For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હેકિંગઃ હસ્તીઓ જેટલો જ ખતરો આમ આદમીને પણ

Updated: Jul 21st, 2021

Article Content Image

- બાઇડને તેમના પૌત્રપૌત્રીને ઑનલાઇન પેમેન્ટ કર્યું અને માત્ર ૧૦ મિનિટમાં તેમના મોબાઇલમાં રહેલું કોન્ટેક્ટ લિસ્ટ એક કંપની પાસે પહોંચી ગયું

- સામાન્ય માણસોના હેક થયેલા ડેટાનો ઉપયોગ તેમની આદત મુજબની પ્રોડક્ટ્સ બનાવવા તથા ચૂંટણીમાં રણનીતિ ઘડવા માટે  થાય છે

ફેસબુક અને પેગાસસનો શું વિવાદ છે?

બહુ જાણીતી જોક છે. એક વખત એક સ્કૂલની પિકનિક યોજાઈ. રસ્તામાં બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ બધી ગોઠવણ કરી. ટેબલ પર સફરજનનો ઢગલો કરવામાં આવ્યો હતો. સાથે એક સૂચના પણ લખવામાં આવી હતી, પ્લીઝ ટેક ઓન્લી વન એપલ. ગોડ ઇઝ વોચિંગ. બાજુના ટેબલ પર કૂકીઝનો ઢગલો પડયો હતો. એક તોફાની છોકરાએ ત્યાં સૂચના લખી નાખી, ટેક ઑલ ધ કૂકીઝ યુ વોન્ટ, ગોડ ઇઝ વૉચિંગ ધ એપલ્સ.

ખરાબ કે ખોટું કામ કરતા લોકોને અટકાવવા એક જ ડર બતાવાય છે, ઈશ્વર તમને જોઈ રહ્યો છે. હવે ઈશ્વરની મોનોપોલી તૂટી ચૂકી છે. સીસીટીવી કેમેરા પણ તમને જોઈ રહ્યા છે. માત્ર ખરાબ કામ કરનારે નહીં, પણ સારું કે સાચું કામ કરનારી વ્યક્તિને પણ ચાર વખત વિચારવું પડે એવી હાલત છે.

સીસીટીવી તમને જોઈ રહ્યા છે એટલું જ નહીં, ફોન તમને સાંભળી રહ્યા છે. તમારા મોબાઇલ કે લેપટોપનો કેમેરો તમારા પર ડોળો રાખીને બેઠો છે. આ સાચું છે. નવી-નવી ટેકનોલોજી આપણી આસપાસ કાન અને આંખ રૂપે ઘેરાતી જાય છે. ભીંતને એક નહીં સંખ્યાબંધ કાન અને આંખ ફૂટી નીકળ્યા છે. બંદૂકની જેમ સેન્સર્સ તાકવામાં આવી રહ્યાં છે. ટેલિફોન ટેપિંગ તો જૂની વાત છે. હવે તો હેકિંગનો જમાનો છે. તમારો મોબાઇલ હેક થઈ જાય એટલે વાત માત્ર એટલા પૂરતી સીમિત ન રહે કે તમે કોની સાથે શું વાત કરી. તમે કોને મેસેજ કર્યા, એ મેસેજીસમાં શું લખ્યું, તમારા ફોનમાં કોના મિસ્કોલ આવ્યા, તમે કોને મિસ્કોલ માર્યા, તમે ગુગલ પર શું સર્ચ કર્યું, તમે કઈ એપ પર કેટલો ટાઇમ વિતાવ્યો બધી જ માહિતી અથથી ઈતિ સુધી હેકર પાસે પહોંચી જાય. પાછળથી આપણે કોઈની વાટતા હોઈએ તો એ પણ પકડાઈ જાય અને આપણો પ્રતિસ્પર્ધી આપણી એક-એક હીલચાલ જાણી લઈને આપણને ચેકમેટ કરી શકે છે.

થોડા સમય પહેલાનો કિસ્સો છે. જો બાઇડને ડિજિટલ પેમેન્ટ એપ વેનમોનો ઉપયોગ કર્યો. તેમણે પોતાના પૌત્ર-પૌત્રીને પૈસા મોકલ્યા. ને માત્ર ૧૦ જ મિનિટમાં બઝફીડે વેનમોના અકાઉન્ટ મારફતે તેમના અંગત સંપર્કોની યાદી હાંસલ કરી લીધી. અમેરિકાના પ્રમુખ જો બાઇડનનું કોન્ટેક્ટ લીસ્ટ જો સલામત ન હોય તો જમાનો કઈ હદે ખરાબ છે તેની કલ્પના કરવી જરાય અઘરી નથી.

 સંસદમાં પેગાસસ કૌભાંડ તો હમણા ગાજ્યું. બાકી સતત મોબાઇલ હેક થઈ રહ્યા છે. ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ થકી દુનિયાની કેટલીક નામી હસ્તીઓના મોબાઇલ હેક કરવામાં આવ્યા તેમાં ૩૦૦ ભારતીય છે. સરકારીના મંત્રીઓથી લઈને વિપક્ષના નેતાઓ સુધી ઘણા બધા. રાષ્ટ્રવાદીઓથી લઈને સેક્યુલર સુધીના. પત્રકારોથી લઈને એક્ટિવિસ્ટ સુધીના. આ તો હસ્તીઓની વાત છે. સામાન્ય માણસોના અને નાની-નાની હસ્તીઓના મોબાઈલ હેક કરીને એટલો ડેટા ચોરવામાં આવે છે જેની કોઈ સીમા નથી. ઉત્તર કોરિયાના હેકર્સ બાંગ્લાદેશનું વિદેશી હુંડિયામણ ઓલમોસ્ટ તફડાવી લેવાના હતા. છેલ્લી સેકન્ડે કોઈ એરર આવી ગઈ અને પૈસા બચી ગયા. નહીં તો નવા-નવા આર્થિક વિકાસનો સ્વાદ માણી રહેલો આ દેશ નાહી લેવાનો હતો. સાઇબર સીક્યોરિટી વેન્ચરની આગાહી ડેટા ક્વેસ્ટ મેગેઝિનમાં છપાઈ છે. તેમાં જણાવાયું છે કે ૨૦૨૧માં સાઇબર હુમલાને કારણે વર્લ્ડ ઇકોનોમીને પ્રતિ મિનિટે ૧.૧૪ કરોડ ડોલરનું નુકસાન થઈ રહ્યં૨ છે. ૨૦૨૫ સુધીમાં સાઇબર હુમલાને કારણે વૈશ્વિક અર્થતંત્રને ૧૦.૫ ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. ભારતની જીડીપી કરતા સાડા ત્રણ ગણો પૈસો થયો.

આપણે એમ માનતા હતા કે ઑનલાઇન વ્યવહારોને લીધે કાળું નાણું ઘટશે, પણ એ આપણો ભ્રમ નીકળ્યો. આ હેકર્સ જે નાણાં તફડાવી રહ્યા છે અથવા તો માહિતીઓ ચોરી-ચોરીને વેચી રહ્યા છે તે મોટા ભાગે બ્લેક મનીમાં જતું હોય છે. ક્રિપ્ટો કરન્સીઝ બ્લેક મનીનો કુબેરભંડાર છે. કારણ કે તેને કોઈ સેન્ટ્રલ બેન્ક વૉચ નથી કરતી. એટલે જ તમારા કમ્પ્યુટર પર રેન્સમવેર અટેક થાય તો સાઇબર ચાંચિયાઓ તમારી પાસે ક્રિપ્ટો કન્સીમાં ખંડણી માગે છે. ન કે ડોલરમાં. તમારા સાધનોને રીસ્ટોર કરવા તમારે ક્રિપ્ટો અકાઉન્ટ ખોલાવવાનું, તમારા પૈસાને બિટ કોઈન કે હેકર્સ જે કોઈ વર્ચ્યુઅલ કરન્સીમાં ખંડણી માગે તેમાં રૂપાંતરિત કરાવવાના અને પછી પેમેન્ટ કરવાનું.

આટલી ભૂમિકા પછી વાત કરીએ પેગાસસ સ્પાયવેરની. જેના કારણે સંસદનું ઊઘડતું સત્ર તોફાની બન્યું એ પેગાસસ સ્પાયવેર ઇઝરાયલની સાઇબર સુરક્ષા કંપની એનએસઓએ બનાવેલો છે. મેક્સિકોથી લઈને સાઉદી અરબ સુધીની ઘણી બધી સરકારો પર આ સ્પાયવેરના દુરુપયોગનો આક્ષેપ મુકાયો છે. સાધન ક્યારેય ખરાબ કે સારું નથી હોતું. બંદૂક ખરાબ નથી, છરી ખરાબ નથી, જાસૂસી ખરાબ નથી. તમે તેનો ઉપયોગ શું કરો છો તેના પર બધો આધાર છે. છરાનો ઉપયોગ નાળિયેર ફોડવા માટે પણ થઈ શકે છે અને પેટ ફોડવા માટે પણ. સ્પાઇવેર પણ ખરાબ નથી અને હેકિંગ પણ ખરાબ નથી. તે ખરાબ ત્યારે બની જાય છે જ્યારે તેનો ઉપયોગ મલીન ઉદ્દેશ્યોને પાર પાડવા માટે કરવામાં આવે.

ભારત સરકારે એનએસઓ પાસેથી આ પેગાસસ સ્પાયવેર ખરીદ્યો હોવાની કોઈ અધિકૃત માહિતી મળતી નથી. એનએસઓ એવું કહે છે કે, અમે માત્ર માન્યતા પ્રાપ્ત સરકારી એજન્સીઓને જ આ સોફ્ટવેર આપીએ છીએ. (અર્થાત આ સ્પાયવેરનો ઉપયોગ કોર્પોરેટ જાસૂસી માટે તો નહીં થતો હોય. કમસેકમ એવું માની લઈએ. કારણ કે આમાંય ઘણું બે નંબરનું ચાલતું હોય છે.) 

ફેસબુક સહિત અનેક કંપનીઓ એવો આરોપ મૂકે છે કે પેગાસસનો ઉપયોગ તેમની જાસૂસી માટે થાય છે. કોઈ પણ સરકાર સ્પાયવેર ખરીદે તો એમ જ કહે કે અમે આનો ઉપયોગ આતંકવાદને ડામવા અને દેશની સુરક્ષા માટે કરશું. કોઈ સામેથી એવું થોડું કહે કે હા અમે આનો ઉપયોગ અમારા પ્રતિદ્વંદ્વીઓની જાસૂસી માટે કરીશું.

જે મોબાઇલમાં પેગાસસ સોફ્ટવેર નાખી દેવામાં આવે તે મોબાઇલનું ઓડિયો રેકોર્ડિંગ, તેના વીડિયો, તેની ડેટા ફાઇલ્સ, તેના કોન્ટેક્ટ્સ, મેસેજીસ, ફોનકોલના રેકોર્ડિંગ સહિતની બધી જ માહિતી હેકર્સ પાસે જતી રહે છે. અમેરિકાએ ચીનની વાહવે કંપની પર એટલે જ પ્રતિબંધ મૂકેલો. વાહવેના મોબાઇલમાંથી યુઝર્સની સંવેદનશીલ વિગતો ચીન પહોંચતી હતી. 

એન્ક્રિપ્ટેડ ઓડિયો અને એન્ક્રિપ્ટેડ મેસેજ એવી ચીજ છે, જેમાં માહિતી મોકલનાર અને મેળવનાર આ બે જણા સિવાય ત્રીજાને તેની કોઈ જાણ થતી નથી. ઇવન જે કંપની થકી મેસેજ ગયો હોય છે તેને પણ નહીં. પેગાસસ આ એન્ક્રિપ્શનનો ભંગ કરી નાખે છે. મતલબ જેના ફોનમાં આ સોફ્ટવેર રન કરી દેવાયો છે તેના ફોનના એન્ક્રિપ્ટેડ કન્ટેન્ટ પણ હેકરને વાંચવા, સાંભળવા કે જોવા મળી જાય છે.

સૌથી પહેલા ૨૦૧૬માં સંયુક્ત આરબ અમીરાતના માનવ અધિકાર કાર્યકર્તા અહમદ મન્સુરનો મોબાઈલ પેગાસસ થકી હેક કરવાની કોશિશ થયેલી. એપલની ઓપરેટિંગ સિસ્ટમ સૌથી સલામત મનાય છે, પણ સ્પાયવેર તેનાય છોતરા ઉડાડી નાખે છે. જેવી એપલને આ વિશે જાણ થાય કે તે સતત તે તેની ઓએસને અપડેટ પણ કરતી રહે છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ૨૦૧૭માં મેક્સિકોએ પેગાસસનો ઉપયોગ જાસૂસી માટે કરેલો.

દાખલા તરીકે, કોઈને તમારો મોબાઇલ હેક કરવો હોય તો કેવી રીતે કરે? તે તમારી ઘરે આવીને તમે નહાવા ગયા હો ત્યારે તમારા મોબાઇલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી જાય એવું તો સંભવ નથી. તેઓ તમને પોપ્યુલર વેબસાઇટ્સના હોમ પેઇજ જેવું ડમી પેઇજ બનાવીને તેની લિન્ક મોકલે. આવી વેબસાઇટને ફિશિંગ વેબસાઇટ્સ કહે છે. ભારતમાં એમેઝોનના નામે આવી ફિશિંગ વેબસાઇટ્સની લિન્ક ફ્રી સેલ અને મેગા સેલના નામે ઘણા બધાના મોબાઇલમાં ફરે છે. લોકો તેના પર ક્લિક પણ કરે છે અને પછી ચાર દિવસમાં ફરિયાદ કરે છે કે મારા ખાતામાંથી પૈસા ઊપડી ગયા કે મારી સાથે સો એન્ડ સો થયું. ૨૦૨૦માં એવો આરોપ મુકાયેલો કે પેગાસસ થકી અન્યના મોબાઇલ હેક કરવા માટે એનએસઓ કંપની ફેસબુક જેવી દેખાતી વેબસાઇટ લિન્કનો ઉપયોગ કરી રહી છે. સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખશોગ્ગીના મોબાઇલનો મોબાઇલ પણ તેમની હત્યા પહેલા આ રીતે હેક થયો હોવાનું કહેવાય છે. આવા તો બીજા કેટલા પત્રકારો અને દુનિયાની કેટલી હસ્તીઓ અને સામાન્ય લોકોના મોબાઇલ હેક થયા છે અને થતા રહે છે.

તમારો અને મારો ફોન પણ હેક થયો હોઈ શકે છે. કદાચ આપણને આ વિશે ખબર પણ ન હોય. હસ્તીઓના મોબાઇલના હેકિંગનું કારણ તો સમજાય, પણ સામાન્ય લોકોના ફોનનું હેકિંગ શા માટે થતું હશે? તેમના મોબાઇલના ડેટા પરથી તેમની આદતો જાણી શકાય છે અને તેમની આદતો જાણીને તેનો ઉપયોગ તેમને અનુકૂળ પ્રોડક્ટ્સ બજારમાં મૂકવા તથા ચૂંટણીમાં રણનીતિ ઘડવા માટે કરી શકાય છે. 

હેકિંગનું એક મોટું બજાર ચાલે છે, જેને તમે પેરેલલ બ્રહ્માંડ પણ કહી શકો. તો આનાથી બચવા માટે શું કરવું? 

૧) મોબાઇલમાં આવતી અજાણી લિન્ક પર ક્યારેય ક્લિક ન કરો. 

૨) જે વેબસાઇટના યુઆરએલમાં એચટીટીપી પછી એસ લખેલું હોય તેના પર જ ક્લિક કરો. ૩) ઇન્ટરનેટ અને ટેકનોલોજીને લગતું બેઝિક શિક્ષણ મેળવો. ખાલી બીકોમ કે એમબીએ થઈ જઈએ તે પૂરતું નથી. આ જમાનામાં ટેકનોલોજીના બેઝિક જ્ઞાાન વિનાનો ભણેલો પણ અભણ છે.

૪) મોબાઇલને થોડા-થોડા સમયે ફેક્ટરી રીસેટ કરી નાખો. તેનો બધો જ ડેટા ડીલીટ મારી દો. 

૫) મોબાઇલમાં સારી ગુણવત્તાવાળો એન્ટિવાઇરસ સોફ્ટવેર પણ રાખો. ફ્રી સોફ્ટવેર નહીં. પેઇડ. જે ફ્રી છે એ તો તમારો ડેટા ચોરે જ છે.

૬) મોબાઇલમાં રહેલી એપ્સને બધી જ પરમિશન ન આપો. જે એપને કેમેરાના ઉપયોગની જરૂર ન હોય તેને કેમેરાની પરમિશનમાં અલાઉ નહીં કરી દેવાની. જેને કોન્ટેક્ટની કોઈ જરૂર નથી તેને કોન્ટેક્ટ લિસ્ટના ઉપયોગ માટે મંજૂરી નહી આપવાની. જેને મીડિયા ફાઇલ્સના ઉપયોગની જરૂર નથી તેને મીડિયા ફાઇલ્સના ઉપયોગ માટે અલાઉનો ઑપ્શન નહીં દાબી દેવાનો.

ઇલોન મસ્કની વાત યાદ રાખવા જેવી છેઃ નવું-નવું શીખવાથી આપણે જ્ઞાાની નથી થઈ જતા, પણ જેમ-જેમ શીખતા જઈએ છીએ તેમ-તેમ ઓછા અજ્ઞાાની બનીએ છીએ. આથી નવું-નવું અવિરત શીખતા રહેવું.

આજની નવી જોક

લલ્લુ (ભગવાનને): હે ભગવાન! પ્લીઝ પંજાબને અમેરિકાની રાજધાની બનાવી દો.

ભગવાનઃ કેમ?

લલ્લુઃ કારણ કે હું પેપરમાં અમેરિકાની રાજધાની પંજાબ લખીને આવ્યો છું.

ભગવાનઃ હેં!?

Gujarat