નેટવર્ક
નવાઝુદ્દીન સિદ્દીકીએ અભિનયની શરૃઆત ગુજરાતી નાટકોથી કરી હતી
પાછી ખેંચાયેલી આ આત્મકથા એન ઓર્ડીનરી મેન-માં પ્રેમ પ્રકરણવાળું વિવાદિત ચેપ્ટર બાદ કરીએ તો પણ ઘણું બધું વાંચવા જેવું છે
મુંબઈમાં ૧૨ વર્ષ લાંબા સંઘર્ષ પછી તેમને સફળતા વરેલી, સતત ત્રણ-ચાર દિવસ જમવાનું ન મળતા બેહોશ થઈ જતા
આત્મકથા ત્યારે જ વિશ્વાસપાત્ર બને છે જ્યારે તેમાં કશુંક કલંક લગાડનારું હોય. જો કોઈ તેની કથામાં સારું-સારું જ લખે તો તે મહદંશે જૂઠ્ઠું બોલે છે. અંદરખાનેથી જુઓ તો કોઈપણ જિંદગી હારની શ્રુંખલા હોય છે.- જ્યોર્જ ઓરવેલનું ક્વોટ સાચું માની લઈએ તો નવાઝુદ્દીન સિદ્દિકીની આત્મકથા સાચોસાચ આત્મકથા હતી.
પૂર્વ પ્રેમિકા વિશે અણછાજતી ટીપ્પણીઓને કારણે વિવાદ થતા આ શરમાળ પ્રકૃતિના માણસે પોતાની જીવની પાછી ખેંચી લીધી. કમાલની વાત એ છે કે લોકોને જ્યાં જોવું હોય ત્યાં જ જોવે છે. જ્યાં જોવાનું હોય ત્યાં નહીં.
રિલેશનશિપના એક ચેપ્ટરની બાદબાકી કરીએ તો બાકીના પ્રકરણોમાં અદ્ભુત ખજાનો હતો. એ તરફ કેમ કોઈનું ધ્યાન ન ગયું? આત્મકથાના ૨૧૦ પેઇજમાંથી રીલેશનશિપ ચેપ્ટરના સાડા છ પાના જ કેમ દેખાયા? શુભમ ઉપાધ્યાય નામના પત્રકારે એ સિવાયના પાનાઓને અજવાળામાં લાવવાની કોશિશ કરી છે.
એન ઓર્ડીનરી લાઇફ-માં ૨૦ પ્રકરણ છે. તેમાં અભૂતપૂર્વ સંઘર્ષગાથા વ્યક્ત થઈ છે. નવાઝનો સંઘર્ષ અન્ય કલાકારો કરતા ઘણો લાંબો ચાલ્યો હોવાથી આ સંઘર્ષકથા વધુ રસપ્રદ બને છે.
ભાગ એકમાં નવાઝભાઈનું બાળપણ, તેનું વતન બુઢાના અને બેફિકરાઈ આલેખવામાં આવ્યા છે. કાળઝાળ ગરમી અને ધોમ તડકાથી તેને ભારે ચીડ છે. કારણ તેઓ આપે છે કે તેમના ગામ બુઢાનામાં એટલી ગરમી પડતી કે જાણે સૂરજમાં આગ લાગી હોય.
તેમણે લખ્યું છે કે બુઢાનાએ જ મારું ઘડતર કર્યું. આજે હું જે કંઈ પણ છું તેનો વધુમાં વધુ શ્રેષ્ય મારા ગામને જાય છે. જોકે કેટલીક કમીઓ પણ મને આ ગામે જ આપી. મહિલાઓને સમાન ગણવાનું હું મુંબઈ આવીને શીખ્યો. મારા ઘરે દીકરી જન્મી એ પછી. એ પહેલા તો હું ગામડાંનો ગવાર(વિલેજ પમ્પકિન) હતો. મહિલાઓ સાથે વાત કરવાની તમીઝ નહોતી. તેમની સાથે વાત કરતા અસહજતા અનુભવતો હતો.
તેઓ તેમની રક્તરંજિત આંખ વિશે જણાવે છે, જન્મથી જ મારી આંખ આવી છે, બાદમાં આગળ વધે છે, મારા દાદી દલિત પરિવારના હોવાથી મારા પિતાને અને મને ખૂબજ ચીઢવવામાં આવતા. આથી મને ગામ છોડી દેવાની ઇચ્છા થતી હતી.
નવાઝે અભિનયની શરૃઆત વડોદરા શહેરથી કરી હતી. કોલેજમાં ભણ્યા બાદ તેઓ માઇક્રોબાયોલોજીની ડિગ્રી લઈ પેથોલોજિસ્ટ બની ગયા. હરિદ્વારમાંથી ડિગ્રી લીધા પછી વડોદરાની પેટ્રોકેમિકલ ફેક્ટરીમાં કેમિસ્ટ તરીકે કામ શરૃ કર્યું. યુવાન થયા ત્યાં સુધી તેમણે કોી મોટા સપના ઘડયાં નહોતાં. કામમાં મન લાગતું નહોતું.
અભિનય કરવાની ઝંખના હતી. કોઈએ સૂચન આપતા ડ્રામા કોર્સમાં પ્રવેશ મેળવી લીધો. સવારે નોકરી કરતા અને સાંજે નાટકો જોતા-ભજવતા. નાટકો ગુજરાતી હતા. તેમને ગુજરાતી આવડતું નહોતું. આથી ડાયલોગ ગોખી લેતા. કોઈકે વળી પાછું સૂચન કર્યું, તારું હિન્દી સારું છે, તું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભાગ લે.
જેમ નવાઝે પ્રામાણિક્તાપૂર્વક નોંધ્યું કે મહિલાઓને આદર આપવાનું તેઓ મુંબઈ આવીને શીખ્યા. એમ અહીં પણ પ્રામાણિક્તાથી જણાવે છે કે જિંદગીના મહત્ત્વના નિર્ણયો મેં બીજાના સૂચનોના આધારે લીધાં છે.
એનએસડીમાં ભાગ લેવા માટે ૧૨ સારાં નાટકોમાં કામ કરવું ફરજિયાત છે. આથી નવાઝ માટે તે રસ્તો બંધ હતો. એવામાં વળી કોઈએ સૂચન કર્યું, લખનઉની ભારતેન્દુ નાટય અકાદમીમાં જોડાઈ જા.
નવાઝે સૂચન માથે ચડાવ્યું. તરત જ લખનઉની ભારતેન્દુ અકાદેમીમાં એડમિશન લીધું અને દોઢ વર્ષ સુધી પૂરેપૂરી મહેનતથી થિયેટરની તાલિમ લીધી. દોઢ વર્ષ બાદ તેઓ દિલ્હી ગયા. ત્યાં એક થિયેટર ગુ્રપમાં જોડાયા. સાંજે તેઓ અભિનય શીખતા અને દિવસે નોકરી કરતા. નોકરી હતી રમકડાની દુકાનની બહાર વોચમેન તરીકે ઊભા રહેવાની. આખો દહાડો તેઓ તડકામાં ઊભા રહેતા. એક વર્ષ તેમણે આ રીતે તડકામાં પસાર કર્યું.
બાદમાં તેમને એનએસડીમાં પ્રવેશ મળ્યો. નવાઝ કહે છે કે અભિનય નામની ક્રાફ્ટ હું એનએસડીમાં જ શીખ્યો. આજે આ સંસ્થામાં મારાથી પણ બહેતર અભિનેતાઓ તૈયાર થઈ રહ્યા છે.
આત્મગાથાના ત્રીજા ભાગમાં તેમણે જીવનના સંઘર્ષની વાત આલેખી છે. મુંબઈમાં તેમને ૧૨ વર્ષ સુધી સ્ટ્રગલ કરવી પડી. તેમાં કેટલાક દિવસ તો એટલી કડકીમાં વીત્યા કે કેળા અને ચણા ખાઈને ટૂંકા કરવા પડયા. એ પછી તો એવા કપરા દિવસો આવ્યા કે ચણા અને કેળા પણ મોંઘાં લાગવા માંડયાં. ત્યારે તે અને તેમના રૃમમેટ પારલે-જી બિસ્કિટ અને ચા પર જીવવા લાગ્યા. નાસ્તા, લંચ અને ડિનરમાં પારલે-જી અને ચા જ.અપ્રતિમ સફળતામાં આળોટતા નવાઝ લખે છે કે આજે પણ પારલે-જીનું રેપર જોઈને હું દ્રવિત થઈ જાવ છું.
ફિલ્મોમાં સ્ટ્રગલ દરમિયાન ભોજન તેમના માટે એટલું મોંઘું થઈ પડેલું કે યુવાન નવાઝ તેના મિત્રને મળવા માટે ૧૫થી ૨૦ કિલોમીટર ચાલીને જતો. એવી અપેક્ષા સાથે કે તે તેને મફત જમાડી દે. માથે જો વિલ્સ નેવીકટ પીવડાવી દે તો તો ભયો ભયો. સિગરેટના ધુમાડામાં સંઘર્ષનો બધો થાક હવા થઈ જતો.
૨૦૦૫થી ૨૦૦૭ દરમિયાનના દિવસો સૌથી વસમા રહ્યા. આ દરમિયાન તેમની પાસે રહેવા માટે ઘર પણ નહોતું. કેટલીક વખત તો એવું બન્યું કે સતત ત્રણ-ચાર દિવસ સુધી જમવાનું ન મળે. ભૂખથી તેઓ બેહોશ થઈ જતા. આ સમય દરમિયાન તેઓ સરફરોશ, શૂલ, ધ બાયપાસ અને મુન્નાભાઈ એમબીબીએસમાં દેખા દઈ ચૂક્યા હતા.
પછી અચ્છે દિન આવ્યા અને સંઘર્ષના દિવસો હંમેશા માટે ભૂતકાળમાં દફન થઈ ગયા. મેથડ એક્ટિંગ વિશે તેમણે લખ્યું છે કે પ્રકૃતિમાં જે લય અને પ્રવાહિતા છે તે જ અભિનયમાં આવવા જોઈએ.
કોઈપણ ભાષાની ફિલ્મ હોય પરંતુ તે ક્યારેય સબટાઇટલ સાથે જોતા નથી. તેઓ કહે છે કે સબટાઇટલ વાંચવામાં ધ્યાન આપીશ તો સિનેમાના જાદુઈ સંસારમાં કઈરીતે ખોવાઈ શકીશ?
ગેન્ગ ઑફ વસેપુર, માન્ઝી, કહાની અને બીજી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર આ કલાકાર કહે છે કે અભિનેતાએ માસૂમ હોવું જોઈએ અને દુ:ખ વ્યક્ત કરે છે કે શહેરના લોકો માસૂમિયત ગુમાવી રહ્યા છે.
એક-બે હાસ્યાસ્પદ અને કરુણા ઉપજે એવો પ્રસંગ તેઓ કહે છે. ધ લંચબોક્સ ફિલ્મમાં મેં જે પાત્ર નિભાવ્યું છે તેમાં મેં મારા દોસ્ત મુકેશ ભટ્ટના હાવભાવનો ઉપયોગ કર્યો છે. મારું પાત્ર જ્યારે પણ કૈસે હૈ સર? બોલે ત્યારે મુકેશ ભટ્ટની જેમ બોલતું. હવે મુકેશ ભટ્ટ કોઈને કામ માટે મળવા જાય તો કોઈ તેને કામ નથી આપતું. બધા એવું વિચારે છે કે તે મારી નકલ કરે છે.
તેઓ પોતાના અનુગામી અભિનેતાઓને સંવાદ ગોખવાની ના પાડે છે. તેઓ સંવાદ વિનાના અભિનયને પ્રાધાન્ય આપે છે. બે-ચાર ડાયલોગના આધારે સુપરસ્ટાર બની ગયેલા અભિનેતાઓ પર કટાક્ષ કરે છે. એવો આકરો કટાક્ષ કે જો સલમાન-શાહરુખે આ આત્મકથા વાંચી હોત તો તેઓ નારાજ થઈ ગયા હોત. તો વળી નવો વિવાદ શરૃ થઈ જાત.
ભલેને વિવાદ થયો. એ પાછી ખેંચવની જરૃર નહોતી. કલંક પણ વ્યક્તિત્વનો એક ભાગ છે. વિવાદને સ્વીકારી લીધા વિના છબિ પૂર્ણ બનતી નથી. વિનોદ મહેતાની લખનઉ બોય હોય, ખુશવંત સિંહની ટ્રુથ લવ એન્ડ લિટલ મિનેસ હોય, સહાદત હસન મંટોની સ્ટાર્સ ફ્રોમ અનદર સ્કાય હોય કે ચંદ્રકાન્ત બક્ષીની બક્ષીનામા પ્રામાણિક આત્મકથાઓ વિખવાદના વમળમાં આવતી જ હોય છે.
વિવાદનો સ્વીકાર કરીને આત્મકથાને તરતી રહેવા દેવાની જરૃર હતી. ઇમેજ બલ્ડિંગના આ જમાનામાં લોકો ચોક્કસ પ્રકારની ઇમેજ મેન્ટેન કરવાનો આગ્રહ રાખે છે એ માટે કલંકને ભૂંસવાના પ્રયત્નો કરે છે. એટલે એ નવ-પરંપરા મુજબ નવાઝે પોતાની વિવાદિત આત્મકથા પાછી ખેંચી લીધી.
તેમણે ભલે ઓટોબાયોગ્રાફી પાછી ખેંચી પણ જ્યોર્જ ઓરવેલ તેમનું ક્વોટ પાછું નહીં ખેંચે તે વાત નક્કી છે. તેમના અભિનય અનુભવનું ભાથું નવકલાકારો માટે ખૂબજ મૂલ્યવાન છે. આશા કરીએ કે ફરી કોઈ સ્વરૃપમાં તેના પ્રશંસકોને તથા નવોદિતોને તેમની સંઘર્ષગાથા તેમજ અભિનય અનુભવનો બહોળો લાભ મળશે.
સોશિયલ નેટવર્ક
જ્યાં સુધી મોદીને વેદમાં ન દર્શાવાય ત્યાં સુધી બીએચયુનું પ્રશ્નપત્ર અધૂરું
બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાાનની સ્નાતકોત્તર પરીક્ષામાં મનુને ગ્લોબલાઇઝેશન અને કૌટિલ્યના અર્થશાસ્ત્રને જીએસટી સાથે જોડતા સવાલો પૂછવામાં આવ્યા હતા. સવાલ આ પ્રમાણે હતા. ૧) મનુ વૈશ્વકરણના પ્રથમ ભારતીય ચિંતક હતા, વિવેચન કરો. ૨) કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જીએસટીની પ્રકૃતિ પર નિબંધ લખો.
આ વિશે સોશિયલ મીડિયામાં હસાયરો જામ્યા વિના રહે ખરો? તો વાંચો ટીપ્પણીઓ.
દેવ પ્રકાશ બમનાવતે વ્યંગ કર્યો હતો કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જીએસટીનું મૂળ ગોતવાનું કામ પુષ્પક વિમાનમાં હવાઈ જહાજની શોધનું મૂળ શોધવા જેટલું જ અઘરું છે.
પરીક્ષાર્થીઓએ આવા ધડ માથા વગરના પ્રશ્નોનો વિરોધ કર્યો હતો. જવાબમાં પેપર સેટર પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાએ દલીલ કરી કે આ ઉદાહરણોની વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ અને શિક્ષકોની ફરજ છે કે તેઓ ભણાવવાની નવી પદ્ધતિ શોધે.
જવાબમાં ટીવી જયને ટ્વિટર પર ફિરકી લીધી, મને એ વાતની ખાતરી છે કે બીએચયુના પ્રોફેસર અત્યારે અથવા ગમે ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બની શકે છે.
સમરે સિક્સર ફટકારી, બીએચયુનું પેપર ત્યાં સુધી પૂર્ણ નહીં ગણાય જ્યાં સુધી વેદોમાં મોદી દર્શાવવામાં નહીં આવે.
શકુનિ મામાએ ટ્વિટ કરી, બીએચયુમાં કૌટિલ્ય અને જીએસટી વિશે પ્રશ્ન પુછાઈ શકે છે. તો નોટબંધી અને તુગલુક વિશે પણ પુછાવો જોઈએ.
ઓમ થાનવીએ દાઢમાં વખાણ કર્યા, વાહ જી વાહ, કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં જીએસટી, મનુના દર્શનમાં ભૂમંડલીકરણ, બીએચયુમાં એમએ રાજનીતિ શાસ્ત્રનું પેપર. નવા ભારતની જ્ઞાાન ગંગા.
અશોક સ્વૈને પાછળની દિશામાં તીર માર્યું, આવનારા વર્ષે પુછાયેલા સવાલની વાટ જુઓ. તે આ પ્રમાણે હશે. મોદી વિશે નોસ્ટ્રાડેમ્સની ભવિષ્યવાણીની આગાહી કરો.
કવિતા કૃષ્ણને ગંભીર ટીપ્પણી કરી, બીએચયુમાં એમએનું પ્રશ્નપત્ર શિક્ષણને એક ગંદી મજાક રૃપે રજૂ કરી રહ્યું છે. અને મનુસ્મૃતિની ખુલ્લેઆમ વકીલાત કરવી એ કંઈ ઓછું ખરાબ કામ નથી.
આજની નવી જોક
લીલી (છગનને): જ્યારે આપણા નવા-નવા લગ્ન થયેલા ત્યારે હું જમવાનું બનાવીને લાવતી તો તમે પોતે ઓછું ખાતા અને મને વધુ ખવડાવતા.
છગન: તો?
લીલી: હવે કેમ એવું નથી કરતા?
છગન: કારણ કે હવે તને રસોઈ બનાવતા આવડી ગઈ છે.