Get The App

ખોવાયેલ છે... મહાત્મા ગાંધીના વિચારો

ક્લાઇમેટ ચેન્જ, બેરોજગારી સહિત અનેક પ્રશ્નોના સમાધાન તેમની પાસેથી મળી શકે એમ છે

ગાંધી સ્ટાઇલ નથી, જીવન જીવવાની પદ્ધતિ છે

Updated: Sep 30th, 2019

GS TEAM


Google News
Google News
ખોવાયેલ છે... મહાત્મા ગાંધીના વિચારો 1 - image


અસહયોગ આંદોલન વખતે બાપુને અપ્રતિમ લોકપ્રિયતા મળ્યા બાદ એક કંપનીએ ગાંધી છાપ સિગરેટ વેચવાનું શરૂ કરી દીધું, આજે પણ તેમના નામનો આવો જ દુરુપયોગ થાય છે

ગાંધીજીનું ૧૨૫ વર્ષ જીવવાનું સ્વપ્ન સાકાર થયું હોત તો તેમને ગયાને હજુ માત્ર ૨૫ જ વર્ષ થયા હોત. ગાંધીજી લાંબું જીવ્યા હોત તો ખુશી થાત એવું સોય ઝાટકીને કહી શકાય એમ નથી. ખચકાટ થતો હોવા છતાં કહેવું પડે છે કે કદાચ દુઃખ પણ થાત. તેઓ ૧૯૯૪ સુધી જીવ્યા હોત તો તેમને શું-શું જોવાનું થાત? કટોકટી, કોમી ધુ્રવીકરણ, ભ્રષ્ટાચાર, પ્રાન્તવાદ, જાતિવાદ ને બીજું કેટલુંય.

આમાંનું ઘણું બધું તેઓ જીવતા જીવ જોઈ ચૂક્યા હતા, પણ તેમને હતું કે આઝાદ ભારતમાં સ્થિતિ બદલશે. આજનું ભારત ૪૭ના ભારત કરતા ઘણું આગળ વધ્યું છે. દેશમાં બધું ખરાબ જ થયું છે એવું નથી, કિન્તુ ઓલ ઓવર ચિત્ર જોઇએ તો એમ થાય કે ગાંધીજીના વિચારો ખોવાઈ ગયેલ છે. બિલકુલ કોઈ વ્યક્તિની જેમ. એવા સમયે જ્યારે તેમના વિચારોની સર્વાધિક જરૂરિયાત છે.

ભારતમાં બધાને એમ લાગે છે કે હું ગાંધીને સમજું છું. જેમણે ગાંધીને વાંચ્યા નથી તેઓ પણ ગાંધી વિશે અભિપ્રાય આપી શકે છે. તેમનો અભિપ્રાય ફર્સ્ટ હેન્ડ રાઇટિંગમાંથી નહીં, પણ અન્યના અભિપ્રાયોમાંથી જનરેટ થયો છે.  મતલબ તેમનો અભિપ્રાય સત્ય અને અફવા બંનેની ભેળસેળવાળો છે. ગાંધીને સમજવા સૌથી અઘરા અને ગેરસમજવા સૌથી સહેલા છે.

ગાંધી વિચાર વાળથીય બારીક હોય છે એટલે ગેરસમજણનો શિકાર બને છે. તેમના વિચારોને સમજવા માટે ઝીણું કાંતવું જરૂરી છે. એટલો સમય કોને? એટલો સમય ક્યાં? તેમણે અહિંસાનો માર્ગ એમ જ નહોતો લીધો. તેઓ જાણતા હતા કે હિંસાથી આઝાદી મેળવનારા અંદરો-અંદર પણ હિંસા પર ઊતરી આવશે.

તેમણે ઈતિહાસ વાંચ્યો હતો. ફ્રેંચ ક્રાંતિ બાદ ફ્રાંસ પાંચ વખત તૂટયું. ઝારની ગુલામીમાંથી આઝાદ થયા બાદ રશિયા હજી લોકશાહીનો સૂરજ જોઈ શક્યું નથી. હિંસાના માર્ગે ચાલીને આઝાદી મેળવનારા અમેરિકાને પણ સેટલ થતા એક સૈકાથી વધુ સમય લાગ્યો.

તેઓ સાધન શુદ્ધિનો આગ્રહ રાખતા હતા. કેમ કે નકારાત્મક સાધનોનો ઉપયોગ કરીને મેળવેલી આઝાદી અંતે તો નકારાત્મકતાને જ પ્રોત્સાહન છે. આજે આપણે ગુડ તાલિબાન અને બેડ તાલિબાન એવા ભાગલાની ટીકા કરીએ છીએ તેમાં ગાંધીનો જ રણકો છુપાયેલો છે. સારા હેતુ માટે રાજ્ય સામે કરાયેલો કોઈ પણ સશસ્ત્ર બળવો ત્રાસવાદ છે એવું આજે યુએનમાં કહેવામાં આવે છે, પરંતુ ગાંધીએ દાયકાઓ પહેલા આચરણમાં મૂકી દીધું હતું. એ સમયથી આગળના માણસ હતા.

તેમનું જીવન કર્મ અનેક હેતુઓને એક સાથે સિદ્ધ કરતું હતું. આઝાદીની લડત, સામાજિક આંદોલન, રાજકીય ચિંતન અને આધ્યાત્મિક સાધના. તેઓ અંગ્રેજો સામે સત્યાગ્રહ પણ કરતા, આશ્રમમાં દલિતો સાથે રહીને સમાજ સુધારણા પણ કરતા, અખબાર દ્વારા વિચાર વલોણું ફેરવતા, રાજકીય ચિંતન કરતા, વૈષ્ણવજન ગાઈને લોકોમાં આધ્યાત્મિક બળનું સિંચન કરતા અને રઘુપતિ રાઘવ રાજા રામ દ્વારા વિવિધ ધર્મના લોકોમાં સર્વધર્મના સંસ્કારોનું રોપણ કરતા.

તેમના ઉપવાસ આઝાદીની લડત પણ હતી અને આત્મબળ વધારવાની સાધના પણ. તેઓ શક્તિને શરીરની નહીં, બિલકુલ આંતરિક બાબત માનતા. મનોવિજ્ઞાાનમાં ઊંડા ઊતરો તો તેમની વાત બિલકુલ સાચી જણાશે. તમે અનેક સિંગલ બોડીના લોકોને જાડિયા કે પડછંદ માણસો પર હાવી થઈ જતા જોયા હશે. તે મનોબળ નહીં તો બીજું શું?

અહિંસક લડત માટે હિંસક લડત કરતા ઓછી શક્તિ જોઈએ તે બહુ ભૂલભરેલું અર્થઘટન છે. વિશ્વાસ ન આવે તો એક વખત ટ્રાય કરી લેવી જોઈએ. કોઈકને મારવું સહેલું છે. ક્યાંય ભાગ્યા વિના નિર્ભિકતાથી ઊભા રહીને માર ખાવામાં બહુ જ શક્તિની જરૂર પડે. પહેલું કામ શારીરિક બળથી કરી શકાય છે, પણ બીજું કામ ત્યારે જ થઈ શકે જ્યારે તમે સઘન આત્મબળ ધરાવતા હોવ.

આમ ગાંધીના અહિંસક આંદોલનો અંગ્રેજો સામેની લડત તો હતાં જ સાથોસાથ જનતાનું આત્મબળ વધારવાની પ્રોસેસ રહ્યાં. જેમની પાસે સારું આત્મબળ હોય તેમના માટે સામાજિક, રાજકીય કે આધ્યાત્મિક કોઈ પણ પ્રકારની પ્રગતિ મુશ્કેલ રહેતી નથી.

તેમનો સ્વચ્છાગ્રહ ઝાડું હાથમાં લઈને ફોટા પડાવવા પૂરતો સીમિત નહોતો. તેમનો સ્વચ્છાગ્રહ ટોઇલેટ સાફ કરવાથી શરૂ થતો હતો. તેમનો સ્વચ્છાગ્રહ સેલ્ફ ડિસિપ્લિનની તાલીમનો ભાગ હતો. ગાંધીજીનો ચરખો આજે અસંગત લાગે. ત્યારેય ઘણાને લાગતો, પરંતુ ત્યારેય નહોતો અને આજેય નથી. ચરખો હકીકતમાં સ્વરોજગારનું પ્રતીક છે. સ્વાવલંબનનું પ્રતીક છે. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જઈ, તેમાંથી કપડાં બનાવી તે આપણને ઊંચા ભાવે વેચતા.

આ શોષણ અને આ દૂષ્ચક્રમાંથી દેશને મુક્ત કરવા મહાત્મા ગાંધીએ દેશવાસીઓને જાતે પોતાના કપડાં બનાવતા શીખવ્યું. આજે ઓટોમેશનને કારણે દુનિયાભરમાં નોકરીઓ જઈ રહી છે. ભારતમાંય મંદી છે. બેરોજગારી દર સાડા ચાર દાયકામાં સૌથી ઊંચો છે એવે ટાળે કરોડો યુવાનોની વર્કફોર્સ માટે ચરખો પ્રેરક બળ બની શકે છે. ચરખો એટલે ચરખો નહીં, કોઈ પણ એવી પ્રવૃત્તિ કે જે તમારી આસપાસ હોય, જેના દ્વારા તમે આજીવિકા રળી શકો અને વળી આ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણને નુકસાન પણ ન પહોંચવું જોઈએ.

હા, ચરખો એ ક્લાઇમેટ ચેન્જનું સોલ્યુશન છે. ચરખો એટલે ચરખો નહીં, કિન્તુ કોઈ પણ એવી ચીજ જેનાથી પ્રદૂષણ ન થાય. મંદીના સમયમાં દેશે આર્થિક સમતુલા જાળવી રાખવી હોય તો આયાત ઘટાડવી પડે. આયાત ત્યારે જ ઘટે જ્યારે આપણો યુવા તે ચીજ દેશમાં બનાવતો થાય. દેશમાં યુવા બેરોજગારોની આખી ફોજ છે તેનો ઉપયોગ એવી ચીજવસ્તુઓ બનાવવા માટે કેમ નથી કરાતો જેની અત્યારે આપણે  આયાત કરવી પડે છે?

સામે આખી નદી વહેતી હોય તોય ગાંધીજી એક ટબુડીથી જ દાંતણ કરતા. શા માટે? કેમ કે તેઓ સમજતા હતા કે વહેતી નદી તેમની માલિકીની નથી. તેનો બગાડ ન કરાય. તેઓ જે પથ પર ચાલતા હતા તેના પર દેશ ૭૦ વર્ષથી ચાલતો હોત તો આજે જળશક્તિ મંત્રાલય બનાવવું પડયું ન હોત.

સ્વચ્છ જળ આજે દઝાડતો પ્રશ્ન એટલા માટે છે કેમ કે આપણે દેશનું સ્વચ્છ પાણી આડેધડ વેડફ્યું છે. બાપુ સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની વાત કરતા. આજે ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં એ જ તો વાત થઈ રહી છે. માત્ર વાતો થઈ રહી છે. જીવતું કોઈ નથી. કેવળ ગાંધીજી જીવતા હતા.

ગાંધીજીના વિચારો બહુ બારીક અને એટલા જ વ્યવહારગત છે. હાડચામનો બનેલો આવો માણસ ક્યારેય પૃથ્વી પર ચાલ્યો હશે એવી કલ્પના તો હજીય થઈ જાય, પણ તેમના વિચારોની ઊંડાઈ ધારણા કરતા એટલી બધી વધારે છે કે મોટા ભાગના લોકોને તેમાં અનંતતાના સ્થાને અંધકાર દેખાય છે. ગાંધી પ્રકૃતિ, ઈશ્વર, જીવન, સમાજ અને સમગ્રતા સાથે એકાકાર થવાની દિશામાં ઊઠેલું માનવજાતનું સૌથી મોટું પગલું છે.

ભારતીય રાજનીતિની તકલીફ એ રહી છે કે તેમણે ગાંધીજીને એ બનાવી દીધા છે જે તેમના જીવનનો નાનકડો હિસ્સો હોય. લતા મંગેશકર સારી રસોઈ બનાવતા હોય તો તેમના ગાયનને ભુલાવી દઈ તેમની રસોઈ કળાને હાઇલાઇટ કરવામાં આવે એ પ્રકારની કુચેષ્ટા તેમની બાબતમાં થઈ રહી છે.

ગાંધીજીના નામનો દુરુપયોગ અત્યારે થાય છે એવું નથી. આ બધું તેમના જીવતા જીવ જ થઈ ગયું હતું. અસહયોગ આંદોલન દરમિયાન તેમની લોકપ્રિયતા ટોચ પર પહોંચી. તે વટાવી ખાવા એક સિગરેટ કંપનીએ ગાંધી છાપ સિગરેટ વેચવાનું શરૂ કરી દીધું. જ્યારે તેમને એ વિશે જાણ થઈ ત્યારે તેમને ખૂબ દુઃખ લાગ્યું.  તેમણે ૧૨ જાન્યુઆરી ૧૯૨૧ના યંગ ઇંડિયામાં આકરા શબ્દોમાં લખ્યું, અત્યાર સુધીમાં મારા નામનો જેટલો પણ દુરુપયોગ થયો છે તેમાં સિગરેટ સાથે મારું નામ જોડી દેવાની ઘટના સૌથી અપમાનજક છે.

એક મિત્રે મારી પાસે એક લેબલ મોકલ્યું છે, તેના પર મારી તસવીર છપાઈ છે અને સિગરેટનું નામ મહાત્મા ગાંધી સિગરેટ રાખવામાં આવ્યું છે. મેં કોઈને મારું નામ સિગરેટ સાથે જોડવાની અનુમતિ આપી નથી. જો આ અજ્ઞાાત સિગરેટ કંપની તેના લેબલ પરથી મારું નામ હટાવી લે અથવા જનતા આવા લેબલવાળી સિગરેટ બજારમાંથી ખરીદવાનું બંધ કરે તો હું તેમનો આભારી થઈશ.

ગાંધીજી સ્ટાઇલ સ્ટેટમેન્ટ નથી. જીવન છે. તેઓ ફેશન નથી, અનુશાસન છે. તેવું કરનારાને કોઈ ફાયદો થવાનો નથી. કેમ કે તેઓ દેશ પૂરતા સીમિત રહ્યા નથી. જે બે વિભૂતિઓ સાથે ભારતમાં ભારોભાર અન્યાય થયો હતો તે જ બે ભારતીયોને આખી દુનિયા ઓળખે છે. તે ગાંધી અને બુદ્ધ.

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ખરી ઉજવણી ત્યારે જ થશે જ્યારે આપણે ગાંધી વિશે નકારાત્મક અથવા સીમિત વિચારો બાંધી લેવાને બદલે તેમને વાંચવાનો શ્રમ ઉઠાવીશું, સમજવાની કોશિશ કરીશું.

વિચારવા જેવું
બજારમાં એક ટેબલેટ છૂટ્ટક શા માટે નથી મળતી?

મેડિકલ સ્ટોર પર જઈને માથાની, એસિડીટીની કે બીજી કોઈ પણ ટેબલેટ માગશો તો તમને સિંગલ મળશે નહીં. કાં તો આખી સ્ટ્રીપ પરખાવી દેવામાં આવશે અને જો તમે આનાકાની કરો તો કમસેકમ પાંચ-છ ટીકડી સાથે વેચવામાં આવશે. આ મુદ્દા પર મુદ્દાસર ચિંતન કરીએ.

૧. કહેવાનો અર્થ એવો નથી કે ડૉક્ટરે કોર્સ લખી આપ્યો હોય તો પણ દર્દીએ એક જ ટીકડી ખાવી. જે દવા પ્રિસ્ક્રિપ્શન વિના વેચવા પર પ્રતિબંધ છે તે મેડિકલ સ્ટોર ધારકોએ પ્રિસ્ક્રિપ્શન વગર ન જ વેચવી જોઈએ. (તેઓ આવી દવાઓ ઓવર ધ કાઉન્ટર વેચે છે તે અલગ વાત છે.)

૨. કહેવાનું એમ છે કે જે દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે તે જો કોઈ વ્યક્તિ મેડિકલ સ્ટોર પર ખરીદવા આવે તો તેને એક ટીકડી છુટ્ટક પણ મળવી જોઈએ. મોટા ભાગના મેડિકલ સ્ટોર ધારકો એવું કરતા નથી તેનું કારણ છે પૈસા કમાવાની ભૂખ.

૩. આમાં વ્યાપારનું ચોખ્ખું ગણીત દેખાય છે. દુકાનદાર એક ગોળી વેચે તેના બદલે દર્દીને આખી સ્ટ્રીપ અથવા અડધી સ્ટ્રીપ પકડાવાનું વલણ રાખે તેનાથી તેનું વેચાણ વધવાનું. તેનો નફો વધવાનો.

૪. પણ તેમ કરવામાં બે નુકસાન છે. એક નુકસાન એ કે ક્યારેક એકાદ વખત દવાનો સહારો લેનારી વ્યક્તિ વારંવાર દવા લેતી થઈ જશે. તે આવું એટલા માટે કરશે કેમ કે તેમની પાસે દવા સ્ટોકમાં પડેલી છે. એવું કરવાથી તેના શરીરને નુકસાન થવાનું. દવા ક્યારેક સારી છે. વારંવાર લેવી તો નહીં જ ને?

૫. બીજુ નુકસાન સંસાધનોને થશે. દર્દી વધારાની દવા ખાય કે ડસ્ટબિનમાં ફેંકે બંનેથી સંસાધનોને નુકસાન છે. એ દવા બીજા જરૂરતમંદને વેચી શકાઈ હોત. સંસાધનોને નુકસાન લાંબા ગાળે દેશ, દુનિયા, સમગ્ર માનવજાત અને સમગ્ર પૃથ્વીને ડેમેજ પહોંચાડવાનું કામ છે. આજે વિશ્વનેતાઓ સંસાધનો બચાવવા માટે યુએનમાં બેસીને ગહન ચિંતન કરે છે ત્યારે ફાર્માસિસ્ટ્સ તરફથી નાનકડું પ્રદાન એ હોઈ શકે કે તેઓ મેડિકલ સ્ટોર પર સ્ટ્રીપ કે હાફ સ્ટ્રીપ વેચવાનો આગ્રહ છોડી દે.

આજની નવી જોક

લલ્લુ (લીલીને) મમ્મી, મારે ઘરમાં ડોગી રાખવો છે.

લીલીઃ ના, ઘરમાં બે ડોગી નહીં સચવાય મારાથી.

લલ્લુઃ હેં!?

Tags :