For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના હટકે ટુરિસ્ટ સ્પોટ્સ

- કેરળનું ગૌરીસ્વરા મંદિર દર શિયાળામાં યોજાતી હાથીની પરેડ માટે સુખ્યાત છે

Updated: Jul 25th, 2021

Article Content Image

- ભયગ્રસ્ત સૂચિમાં આવતા ખારા પાણીના મગર ઓડિશાના ભીતરકનિકા અભયારણ્યમાં મોટી સંખ્યામાં જોવા મળે છે

- કેરળના ગવી ટુરિસ્ટ પ્લેસની ખીલેલી પ્રકૃતિ ઉપરાંત તેનું વિશેષ આકર્ષણ છે, સિંહ જેવી પૂંછડી ધરાવતા વાનર

કોવિડની બીજી લહેર સમાપ્ત થયા પછી અને વેક્સિનેશન શરૂ થયા બાદ ધીમે-ધીમે પ્રવાસન સ્થળો ખૂલી રહ્યા છે. અલબત્ત નિયમો અને મર્યાદાઓ સાથે. ગુજરાતીઓ માટે પ્રવાસન એ ઑક્સિજન છે. મોટા ભાગના સહેલાણીઓ જાણીતા સ્થળોએ ફરવા જવાનું પસંદ કરે છે. કેટલાક દુર્લભ વીરલાઓ એવા હોય છે જે નવા ટુરિઝમ સ્પોટ્સ શોધે છે અને નવો આનંદ, નવો અહેસાસ પ્રાપ્ત કરે છે. તો ચાલો વાત કરીએ આજે એવા કેટલાક હટકે ટુરિઝમ પ્લેસીઝની. અત્યાર ફરવા ન જઈ શકીએ તો કંઈ વાંધો નહીં, પણ શબ્દોની સહેલગાહ પણ ફરવાથી કંઈ કમ તો નથી જ. ને વળી વાંચેલું હોય તો ભવિષ્યમાં કામ લાગી શકે. 

૧) મુન્સિયારી (ઉત્તરાખંડ) :

ઉત્તરાખંડના પીઠોરાગઢ જિલ્લામાં મુન્સિયારી નામનું ગામ આવેલું છે. સાવ નાનકડું ગામડું. સમુદ્રથી ૨,૨૯૦ મીટરની ઉંચાઈએ. કુદરતે બીજા સ્થળો પ્રત્યે પક્ષપાત રાખીને તેને અદકું સજાવ્યું છે. ચીન અને નેપાળની બોર્ડરની અડોઅડ આવેલું છે આ ગામ. સરહદની સમીપ હોવાથી હમણા સુધી તો આ ગામનો પ્રવાસ ખેડવાની મંજૂરી નહોતી, પણ હવે મળી છે. મંજૂરી મળ્યા પછી તે મિલામ ગ્લેશિયર, ખળિયા ટોપ, રાલમ ગ્લેશિયર, નંદાદેવી અને ચિપલાકોટ બુગ્યાલ ધમરોળવા માગતા પ્રવાસીઓ માટે બેઝ કેમ્પ બની ગયું છે. તમે શાંતિ ભરી રજાઓ ગાળવા માગતા હો, હિમાચ્છાદિત પર્વતમાળાઓ સાથે સ્ટેચ્યુ થઈ જવા માગતા હો, સ્ટીલનેસનો અનુભવ કરવા માગતા હો તો આ એક અદ્ભુત જગ્યા છે. અહીં પ્રવાસીઓ ઓછા આવતા હોવાથી તેની તાજગી હજી અક્ષુણ્ણ છે. અહીં એક આદિવાસી મ્યુઝિયમ આવેલું છે, જ્યાં તમે સ્થાનિક હસ્તકળા, સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે જાણકારીનો અક્ષય ભંડાર લૂંટી શકો છો.

૨) ડાવકી (મેઘાલય) :

શિલોંગથી ૧૦૦ કિ.મી.ની આળેગાળે ડાવકી નામનું એક રમણીય શહેર આવેલું છે.  વિપક્ષ સત્તાપક્ષને ઘેરે તેમ જેન્તિયા અને ખાસીની લીલીછમ ટેકરીઓ તેને ઘરી વળી છે. તેનું મુખ્ય આકર્ષણ છે, ઉમંગોટ નદી. આકર્ષણનું કારણ છે તેનું ક્રિસ્ટલ ક્લિઅર પાણી. ઉમંગોટ નદી ડાવકી નદી તરીકે પણ ઓળખાય છે. મેઘાલયમાંથી નીકળી અને બાંગ્લાદેશમાં વહે છે. દર વર્ષે વસંત ઋતુમાં ત્યાં બોટરેસ યોજાય છે. આ સ્થળ ભાગદોડ ભરી જિંદગીને ટાઇમ પ્લીઝ કહીને ધીમા પડવા માટેનું છે. ૧૯૩૨માં અંગ્રેજોએ અહીં એક પૂલ બાંધેલો છે. અહીંની આદિવાસી સંસ્કૃતિ મન મોહે છે. તેમનું રુચિકર ભોજન મોંમાં પાણી લાવી દે છે.

૩) ભેડાઘાટ  (મધ્ય પ્રદેશ) : 

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની નવી યાદી જાહેર કરવામાં આવી છે તેમાં મધ્ય પ્રદેશનું નાનકડું શહેર ભેડાઘાટ પણ સમાવિષ્ટ છે. નર્મદાના કિનારે વસેલું આ શહેર જબલપુરથી ૨૦ કિ.મી.ના અંતરે છે. નદીની બંને બાજુ આવેલી મેગ્નેશિયમ-લાઇમસ્ટોનની કોતરો નયનરમ્ય દૃશ્ય ઊભું કરે છે. પંચવટી જેટીએથી મોટરબોટમાં બેસીને આ સ્થળની સહેલગાહ એક અલગ જ આનંદ છે. આગળ જતા નદી ૩૦ મીટર ઊંડી ખીણમાં ખાબકીને ધૌલાધાર ધોધ સર્જે છે. પંચવટી જેટીથી દોઢ કિ.મી.ના ચઢાણે આ ધોધ જોવા મળે છે. એક સરખા પથ્થરો અને ૧૦મી સદીનું ચૌસાન્થ યોગિની ટેમ્પલ વિશેષ જોણું બની રહે છે.

૪) સંધાન ખીણ (મહારાષ્ટ્ર) :

સંધાન ખીણ વિશે બહુ ઓછા લોકો જાણે છે. મહારાષ્ટ્રની સહયાદ્રી પર્વતમાળામાં તે આવેલી છે. ટ્રેકર્સ માટે તે બહુ જ આદર્શ છે. ઇગતપુરીથી ભંડારાદરા ડેમ જવાનું. તેની બહુ જ નજીક છે.  ભોમિયા વિના ભમવાની માનસિકતા ધરાવતા લોકો માટે આ જગ્યા સર્વોત્તમ છે. મુંબઈથી કેવળ ૧૮૩ કિ.મી.ના અંતરે છે. અહીં અલંગ, મદંગડ અને કુલંગની દીવાલો જોવાલાયક છે. ટ્રેકિંગ માટે થોડું સાહસ જોઈએ, પણ અહીં ચંદ્રના પ્રકાશમાં બેસવાની મજા સહુ કોઈ લૂંટી શકે છે.

૫) ભીતરકનિકા વન્યજીવ અભયારણ્ય (ઓડિશા) :

૬૭૨ કિ.મી.ના પનામાં ફેલાયેલી આ જગ્યા સુંદરી વૃક્ષની અજાયબ ઇકોસિસ્ટમ છે. ભારતમાં સુંદર વન પછીનું બીજું સુંદરવન આ છે. બ્રહ્માણી, વૈતરણી, ધમ્રા અને પટાસાલા નદીઓ ખાડી અને કેનાલનું અદ્ભુત નેટવર્ક રચે છે. મેન્ગ્રોવ્ઝના આ જંગલની મુલાકાત માત્ર બોટ થકી જ લઈ શકાય છે અને શિયાળો તેના માટે સર્વાધિક અનુકૂળ સમય છે. ખારા પાણીના મગરો  ભારતમાં ભયગ્રસ્ત પ્રાણીઓની સૂચિમાં છે. તેની અહીં વિશાળ વસ્તી જોવા મળે છે. આ અભયારણ્યમાં મગર સિવાય ઝરખ, જંગલી સુવર, વિશાળકાય ગરાળી (મોનિટર લિઝાર્ડ્સ), અજગર અને આઠ પ્રકારના કિંગફિશર્સ વસે છે. આ સેન્ચુરીની પૂર્વમાં ગહીરમાથા બીચ આવેલો છે. ગહિરમાથા બીચ ખાતે ઓલિવ રીડલી કાચબાની દુનિયાની સૌથી મોટી વસાહત છે.

૬) ચેરાઈ (કેરળ) : 

૧૦ કિ.મી. લાંબો ચેરાઈ બીચ હૃદયને શાંત અને તણાવ મુક્ત બનાવી દે છે. ડોલ્ફિન જોવા માટેની આ અલ્પખ્યાત જગ્યા છે. ચેરાઈ વાઇપીન ટાપુ પરનું ટચુકડું શહેર છે. પ્રવાસીઓની આગતા-સ્વાગતા માટે અહીં શૃંખલાબંધ હોટેલ્સ, હોમ સ્ટેઇઝ અને ખાણીપીણીના ખુમચાઓ છે. સી ફૂડના રસિયાઓ અહીં આવીને તૂટી પડે છે. ચેરાઈમાં એ જ નામનું મીઠા પાણીનું સરોવર પણ છે. અહીંનું ગૌરીસ્વરા મંદિર એક ખાસ બાબત માટે સુખ્યાત છે. તે ખાસ બાબત એટલે દર વર્ષે શિયાળામાં યોજાતી હાથીની પરેડ. પ્રવાસીઓ અહીં એક દુર્લભ અને ઐતિહાસિક રથ જોવા આવે છે, જેનું નામ છે, અઝીકલ શ્રી વરાહા.

૭) ડક્સુમ (કાશ્મીર) :

શ્રીનગરથી ૧૦૦ કિલોમીટર દૂર પીરપંજાલની હિમાચ્છાદિત પર્વતમાળામાં એક રમ્ય ગ્રામ વસેલું છે. નામ છે, ડક્સુમ. ભિરંગી નદીની ખીણનું આ છેલ્લું ગામ. તે ૭૪૬ મીટર ઉંચાઈ પર આવેલા શિન્ટન ટોપ તરીકે ઓળખાતા ઘાટ તરફ દોરી જાય છે. શંકુ આકારના જંગલો, કોટેજીસ, ઘાસના મેદાનો અને ભિરંગી નદીનો ખળખળ અવાજ આ જગ્યાને મનોહર બનાવી દે છે. આ ગામ સમુદ્રની સપાટીથી ૨,૪૩૮ મીટરની ઊંચાઈ પર આવેલું છે. ખાસ પરવાનગી મેળવીને તમે અહીં ટ્રાઉટ માછલી પકડવાનો આનંદ પણ લઈ શકો છો.

૮) લોન્ગ આઇલેન્ડ (ઉત્તર અંદામાન દ્વિપસમૂહ): 

અંદમાન ટાપુઓનું સૌથી ઑફબિટ સ્થળ એટલે લોન્ગ આલેન્ડ. ઉત્તર અંદામન દ્વિપસમૂહ બહુ ઓછો ખેડાય છે ત્યાં આ આવેલો છે. રાજધાની પોર્ટબ્લેરથી ૮૦ કિ.મી.ના અંતરે પડે છે. સરકારી ફેરી સર્વિસ દ્વારા ટાપુ પર પહોંચી શકાય છે. કોઈ પરમીટની જરૂર નથી. હેવલોકથી સીધી ફેરી સર્વિસ એકાંતરા મળે છે. ત્યાંથી તેનું અંતર ફકત ૩૫ કિ.મી.નું છે. ૧૫ કિ.મી.ના આ ટાપુ પર ગ્રામીણ માહોલ માણવા મળે છે. વશીકરણ કરનારા બીચીઝ, ચીત્તાકર્ષક કોતરો, લીલી ટેકરીઓ અને સુંદરી વૃક્ષના ગીચ વનો પગપાળા ઘૂમવાની મજા પડે છે. વોટર સ્પોટ્સ માટે મર્ક બે બીચ, આંખમાં આંજવા જેવો સૂર્યાસ્ત નિહાળવા માટે લાલાજી બે બીચ ખ્યાત છે. અહીંથી આગળ વધીને ગિટાર આઇલેન્ડ પણ જઈ શકાય છે.

૯) ખીમસર (રાજસ્થાન) :

જોતપુરથી ૯૦ કિલોમીટરના અંતરે થારનું રણ આવેલું છે. અહીં ખીમસર નામનું રજવાડું હતું એક સમયે. આજે એક રમ્ય ગામડું છે, જે રેતીના ઢુવા માટે પ્રસિદ્ધ છે. આ મોડેલ વિલેજ તળાવના કિનારે બાંધવામાં આવ્યું છે. ત્યાં પ્રવાસીઓ માટે બાધવામાં આવેલી ઝૂંપડીઓ ગ્રામીણ રાજસ્થાનની અનુભૂતિ આપે છે. નજીકમાં શહેર પણ વસેલું છે. ત્યાં ખિમસર કિલ્લો છે. ૧૫ એકરમાં ઘાસ પથરાયેલું છે. કિલ્લો ખૂબ સારી રીતે સચવાયો છે અને અત્યાધુનિક રીસોર્ટ પણ બનાવાયેલો છે.

૧૦) ગવી (કેરળ) :

કેરળમાં મુન્નાર અને ઠેકડી સૌથી ફેમસ છે. તેનાથી ૪૦ કિ.મી. દૂર પેરિયાર વાઘ અભયારણ્ય છે. કેરાલા ફોરેસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશને અહીં ગવી નામનું એક આહ્લાદક પર્યનટ સ્થળ વિકસાવ્યું છે. ફોરેસ્ટ ચેકપોસ્ટ પરથી પરમીટ લીધા પછી પ્રાઇવેટ અને સરકારી વાહનો અહીં આવી શકે છે. અહીં સિંહ જેવી પૂંછડી ધરાવતા વાનર જોવા મળે છે. દૂધરાજ (હોર્નબિલ), લક્કડખોદ, કિંગફિશર જેવી ૨૬૦ પક્ષી પ્રજાતિઓનું આ વતન છે. પક્ષી દર્શકો માટે આ ખાસ મુલાકાત લેવા જેવું ઠેકાણું છે. એ સિવાય આ ધુમ્મસિયા ગામમાં તમને વનસ્નાનનો પણ લહાવો મળે છે.

૧૧) કરકલા (કર્ણાટક) :

મેંગલુરુથી ૬૦ કિ.મી. અને ઉડુપીથી ૩૬ કિ.મી.ની દૂરી પર કરકલા નામનું ગામ આવેલું છે. આ જગ્યા ઇતિહાસ અને આધ્યાત્મનો ખજાનો છે. મૌર્ય અને વિજયનગર સામ્રાજ્યમાં જૈન ધર્મનો અહીં ખૂબ વિકાસ થયેલો. ચતુર્મુખ બસકડી જૈન મંદિર અને બાહુબલીનું પૂતળું તેની સાક્ષી પૂરે છે. અટ્ટુર નામે ભવ્ય દેવળ આવેલું છે અહીં. શહેરની મધ્યે રામસમુદ્ર નામનું તળાવ આવેલું છે. તળાવનું પાણી ચિકિત્સકીય ગુણવત્તા ધરાવતું હોવાની માન્યતા છે. આભમાં વાદળ છવાય એવી રીતે જમીન પર ચોતરફ હરિયાળી છવાયેલી રહે છે.

૧૨) રબદેન્ત્સ (સિક્કિમ) :

રબદેન્ત્સ ૧૬૭૦થી ૧૮૧૪ લગી સિક્કિમની રાજધાની હતું. ચોગ્યાલ વંશના બીજા રાજવી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. જંગલ વચ્ચેથી ૧૦ કિ.મી.નો રસ્તો કાપીને ત્યાં પહોંચી શકાય છે. રાજાશાહી  સમયના મહેલ અને મઠ હજી એ ઈતિહાસ સાચવીને બેઠા છે. આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇંડિયા દ્વારા આ સ્મારકને રાષ્ટ્ર કક્ષાનું મહત્ત્વપૂર્ણ સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. અહીંથી કંચનજંઘાની પર્વતામાળાઓનો હૃદય સ્પર્શી નજારો જોવા મળે છે. 

૧૩) કોટાગીરી (તમિલનાડુ) :

નિલગિરીના વનોમાં આવેલું આ હિલ સ્ટેશન મૂળ કોટા આદિવાસીઓનું વતન છે. અહીં બહુ જ ઓછા પ્રવાસીઓ આવે છે. ચાના બગીચાઓ, વિક્ટોરિયન શૈલીના મકાનો, ઉષ્ણકટીબંધીય જંગલ અહીની નિરવતાને વધારે ઘેઘૂર બનાવે છે. અહીંથી આઠ કિ.મી.એ કેથરિન ધોધ ઘૂઘવે છે. 

આજની નવી જોક

છગન (લીલીને) : તારી સાથે લગ્ન કરવાથી મને એક બહુ મોટો ફાયદો થયો છે.

લીલીઃ શું?

છગનઃ મને મારા તમામ ગુનાઓની સજા આ જ જન્મમાં મળી ગઈ. 

લીલીઃ હેં!?

Gujarat