Get The App

હાલ પૃથ્વી પર છઠ્ઠો વિલુપ્તિકાળ શરૂ થઈ ગયો છે, જેની શરૂઆતમાં જ માણસ જાત ખતમ થઈ જવાનું જોખમ છે

- ટાઇમ અપ .

- પાંચમા વિલુપ્તિકાળમાં ડાયનોસોર ખતમ થઈ ગયેલા, છઠ્ઠા વિલુપ્તિકાળને આપણે સામે ચાલીને નોતર્યો છે

Updated: Jun 10th, 2020

GS TEAM

Google News
Google News

- જો મધમાખી લુપ્ત થઈ જાય તો માત્ર ચાર જ વર્ષમાં માણસ પણ નામશેષ થઈ જાય, એવું આઇન્સ્ટાઇને કહેલું

હાલ પૃથ્વી પર છઠ્ઠો વિલુપ્તિકાળ શરૂ થઈ ગયો છે, જેની શરૂઆતમાં જ માણસ જાત ખતમ થઈ જવાનું જોખમ છે 1 - image

દરેક મનુષ્ય તેના પછીની પેઢીને કંઇક ને કંઇક આપતો જાય છે. કોઇ સંપત્તિ આપે છે, કોઇ ગાડી આપે છે, કોઇ નગદનારાયણ આપે છે, કોઇ મકાન આપે છે, કોઇ સારા-ખરાબ સ્મરણો આપે છે, કોઇ માથા પર કરજો આપે છે, ને સારા-ખરાબ સંસ્કાર તો હરકોઇ આપીને જાય છે. આ જ રીતે આપણે આપણી આગામી પેઢીને ખતમ થતું ભવિષ્ય આપી દીધું છે. વૈજ્ઞાાનિકોના મત પ્રમાણે હાલ છઠ્ઠો વિલુપ્તિકાળ શરૂ થઇ ચૂક્યો છે.

જ્યારે વિલુપ્તિકાળ શરૂ થાય ત્યારે ૫૦ ટકા પ્રજાતિઓ નામશેષ થઇ જાય છે. આમ તો નામશેષ પણ ન કહી શકાય. કેમ કે બધાના નામ તો આપણને ક્યાં ખબર હોય છે? અત્યારે પણ આવો જ લુપ્તિકાળ શરૂ થયો છે અને તેના પ્રારંભિક તબક્કામાં જ માણસ જાતિ લુપ્ત થઇ જવાનું ઘટાટોપ જોખમ ગોરંભાયું છે.

સાડા ચાર અબજ વર્ષની પૃથ્વી પર છેલ્લા ૫૪ કરોડ વર્ષમાં સામુહિક વિલુપ્તિના પાંચ યુગ પસાર થઇ ચૂક્યા છે. પાંચમો કાળ સાડા છ કરોડ વર્ષ પહેલાં આવ્યો હતો. એક અનુમાન પ્રમાણે ત્યારે પૃથ્વી સાથે લઘુ ગ્રહ અથડાતા વાતાવરણમાં ધરખમ ફેરફાર થયેલો અને ડાઇનોસોર સહિત હજારો-લાખો પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ.

સર્જન અને વિનાશ કુદરતી ક્રમ છે, પણ છઠ્ઠો વિલુપ્તિકાળ માનવીય પ્રવૃત્તિને કારણે શરૂ થતા કુદરતી ક્રમ તૂટી ગયો છે. પ્રદૂષણ બિનજરૂરી વસ્તુઓ ખરીદવાને કારણે થતી સંશાધનોની બરબાદી, ખતમ થતાં જંગલો, ખતમ થતી જલપ્લાવિત ભૂમિ આદિ તેના માટે જવાબદાર છે. પર્યાવરણનો તાલમેલ કોઇ અવકાશી કે પ્રાકૃતિક નહીં માનવ સર્જિત ઘટમાળને કારણે ખોરવાઇ રહ્યો છે. 

૨૦૨૦ની શરૂઆત જ વિનાશથી થઇ છે. કોરોનાથી લઇને ધરતીકંપ અને વાવાઝોડા જેવી કુદરતી આફતો અસ્ખલિતપણે ત્રાટકી રહી છે. નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઑફ મેક્સિકોમાં ઇકોલોજી ભણાવતા પ્રોફેસર ગેરાર્ડો સેબાલોસ કહે છે ૨૦૦૧થી ૨૦૧૪ દરમિયાન પૃથ્વી પરથી ૧૭૩ પ્રજાતિઓ ગાયબ થઇ ગઇ. ૫૧૫ પ્રજાતિઓ અત્યારે લુપ્તતાના આરે છે.

૨૦મી સદીમાં ૭૭ સ્તનધારી પ્રાણીઓ કાળના મુખમાં વિલિન થઇ ગયા અને પક્ષીઓની ૯૪ ટકા પ્રજાતિઓ નાશ પામી.  સામુહિક વિલુપ્તિનો આ છઠ્ઠો તબક્કો માણસને તેની છઠ્ઠી યાદ કરાવી રહ્યો છે. તેને રોકવો ખૂબ મુશ્કેલ છે. માણસની ભોગ વિલાસની તરસને નિયંત્રણ કરવી જેટલી મુશ્કેલ છે એટલો જ મુશ્કેલ. 

બીજા વિશ્વયુદ્ધ પછી આવેલા વૈશ્વિકકરણ અંતર્ગત ભૌતિકવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૃથ્વી પર પ્રાપ્ત સંશાધનોને ખતમ કરી કરીને આપણે આપણી ઇચ્છાઓ પૂરી કરી રહ્યા છીએ. મરઘી રોજ સોનાનું એક ઇંડુ આપે તેનાથી આપણને સંતોષ નથી, સંતોષ ન હોવાથી આપણે મરઘીને ચીરવાનું કામ કરી રહ્યા છીએ. તેના પાયામાં નફાખોર મલ્ટીનેશનલ કંપનીઓ રહેલી છે. તેઓ વધુને વધુ નફો મેળવવાની લાલચ સાથે વિજ્ઞાાપનો દ્વારા માણસનું માનસ બદલે છે. તેને પ્રતિદિન વધુને વધુ ભોગવાદી બનાવે છે.  

આપણી વાસનાને કારણે સંશાધનો નીચોવાઇ રહ્યા હોવાથી નદી, જંગલ અને પહાડો પર નિર્ભર વન્યજીવો પણ ખતમ થઇ રહ્યા છે. સ્ટેનફોર્ડ, પ્રિન્સ્ટન અને બર્કલે યુનિવર્સિટીના સંયુક્ત અભ્યાસમાં તારણ નીકળ્યું છે, છેલ્લા કેટલાક સમયમાં અનેક પ્રજાતિઓ અસામાન્ય ઝડપથી વિલુપ્ત થઇ છે.

આ અભ્યાસ વિજ્ઞાાન જગતની પ્રતિષ્ઠિત સાયન્સ એડવાન્સીઝ જર્નલમાં પ્રકાશિત થયો હતો. તેમાં જણાવાયુ છે કે, સન ૧૯૦૦થી આજ સુધીમાં કરોડરજ્જૂ ધરાવતી ૪૦૦ પ્રજાતિઓ નામશેષ થઇ ગઇ છે. સામાન્ય કરતાં સો ગણી વધારે ઝડપથી જીવો ગાયબ થઇ રહ્યા છે. જો આ જ સ્પીડ ચાલુ રહી તો માણસને ખતમ થવામાં ઝાઝી વાર લાગશે નહીં. કોરોના જેવું જ કોઇ બીજું સંકટ અથવા સંકટની વણઝાર ત્રાટકશે અને સમસ્ત મનુષ્ય જાતિના અસ્તિત્ત્વ પર સાવરણો ફેરવી દેશે. 

ગત બે સદીમાં ધરતી પરથી ગાયબ થયેલા જીવોમાં ૧૫૮ મત્સ્યપ્રજાતિ, ૧૪૬ ઉભય જીવીઓ, ૬૯ સ્તનધારીઓ, ૮૦ પક્ષીઓ અને ૨૪ સરિસૃપોનો સમાવેશ થાય છે. કરોડરજ્જૂ વિનાની પ્રજાતિની તુલનાએ કરોડરજ્જૂવાળી પ્રજાતિઓ ૧૧૪ ગણી વધારે ઝડપથી લુપ્ત થઇ રહી છે. સામાન્ય રીતે જેટલી પ્રજાતિઓને ખતમ થતાં ૧૦ હજાર વર્ષ લાગે તેટલી છેલ્લા ૧૦૦ વર્ષમાં નષ્ટ થઇ ચૂકી છે. 

ઇકો સિસ્ટમમાં એક જીવ પર બીજા ૩૦-૪૦ જીવ નિર્ભર હોય છે. એટલે જો એક ખતમ થાય તો આખી શૃંખલા પડી ભાંગે. ફળ અને પાકના ઉત્પાદનમાં મધમાખીની ભૂમિકા બહુ જ મહત્વની હોય છે. તે એક ફૂલથી બીજા ફૂલ પર બેસીને પરપરાગ નયનની પ્રક્રિયા કરે છે.  એક ફૂલની પરાગ રજ તેના શરીર પર ચોંટેલી હોય છે તે બીજા ફૂલ પર પહોંચતાં ઝપાટાભેર ફળ તથા વિવિધ પાકનું ઉત્પાદન થાય છે. 

એટલે જ એક વખત આઇન્સ્ટાઇને કહેલું, મધમાખીઓ લુપ્ત થઇ જશે તો માત્ર ચાર જ વર્ષમાં માણસ પણ લુપ્ત થઇ જશે. આમ આપણું અસ્તિત્ત્વ નાનકડી મધમાખી પર ટકેલું છે ને આપણને ખબર પણ નથી. આપણે સર્વશક્તિમાન હોવાના ઘમંડમાં ફર્યા કરીએ છીએ. કેટલા દયાપાત્ર છીએ આપણે!

વેટલેન્ડ ખતમ થવાથી પણ એટલી જ મોટી આફત ઊભી થઇ રહી છે. વેટલેન્ડ્સ અર્થાત જલપ્લાવિત ભૂમિ. પાણીને સાફ અને સંરક્ષિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ઉપરાંત તે અનેક પ્રાણીઓ તથા પક્ષીઓનું રહેઠાણ પણ છે. આ વેટલેન્ડ્સ વિકાસ યોજનાઓનો કોળિયો બની ચૂકી છે, બની રહી છે. ફલત: કુદરતી રીતે મળતા શુદ્ધ પાણીનું તો સંકટ ઊભું થયું જ છે સાથોસાથ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ પણ નામશેષ થવા લાગ્યા છે. વિજ્ઞાાનીઓના મતાનુસાર જૈવ વૈવિધ્યની બરબાદીની અસર પૃથ્વી પર લાંબા સમય સુધી જોવા મળશે. 

છઠ્ઠા વિલુપ્તિ કાળને સામેથી નોતરું આપીને આપણે આપણા જ પગ પર કુહાડો મારી રહ્યા છીએ. જેમ-જેમ વસ્તી વધતી જાય છે તેમ-તેમ જળ, જંગલ અને જમીન જેવા સંશાધનો  પરનું ભારણ પણ વધતું જાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પોલ એર્લીસ્ટ કહે છે કે આપણે જે ડાળ પર બેઠા છીએ તેને જ કાપવા અધીરા બન્યા છીએ. 

એક વખત સોક્રેટીસને દવાની દુકાનનું ઉદ્દઘાટન કરવા માટે બોલાવાયા. તેઓ ગયા. રીબન કાપી, ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓ પાડી, રંગેચંગે ઉદ્ઘાટન થયું. નવી દુકાન શરૂ કરનારે સોક્રેટીસને કશુંક ખરીદી બોણી કરાવવાનું કહ્યું. સોક્રેટીસે કહ્યું, મારે જરૂર નથી, તો હું શા માટે ખરીદી કરું? 

આ કિસ્સો જરૂર ન હોય ત્યાં સુધી કોઇપણ ચીજવસ્તુની ખરીદી ન કરવી તેવો સંદેશ આપે છે. તેનાથી બિલકુલ ઊંધું જીવન આપણે જીવી  રહ્યા છીએ. જરૂર ન હોય તોય આપણને એલેક્સા જોઇએ છે, એપલનો મોબાઇલ જોઇએ છે, મોંઘી કાર જોઇએ છે, આલિશાન બંગલો જોઇએ છે, શા માટે? તો કહે, બીજાને દેખાડવા માટે. બીજાને દેખાડવાની આપણી વૃત્તિ આપણી દેખાદેખીની બૂરી અસર પ્રાકૃતિક સંસાધનો પર પડી રહી છે.

આપણે જે ચીજવસ્તુઓ ખપમાં લઇએ છીએ તેનો કાચો માલ પ્રકૃતિમાંથી જ ક્યાંકથી આવતો હશે ને? કે બીજે ક્યાંયથી?  આઠ અબજ લોકોમાંથી વધુમાં વધુ લોકો દેખાદેખી કરવા લાગે તો જ્યાંથી આ ચીજવસ્તુઓનો કાચો માલ મેળવવામાં આવે છે તે જગ્યાની તે સંશાધનની કેવી ખો નીકળી જાય? 

ખાલી કપડાંનું જ ઉદાહરણ લઇ લો. આઠ અબજની વસ્તીનું અંગ ઢાંકવા માટે જેટલા કપાસની જરૂર પડે છે તેટલું ઉત્પાદન  કેમિકલ ફર્ટિલાઇઝર વિના સંભવ નથી. લાખો કરોડો ટન પાણી તેમાં ખર્ચાઇ જાય. એ રૂ  કારખાનામાં પહોંચે પછી કપડામાં રૂપાંતરિત થાય ત્યાં સુધીમાં અનેકગણું પાણી વપરાય છે, પ્રદૂષિત થાય છે.

સાડી ઉત્પાદનનું કેન્દ્ર જેતપુર જ જોઇ લો. ત્યાંના કારખાનાઓ દ્વારા સર્જવામાં  આવતા પ્રદૂષણને કારણે શું છાપરવડી નદીનું પાણી પીવા લાયક રહ્યું છે? આવા તો બીજા કેટલાય જેતપુર છે, કેટલીય છાપરવડી નદીઓ છે, તેની જીવ સૃષ્ટિનું શું? તેના પર નભતા માણસોનું શું? તેનો ક્યારેય વિચાર ન કરવાનું જ પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ.

આપણને એમ છે કે ઉદ્યોગો પ્રદૂષણ કરે છે. આઠ અબજની જનતાની જરૂરીયાત પૂરી કરવા માટે ખેતીવાડી કેટલું પ્રદૂષણ કરી રહી છે તેનો આપણને અંદાજ જ નથી. પ્રદૂષણની બાબતમાં આજની કૃષિ ઉદ્યોગોની સાથે ખભેખભો મિલાવીને ચાલી રહી છે ને સામાન્ય  માનવી આ બંને કરતા પણ વધારે પ્રદૂષણ સર્જી રહ્યો છે.

પૃથ્વી પર જેટલું પ્રદૂષણ થાય છે તેમાંથી ૬૦થી ૮૦ ટકા આપણી દૈનિક પ્રવૃત્તિમાંથી પેદા થાય છે.જે વિલુપ્તિકાળ શરૂ થયો છે તેને અટકાવવાનો અથવા ધીમો પાડવાનો એક જ રસ્તો છે આપણી દિનચર્યામાં, આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવવું. ને આ પરિવર્તન ક્યારે આવશે જ્યારે અંદરોઅંદરની હરિફાઇ, ઇર્ષા અને દેખાદેખી ઘટશે ત્યારે. સામેવાળાને દેખાડી દેવું છે-ની માનસિકતા રાખીને આપણે આપણા પોતાના હાથે ભાવિ પેઢીનું મર્ડર કરી રહ્યા છીએ. જેના પર કોઈ૩૦૨નો કેસ ચાલવાનો નથી. 

લોકડાઉન દરમિયાન આપણને જ્ઞાાન લાદ્યું કે કેટલી બધી બિનજરૂરી ચીજો વિના આપણે ચાલી જાય છે. આ આત્મજ્ઞાાન ક્યાં સુધી ટકી રહેશે તે જોવાનું છે. ભલે આપણે સો ટકા ન બદલાઈ શકીએ પણ ૬૦-૭૦ ટકા તો બદલાઈ શકીએ ને? ભલે બાજુવાળો ન બદલાય, પણ આપણે તો બદલાઈ શકીએ કે નહીં?  આપણે બદલાઈ જશું અને બીજાના નહીં બદલાવાથી આવતીકાલે પૃથ્વી ખતમ થશે તો આપણને કમસેકસ એટલો તો સંતોષ રહેશે જ કે આ બરબાદીમાં મારો કોઇ હાથ નથી. ભાવિ પેઢીની કતલનું લોહી મારા હાથ પર ચીપક્યું નથી. આ આત્મસંતોષ કોઇ નાનીસૂની વાત નહીં હોય. 

પ્રોફેસર સેબાલોસ કહે છે સામુહિક વિલુપ્તિના છઠ્ઠા તબક્કાને રોકવામાં નહીં આવે તો પૃથ્વી પર ફરીથી જીવન પાંગરવામાં લાખો વર્ષ વીતી જશે ને એ જોવા માટે આપણે તો નહીં જ હોય. તેમ ન થવા દેવા માટે આપણે આપણી જીવનશૈલી બદલાવવાનું અને જંગલો વધારવાનું અભિયાન હાથ ધરવું પડશે. જે કંઇ કરવાનું છે તે એક દસકામાં કરવાનું છે, પછીની સ્થિતિ આપણા હાથમાં રહેશે નહીં.

આજની નવી જોક

લીલી (છગનને): આજે આપણા લગ્નને પાંચ વર્ષ પૂરા થયાં. 

છગન: કાશ, લગ્નમાંય દર પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોત.

લીલી: હેં!?

Tags :