિલિનિકરણ પછી જ દેશ છોડીને જશે. જૂન ૧૯૪૭માં કેન્દ્રીય ગૃહ વિભાગનું ગઠન થયું. કમાન સરદાર પટેલના હાથમાં હતી. તેમને સચિવની પસંદગીમાં મેનનથી બહેતર વિકલ્પ દેખાતો નહોતો.
ઇન્ટિગ્રેશન ઑફ ઇંડિયન સ્ટેટ્સમાં મેનન લખે છે, હું મારા જીવનકાળમાં દેશને આઝાદ જોઈ શકીશ એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. દેશ આઝાદ થયો તો મને લાગ્યું કે ફેરો સફળ થઈ ગયો. મેં નિવૃત્ત થવાનો નિર્ણય કરી લીધો હતો. એવામાં દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલે મને કહ્યું કે દેશ હાલ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તમારા જેવા લોકોએ સેવા નિવૃત્તિનો વિચાર છોડી દેવો જોઈએ. મેં આ વાત માઉન્ટબેટનને કરી તો તેઓ મને કહે કે પટેલ મને કોઈ રાજ્યના ગવર્નર બનાવવાનું વિચારી રહ્યા હશે. તેમ ન કરતા સરદારે મને પોતાના સચિવ બનાવવાનો નિર્ણય કર્યો.
જુલાઈ ૧૯૪૭ના રોજ સરદારે તમામ રિયાસતોને પત્ર લખીને ત્રણ શરતો સાથે ભારતમાં વિલિનિકરણનું નોતરું મોકલ્યું હતું. તેમાં લખ્યું હતું કે રિયાસતોના સંરક્ષણ, વિદેશ અને સંચારની જવાબદારી ભારત સરકારની રહેશે. રાજસ્વ સહિતના બાકીના વિભાગો રાજ્ય સરકારના રહેશે. વિલિનિકરણના કામને અંજામ આપવાની જવાબદારી મેનનને સોંપવામાં આવી.
રામચંદ્ર ગુહાએ ઇંડિયા આફ્ટર ગાંધીમાં લખ્યું છે, આઝાદીના બે અઠવાડીયા પહેલા માઉન્ટબેટને ચેમ્બર ઑફ પ્રિન્સીઝની મીટિંગમાં દેશના રજવાડાઓને સંબોધન કર્યું. તેમાં તેમણે બ્રિટનની સંસદમાં ઇંડિયા ઇન્ડિપેન્ડેન્સ એક્ટ પારિત થયો હોવાની ઘોષણા કરી. તેમણે કહ્યું, બ્રિટનના રાણી પ્રત્યેની તમારી વફાદારી ખતમ થાય છે.
પ્રજાના ભવિષ્ય માટે તમે પોતે જવાબદાર રહેશો. રિયાસતદારોની હાલત હલેસા વિનાની નાવ જેવી છે. જો તમે ભારતમાં વિલિનિકરણ ન કર્યું તો તેનાથી ઊપજતી અરાજકતા માટે તમે પોતે જવાબદાર હશો. તમે તમારા નિકટના પડોશી એટલે કે આઝાદ ભારતથી ભાગી શકશો નહીં. લંડનનાં મહારાણી પણ તમારી સુરક્ષાની જવાબદારી ઉપાડશે નહીં.
માઉન્ટબેટને આપેલી ચેતવણી કામ કરી ગઈ. અત્યાર સુધી ઘણા બધા રાજા ઠાગાઠૈયા કરતા હતા. માઉન્ટબેટનને સાંભળ્યા પછી તેમણે તુરંત ભારતમાં જોડાવાનો નિર્ણય કર્યો. ઇન્ટિગ્રેશન ઑફ સ્ટેટ્સમાં મેનને એક-એક રાજ્યના વિલયની વાર્તા લખી છે. જોધપુરના રાજાએ તેમના માથા પર ગન મૂકીને કહ્યું, મારી પ્રજા સાથે ગદ્દારી ન કરતા.
કાશ્મીરના રાજા હરિસિંહે તેમના દીવાનને કહ્યું, હું સૂવા જઉં છું. મેનનનો કોઈ પણ જવાબ આવે, મને ઉઠાડતા નહીં. જો હા આવશે તો ભારતીય સેના પાકિસ્તાની હુમલાખોરોને ભગાડી દેશે અને જો ના આવે તો મને ગોળી ઊંઘમાં જ ગોળી મારી દેજો.
સરદાર પટેલ મેનનની સૌલ્યુશન શોધવાની ક્ષમતા, રાજકીય સૂઝ અને કાર્યસિદ્ધિની કળાથી પ્રભાવિત હતા. તેમણે રાજાઓને સમજાવવા માટે સામ, દામ, દંડ, ભેદ તમામ નીતિઓ અપનાવી હતી. માઉન્ટબેટન તેમને નાઇટની પદવી આપવા માગતા હતા, પણ હવે તેઓ ભારત સરકારના કર્મચારી હોવાથી આ બાબતે તેમણે અનિચ્છા દર્શાવેલી. સરદારના દેહાંત પછી મેનને સેવા નિવૃત્તિ લઈ લીધી. ૧૯૫૧માં તેમને ઓડિશાના રાજ્યપાલ બનાવાયેલા.
ભારતનો નકશો અત્યારે જેવો દેખાય છે તેવો બનાવવામાં મેનનની ભૂમિકા બહુ મોટી છે.
જીકે જંકશન
- ક્રિસ્ટિન લેગાર્ડ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક(ઇસીબી)ના પ્રમુખ બન્યા છે. આ પહેલા તેઓ આઇએફ(ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ)ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર હતા. ૨૦૧૧થી તેઓ આ પદ પર કાર્યરત હતા. ઇસીબીના અધ્યક્ષ તરીકે તેમનું નોમિનેશન થયા બાદ તેમણે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળમાંથી વિદાય લીધી હતી. મૂળે તેઓ ફ્રાંસના વકીલ છે.
- તાજેતરમાં કાલિદાસ કર્મકારનું નિધન થયું. તેઓ બાંગ્લાદેશના જાણીતા ચિત્રકાર હતા. તેમની કળા માટે બાંગ્લાદેશ સરકારે તેમને શિલ્પકળા ચંદ્રક અને એકુશેય ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.
- રાજનાથ સિંહે સૈનિક સ્કૂલમાં છોકરીઓના એડમિશનને મંજૂરી આપી છે. અત્યાર સુધી ત્યાં માત્ર છોકરાઓને જ પ્રવેશ મળતો હતો.
- નાસાના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું એવું સ્પેસવૉક કર્યું જેમાં વૉક કરનાર માત્ર મહિલા જ હોય. જેસિકા મેર અને ક્રિસ્ટીના કોચ પાવર કંટ્રોલર બદલવા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર નીકળ્યા હતા. તેમણે સાત કલાક અને ૧૭ મિનિટ સ્પેસવૉક કર્યું હતું.
- મહારાષ્ટ્ર પોલિસે ફેઇક ન્યૂઝ પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફર્મ લોજિકલી સાથે સમજૂતિ કરી છે. વર્તમાનમાં ઘણી બધી સમસ્યાઓ એવી છે જે માણસ માટે ઉકેલવી મુશ્કેલ છે, પણ એઆઇની મદદથી ચપટી વગાડતા ઉકેલી શકાય છે.
- ૧૭મી ઑક્ટોબરે આંતરરાષ્ટ્રી ગરીબી નિવારણ દિવસ મનાવવામાં આવ્યો હતો. જ્યાં સુધી માણસની અંદરથી હું મોટો અને તું નાનોની ભાવના નહીં જાય ત્યાં સુધી ગરીબી હટવાની નથી.
- તાજેતરમાં મણિપુરમાં શિરુઇ લીલી મહોત્સવ યોજાયો હતો. શિરુઈ લીલી મણિપુરનું રાજ્ય ફૂલ છે. તે ઉખરુલ જિલ્લામાં વધારે જોવા મળે છે. હાલ આ ફૂલ લુપ્ત થવાના આરે છે. તેના પ્રસાર અને જતન માટે સરકાર અભિયાન ચલાવી રહી છે.
- વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સમાં ભારત ૮૨મા સ્થાન પર ધકેલાઈ ગયું છે. કયા દેશના લોકો કેટલું દાન કરે છે તે માપવા માટે વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. ભારત દાનની બાબતમાં નેપાળ અને પાકિસ્તાન કરતા પણ પાછળ રહી ગયું છે તે આપણા માટે શરમજનક છે. મ્યાંમાર આ યાદીમાં ટોચ પર રહ્યું હતું ત્યાર બાદ ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુએસએનો નંબર આવ્યો હતો.
- તાજેતરમાં બોક્સ પેટ્રિક ડેનું નિધન થઈ ગયું. તેઓ ૨૭ વર્ષના હતા. વિન્ટ્રસ્ટ અરેનામાં ચાર્લ્સ કોનવેલ સાથે બોક્સિંગ દરમિયાન તેમને માથાના ભાગે ઇજા થઈ હતી. રિંગમાંથી તરત જ તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા, પણ બચાવી શકાયા નહોતા. દર વર્ષે સરેરાશ ૧૩ બૉક્સરનાં રિંગમાં મોત થાય છે.
આજની નવી જોક
શિક્ષક (ગણિતનો ક્લાસ પૂરો થયા પછી): જેને જે પૂછવું હોય તે ગભરાયા વિના પૂછી શકે છે.
લલ્લુઃ પૂજા આજે કેમ ગેરહાજર છે?
શિક્ષકઃ હેં!?


