- કૂખ ભાડે આપવી કે નહિ? આજનો સળગતો સવાલ : ઘણાં દેશોમાં તેના પર પ્રતિબંધ છે, ભારતીય સંસદે પણ બે બિલ રજૂ કર્યા છે
- પેરેન્ટ્સ બનવા માટે સેલિબ્રિટી કપલમાં સરળ બનેલો રસ્તો ઃમહિલા બાળક પેદા કરવાનું કારખાનુ નથી અને બાળક કોઈ વસ્તુ નથી
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે સરોગસીથી બાળક મેળવ્યું એ સમાચારો ચમક્યા હતા. સેલિબ્રિટી કપલ્સ સરોગસીથી બાળક મેળવે છે. તેમને નવ મહિના વેઠવુ નથી કારણ કે તેમનો સમય કિંમતી છે અને આટલા સમયમાં તેઓ કરોડો કમાઈ શકે છે. સળગતો સવાલ છે જે સ્ત્રીએ સરોગસી માટે પ્રિયંકા માટે પોતાની કૂખ ભાડે આપી તેની આ પાંચમી સરોગસી હતી. એટલે કે બાળક પેદા કરવાનો આ એક ધંધો છે. એટલે કે આ મહિલા બાળક પ્રત્યેના પ્રેમને કારણે તેને જન્મ નહોતી આપતી પણ તેણે કૂખ ભાડે આપવાનો વ્યવસાય શરૂ કર્યો છે.
પશ્ચિમની જેમ ભારતમાં પણ સેલિબ્રિટીએ બાળક મેળવવા સરોગસીનો માર્ગ લીધો છે. શાહરૂખ ખાન, આમિર ખાન, સની લિઓની, શિલ્પા શેટ્ટી, પ્રિટી ઝીંટા, લિસા રે, શ્રેયસ તલપડે જેવા પરણીત કપલોએ સરોગસી દ્વારા બાળક મેળવ્યા છે પણ કરણ જોહર, એકતા કપૂર, તુષાર કપૂર જેવા સિંગલ્સે પણ સરોગસી દ્વારા બાળક મેળવ્યા છે. તેમને બાળક પ્રત્યે પ્રેમ હોત તો તેઓ દત્તક પણ લઈ શકત. પણ પોતાના લોહીનો મામલો આવે ત્યારે તેમની આધુનિકતા પાછી પડે છે.
પણ અહીં વાત છે સરોગસીના વ્યાપારીકરણની. સરોગસીથી બાળક મેળવનારી મહિલાને તેની સાથે શારીરિક, માનસિક તેમજ સામાજિક લાગણી નથી થતી ઉપરાંત જે મહિલા પોતાની કૂખ ભાડે આપે છે તે બાળક પેદા કરવાનું માત્ર એક મશીન બની જાય છે. ભારત જેવા દેશમાં જ્યાં માતાની પૂજા થાય છે, પછી ભલે માત્ર કાગળ પર, પણ ત્યાં આવી સરોગસી અનેક સવાલ ઊભા કરે છે.
સરોગસી પર બનેલી બોલીવૂડની તમામ ફિલ્મો, પછી તે હાલમાં જ રજૂ થયેલી મીમી હોય કે અગાઉની દૂસરી દુલ્હન, ચોરી ચોરી ચૂપકે ચૂપકે અને ફિલહાલ હોય, તમામમાં પોતાની કૂખ ભાડે આપતી મહિલામાં માતૃત્વની ભાવના જાગી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ મીમી મરાઠી ફિલ્મ માલા આઈ વ્હાયાચાય પરથી બનાવાઈ હતી. તેમાં એક અમેરિકી કપલ એક ભારતીય મહિલાની કૂખે બાળક જન્માવે છે. પણ જ્યારે જાણ થાય છે કે ગર્ભમાં રહેલા બાળકમાં ખામીઓ છે ત્યારે આ કપલ મહિલાને ત્યજી દે છે. પણ પછી જાણ થાય છે કે બાળક તો તંદુરસ્ત છે ત્યારે આ કપલ તેના પર દાવો કરવા આવે છે. સરોગસીમાં બાળકમાં ગંભીર ખામીઓ હોય તો કોની જવાબદારી?
સરોગસીની તરફદારી કરનારા કહે છે કે પોતાની કૂખ ભાડે આપવી કે કેમ તેનો નિર્ણય મહિલાને જ કરવાની છૂટ હોવી જોઈએ. પણ વાસ્તવમાં આ બાબતે શોષણની શક્યતા રહે છે. ભારતમાં ગરીબ ગ્રામીણ મહિલાઓને વચેટિયા ફસાવે છે અને તેમને સેલિબ્રિટી અથવા તો પશ્ચિમની મહિલાઓ માટે મોટી રકમના બદલામાં કૂખ ભાડે આપવા ફોસલાવામાં આવે છે. સામાન્યપણે આવા કરારમાં મહિલાઓનું કોઈ નિયંત્રણ નથી હોતું પણ તેના પતિ અને વચેટિયા જ પૈસા પડાવી લેતા હોય છે. કેટલાક કિસ્સામાં તો પતિ મહિલાના પૈસા લઈને તેને અન્યનું બાળક જન્માવવા બદલ ત્યજી દે છે. ઉપરાંત આવી મહિલાઓ મોટાભાગે અભણ અને ગરીબ હોય છે. બાળકને જન્માવવા કૂખ ભાડે આપવા મજબૂર કરવામાં આવે છે પણ તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં નથી આવતું.
લેખિકા નતાશા કોમો લખે છે કે ભારતમાં સરોગસીની વ્યાપારીકરણ ૨૦૦૨થી શરૂ થયું અને તે ઝડપથી વિદેશી કપલ માટે ટોચનું સરોગસી ડેસ્ટિનેશન બની ગયું. બીજી તરફ કેનેડા જેવા દેશોએ સરોગસી પર પ્રતિબંધ મુકી દીધો અને એના સ્થાને એલ્ટ્રુસ્ટિક એટલે કે પરોપકારી મોડલ ફરજિયાત બનાવ્યું. ભારતમાં તાલીમ પામેલા ડોકટરો તેમજ સહેલાઈથી નાણા મેળવવાની ઈચ્છુક મહિલાઓની સંખ્યા પણ વધુ હોવાથી સરોગસીનું ચલણ વધી ગયું. તેણે એક સરોગસી કન્સલટન્ટ સેલી રોડ્સ-હીનરીચને પણ ટાંકયો છે કે ભારત પાસે અદ્ભુત સરોગસી સિસ્ટમ બનવાની ઉત્તમ તક હતી. પણ લેખિકા વધુમાં લખે છે કે ભારતમાં શોષણ કરતા વચેટિયાઓને કારણે કૂખ ભાડે આપતી મહિલાઓ અને વાલીઓ વચ્ચેનો સંપર્ક તુટી ગયો અને તેથી ભારતે માનવતાને આ પ્રક્રિયામાં જોડવાની તક ગુમાવી દીધી.
પરોપકારી મોડલ અથવા એલ્ટ્રુસ્ટિક મોડલમાં ગે કપલ અથવા જે કપલને બાળક ન થતું હોય અને તેમને સરોગસી દ્વારા બાળક જોઈતું હોય તો તેમણે તેમની મિત્ર અથવા સંબંધીને એના માટે તૈયાર કરવી પડે અને તેના માટે પૈસાની કોઈ લેતીદેતી ન થવી જોઈએ. એથી જ ત્યાં પુત્રી માટે માતા દ્વારા પોતાની કૂખથી બાળક જન્માવાના કિસ્સા બન્યા છે. પશ્ચિમમાં પણ સરોગસી પર સેંકડો ફિલ્મો બની છે. ઝિપ્પી બ્રાન્ડ ફ્રેન્ક દ્વારા ૨૦૦૯માં બનેલી ગૂગલ બેબીમાં ત્રણ ઉપખંડોમાં સરોગસી ઉદ્યોગનો અભ્યાસ કરાયો છે. એમાં એક ઈઝરાયેલી ઉદ્યોગપતિ ડોરોન અમેરિકામાં સરોગસી દ્વારા બાળક મેળવે છે પણ તેને આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ લાગે છે. એથી તે નવો ધંધો શરૂ કરે છે જેમાં તે સરોગસીનું ભારતમાં આઉટ સોર્સિંગ કરે છે. પશ્ચિમમાં કાનૂની ફી અને વીમો આ પ્રક્રિયાને ખર્ચાળ બનાવી દે છે જેથી ભારતીય માતાની કૂખ ભાડે લેવાય છે.
૨૦૧૦માં રેબેકા હાઈમોવિટ્ઝ અને વૈશાલી સિંહાએ મેડ ઈન ઈન્ડિયાનું દિગ્દર્શન કર્યું. એમાં ભારતમાં સરોગસીના વેપારની વાત હતી. એમાં સેન એન્ટોનિયો, ટીએક્સ, લિસા અને બ્રિયાન સ્વિટ્ઝર તેમની ઘર વેંચીને તેમજ તેમની તમામ બચત રોકીને એક મેડિકલ ટૂરીઝમ કંપની શરૂ કરે છે. આ કંપની સાત વર્ષ સુધી બિનફળદ્રુપ રહેલા કપલને ઉકેલની ગેરંટી આપે છે. મુંબઈમાં આસિયા ખાન બુરખો પહેરીને ફર્ટિલિટી ક્લીનીકમાં દાખલ થાય છે. તે આવું કોઈ ધાર્મિક કારણસર નથી કરતી પણ અમેરિકી કપલનું ગર્ભ પોતાની કૂખમાં રોપવા માટે કરે છે. ફિલ્મમાં મુંબઈના ઉપનગરો અને ઝૂંપડપટ્ટીમાં પૂર્વ અને પશ્ચિમના મિલનના આવા દ્રષ્યો જોવા મળે છે.
સરોગસીમાં નૈતિક, કાનૂની અને સામાજિક મુદા સામેલ હોવાથી અનેક દેશોએ તેના પર પ્રતિબંધ મુકયો છે અથવા તો તેના પર નિયંત્રણ લાદ્યું છે.
મહિલા અધિકારો વિશે ભારતનો રેકોર્ડ કંગાળ રહ્યો છે. પણ પૈસા માટે સરોગસી પર ૨૦૧૫માં પ્રતિબંધ મુકાયો હતો. તાજેતરમાં જ સંસદમાં બે કાયદા પસાર કરાયા હતા - આસીસ્ટેડ રિપ્રોડકટીવ ટેકનોલોજી (રેગ્યુલેશન) બીલ અને સરોગસી(રેગ્યુલેશન) બીલ. સરોગસીનું વ્યાપારીકરણ કરનારા ડોકટરો અને કપલ્સ માટે કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે પણ કાયદાનો અમલ મુશ્કેલ છે કારણ કે સરોગસીની બાબતમાં અતિશય ગુપ્તતા જાળવવામાં આવે છે.
એટલે એક તરફ દંપતીઓ તેમનું લાયકાતનું લિસ્ટ લઈને ફરતા હોય છે અને સેલિબ્રિટીઓ પોતાની ડીઝાઈનર બેબીને શો ઓફ કરતા હોય છે ત્યારે કોઈ અજાણી મહિલા પ્રસૂતીની પીડા સહન કરીને બાળકને જન્મ આપતી હોય છે.
બ્રીડર્સ ઃ એ સબક્લાસ ઓફ વુમેન (૨૦૧૪)માં જેનિફર લેહલ અને મેથ્યુ એપિનેટ આ મુદે એક વિશ્લેષાત્મક અભિગમ કેળવે છે. એમાં ચાર સરોગેટ માતાઓ અને એક યુવા મહિલા, જે સરોગસી દ્વારા જન્મી હતી તેની વાત છે.
બાળકીને જન્મ દેનારી મહિલા તાન્યા પ્રસાદ જણાવે છે કે તેને આવું કરવાનો અફસોસ હતો. બાળકીને જન્મ આપ્યા બાદ માતાનું હૃદય પીગળી જાય છે અને કરાર હોવા છતાં તે સંયુક્ત તાબા માટે કોર્ટે ચડે છે.
ઉલ્લેખનીય છે કે કિડની વેંચવા પર પ્રતિબંધ છે તો પછી સરોગસી શા માટે આટલી પ્રચલિત છે? શું એમાં મહિલાના સ્વાસ્થ્યની કાળજી લેવાય છે? શું મહિલા પોતાની મરજીથી કૂખ ભાડે આપે છે? સરોગસી ગેરકાયદે હોય તો પછી વિદેશી અથવા સેલિબ્રિટી કપલ્સ માટે અજાણી મહિલા શા માટે તૈયાર થાય છે? આવા સવાલ સામાન્યપણે ચર્ચાતા નથી અને તેના જવાબ શોધવાની તસ્દી પણ લેવાતી નથી. શું સેલિબ્રિટી કપલ્સ પોતાના પરિવારની મહિલાને સરોગસી માટે તૈયાર કરશે? સરોગસી દ્વારા બાળક મેળવનાર કપલે કઈ મહિલાની કૂખે બાળક જન્માવ્યું તેની સ્પષ્ટતા કરવી જોઈએ કે નહિ? સરોગસી દ્વારા જન્મેલા બાળકને જ્યારે તેને જન્મ આપનારી માતા વિશે જાણ થશે તો તેનો અભિગમ કેવો રહેશે? આવા સવાલોના જવાબ મળ્યા પછી જ સરોગસીની યથાર્થતા સાબિત થઈ શકશે.
હોય નહીં?
ક્યા દેશની મહિલાઓ સૌથી વધુ ઘરકામ કરે છે?
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે જો મહિલાઓને ઘરકામ માટે પૈસા આપવા પડે એવી સ્થિતિ થાય તો દુનિયાભરમાં માતબર બજેટ ખર્ચવું પડે. ક્યા દેશની મહિલાઓ કેટલું ઘરકામ કરે છે તે જાણવું રસપ્રદ છે. ઈરાનમાં દરરોજ મહિલાઓ સરેરાશ ૩૪૫ મિનિટ ઘરકામ કરે છે. તાઈવાનની સ્ત્રીઓ દરરોજ ઘરકામ પાછળ ૧૬૮ મિનિટ આપે છે. ભારતમાં ઘરકામ પાછળ મહિલાઓના દિવસના ૨૯૭ મિનિટ ખર્ચાય જાય છે. ભારતના પુરુષો માંડ સરેરાશ ૩૧ મિનિટ ઘરકામમાં મદદ કરે છે. દુનિયામાં પુરુષો દરરોજ ૮૩ મિનિટ ઘરકામ પાછળ ફાળવે છે. દુનિયાભરમાં મહિલાઓની ઘરકામની સરેરાશ મિનિટો છે ૨૬૫.
આજની નવી જોક
લગ્નમાં રીસેપ્શન ચાલી રહ્યું હતું. પત્ની લીલીએ પતિ છગન દૂર હતો એને પોતાની પાસે બોલાવવા આંગળીથી ઈશારો કર્યો.
છગન તરત લીલી પાસે આવી ગયો અને બોલ્યો ''શું કામ હતું ?''
લીલી બોલી, ''કશું જ કામ નથી. આ તો હું જોવા માંગતી હતી કે મારી એક આંગળીમાં કેટલી તાકાત છે.''


