સાલ્વાટર મુંદી : લિયોનાર્ડોનું પેઈન્ટિંગ જ્યારે દુનિયાની નજરે ચડયું તો એ બેશકિંમતી બની ગયું, આજે એનું મૂલ્ય 35,86,77,25,000 રૂપિયા

Updated: Apr 9th, 2022


- તાજેતરમાં ટીપુ સુલતાને અંગ્રેજોને હરાવ્યા તે ઘટના દર્શાવતા ચિત્રની બ્રિટનમાં હરાજી થઈ હતી, ચિત્ર પાંચ કરોડ રૂપિયામાં વેચાયું હતું

- ઈન્ટરચેન્જ :  વિલિયમ ડી કૂનિંગના ચિત્રના2015માં 24,76,92,48,000 રૂપિયા ઉપજ્યા હતા

- ચિત્રકારોને વિચિત્ર અભિશાપ! : કારમી ગરીબી વેઠીને ચિત્રકારોએ સર્જેલા મહાન ચિત્રોને તેમના મૃત્યુ બાદ ધનવાનો અબજો રૂપિયામાં ખરીદે છે!

બેનમૂન ચિત્ર સર્જવા માટે ઈશ્વરીય વરદાન સમી કળાદૃષ્ટિ જોઈએ. એ ચિત્રને ઝીણવટથી સમજવા-મૂલવવા માટે પારખું નજર જોઈએ અને એને ખરીદવા માટે માતબર રકમ જોઈએ.

ચિત્રોના ખરીદ-વેચાણની બાબતમાં સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે ચિત્ર જ્યારે માતબર રકમે ખરીદાય ત્યારે એ સ્વીકારવા માટે ચિત્રકાર હયાત હોતો નથી. જેની પાસે ચિત્રને સમજવાની પારખું નજર છે તેની પાસે એ ખરીદવાના પૈસા હોતા નથી. જે ખરીદે છે એમાંથી ઘણાં ખરા પાસે એ ચિત્રની નિસ્બત સમજવા જેટલી પારખું નજર હોતી નથી!

આવો વિરોધાભાસ છતાં સદીઓથી ગરીબી વેઠીને ચિત્રકારો અદ્વિતીય ચિત્ર સર્જતા રહ્યા છે. એ ચિત્રોને સમયાંતરે પારખું નજરો ય મળતી રહી છે અને એ પછી કરોડો-અબજો રૂપિયા ખર્ચીને એ ચિત્રો ખરીદે તેવા કદરદાન ધનવાનો પણ મળતા રહ્યાં છે. દુનિયામાં અમુક ચિત્રો ખરેખર અમૂલ્ય છે. તેની કિંમત દુનિયાના એકેય દેશની કરન્સીમાં આંકી શકાય તેમ નથી. એવાં ચિત્રો આ પૃથ્વી પર જન્મેલા મહાન ચિત્રકારોની હયાતિની સાક્ષી પૂરતા હોય એમ કોઈને કોઈ વિખ્યાત સંગ્રહાલયોમાં સચવાયા છે. જેમ કે, લિયોનાર્ડો દ વિન્ચીનું આવું જ અદ્વિતીય ચિત્ર મોનાલીસા ફ્રાન્સના લુવ્ર મ્યુઝિયમમાં સચવાયેલું છે.

પણ તે સિવાયના ઘણાં ચિત્રોની હરાજી થતી રહે છે. તાજેતરમાં ટીપુ સુલતાને અંગ્રેજો સામેની લડાઈમાં વિજય મેળવ્યો હતો એ ઘટનાનું ચિત્ર બન્યું હતું. ધ બેટલ ઓફ પોલિલૂર નામથી વિખ્યાત એ પેઈન્ટિંગની હરાજી થઈ હતી. બ્રિટનમાં થયેલી એ હરાજીમાં ચિત્રના પાંચ લાખ પાઉન્ડ એટલે કે અંદાજે પાંચ લાખ કરોડ રૂપિયા ઉપજ્યા હતા. ચિત્રમાં અંગ્રેજ સૈનિકો રણભૂમિમાંથી ભાગી જતા હોય એ દૃશ્ય કંડારાયું હતું. કહે છે કે ટીપુ સુલતાને એ ચિત્ર તેના રાજમહેલની દીવાલમાં મઢાવ્યું હતું.અગાઉ થયેલી હરાજીના આધારે ઊંચી કિંમતે વેચાયેલા ચિત્રોની થોડીક જાણકારી મેળવી લઈએ.

સાલ્વાટર મુંદી : સાઉદીના સાંસ્કૃતિક મંત્રીએ 35 અબજ રૂપિયા ચૂકવ્યા

સાલ્વાટર મુંદી, જેનો અર્થ થાય છે સેવિયર ઓફ ધ વર્લ્ડ. એટલે કે દુનિયાના તારણહાર. આ ચિત્ર મહાન ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્ચીએ બનાવ્યું હતું. આ ચિત્રની ઘણી ખાસિયતો છે. વર્ષો સુધી ગુમ રહેલા આ ચિત્રને ૨૦૧૭માં શોધી કાઢવામાં આવ્યું હતું અને પછી તેને રીસ્ટોર કરાયું હતું. એટલે કે જર્જરિત હાલતમાં રહેલા ચિત્રને કુશળ ચિત્રકારોએ સરખું કરી આપ્યું હતું. ૧૫૦૦ના વર્ષમાં સર્જાયેલું આ ચિત્ર ૨૦૧૭માં સાઉદીના સાંસ્કૃતિક મંત્રી અબ્દુલ અલ સાઉદે ખરીદ્યું હતું. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આદેશથી ખરીદાયેલા આ ચિત્ર માટે ૪૭૫ લાખ ડોલર એટલે કે અંદાજે ૩૫,૮૬,૭૭,૨૫,૦૦૦ રૂપિયા ચૂકવાયા હતાં.

ઈન્ટરચેન્જ : ટ્રેન્ડસેટર ચિત્રની ઊંચી બોલી લાગી હતી

વિલિયમ ડી કૂનિંગના ઈન્ટરચેન્જ ચિત્રની હરાજી ૨૦૧૫માં થઈ હતી. આ ચિત્રથી એબસ્ટ્રેક્ટ ચિત્રોના સર્જનને બળ મળ્યું હતું. ૨૦મી સદીના જાણીતા ડચ-અમેરિકન ચિત્રકાર વિલિયમ ડી કૂનિંગે ૧૯૫૫માં એ ચિત્ર બનાવ્યું હતું. તે વખતે એબસ્ટ્રેક્ટ એક્સપ્રેશનીઝમ પૂરજોશમાં હતું. ૨૦૧૫માં અમેરિકન ઉદ્યોગ સાહસિકે ઓક્શન માટે નક્કી થયેલી રકમ કરતાં ૨૮ મિલિયન ડોલર વધારે આપીને આ ચિત્ર ખરીદ્યું હતું.

ધ કાર્ડ પ્લેયર : ફ્રેન્ચ ચિત્રકારનું સર્જન કતાર રાજપરિવારે ખરીદ્યું

ફ્રેન્ચ આર્ટિસ્ટ પૌલ સેઝાને ૧૮૯૨-૯૩માં કાર્ડ પ્લેયર સીરિઝના ઘણાં ચિત્રો બનાવ્યા હતા. એમાં પત્તા રમતા જુગારીઓને કંડાર્યા હતા. પૌલ સેઝાનના કાર્ડ પ્લેયરની સીરિઝ ઓક્શનમાં લોકપ્રિય રહી છે. અગાઉ પણ ઘણાં ચિત્રો ઊંચા દામથી વેચાયા હતા. ૨૦૧૧માં પૌલનું આ સીરિઝનું એક ચિત્ર કતારના રાજવી પરિવારે ખરીદ્યું હતું. એ માટે ૨૮૮ લાખ ડોલર એટલે કે અંદાજે ૨૧.૭૪ અબજ રૂપિયા ખર્ચ્યા હતા.

ટોપ-10માં પાંચ ચિત્રોના 20 કરોડ ડોલર કરતાં વધુ ઉપજ્યા

ઊંચા ભાવે વેંચાયેલા ટોપ-૧૦ ચિત્રોમાંથી એક ચિત્ર ૪૦ કરોડ ડોલર કરતાં વધુમાં, એક ચિત્ર ૩૦ કરોડ ડોલર કરતાં વધુમાં વેચાયું છે. તે સિવાયના પાંચ ચિત્રોની કિંમત ૨૦ કરોડ ડોલર કરતાં વધુ મળી હતી. ફ્રેન્ચ ચિત્રકાર પૌલ ગોગ્યૂઈને ૧૮૯૨માં બનાવેલા નાફા ફા ઈપોઈપો ચિત્રના ૨૦૧૪માં ૨૨.૯ કરોડ ડોલર ઉપજ્યા હતા. તો જેક્સન પોલોકે ૧૯૪૯માં સર્જેલું નંબર ૧૭એ ચિત્ર ૨૦૧૫માં ૨૧.૮ કરોડ ડોલરમાં ખરીદાયું હતું. ઓસ્ટ્રિયન ચિત્રકાર ગુસ્તેવ ક્લીમ્ટનું ચિત્ર વાસેર્ચીલેન્ગેનની કિંમત ૨૦.૩ કરોડ ડોલર ઉપજી હતી.

ઈટાલીયન ચિત્રકાર અમેન્ડીઓ મોડિગ્લિયાનીએ બનાવેલા ન્યૂડ શ્રેણીના ચિત્રો ય ઓક્શનમાં ખૂબ લોકપ્રિય રહ્યા છે. આધુનિક શૈલીના આ ચિત્રકાર માત્ર ૩૫ વર્ષની વયે ૧૯૨૦માં મૃત્યુ પામ્યા હતા, પરંતુ ૧૯૧૦થી ૧૯૨૦ દરમિયાન તેમણે બનાવેલા ન્યૂડ મોડેલના ચિત્રો આજેય ઊંચા દામે વેચાય છે. ટોપ-૨૦માં તેના ચાર-પાંચ ચિત્રોનો સમાવેશ થાય છે અને મોટાભાગના ચિત્રોને ૧૫ કરોડ ડોલરથી ૧૯ કરોડ ડોલર સુધીની રકમ મળી છે. વિન્સેન્ટ વાનનું પોટ્રેટ ઓફ ડો. ગેચેટ ૧૮૯૦માં બન્યું હતું. બરાબર ૧૦૦ વર્ષ પછી ૧૯૯૦માં તેની હરાજી થઈ ત્યારે તેના ૧૬.૩ કરોડ રૂપિયા ઉપજ્યા હતા. પાબ્લો પિકાસોનું લી રીવી નામનું ચિત્ર ૨૦૧૩માં ૧૭.૨ કરોડ ડોલરમાં વેચાયું હતું.

જે ચિત્રો ઓક્શન હાઉસ મારફતે વેચાય તેની કિંમત જાહેર થતી હોય છે. એ સિવાય જાણીતા ચિત્રોના અસંખ્ય ખાનગી સોદા પાર પડતા હોય છે. તેની કિંમત જાહેર થતી નથી. વેચનાર અને ખરીદનાર બંને એ સોદો ગુપ્ત રાખે છે. તેના કારણે કેટલાય ચિત્રા આટલા જ ઊંચા મૂલ્યથી વેચાયા હોય છતાં એના નામે રેકોર્ડ નોંધાતો નથી. શક્ય છે કે કોઈ ચિત્ર આ તમામ ચિત્રો કરતાં પણ ઊંચા દામે વેચાયું હોય, પરંતુ જો તેનો ખાનગી સોદો થયો હોય તો સાચી કિંમત ક્યારેય જાહેર થતી નથી. એટલે આમ જોઈએ તો સૌથી મોંઘા ચિત્રોની આ યાદી ક્યારેય પૂરી ગણાય નહીં. છતાં આ કિંમતના આધારે એવો અંદાજ બિલકુલ લગાવી શકાય કે જાણીતા ચિત્રકારોના ચિત્રો આપણી કલ્પના બહારનું મૂલ્ય મેળવે છે. એમાંથી મોટાભાગના ચિત્રકારોએ પારાવાર આર્થિક મુશ્કેલી વેઠીને ચિત્રો બનાવ્યા હોય છે, પણ કરોડો-અબજો રૂપિયાની કિંમત મેળવવા જેટલા નસીબદાર એમાંથી ભાગ્યે જ કોઈ બને છે!

આજની નવી જોક

છગન : દીકરા આ વખતે ૯૦ ટકા માર્ક્સ લાવજે

ચિંટુ : ના. ના. આ વખતે ૧૦૦ ટકા લાવીશ.

છગન : મારી સાથે મજાક કરે છે?

ચિંટુ : શરૂઆત કોણે કરી?

હેં! હોય નહીં?

પેઈન્ટિંગ દુનિયાની સૌથી જૂની કળા છે. હોમોશેપિયન્સ પ્રકારના આદિમાનવનું જે સમયે પૃથ્વી પર અસ્તિત્વ હતું તે સમયના ચિત્રો ખોદકામ દરમિયાન ગુફાઓમાંથી મળી આવ્યા છે. જૂનામાં જૂના જે ચિત્રનો દસ્તાવેજ મળ્યો છે તે લગભગ ૩૦ હજાર વર્ષ પહેલાંનો છે. એ વખતે ચિત્રો પ્રાણીના લોહી અને માંસમાંથી બનાવાયા હતા!

ઓઈલ પેઈન્ટિંગનો સૌથી શરૂઆતી દસ્તાવેજ ૧૪મી સદીનો મળે છે. એ વખતે ઈંડાની પેસ્ટ બનાવીને ખાસ કલર તૈયાર થતો હતો અને એનો ચિત્રમાં ઉપયોગ કરાતો હતો. એ વખતે ચિત્રકારોમાં એવી માન્યતા હતી કે આ તરકીબ ચિત્રને લાંબાંગાળા સુધી સાચવવા માટે ઉપયોગી છે.

પેઈન્ટિંગના ક્ષેત્રમાં બીજા વિશ્વયુદ્ધ પછી અણધાર્યું પરિવર્તન આવ્યું હતું. એ વખતે સપ્લાય ચેન તૂટી પડતાં ચિત્રકારોને જરૂરી ચીજવસ્તુઓ મળતી ન હતી. તેના કારણે ઉત્પાદકોએ નવા નવા સંશોધનો કર્યા. તેના પરિણામે કલરથી લઈને કાગળ સુધીમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો.

ઈથિયોપિયાના એક ઘરમાં ઘૂળ ખાતા ચિત્રની કિંમત 1200 કરોડ રૂપિયા!

ઈથિયોપિયાના ટૂલો નામના એક નાનકડાં ટાઉનમાંથી ૨૦૧૪માં ફ્રાન્સના પેઈન્ટિંગ એક્સપર્ટ એરિક તુર્કિને એક ધૂળ ખાતું ચિત્ર શોધી કાઢ્યું હતું. એક સાધારણ પરિવારના નાનકડા ઘરની જર્જરિત દીવાલમાં માઈકલ એન્જેલોનું સદીઓથી ગુમ ચિત્ર જ્યૂડિથ એન્ડ હોલોફેરનેસ લટકતું જોઈને એરિક તુર્કિનને ભારે આશ્વર્ય થયું હતું. એ ચિત્રની ખરાઈ કરાવી હતી તો એ ઓરિજિનલ હોવાનું જણાયું હતું. ૧૬૦૭માં સર્જાયેલું આ ચિત્ર થોડા વર્ષો બાદ ગુમ થઈ ગયું હતું. પછીથી એની શોધ થઈ હતી, પરંતુ ભાળ મળી ન હતી. ચિત્રની સાથે બે પત્રો મળ્યા હતા, જેમાં ઈટાલીના મનતુઆ રાજ્યના રાજાને સંબોધીને પત્ર વિશે વિગતો આપવામાં આવી હતી. તેના આધારે એ મૂળ ચિત્ર હોવાનું મનાયું હતું. ચિત્રની કિંમત ૧૭૦ લાખ ડોલર એટલે કે અંદાજે ૧૨૦૦ કરોડ રૂપિયા છે. તેને જાહેર ઓક્શનમાં મૂકવાનું હતું, પરંતુ જે ટોમિસન હિલ નામના ધનવાને તેને ગુપ્ત રીતે ખરીદી લીધું હતું. તેણે આ ચિત્ર માટે ૧૨૦થી ૧૭૦ લાખ ડોલર ચૂકવ્યા હોવાની શક્યતા છે. ઘણાં કિસ્સામાં ચિત્ર ખરીદનાર તેની વિગતો જાહેર કરવાનું ટાળે છે. તેના કારણે અમુક ખાનગી સોદામાં ચિત્રો ખૂબ જ ઊંચી કિમતે વેચાયો હોવા છતાં તેની સાચી રકમ જાણી શકાતી નથી.

    Sports

    RECENT NEWS