For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રશિયા-યૂક્રેનના વિવાદના મૂળમાં નાટો સંગઠન

Updated: Mar 1st, 2022


- નાટોના વ્યાપ દ્વારા રશિયાને ચોતરફથી  ઘેરવા અમેરિકા પ્રયાસ કરે છે

- યૂક્રેન નાટોમાં સામેલ ન થાય એ માટે પુતિનના પેંતરાં

- પુતિન સંઘર્ષને જ પોતાનું મહત્ત્વ અને તાકાત વધારવાના સાધન તરીકે જોઇ રહ્યાં છે

છેવટે જેનો ડર આખી દુનિયાને હતો એ સાચો ઠર્યો છે. રશિયાએ યૂક્રેન ઉપર હુમલા શરૂ કરી દીધાં છે. અગાઉ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યૂક્રેનના બે પ્રાંત ડોનેત્સ્ક અને લુહાન્સ્કને અલગ દેશ તરીકેની માન્યતા આપીને રશિયન સેનાને ત્યાં આગેકૂચ કરવાના આદેશ આપ્યાં ત્યારે જ સ્પષ્ટ બની ગયું હતું કે હવે જંગની ઘડીઓ ગણાઇ રહી છે.

રશિયા અને યૂક્રેન વચ્ચેના વિવાદના મૂળમાં નાટો ગણાય છે. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ૧૯૪૯માં સ્થાપવામાં આવ્યું હતું. યૂક્રેન નાટોમાં સામેલ થવા માંગે છે પરંતુ રશિયા એ માટે રાજી નથી. રશિયાને લાગે છે કે જો યૂક્રેન નાટોમાં સામેલ થઇ ગયું તો નાટો દેશોના સૈનિકો અને લશ્કરી મથકો તેમની સરહદ પાસે તૈનાત થઇ જશે.

રશિયા અને યૂક્રેન વચ્ચેનો વિવાદ નવો નથી. અગાઉ પણ બંને દેશો અનેક વખત તણાવ પેદા થઇ ચૂક્યો છે. ૨૦૧૪માં જ્યારે યૂક્રેનમાં ક્રાંતિ થઇ હતી ત્યારે રશિયાના સમર્થક મનાતા રાષ્ટ્રપતિ વિકટર યાનુકોવિચે પોતાનું પદ છોડવું પડયું હતું. એ વખતે રશિયાએ યૂક્રેનમાં હસ્તક્ષેપ કરીને ક્રીમિયામાં રશિયન સેના મોકલી હતી અને તેને પોતાના કબજામાં કરી લીધું હતું. ક્રીમિયા ઉપર કબજો લેવા અંગે રશિયાએ એવી સ્પષ્ટતા કરી હતી કે ત્યાં રશિયન મૂળના લોકોની બહુમતિ છે જેમના હિતોની રક્ષા કરવી રશિયાની જવાબદારી છે. એ તો હકીકત છે કે ક્રીમિયામાં સૌથી વધારે વસતી રશિયન લોકોની છે. એ પછી ત્યાંની વસતીમાં યૂક્રેની, તાતર, આર્મેનિયન, પોલીશ અને મોલ્દાવિયાઇ લોકોનો સમાવેશ થાય છે. 

એ પછી ૬ માર્ચ ૨૦૧૪ના દિવસે ક્રીમિયન સંસદે રશિયન સંઘનો હિસ્સો બનવાની તરફેણમાં મતદાન કર્યું હતું. આ જનમત સંગ્રહને આધાર બનાવીને રશિયાએ ૧૮ માર્ચ ૨૦૧૮ના દિવસે ક્રીમિયાને રશિયામાં ભેળવી દીધું. યૂક્રેન સહિત પશ્ચિમી દેશોએ રશિયાના આ પગલાંનો ભારે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ક્રીમિયા ૧૭મી સદીથી રશિયાનો હિસ્સો રહ્યું છે. પરંતુ ૧૯૫૪માં તત્કાલિન સોવિયેત સંઘના રાષ્ટ્રપતિ નિકેતા ખુ્રશ્રેવે ક્રીમિયાને ભેટ તરીકે યૂક્રેનને આપી દીધું હતું. ક્રીમિયા સંકટ બાદ યૂ.એન. તેમજ યુરોપિયન યુનિયને રશિયા ઉપર અનેક આકરા પ્રતિબંધો મૂક્યાં હતાં પરંતુ રશિયા ઉપર આ પ્રતિબંધોની ખાસ અસર પડી નહીં. અને હવે રશિયાએ આ ક્ષેત્રમાં ફરી અમેરિકા તેમજ યુરોપના દેશોને ઉશ્કેરી રહ્યું છે.

હકીકતમાં રશિયા અને યૂક્રેન વચ્ચેના વર્તમાન વિવાદના મૂળ શીતયુદ્ધમાં રહેલાં છે. શીતયુદ્ધ એ છજ્ઞા યુદ્ધનો એવો પ્રકાર છે જેમાં શત્રુદેશો સામસામે હથિયારો કે સેના વડે યુદ્ધ લડતા નથી. ખરેખર તો શીતયુદ્ધમાં શત્રુ રાષ્ટ્રો એકબીજા ઉપર કૂટનીતિક દાવપેંચો અપનાવે છે અને જૂથબંધી દ્વારા એકબીજા ઉપર દબાણ સર્જવાના ખેલ કરે છે. શીતયુદ્ધનો આરંભ અમેરિકા અને તત્કાલિન સોવિયેત સંઘ વચ્ચે બીજા વિશ્વયુદ્ધ પછી મતભેદો સર્જાયા બાદ થયો હતો. 

દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ સોવિયેત સંઘે પૂર્વ યુરોપના વિસ્તારોમાંથી સેના પાછી ખેંચવાનો ઇન્કાર કરી દીધો. એ પછી અમેરિકાએ સોવિયેત સંઘની વિસ્તારવાદી નીતિઓ રોકવા માટે ૧૯૪૯માં નાટોની શરૂઆત કરી. જ્યારે નાટોની રચના થઇ ત્યારે એમાં ૧૨ દેશો સભ્ય હતાં, જેમાં અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી, નેધરલેન્ડ, આઇસલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નોર્વે, પોર્ટુગલ અને ડેન્માર્ક સામેલ હતાં. અત્યારે નાટોના ૩૦ દેશો સભ્ય છે. નાટો સૈન્ય ગઠબંધન છે જેનો ઉદ્દેશ સંયુક્ત સુરક્ષા નીતિ ઉપર કામ કરે છે. જો કોઇ બાહ્ય દેશ નાટો સભ્ય દેશ ઉપર હુમલો કરે તો બાકીના સભ્ય દેશ તેની રક્ષા માટે ખડાં થઇ જાય છે.

શીતયુદ્ધ દરમિયાન એવી પરિસ્થિતિ ઊભી થઇ કે સામ્યવાદના તરફદાર દેશો સોવિયેત સંઘ સાથે ઊભા રહ્યાં અને મૂડીવાદી શાસનવ્યવસ્થા ધરાવતા દેશો અમેરિકાના પક્ષમાં ગયા. એ પછી નેવુંના દશકમાં સોવિયત સંઘનું વિભાજન થતા તેની તાકાતમાં ઘટાડો થયો. એ પછી આર્થિક રીતે કંગાળ થઇ ગયેલું રશિયા અમેરિકાને લડત આપી શકવાની સ્થિતિમાં ન રહ્યું અને વૈશ્વિક મહાસત્તાના રૂપમાં એકમાત્ર અમેરિકાનો દબદબો રહ્યો. એ સાથે જ અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધનો પણ અંત આવ્યો. હવે હાલ જે પરિસ્થિતિ સર્જાઇ રહી છે અને જે રીતે રશિયા વિરુદ્ધ અમેરિકા અને યુરોપના દેશોની જૂથબંધી રચાઇ છે એ રશિયાને કનડી રહી છે.

સોવિયેત સંઘના પતન અને શીત યુદ્ધની સમાપ્તિ બાદ વૈશ્વિક સમીકરણો બદલાયા. ખરેખર તો સોવિયેત સંઘનું વિસર્જન થયા બાદ અમેરિકા એક માત્ર સુપરપાવર રહ્યું. પોતાને ટક્કર આપે તેવા શત્રુની ગેરહાજરીમાં અમેરિકાએ વૈશ્વિક શક્તિ સંતુલનને મનફાવે એમ અસર કરી છે. શીત યુદ્ધની સમાપ્તિ બાદ નવેસરથી સહયોગીઓ બનાવ્યા અને તાબે ન થનાર કે સામે પડનાર દેશોને તબાહ કર્યા. અમેરિકાની કાયમની કોશિશ રહી છે કે દુનિયા તેના ઇશારે ચાલે. 

અમેરિકાના નેતૃત્ત્વવાળા નાટોનો વ્યાપ વધવા લાગ્યો. સોવિયેત સંઘમાંથી જુદાં થયેલાં દેશો પણ નાટોમાં સામેલ થવા લાગ્યાં. ૨૦૦૪માં ઇસ્ટોનિયા, લાત્વિયા અને લિથુઆનિયા નાટોના સભ્ય બન્યાં. ૨૦૦૮માં જ્યોર્જિયા અને યૂક્રેનને પણ નાટોમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ બંને દેશો સભ્ય ન બની શક્યાં. 

રશિયાને પહેલેથી નાટોના વ્યાપ વધવા સામે વાંધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અનેક વખત યૂક્રેનના નાટોમાં સામેલ થવા વિરુદ્ધ વાંધો ઉઠાવી ચૂક્યાં છે. પુતિનનું કહેવું છે કે નાટોએ પૂર્વ યુરોપમાં આગળ ન વધવું જોઇએ.

થોડા સમય પહેલાં જ પુતિને કહ્યું હતું કે અમેરિકા અમારા દ્વારે મિસાઇલો સાથે ઊભું છે. જો કેનેડા કે મેક્સિકોની સરહદે મિસાઇલો તૈનાત કરી દેવામાં આવે તો અમેરિકાના શા હાલ થશે? જોકે એવી વાત પણ છે કે એક સમયે પુતિન રશિયાને નાટોમાં સામેલ કરાવવા માંગતાં હતાં પરંતુ અમેરિકાના રહેતા એ શક્ય ન બન્યું. અને હવે પુતિન નાટોનું નામ સાંભળતા જ ચિડાય છે.

 રશિયા સાથે સરહદે જોડાયેલા ઇસ્ટોનિયા, લાત્વિયા, લિથુઆનિયા અને તુર્કી નાટોના સભ્યો છે. જો યૂક્રેન પણ નાટો સાથે જોડાઇ જાય તો નાટોની મિસાઇલો યૂક્રેનમાં પણ તૈનાત થઇ જાય જે રશિયા માટે મોટો ખતરો બની રહે. છેલ્લા થોડા સમયથી પુતિનની તાકાતમાં અવિરતપણે વધારો થઇ રહ્યો છે. પુતિનની વધી રહેલી આ તાકાતના કારણે મધ્યપૂર્વ એશિયાથી લઇને યુરોપ સુધીના રાજકીય અને રણનીતિક સમીકરણો બદલાઇ રહ્યાં છે. સાત વર્ષ પહેલા રશિયાએ યુક્રેનના ક્રિમીયા ઉપર કબજો જમાવ્યો ત્યારથી સમગ્ર યુરોપ અને ખાસ કરીને બાલ્ટિક દેશો પોતાની સુરક્ષાને લઇને ચિંતિત છે. સીરિયાના ગૃહયુદ્ધમાં રાષ્ટ્રપતિ બશલ અલ અસદને સાથ આપીને રશિયાએ મિડલઇસ્ટમાં અમેરિકા તેમજ યુરોપના દેશોને લલકાર્યા હતાં. એ સાથે જ દક્ષિણ એશિયામાં પણ રશિયાની સક્રિયતા વધી રહી છે. અફઘાનિસ્તાનમાં પણ રશિયા ફરી વખત પગપેસારો કરવાની ફિરાકમાં છે. ઉપરાંત ચીન સાથે મળીને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર અમેરિકાને સકંજામાં લેવાની કોઇ તક ગુમાવતું નથી. 

દિવસે ને દિવસે વધારે ને વધારે તાકાતવાન બની રહેલું રશિયા અમેરિકા તેમજ યુરોપના દેશોને ઉશ્કેરવા નવા નવા પેંતરા અજમાવતું રહે છે. પુતિન સંઘર્ષને જ પોતાનું મહત્ત્વ અને તાકાત વધારવાના સાધન તરીકે જોઇ રહ્યાં છે. એક બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે પુતિન પશ્ચિમી દેશો માટે મુસીબતરૂપ બની રહ્યાં છે અને બીજી બાજુ રશિયામાં આંતરિક મોરચે તેમની પક્કડ વધારે ને વધારે મજબૂત બની રહી છે.

Gujarat