Get The App

મીરા નાયર: ડાયસ્પોરા ડિરેક્ટર

- ધ નેમસેક ફિલ્મ બનાવવા માટે હેરી પોટરના દિગ્દર્શનની ઑફર જતી કરી હતી!

- વાસ્તવિકતાની ફીલ લાવવા માટે સલામ બોમ્બેમાં સડક પર વસતા બાળકો પાસે અભિનય કરાવાયેલો

Updated: Oct 17th, 2018

GS TEAM

Google News
Google News

- પેલેસ્ટેનિયનો પર અત્યાચારના વિરોધમાં તેમણે ફિલ્મોત્સવમાં મહેમાન બનવાના ઈઝરાયલના નિમંત્રણનો અસ્વીકાર કરેલો

મીરા નાયર: ડાયસ્પોરા ડિરેક્ટર 1 - imageમસાલા ફિલ્મો માત્ર બોલીવુડમાં જ બને છે એવું નથી. ત્યાંય ટેસ્ટીના નામે માત્ર તીખું-તમતમતું ખાઈ જાણનારો વર્ગ બહુ મોટો છે. ત્યાંય મુખ્યધારાની સમાંતરે એક સિનેધારા વહે છે, જેનો પનો બોલીવુડના પેરેલલ સિનેમા કરતા વધારે વિશાળ છે. બોલીવુડ અને હોલીવુડ બંનેના સમાંતર પ્રવાહોમાં એકસાથે કામ કરતા હોય તેવા કલાકારોના નામ ગણવા બેસીએ તો આંગળીના વેઢા વધી પડે. એમાંથી એક બળકટ નામ એટલે મીરા નાયર. ભારતમાં ભણનારી અને વિદેશમાં વસનારી આ દિગ્દર્શિકાના કેમેરાઈ દૃષ્ટિકોણે સિનેમાનું સમૃદ્ધિકરણ કર્યું છે. ને આપણી સમજણમાં કશુંક ઉમેરવાનું કામ કર્યું છે.

કોઈ ચીજને વધારે સ્પષ્ટ રીતે જોવા માટે તેનાથી દૂર જવું પડે છે. પૃથ્વીનો ફોટો પાડવા પૃથ્વીથી દૂર જવું પડે એમ મીરા નાયરે અમેરિકામાં રહીને ભારતીય સમાજની અદ્ભૂત તસવીરો ક્લિક કરી છે. ૧૫ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ ઓડિશાના રાઉરકેલામાં તેનો જન્મ થયો હતો.  પ્રાથમિક શિક્ષણ તેમણે શિમલાની આઇરીશ ઇન્ગ્લીશ કોન્વેન્ટ સ્કૂલમાં મેળવ્યું. અહીં લાગેલા અંગ્રેજી સાહિત્યના ચટાકાએ તેમનું ઘડતર કર્યું. અને બાદમાં દિલ્હીના મિરાન્ડા હાઉસમાં ભણ્યાં. થિયેટરમાં રસ હતો. નાનપણથી જે તેની કેળવણી કરી. જતન કર્યું. ભણવામાં તેજસ્વી હતાં તો હાર્વર્ડમાં એડમિશન મળ્યું. હાર્વર્ડમાં અભ્યાસક્રમના ભાગ રૂપે ડોક્યુમેન્ટરી બનાવવાનું આવ્યું અને અહીંથી થઈ તેમના સિને સફરનામાની શરૂઆત.

મીરાએ પ્રારંભમાં અભિનેત્રી બનવાનું વિચારેલું. બંગાળી લેખક બાદલ સરકારના નાટકમાં અભિનય કરેલો અને ઇનામ પણ જીતેલું, પરંતુ હાર્વર્ડમાં તેઓ ડિરેક્શન તરફ પ્રેરાયા. પ્રથમ ડોક્યુમેન્ટરી બ્લેક એન્ડ વાઇટમાં બનાવી. જામા મસ્જિદ સ્ટ્રીટ જર્નલ. ૧૯૮૩માં તેમણે બનાવેલી દસ્તાવેજી ફિલ્મ ઇંડિયા કેબ્રેએ લાવાની જેમ સડસડતો વિવાદ સર્જ્યો. આ ફિલ્મ મુંબઈમાં છાનેખૂણે ધમધમતી સ્ટ્રિપ ક્લબ વિશેની કથા કહેતી હતી. તેમાં મૂંઝાતી-મુરઝાતી મહિલાઓ વિશેની વાત કરતી હતી.

ચાર-પાંચ દસ્તાવેજી ચલચિત્રો બનાવ્યા બાદ તેઓ ફીચર ફિલ્મ બનાવવા માટે સજ્જ હતા. ૧૯૮૮માં નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને પ્રથમ ફિલ્મ બનાવી, સલામ બોમ્બે. તે ક્રિષ્ના નામના એક છોકરા વિશેની વાર્તા છે, જે ઘરે જવા માટે રૂા.૫૦૦ એકઠા કરવા મથી રહ્યો છે. એક-એક પાઈ જોડી રહ્યો છે. પહેલા સરકસમાં કામ કરતો હતો. તે બંધ થઈ જતા ચિલ્લમ નામના એક મિત્રની મદદથી ચાની ટપરીએ નોકરી પર રહે છે. ત્યાં ચાય-પાવ તેનું હુલામણું નામ પડી જાય છે. ચિલ્લમને ડ્રગ્સ પણ પીવડાવવાનો અને પૈસા ભેગા પણ કરવાના. ગજબ સંઘર્ષ દર્શાવાયો છે.

ફિલ્મમાં કામ કરનારા મોટા ભાગના બાળકો સડક પર રહેનારા હતા. રિયાલિટીની ફીલ આવે તે માટે અસલ અભિનેતાને બદલે આ બાળકોને પસંદ કરવામાં આવેલા. તેમના માટે એક્ટિંગના વર્કશોપ ગોઠવાયા. મુખ્ય પાત્ર ભજવનારો શફિક સય્યદ આજે બેંગ્લોરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન નાના પાટેકરને રિયલમાં ચાકુ વાગી ગયું હતું. એવું એટલા માટે થયું કેમ કે ડ્રગ ડીલર બાબાનો રોલ ભજવનારો અભિનેતા સીન બરાબર સમજી શક્યો નહોતો. દિશાતોડ અભિનય કરનારો અને હાલ જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહેલો ઇરફાન ખાન પણ સૌપ્રથમ વખત સલામ બોમ્બેમાં જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ વિવેચકોએ મોંફાટ વખાણ કર્યા હતા. બોક્સ ઑફિસ પર પિટાઈ ગયેલી ફિલમને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. તદુપરાંત કાન્સ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય મહોત્સવોમાં મળીને જુદા-જુદા ૨૩  અવોર્ડ મળ્યા હતા. ઓસ્કારમાં બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થનારી ભારતની બીજી ફિલ્મ હતી.

૨૦૦૧માં આવેલી મોન્સૂન વેડિંગ ભારતના ભપકાદાર લગ્ન પર કેન્દ્રિત હતી. એક લગ્ન થઈ રહ્યા છે. પિતા લખલૂંટ, ગજા બહારનો ખર્ચ કરી રહ્યા છે. છોકરી ખુશ નથી. અજબ મૂંઝવણ અનુભવે છે. એક ધનાઢ્ય પરંતુ ગરીબ હૃદયના અંકલ છે. બેકગ્રાઉન્ડમાં વધુ બે લવ સ્ટોરીઝ ચાલી રહી છે.

સત્યજીત રેની અપરાજિતા (૧૯૫૬) પછી ભારતમાંથી મીરા નાયરની ફિલ્મને ગોલ્ડન લોયન અવોર્ડ મળ્યો હતો. ફિલ્મના અમુક સીન્સની ફૂટેજ એરપોર્ટ પરના એક્સરે મશીનને લીધે ખરાબ થઈ ગઈ હતી. મીરાએ ફાળો એકત્રિત કરી ફિલ્મનું ફરીથી શૂટિંગ કર્યું હતું. 

એક સીનમાં ઇવેન્ટ મેનેજર વાંસ પર ઊભા રહીને ટેન્ટ વિશે ફોનમાં વાત કરી રહ્યા હોય છે. સીન ચાલુ હતો ત્યારે અચાનક વાંસ નમી જતા અભિનેતા વિજય રાજ નીચે આવી જાય છે. તે તરત જ મૌલિક ઉમેરણ કરે છે. ઉપર ચડયો તો અવાજ નહોતો આવતો. નીચે તરત જ આવવા લાગ્યો. તેની આ શીઘ્ર સ્ફૂરણાને શૂટિંગમાં ઉપસ્થિત યુનિટે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. મીરા નાયરે પણ વખાણ કર્યાં. તેમણે આ મૌલિક ઉમેરણને યથાતથ રહેવા દીધું.

ત્રીજી ફિલ્મ ધ નેમસેક (નામેરી)નું શૂટિંગ ૨૦૦૬માં હાથ ધર્યું. મૂળ તે ઝુંપા લાહિરીની નવલકથા છે. તેમાં બે સંસ્કૃતિઓના સંગમમાંથી ઉપસ્થિત થતી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

અમેરિકા જઈને વસેલું યુગલ બંગાળી સંસ્કૃતિને જાળવવા મથામણ કરી રહ્યું હોય છે. આ પ્રયાસોમાં તેના સંતાનો સાથે સર્જાતી વિસંવાદિતા ચિત્રિત કરવામાં આવી છે. એ જ વાત કહેવામાં આવી છે, જે હજારો એનઆરઆઈ પરિવારોએ અનુભવી છે. મુખ્યપાત્ર તબુ અને ઇરફાન ખાને નિભાવ્યું છે. તેમના દીકરાની ભૂમિકા ભારતીય અમેરિકન અભિનેતા કાલ પેને ભજવી છે. તબુએ કહેલું, હું ભારતમાં રહેતી હોવા છતાં મેં ક્યારેય તાજમહલ જોયો નહોતો, પરંતુ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જોવા જવાનું થયું.

મીરા નેમસેકનો પ્રોજેક્ટ હાથ પર લેવાની તૈયારીમાં હતી ત્યાં તેમને હેરી પોટર શ્રેણીની ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઑફર આવેલી. ગજબની દ્વિધા ઊભી થઈ. એક તરફ પોતાની મૌલિકતાથી તૈયાર કરેલો પ્રોજેક્ટ હતો અને બીજી બાજુ વિશ્વખ્યાત ફ્રેન્ચાઇઝની ફિલ્મ હતી. મીરા હેરી પોટરનું દિગ્દર્શન કરવા માગતાં હતાં, કેમ કે આ સીરિઝ તેના દીકરાને ખૂબ પસંદ હતી. તેણે પોતાના નાનકડા પુત્રને આ અવઢવની વાત કરી તો તેના પુત્રએ જે જવાબ આપ્યો તે તેની વિરાટ પરિપક્વતાનો પરિચય આપે છે. તેણે કહ્યું, મા હેરી પોટર તો કોઈપણ બનાવી લેશે, કિન્તુ ધ નેમસેક માત્ર તમે જ બનાવી શકશો.

એ પિક્ચરને પણ મિલી વેલી ફિલ્મ ફેસ્ટિવલ, ઓડિયન્સ ફેવરિટ વર્લ્ડ સિનેમા સહિત ઘણા બધા અવોર્ડ સાપડયા હતા. ૨૦૧૩માં તેમને ઇઝરાયલમાં હાઇફા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મહેમાન તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ઇઝરાયલ દ્વારા પેલેસ્ટિનિયનો પર કરવામાં આવાતા અત્યાચારનો વિરોધ કરી ઇઝરાયલ જવાનો ઇનકાર કરી દીધો હતો.

૨૦૧૨માં તેમણે છેલ્લી ફિલ્મ દિગ્દર્શિત કરેલી. ધ રિલેક્ટેન્ટ ફન્ડામેન્ટલિસ્ટ. અનિચ્છિત મૂળભૂતવાદી. આ ફિલ્મ પણ મૂળે મોહસીન હમીદની નવલકથા પરથી છે. ૨૦૦૧માં ટ્વિન ટાવર્સ પરના હુમલા બાદ વિશ્વ આખામાં પાકિસ્તાનની છબિ ખરડાઈ ગઈ હતી. ફિલ્મમાં અમેરિકામાં કામ કરતા પાકિસ્તાનના એક નિર્દોષ યુવાન વિશેની કથા કહેવામાં આવી છે. હુમલા પછી છોકરાની જિંદગી બદલી જાય છે. તે કઈરીતે ડરી-ડરીને જીવે છે અને લોકોનો તેની સાથેનો વ્યવહાર કેવો થઈ જાય છે તેના વિશે વાત કરવામાં આવી છે.

વિશ્વના વિવિધ દેશોમાં વસતા નિર્દોષ પાકિસ્તાનીઓ વિશે ફેલાયેલી ઘુ્રણાનો મીરાને પણ અનુભવ થયો હતો. પહેલા તેઓ આ ફિલ્મમાં શાહિદ કપૂરને લેવા માગતા હતા. પછી બ્રિટિશ પાકિસ્તાની એક્ટર-રેપર રીઝવાન અહેમદને સાઇન કર્યો. રીઝવાન જેવો તેવો અભિનેતા નથી. એક વખત એમી એવોર્ડ્સ જીતી ચૂક્યો છે. 

તેઓ આ ફિલ્મ માટે રોકાણકારની શોધમાં હતા. એક મહાશયે તેમને ૨૦ મિલિયન ડોલર આપવાનો પ્રસ્તાવ મૂક્યો. મીરાએ કહ્યું, આટલા ઓછા પૈસામાં ફિલ્મ નહીં બને. રોકાણકારે કહ્યું, તમે પાકિસ્તાની અભિનેતાને લઈને ફિલ્મ બનાવી રહ્યા હો તો આટલા પૈસા ઘણા છે.

૨૦૦૧ પછી અમેરિકામાં નિર્દેષ પાકિસ્તાનીઓ પ્રત્યે ફેલાયેલી ઘૃણા અને તેમના પર થયેલા અત્યાચારની વાત શોએબ મન્સૂરની ફિલ્મ ખુદા કે લિયેમાં પણ આબાદ ઝીલાઈ છે. ધર્મ, જાતિ અને દેશની ઓળખથી પર જઈને પ્રત્યેક પૃથ્વીવાસીને પ્રેમ કરવાની સમજ બહુ ઓછા લોકો કેળવી શકે છે. બહુ ઓછા લોકો એવું જીવન જીવી શકે છે. મીરા તેમાંના એક છે. હાલ આ જ વાત તેઓ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભણાવી રહ્યા છે. મીરાએ કેમેરાથી કરેલી કવિતા કલમથી લખાયેલી કવિતા જેવી જ વેધક છે.

રાષ્ટ્રીય હાઇલાઇટ્સ...

- જેએનયુનો વિદ્યાર્થી નજીબ અહેમદ ઓક્ટોબર ૨૦૧૬થી લાપતા છે. એબીવીપીના કાર્યકરો સાથેની બોલાચાલી પછી તે ગુમશુદા બન્યો હતો તે હજુ સુધી મળ્યો નથી. આ મામલે પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાનું લાગતા નજીબની માએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે સીબીઆઈને તપાસ સોંપેલી. હવે સીબીઆઈને આ મામલે ક્લોઝર રીપોર્ટ દાખલ કરવા પરવાનગી આપવામાં આવી છે. સીબીઆઈની તટસ્થતા સામે પણ સવાલ ઉઠાવાઈ રહ્યા છે.

- આર્જેન્ટિનામાં હાલ યુથ ઓલિમ્પિક્સ ચાલી રહી છે. તેમાં જેરેમી લાલરિનનુગાએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. એટલું જ નહીં, પ્રથમ વખત કોઈ ભારતીયને યુથ ઓલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક મળ્યો છે. ૧૫ વર્ષીય જેરેમી વેઇટ લિફ્ટિંગની ૬૨ કેજીની કેટેગરીમાં પ્રથમ આવ્યા. આ તરુણ મિઝોરમનો છે.

- એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાને ભારતના નવા સોલિસિટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ ૨૦ ઓક્ટોબર ૨૦૧૭થી ખાલી હતું. આ પહેલા રંજિત કુમાર તેના પર બિરાજમાન હતા. સોલિસિટર જનરલ એટલે કાયદા અધિકારી. તે અદાલતોમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. તુષાર મહેતા દેશના અનેક હાઇપ્રોફાઇલ કેસ લડયા છે. તેમાં અમિત શાહના પુત્ર જય શાહનો કેસ પણ આવી જાય છે.

- સોશિયલ મીડિયામાં મી ટૂ અભિયાને વેગ પકડયો છે ત્યારે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ આશ્વસાન આપ્યું છે કે યૌન શોષણના મામલાની તપાસ માટે કેન્દ્ર સરકાર  સમિતિની રચના કરશે. ઉલ્લેખનીય છે કે યૌન શોષણના અનેક આરોપોનો સામનો કરી રહેલા અકબરનું હજુ સુધી બિરબલ દ્વારા રાજીનામું માગવામાં આવ્યું નથી. એનું શું? આ બાબત દેખાડે છે કે વર્તમાન એનડીએ સરકાર પીડિત મહિલા પ્રત્યે અસંવેદનશીલ છે.

- ન્યાયાધીશ અને તેના પરિવારજનો પણ આપણા દેશમાં સલામત નથી. હરિયાણાના ગુરુગ્રામમાં જજના અંગત સુરક્ષા કર્મીએ તેના પત્ની અને પુત્ર પર ગોળીબાર કર્યો હતો. અતિરિક્ત જજના પત્ની ઋુતુ અને પુત્ર ધુ્રવ આર્કેડિયા બજારમાં ખરીદી માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. બંનેની પરિસ્થિતિ નાજુક છે. હુમલાખોર રક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે.

આજની નવી જોક

છગન (લીલીને): શું વાત છે! આજે ઘર એકદમ સાફ લાગે છે. વોટ્સએપ બંધ હતું કે તારું?

લીલી: ના, ચાર્જર ખોવાઈ ગયું હતું. તે શોધવામાં સાફ-સફાઈ થઈ ગઈ!


Tags :