તવેથો, છરી, કોયતો, કુહાડી આ બધા ઓજારના આકાર પુરાપાષાણ યુગમાં જેવા હતા એવા જ આજે છે
નહેરુ બધાનું અભિવાદન ઝીલી પૂછે છે, કોણ છે ભારત માતા? ગ્રામવાસીઓ અને તેમની વચ્ચે સંવાદ ચાલે છે. તેમાંથી ભારત માતાની છબિના દર્શન થાય છે. ભારત એટલે ભારતની ધરતી. ના, માત્ર ધરતી નહીં નદીઓ, પર્વતો, જંગલો, ખેતરો, સમુદ્ર, આકાશ અને અહીં વસતા લોકો.
ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોતા એમ લાગે જાણે કે રશિયા વિનાનું યુરોપ. ભારત એટલે ૨૨ ભાષાઓ અને ૨૫૦થી વધુ બોલીઓનો ખજાનો. વિષ્ણુપુરાણમાં લખ્યું છે,
ઉત્તર યત સમુદ્રસ્ય, હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ્
વર્ષમ્ તદ્ ભારતમ્, નામ ભારતી યત્ર સન્તતિ
અર્થાત એ દેશ કે જે સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં સ્થિત છે. તેને ભારત વર્ષ કહેવામાં આવે છે. અહીંના નિવાસીઓ ભારતના સંતાન અથવા ભારતી કહેવાય છે. યુનાની સંસ્કૃતિના લોકોએ ભારતને ઇંડિયા કહ્યું. મેસોપોટેમિયા (ઈરાન) સંસ્કૃતિના લોકોએ ભારતને હિંદ કહ્યું.
સિંધમાંથી હિંદ અને હિંદમાંથી ઇંડિયા. ગંગાસાગર પાસે ઊભેલા માણસને ઇચ્છા થાય કે ગંગા વિશે જાણવું છે તો તેને ગંગોત્રીથી શરૂ કરવું પડે. એ જ રીતે આ લેખમાળામાં ભારતનો તેના મૂળથી, તેના દસ્તાવેજી, પુરાવા આધારિત અને સંશોધિત ઈતિહાસથી પરિચય કરાવવાની ઇચ્છા છે.
આરંભ પ્રાગૈતિહાસિક યુગથી કરીએ. લેખન શરૂ થયું એ પહેલાનો સમય એટલે પ્રાગીતિહાસ. પૂર્વ-ઈતિહાસનો વિચાર ફક્ત ૨૦૦ વર્ષ પુરાણો છે. ૧૮૩૩માં સૌપ્રથમ વખત એમ. ટર્નલે પ્રી-હિસ્ટ્રી શબ્દનો ઉપયોગ કર્યો હતો. પ્રાગૈતિહાસિક યુગના ભારત વિશે સંશોધનની શરૂઆત ડૉ.પ્રિમરોસે ઇસ ૧૮૪૨માં કરેલી.
તેમણે કર્ણાટકના લેગુસુગુરમાંથી તીરના ફણા જેવા તથા છરી જેવા આકારના પથ્થરના ઓજાર ખોળી કાઢ્યા હતા. રોબર્ટ બુ્રસે દક્ષિણ ભારતમાં સંખ્યાબંધ પ્રાગૈતિહાસિક સ્થળો શોધી કાઢ્યા. પથ્થર યુગના પુરાતત્ત્વીય નમૂનાઓનું જબ્બર કલેક્શન કર્યું.
સર મોર્ટિમર વ્હીલરે ૧૯૨૧માં ભારતની શ્રેણીબદ્ધ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ ગોતી ભારતને વિશ્વના પ્રાગૈતિહાસિક નકશામાં મૂકી દીધું. ભારતમાંથી ઇસ પૂર્વે ૨,૫૦,૦૦૦ સુધીના પથ્થરના ઓજારો મળે છે. તેના આધારે એમ કહેવાય કે માણસે ૨,૫૨,૦૦૦ વર્ષ પહેલા આ ધરતીને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. માણસના પગ તો એની પહેલા પણ અહીં પડી ચૂક્યા હતા. ઇસ. પૂર્વે ૪,૦૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ વચ્ચે અહીં માનવીય હીલચાલ થઈ હોવાનું જાણવા મળે છે. એ સમયગાળો બીજો ઇન્ટર ગ્લેશિયલ પીરિયડ કહેવાય છે.
માણસ પાંચ લાખ વર્ષથી પથ્થરના ઓજારોનો ઉપયોગ કરે છે. ઇ.સ. પૂર્વે પાંચ લાખથી લઈને ઇસ પૂર્વે એક હજાર સુધીના ઈતિહાસને પથ્થર યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઇસ પૂર્વે ૫,૦૦,૦૦૦થી લઈ ઇસ પૂર્વ ૮૦૦૦ સુધીનો સમય એટલે પુરાપાષાણ યુગ (પેલિયોલિથિક એઇજ). પુરાપાષાણ યુગમાં પાછા ત્રણ ભાગ છે.
નિમ્ન પુરાપાષાણ, મધ્ય પુરાપાષાણ અને ઉચ્ચ પુરાપાષાણ. ત્યાર બાદ મધ્ય પાષાણ યુગ આવે છે જે ઇસ પૂર્વ ૮૦૦૦થી લઈ ઇસ પૂર્વે ૬૦૦૦નો છે. નિમ્ન પાષાણ યુગ કે જે ઇસ પૂર્વે ૬૦૦૦થી ઇ. પૂ. ૧૦૦૦ સુધીનો છે ત્યારે લેખનની શરૂઆત થઈ ચૂકી હોય છે. અલબત્ત એ સમયે આટલી કનેક્ટિવીટી નહોતી. એટલે એક જગ્યાએ સંસ્કૃતિ વિકસી ચૂકી હોય તો તેનાથી થોડા સેંકડો કિલોમીટરના અંતરે વસતા લોકો પથ્થર યુગમાં જીવતા હોય.
પુરાપાષાણયુગ અથવા પ્રાચીન પથ્થર યુગ એટલે એ સમય જ્યારે માણસ કુહાડો અને ભાલો બનાવતા શીખ્યો. જ્યારે તેણે (આશરે ૨,૩૦,૦૦૦ વર્ષ પહેલા) અગ્નિની શોધ કરી. ભારતમાં પુરાપાષાણ યુગની શરૂઆત હિમ યુગમાં થાય છે. તકનિકી ભાષામાં તે પ્લાસ્ટોસીન એઇજ. કાળા માથાના માનવીએ ભારતની ધરતી પર પગ જમાવ્યા.
જોકે તે હજુ ગંગા અને સિંધુ નદીના ફળદ્રુપ પ્રદેશોમાં પહોંચ્યો નહોતો. ત્યારના ભારતવાસીઓની મુખ્ય પ્રવૃત્તિ હતી શિકાર અને આહાર એકત્રિત કરવો. અલબત્ત ભારત નામ તો હજુ થોડા હજારો વર્ષ પહેલા આવ્યું. મૃત મનુષ્યના શબને પ્રાણીનું ચામડું વીંટવામાં આવતું હતું.
અણઘડ આકારના અને પોલિશ કર્યા વિનાના પથ્થરોનો ઓજાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. માનવ ગુફાઓમાં અને પથ્થરથી નિર્મિત કરેલા આશ્રય સ્થાનોમાં રહેતો હતો. ઓજાર ચકમકના પથ્થરમાંથી બનાવતો. આથી પુરાપાષાણ યુગના માણસને ચકમકિયા મનુષ્યો (ક્વાર્ટઝાઇટ મેન) તરીકે ઓળખવામાં આવતા.
પુરાપાષાણ યુગના અંતિમ તબક્કામાં હોમો સેપિયન્સ એટલે કે આધુનિક માનવ અસ્તિત્ત્વમાં આવ્યો. પુરાપાષાણ યુગનો મનુષ્ય નેગ્રિટો વંશ (રેસ)નો હતો. સર રોબર્ટ બુ્રસ ફૂટે ૧૮૬૩માં મદ્રાસ પાસેથી પ્રથમ વખત પુરાપાષાણ યુગનું પથ્થરનું ઓજાર શોધી કાઢ્યું હતું. યેલ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ડી ટેરા અને પેટરસનના નેતૃત્વ હેઠળ ૧૯૩૫માં સંયુક્ત સંશોધન અભિયાન હાથ ધરતા ભારતમાં પ્રાગીતિહાસ સંશોધનને વેગ મળ્યો.
નિમ્ન પુરાપાષાણ યુગ ઇ.પૂ. ૨,૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ સુધીનો છે. મધ્ય પુરાપાષાણ યુગ ૧,૦૦,૦૦૦થી ૪૦,૦૦૦ સુધીનો અને નૂતન પુરાપાષાણ યુગ ૪૦,૦૦૦થી ૮૦૦૦ ઇ.પૂ. સુધીનો છે. યુગનું વિભાજન ઓજારોની બનાવટ અને વાતાવરણમાં આવેલા પલટાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
મધ્ય પુરાપાષાણ યુગમાં નાના કદના પથ્થરના ઓજારોનો ઉપયોગ થતો હતો. પથ્થરના નાના-નાના ટુકડા (ફ્લેક) ટાઇપના. નિમ્ન પુરાપાષાણ યુગમાં છરી, કોયતો, કુહાડી વગેરે આકારના પથ્થરના ઓજારોનો ઉપયોગ થતો હતો. મોટા ભાગનો સમય હિમ યુગમાં વીત્યો હતો. વાતાવરણ શુષ્ક હતું. ઉચ્ચ પુરાપાષાણ યુગમાં તવેથા અને ટાંકણા આકારના પથ્થરોનો ઉપયોગ શરૂ થયો. તવેથા માટે શુદ્ધ ગુજરાતી શબ્દ છે. ઉખેડિયું. તેના નામ પરથી જ તેનું કામ સમજી શકાય.
તમે જુઓ. આપણે આજે જે-જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તે પુરાપાષાણ યુગમાં જ બની ગયા હતા. આજે તેની બનાવટ અત્યંત સચોટ અને વૈજ્ઞાાનિક બની છે એટલું જ. બાકી કશું બદલાયું નથી. તવેથો, છરી, કોયતો, કુહાડી આ બધા ઓજારના આકાર પુરાપાષાણ યુગમાં જેવા હતા એવા જ આજે છે.
ઉત્તર પ્રદેશમાં આવેલી સોન ખીણ અને બેલન ખીણમાં નિમ્ન પુરાપાષાણથી લઈને નૂતન પાષાણ યુગ સુધીના ઘણા ઓજારો મળી આવ્યા છે. મધ્ય ભારતમાં હોશંગાબાદ પાસે, ભિમબેટકાની ટેકરીઓની આસપાસ નર્મદા નદીને કિનારે નૂતન પાષાણ યુગના અનેક આવાસો મળી આવ્યા છે.
મધ્ય પુરાપાષાણ યુગમાં પિથેસાન્થોપ્રસ અથવા હોમો ઇરેક્ટસનો ઉદ્ભવ થયેલો. એ સમયે સૌથી શક્તિશાળી પ્રજાતિ નિએન્ડરથલ હતી. નિએન્ડરથલ, હોમો ઇરેક્ટસ, હોમો સેપિયન્સ આ બધી માનવ પ્રજાતિઓ છે. તેમાંથી અત્યારે હોમો સેપિયન્સ એક જ પ્રજાતિ જીવિત છે.
ઉચ્ચ પુરાપાષાણ યુગની સંસ્કૃતિ હિમ યુગના અંતિમ તબક્કામાં ધબકતી હતી. આ સંસ્કૃતિમાં ચકમકના ઓજારોના ઉદ્યોગો સ્થપાયા અને હોમો સેપિન્સ ઉત્ક્રાંત થયો. વિંધ્યાચળની બેલન ખીણમાં ચોપની અને માંડો ખાતે તથા નર્મદા ખીણના મધ્ય ભાગમાં પુરાપાષાણથી લઈને નૂતનપાષાણ સુધીને અનેક સ્થળો મળી આવ્યા છે. ચોપની અને માંડો ખાતેથી હાડકાંમાંથી બનેલા ઓજાર મળી આવ્યાં છે.
મધ્ય પાષાણ યુગ ઇ.પૂ. ૮૦૦૦થી ગણાય છે, પણ પરિવર્તનની પ્રક્રિયા ૨૦૦૦ વર્ષ પહેલેથી એટલે કે ઇ.પૂ.૧૦,૦૦૦થી શરૂ થઈ ચૂકી હતી. હિમ યુગ સમાપ્ત થયો. ઘણા બધા ઠેકાણે ઇ.પૂ. ૪૦૦૦ સુધી મધ્ય પાષાણ યુગ ચાલ્યો. વાતાવરણ પલટાતા વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. વાતાવરણમાં આવેલો એ છેલ્લો મોટો બદલાવ હતો. આના પરથી સમજાય છે કે ક્લાઇમેટ ચેન્જ એક કુદરતી પ્રક્રિયા પણ રહી છે.
મહાપાષાણ યુગમાં પથ્થરના ઓજારોનું કદ નાનું થયું અને સાથોસાથ તેની કાર્યક્ષમતામાં પણ વધારો થયો. તે વધારે તીક્ષ્ણ અને વધુ ચોકસાઈ સાથે બનવા લાગ્યા. પુરાતત્ત્વની ભાષામાં મહાપાષાણ યુગના ઓજારોને માઇક્રોલિથ (લઘુ પાષાણ) કહે છે. સૌપ્રથમ વખત ૧૮૬૭માં સી. એલ. કાર્લાઇલે વિંધ્યગિરિમાં આવેલી સાઇટ્સ ખાતેથી પથ્થરના આવાસોમાંથી માઇક્રોલિથ શોધી કાઢ્યા હતા.
અર્ધચંદ્રાકાર બ્લેડ અને તવેથાને વધુ અણીદાર બની ગયા હતા. ઓજારોનુ કદ એકથી આઠ સેમીનું રહેતું. ઓજારનો આકાર બીજના ચંદ્ર, નળાકાર અને ત્રિકોણ હતો. ટાંકણા અને છરી આકારના ઓજારોનો ઉપયોગ પણ હજુ ચાલુુ જ હતો. માઇક્રોલિથને કારણે ભાલા બનાવવાનું કામ વધુ સહેલું બની ગયું હતું, જેનો ઉપયોગ શિકાર માટે થતો હતો. બિલ્લોર, ચકમક, અકીક અને ગોમેદના પથ્થરમાંથી ઓજાર બનાવાતા હતા.
નિમ્ન પુરાપાષાણ યુગમાં શાના હથિયાર બનતા? માત્ર ચકમક પથ્થરના. રાજસ્થાનમાં કોઠારી નદીના કિનારે બાગોર ખાતે મહાપાષાણ યુગની દેશની સૌથી મોટી સાઇટ મળી આવી છે. ત્યાં દફન થયેલા હાડપિંજર પણ મળી આવ્યા છે. તે દર્શાવે છે કે મહાપાષાણ યુગમાં માણસ મરી જાય ત્યારે તેને દફન કરવાનો રીવાજ હતો. (ક્રમશઃ)
જીકે જંકશન
- તમિલનાડુમાં મહાશક્તિ મંદિરને સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છ મહિનાની અંદર તે તેની મૂળ જગ્યાએથી ૬૭૦ મિટર દૂર ખસેડવામાં આવશે.
- માસ્ટર કાર્ડે ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરવાની ઘોષણા કરી છે. સાતમી મેએ વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવ્યો હતો.
- અમેરિકાની વાયુસેનાએ લેઝર સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. લેઝર ટેકનોલોજીનો ઉપયોગ એકદમ ચોક્કસ તથા એક જ સમયે એકથી વધુ નિશાન તાકવા માટે કરવામાં આવ્યો છે.
- તાજેતરમાં ગાયક એરણહોલી મૂસાનું મોત થયું હતું. તેઓ કેરળના વિખ્યાત ગાયક હતા. ડ્રેગન મિહેલોવિકને ભારતીય વોલીબોલ ટીમના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે.
- એટીપી પુરુષ રેન્કિંગમાં નોવાક જોકોવિચ ટોપ પર રહ્યો હતો. એટીપીનું ફૂલફોર્મ છે એસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ.
- જી. ડી. રોબર્ટ ગોવેંદરને કૃષ્ણા મેનન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- ગુજરાત વિધાનસભા દ્વારા દુકાનોને ૨૪ કલાક ખુલ્લી રાખવાનો કાયદો પસાર કર્યો છે.
- વંદનાએ લાંબામાં લાંબી ડાન્સ મેરેથોન માટેનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
- ડોનલ્ડ ટ્રમ્પે વિશ્વખ્યાત ગોલ્ફર ટાઇગર વુડ્સને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કર્યો હતો.
આજની નવી જોક
લીલી (લલ્લુને) પપ્પા ક્યાં? તું તો તેની સાથે નદી જોવા ગયો હતોને?
લલ્લુઃ પપ્પાએ મને કહ્યું કે નળમાં જે પાણી આવે છે એ નદીમાંથી આવે છે. આ સાંભળીને મેં તેમને નદીમાં ધક્કો મારી દીધો.
લીલીઃ હેં? હવે?
લલ્લુઃ નળ ચાલુ કર. હમણા પપ્પા બહાર આવશે!


