For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિદેશી મૂળ ધરાવતા ભારતીય ખાનપાન

Updated: Jul 29th, 2021

Article Content Image

- આશ્ચર્ય તો એ વાતનું છે કે પોર્ટુગીઝ ભારતમાં બટેટા લાવ્યા એ પહેલા આપણે ફરાળ શેનું કરતા હોઈશું!?

- જલેબી અને નાન ઇરાની, દાળભાત નેપાળી, રાજમા મેક્સિકન ફૂડ આઇટમ છે

- આજે સૌથી વધુ ઑનલાઇન ઑર્ડર જેનો અપાય છે તે બિરયાની મોગલો દ્વારા ભારતમાં લવાઈ છે

માનવ જાતિનો ઈતિહાસ સ્થળાંતરોનો ઇતિહાસ છે. કોઈ વ્યક્તિ જ્યારે તેનું વતન છોડીને જાય ત્યારે એક આખી સંસ્કૃતિ તેની સાથે સ્થળાંતર કરતી હોય છે. સંસ્કૃતિ એટલે  ભાષા, રીતિરીવાજો, ઉપાસના પદ્ધતિ, પહેરવેશ, લોકકળાઓ અને ખાન-પાન. સ્થળાંતરિત થયેલા લોકો નવી સંસ્કૃતિમાં સાકરની જેમ ભળી જાય છે તો સાથોસાથ દૂધને જરાક ગળ્યું પણ કરે છે. ઘણી વાર તો વિદેશથી આવેલી કોઈ ફૂડ આઈટમ કે કોઈ શબ્દ કે કોઈ કળા બીજા દેશમાં વાઈરલ બની જાય છે. ઘણી વખત મૂળ રૂપમાં તો ઘણી વખત બદલાયેલાં રંગ-રૂપ સાથે. આજે એવી કેટલીક ખાણીપીણીની વાત કરવી છે, જે વિદેશથી આવી અને ભારતીયોની પોતિકી બની ગઈ.

(૧) નાનઃ 

ગુજરાતની હોટલોમાં ગુજરાતીથી વધારે પંજાબી ફૂડ ખવાય છે અને તેમાં પનીરના શાક સાથે અચૂક ઓર્ડર હોય છે નાનનો. તમને જાણીને નવાઈ લાગશે કે નાન ભારતીય નહીં પણ ઈરાનિયન ખાદ્ય પદાર્થ છે. નાન જે તંદુર પર પકવવામાં આવે છે એ તંદુર જ ઈરાનથી વાયા અફઘાનિસ્તાન ભારત આવેલા છે. અફઘાનિસ્તાનથી કાશ્મીર, કાશ્મીરથી પંજાબ અને ત્યાંથી આખા ભારતમાં ફેલાયા. આજે ઈરાનિયનો કરતાં વધારે નાન ભારતીયો ખાય છે. હવે અમેરિકા યુરોપમાં પણ નાન મળે છે.

(૨) ચાઃ

આ મૂળે ચાઈનીઝ પીણું. અંગ્રેજો ભારત લઈ આવ્યા અને ત્યાંથી લગભગ સમગ્ર વિશ્વમાં ફેલાયું. ચા, કોફી અને કોકોનો ઈતિહાસ સંસ્થાનવાદી ઈતિહાસ સાથે ગજબનો તાલમેલ ધરાવે છે. જે દેશો પર અંગ્રેજોનું રાજ રહ્યું ત્યાં ચા વધારે લોકપ્રિય છે તો જે દેશો પર સ્પેન્યાર્ડ્સનું રાજ રહ્યું ત્યાં કોકો. ભારતમાં ચામાં જેટલું દૂધ મિક્સ કરાય છે એટલું બીજે ક્યાંય કરાતું નથી. સ્વાસ્થ્યપ્રેમીઓમાં ગ્રીન ટી પીવાનું ચલણ વધતું જાય છે. આરોગ્યપ્રેમીઓ તેમાં મધ અને આદુ ઉમેરીને તેને ઓર આરોગ્યપ્રદ બનાવે છે. ચીનમાં ચા દવા તરીકે પીવાતી. કાફેમાં કે રેસ્ટોરાંના મેનુમાં હર્બલ ટી વાંચવા મળે તો આમ નવું લાગે પણ આમ આ જરાય નવું નથી. 

(૩) કોફીઃ 

પશ્ચિમી દેશોમાં કોફી ચા કરતાં પણ વધારે લોકપ્રિય પીણું છે. ચાહે તે બ્રાઝિલની કોફી હોય, કુર્ગની હોય કે બીજે ક્યાંયની. આજે દુનિયામાં લગભગ બધે જ કોફી પીવાય છે. પણ કોફીની શરૂઆત ક્યાંથી થઈ? જવાબ છે, ઇથિયોપિયાથી. સાતમી સદીમાં ઇથિયોપિયામાં બકરી ચરાવતા ભરવાડે જોયું કે બકરીઓ અસમાન્ય રીતે કૂદકા મારી રહી છે. તેણે એ છોડનો અભ્યાસ કર્યો, જે બકરીઓ ચરી ગઈ હતી. એ કૉફી પ્લાન્ટ હતો. ઝેન સંતોને ચા પ્રિય છે, તેમ યમનના સુફી સંતોને કૉફી પ્રિય હતી. આરબ અને આફ્રિકાથી દુનિયાના બીજા દેશોમાં તે પહોંચતી થઈ. આજે લગભગ ૭૦ દેશોમાં કૉફી ઉગાડવામાં આવે છે. ૧૬મી સદીના સુફી સંત બાબા બુદને કોફી ભારતમાં ઈન્ટ્રોડયુસ કરી. 

(૪) સમોસાઃ 

ભારતનું લગભગ એકેય ગામ એવું નહીં હોય, ખાસ કરીને ઉત્તર ભારતનું કે જ્યાં સવારે, બપોરે, સાંજે સમોસાનો નાસ્તો અવેલેબલ ન હોય. આ સમોસાની શરૂઆત પણ મધ્યપૂર્વમાં થયેલી છે. ઈરાનના લોકો તેનું સંબોસા એવું ઉચ્ચારણ કરતા. નાનની જેમ આજે સંબોસાને પણ ઈરાનિયનો ભૂલી ચૂક્યા છે અને ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયામાં તે લોકપ્રિય બની ગયાં છે. 

(૫) ગુલાબજાંબુઃ 

નામ વાંચતા જ મોંમાં પાણી આવી જાય. લાઈવ ગુલાબજાંબુ તો આજે પણ લગ્ન પ્રસંગમાં જબરદસ્ત લોકપ્રિય છે. ભૂમધ્ય પ્રદેશોની એક વાનગી હતી જેમાં ફેરફાર કરીને મોગલ બાદશાહ શાહજહાંના રસોઈયાએ ગુલાબજાંબુની ડીશ વિકસાવી. મૂળ નામ ગુલાબજાંમુન છે, જે ફારસી છે. આજે તહેવાર હોય કે શુભ અવસર ગુલાબજાંબુ આપણી થાળીનું અવિભાજ્ય અંગ બની ગયા છે. ગુલાબજાંબુ જેના પરથી બનાવવામાં આવ્યા તે મૂળ વાનગીનું ફારસી નામ લૂકમત અલ કદી.

(૬) રાજમાઃ 

તમે ઉત્તર ભારતના પ્રવાસે નીકળ્યા હો અને બપોરે હળવું છતાં પેટ ભરાય જાય એવું ભોજન જમવા માગતા હો તો શ્રેષ્ઠ વિકલ્પ છે રાજમા ચાવલ. કઠોળની શ્રેણીમાં આવતાં રાજમાને કિડનીબીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કિડની માટે તે ખૂબ ફાયદાકારક છે. રાજમા મૂળે મેક્સિકન ફૂડ આઈટમ છે. ત્યાંથી ભારત આવી અને ભારતીય શૈલી પ્રમાણે રંધાતા રાજમાનું શાક ખાવાનો ટ્રેન્ડ શરૂ થયો. રાજમા ગ્વાટેમાલા અને મધ્ય મેક્સિકોથી ભારત આવેલા છે. 

(૭) જલેબીઃ

ગાંઠિયા અને જલેબી વિના ગુજરાતનો ઈતિહાસ અધૂરો. ઈતિહાસ તો શું પણ વર્તમાન પણ અધૂરો.  જલેબી વિનાના ગાંઠિયા પણ અધૂરા લાગે, ગળે ન ઊતરે. ગુજરાતમાં અત્યંત લોકપ્રિય એવી જલેબી ગુજરાત સિવાયના ઉત્તર ભારતીય પ્રાંતોમાં પણ લોકપ્રિય છે. ઘણી જગ્યાએ તો માત્ર ને માત્ર ગરમ જલેબી પણ મળતી હોય છે. ગરમ જલેબીની બાઈટ લેવામાં આવે ત્યારે ચાસણીના  ફુવારાની સાથોસાથ મોંમાં પાચક રસના પણ ફુવારા છૂટે છે. આ જલેબી પણ ઈરાનથી આવેલી છે. પ્રાચીન ફારસ દેશમાં જલેબી ઝલેબિયા તરીકે ઓળખાતી. તેના ગૂંચડા જેવા ગોળ, સ્પાઈરલ, સર્પિલ આકારને લીધે હાસ્ય કલાકારો તેને પત્ની સાથે પણ સરખાવે છે. જલેબી જેવો સીધો એવી કહેવત દર્શાવે છે કે આ ફૂડ આઈટમ આપણી પરંપરામાં ઊંડે સુધી ઊતરી ચૂકી છે. 

(૮) દાળ-ભાતઃ 

આ નામ વાંચીને વિશ્વાસ ન આવે. એવું થાય કે દાળ-ભાત થોડી વિદેશી આઈટમ હોય? ગુસ્સો પણ આવી જાય, પણ આ સાચું છે. ઉત્તર ભારતમાં ભોજનનું સમાપન દાળ-ભાતથી જ થાય છે. આ ડીશ પણ આપણી નથી જ. તે બહુ આઘેની નથી, બસ નેપાળથી જ આવેલી છે. ગુજરાતીઓને ભલે દાળ-ભાતીયા તરીકે ઓળખવામાં આવે પરંતુ તે ખાવાનું મૂળ ચલણ નેપાળીઓનું. ભારતીયોએ તેને પોતાની આઈટમ બનાવી. અનેક પ્રકારની દાળ અને અનેક પ્રકારના ભાત અવેલેબલ બનાવી લીધા છે.

(૯) ઈડલીઃ 

ઢોકળાની નાની બહેન જેવી ઈડલી પણ આજે ગુજરાતમાં પ્રિય નાસ્તો છે.  આપણે ભલે તેને દક્ષિણ ભારતીય આહાર તરીકે ઓળખીએ, કિંતુ તેના મૂળ અને કૂળ ક્યાંક બીજેના છે. ૧૭મી સદીના ક્લાસિક  તમિલ સાહિત્યમાં ઈડલીનો ઉલ્લેખ ઈટ્ટલ્લી તરીકે કરવામાં આવ્યો છે. મૂળે આ વાનગી ઈન્ડોનેશિયાથી ભારત આવેલી છે. ઇન્ડોનેશિયાના રાજાઓ દક્ષિણ ભારતના મહેમાન બનતા ત્યારે તેમના રસોઈયાઓએ આપણા રસોઈયાઓને ઈડલી બનાવતાં શીખવેલું. મહેમાન તો જતા રહ્યા પરંતુ ઇડલી પોતાનું ઘર સમજીને રોકાઈ પડી છે. દક્ષિણ ભારતમાં ઇડલી અને ઢોસા સાથે ટોપરાની ચટણી પીરસવામાં આવે છે તે ચટની શબ્દ મરાઠીઓએ આપેલો છે. શિવાજીના પુત્ર સંભાજીએ દક્ષિણ ભારતના મહેમાન બનીને ત્યાં કોકમને બદલે આંબલીનો ઉપયોગ કરીને જે દાળ પહેલી વખત બનાવી તે સાંભાર તરીકે ફેમસ બની ગઈ. સાંભાર શબ્દ સંભાજી પરથી આવેલો છે. સંભારો શબ્દ સાંભાર પરથી તો નહીં આવ્યો હોયને? બ્રહ્મ જિજ્ઞાાસા.

(૧૦) બિરયાનીઃ 

આજે સૌથી વધારે ઑનલાઈન ઓર્ડર થતું ફૂડ કોઈ હોય તો તે બિરયાની છે. ભારતના દરેક રાજ્યને બિરયાનીનું પોતાનું વર્ઝન છે. મોગલોએ મધ્ય એશિયામાંથી ભારત પર ચઢાઈ કરી ત્યારે તેઓ તેમની સાથે આ વાનગી લાવેલા. આજે આપણે જે પેંડા ખાઈએ છીએ તે પણ પહેલી વખત મોગલોના રસોડામાં બનેલા. છપ્પન ભોગમાં ધરવામાં આવતા છપ્પનમાંથી વીસ ભોગ મોગલ ઈતિહાસ સાથે સંકળાયેલા છે. 

(૧૧) બટેટાઃ 

બટેટા વિના ગુજરાતી થાળીની કલ્પના કરવી અસંભવ છે. આજે આપણા દરેક શાકમાં બટેટા પડે છે. મોટા ભાગના ઘરોમાં બપોરનું શાક બટેટાનું હોય છે. તેનો વ્યાપ સૂકી ભાજીથી લઈ આલુપરોઠા સુધીનો છે. ભૂંગળા બટેટાથી લઇને બટેટાવડા સુધીનો છે. આલુચિપ્સથી લઈ અને દમઆલુ સુધીનો છે. કોઈએ ઉપવાસ કર્યો હોય તો એ  બટેટાનો ચેવડો અથવા સાબુદાણા બટેટાની ખીચડી ખાઈને ફરાળ (મૂળ શબ્દ ફલાહાર) કરે છે. આ બટેટા આજથી ૧૦,૦૦૦ વર્ષ પહેલા દક્ષિણ અમેરિકામાં ઉગાડવામાં આવતા. ઇ પૂ ૮૦૦૦માં પેરુમાં. ૧૬મી સદીમાં દક્ષિણ અમેરિકા પર હુમલો કર્યા પછી સ્પેનિશો અને પોર્ટુગીઝોએ તેનો સ્વાદ ચાખ્યો. ૧૭મી સદીના પ્રારંભમાં  પોર્ટુગીઝોએ ભારતમાં પણ બટેટા ઈન્ટ્રોડયુસ કર્યા. બટાટા શબ્દ પણ પોર્ટુગીઝ છે. ૧૮મી સદીમાં અંગ્રેજોએ બંગાળમાં બટેટાને પાક તરીકે લેવાની ફરજ પાડી. સુરતના ગાર્ડનમાં બટેટા ઉગાડવામાં આવતા હોવાનું ૧૬૭૫ના અંગ્રેજી પ્રવાસના વર્ણનોમાં વાંચવામાં આવે છે. અહીં એક રમૂજી સવાલ એ થાય છે કે જ્યારે બટેટા નહોતા ત્યારે ભારતીયો ફરાળમાં ખાતા શું?

બટેટા ઉપરાંત ટમેટા (ટમેટા શાક નથી, ફ્રુટ છે.), મગફળી, મકાઈ, પપૈયા, અનાનસ, જામફળ, જેમાંથી આપણે સાબુદાણા બનાવીએ છીએ  અને જેમાંથી ઇથેનોલ પણ બની શકે છે તે પોપીઓકા, એવોકેડો, કાજુ, ચીકુ, મરચાં પોર્ટુગીઝો દ્વારા ભારતમાં ઈન્ટ્રોડયુસ કરવામાં આવેલા. લાલ મરચું, તમાકુ, ચા, સેન્ડવીચ વગેરે અંગ્રેજો દ્વારા ભારતમાં લાવવામાં આવેલા છે. સેન્ડવીચ નામનું એક ગામ હતું. ત્યાંના જુગારીઓને પત્તા રમતા-રમતા ખાઈ શકાય એવી કોઈ આઇટમ જોઈતી હતી. તેમાંથી સેન્ડવીચ આવી.

પીઝા, બર્ગર, નૂડલ્સ, હોટડોગ, મોમોઝ વિદેશી છે એ તો સુવિદિત છે તો પછી એના વિશે શું લખવું? એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચ્યા હોય એવા ખાનપાનનો પાછો અલગ ઈતિહાસ છે. વિદેશમાં ફેમસ થયેલી ભારતીય ફૂડ આઇટમોની વાત ફરી ક્યારેક. અત્યારે આટલું જ.

આજની નવી જોક

મગન બેઠા-બેઠા વિચારે ચડી ગયો.

છગન- શું થયું?

મગન- બે સવાલના જવાબ નથી મળતા.

છગન- કયા-કયા?

મગન- એક, પહેલી વખત ઘડિયાળ બનાવી તેણે સમય કઈ રીતે મેળવ્યો હશે? બીજું, પહેલી વખત દહીં બનાવ્યું તેણે મેળવણની વ્યવસ્થા કઈ રીતે કરી હશે?

છગન- હેં!?

Gujarat