ભારતની દવા કંપનીઓ પણ કોરોના વૉરિયર
- ઓલું કહે છે ને, ન મામો કરતા કહેણો મામો શું ખાટો? ઇબોલાની દવા અત્યારે આપણા માટે કહેણો મામો છે
- યુએસની ફાર્મા કંપનીએ ભારતની ચાર કંપનીઓને રોયલ્ટી વિના કોરોના માટે દવા બનાવવાની મંજૂરી આપી છે
- ઇબોલાની દવા રેમદેસિવિયરના સેવનથી હૉસ્પિટલો પર દરદીઓનો બોજો હળવો થઈ શકે છે
આશાવાદ પૃથ્વીની ધરી છે. તેના પર જ તો તે ગોળ ઘૂમે છે. રોજ સવારે છાપામાં વાંચવા મળે છે કે કોઇ દેશમાં વિજ્ઞાાનીઓ સંશોધન કરી રહ્યા છે અને કોરોનાનું મારણ આંગળીથી નખ જેટલું વેગળું છે. પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધમાં લડનારા અને શહીદ થનારા લાખો ભારતીય સૈનિકોની કોઇ નોંધ જ ન લેવાઇ. કોરોના સામેનું જે યુદ્ધ છે એમાં પણ ભારતીયોનું યોગદાન બહુ મોટું છે તેની નોંધ અચૂક લેવાવી જોઇએ. ખાસ કરીને ભારતની દવા કંપનીઓ કોરોના સામેના યુદ્ધમાં યશસ્વી ભૂમિકા અદા કરી રહી છે.
કોરોનાની હજી કોઇ ઠોસ દવા શોધાઇ નથી, એવામાં નજીકની જે દવાઓ છે તેનાથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. જેમ કે હાઇડ્રોક્લોરોક્વીન જેમ કે રેમદેેસિવીયર. હાઇડ્રોક્લોરોક્વીન મેલેરિયાની દવા છે. અને રેમદેસિવીયર ઇબોલાની. આફ્રિકન દેશોમાં વારેઘડીયે ઇબોલા રોગચાળો ફાટી નીકળે છે. ઇબોલાના દર્દીઓને રેમદેસિવીયર આપવામાં આવે છે. ઇબોલા કોરોના વાઇરસ કરતાં અનેકગણો ઘાતક છે. તે મટાડવામાં રેમદેસિવીયર એટલી અસરકારક ન હોવાથી અમેરિકાની દવા કંપની ગિલીએડને તેનું લાયસન્સ આપ્યું નથી.
કોવિડ-૧૯એ આખી દુનિયાનો જીવ તાળવે ચોંટાડી દીધો હોત નહીં તો રેમદેસિવીયર ભુલાઈ જવાની હતી. જર્મની સહિત અનેક દેશોએ જોયું કે વાઇરસ પ્રતિરોધક તમામ દવાઓ વચ્ચે રેમદેસિવીયર એક જ એવી દવા છે જે સૌથી વધુ ઉપયોગી સિદ્ધ થઇ રહી છે. અન્ય દવા લેનારા દર્દી અને રેમદેસિવીયર લેનારા દર્દી વચ્ચે તુલના કરવામાં આવે તો રેમદેસિવિયર લેનારા દર્દીઓ બીજાની તુલનાએ ચાર દિવસ વહેલા સાજા થઇ જાય છે.
ફલતઃ એક સમયે ઉપેક્ષિત થઇ ગયેલી આ દવાનું હાલ જથ્થાબંધ ઉત્પાદન થઇ રહ્યું છે. હાલ સાર્સ - કોવ-૨ વાઇરસથી ફેલાઇ રહેલી વિશ્વવ્યાપી મહામારીના ઇલાજમાં રેમદેસિવિયર અગ્રગણ્ય ભૂમિકા અદા કરી રહી છે અને આ અગ્રગણ્ય ભુમિકા અદા કરતી દવા બનાવવામાં ભારતની દવા કંપનીઓ અગ્રગણ્ય ભૂમિકા ભજવી રહી છે. અમેરિકાની દવા કંપની ગિલીએડ ભારતની ચાર કંપની સિપ્લા લિમીટેડ, હેટોરો લેબ્સ, યુબીલન્ટ લાઇફ સાયન્સીઝ અને માયલનને રેમદેસિવીયર બનાવવાનું સહિયારું લાયસન્સ આપવા જઇ રહી છે. ભારતની કંપનીઓ કમસેકમ ૨૦૨૨ સુધી યુરોપ, એશિયા અને વિકાસશીલ દેશો મળીને કુલ ૧૨૭ દેશોને રેમદેસિવિયર પૂરી પાડશે. ગિલીએડ હાલ ભારતીય કંપનીઓને આ માટેનું તકનિકિ જ્ઞાાન પૂરું પાડી રહી છે.
વિજ્ઞાાનમાં જરાક રસ હોય તો રેમદેસિવીયર આપણા શરીરમાં કઇ રીતે કામ કરે છે, કઇ રીતે રોગાણુઓનો નાશ કરે છે તે જાણવા જેવું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જ્યાં સુધી આરોગ્ય કટોકટીનો અંત ઘોષિત નહીં કરે ત્યાં સુધી ભારતની કંપનીઓ અમેરિકાની કંપનીને રોયલ્ટી ચૂકવ્યા વિના રેમદેસિવીયર બનાવી શકશે અથવા જ્યાં સુધી બીજી કોઇ રસી કે દવા સર્વસુલભ ન બને ત્યાં સુધી. ભારતમાં કેટલી રેમદેસિવીયર બનશે? અને તેની કિંમત શું હશે? તે જૂન મહિના સુધીમાં ક્લિયર થઇ જશે.
અમેરિકામાં ૧૦૬૩ લોકો પર રેમદેસિવીયરનું કિલનિકલ પરીક્ષણ કરવામાં આવેલું. એ પરીક્ષણમાં કેટલાક લોકોને સાચી દવા આપવામાં આવેલી અને કેટલાક લોકોને પ્લાસેબો એટલે બનાવટી દવા અપાયેલી. પરીક્ષણમાં જોવા મળ્યું કે જે દર્દીઓને સાચી દવા આપવામાં આવી હતી તેઓ કોવિડ-૧૯થી ૧૧ દિવસમાં મુક્ત થઇ ગયા. જ્યારે બનાવટી દવા લેનારા દર્દીઓને ૧૫ દિવસ લાગ્યા. જે દર્દીઓને રેમદેસિવીયર આપવામાં આવેલી તેઓમાં મૃત્યુદર ૮ ટકા જોવા મળેલો, તથા જેમને નકલી દવા અપાયેલી તેઓમાં મૃત્યુદર ૧૧.૬ ટકા જોવા મળ્યો હતો. આ આંકડાઓ પરથી સમજી શકાય છે કે રેમદેસિવીયર અકસીર ઇલાજ તો નથી જ, પરંતુ ઘોર અંધારામાં ટેકણ લાકડી બની શકે છે.
તેની કારગરતા વિશે બીજા પણ ઘણાં સવાલ છે. જવાબ લાંબા સમય સુધી તેનો બહોળો ઉપયોગ કર્યા પછી જ મળી શકશે. ઘણાં બધા સવાલો છે જેમ કે જે દર્દીઓ રેમદેસિવીયરનું સેવન કર્યા પછી ઝડપથી સાજા થઇ ગયા તેઓ કદાચ આ દવા લીધા વિના પણ ઝડપથી સાજા થઇ ગયા હોત. આ દવા લેનારને ઇન્ટેન્સીવ કેરની જરૂર પડતી નથી. તેનો લાભ માત્ર એટલા પૂરતો તો સીમિત નથીને? જો એવું હોય તો પણ ભારત માટે તે આશીર્વાદરૂપ નીવડશે, કારણ કે આપણે ત્યાં ઇન્ટેન્સીવ કેર ખાટલાઓની કારમી અછત છે. રેમદેસિવીયર યુવાઓ માટ વધારે અસરકારક છે કે વૃદ્ધો માટે? તે સવાલનો જવાબ પણ હજુ મેળવવાનો બાકી છે.
ટૂંકમાં હાલ આપણે અંધારામાં તીર મારીને અજવાળા સુધી જવાનો રસ્તો શોધી રહ્યા છીએ. કહેવાય છે ને કે ન મામા કરતાં કહેણો મામો શું ખોટો? રેમદેસિવીયર કહેણો મામો છે. રાબેતા મુજબ દર્દીઓ જેટલા ઝડપથી સાજા થાય તેના કરતાં ચાર દિવસ વહેલા રેમદેસિવીયર લેવાથી થતાં હોય તો તેમાંય ખોટું શું છે? ચાર દિવસની પીડામાંથી મુક્તિ તો મળી. શરદી અને તાવ એક દિવસ પણ સહન કરવા અઘરા પડે છે એવામાં ચાર દિવસના માનસિક અને શારીરિક કષ્ટ ઘટી જાય એ કોઇ નાની-સૂની વાત નથી. દરદી ચાર દિવસ વહેલો સાજો થઇ જાય તો હોસ્પિટલોનો બોજ પણ ઘટે, તબીબો એટલા વધુ દરદીઓની સારવાર કરી શકે. હોસ્પિટલના બોજમાં અત્યારે ૧૦ ટકાનો ઘટાડો થતો હોય તે પણ વરદાનથી જરાય કમ નથી.
કોરોના સામેની લડાઇમાં ભારત અને અમેરિકા એકબીજાનો ખૂબ સહકાર કરી રહ્યા છે. બંને દેશોએ અગાઉ પણ અનેક દવાઓ અને રસીની બાબતમાં એકમેકનો ભરપૂર સહયોગ કર્યો હતો. આ બાબતમાં ડેન્ગ્યુ, તાવ, વાઇરસ અથવા બેકટેરિયા જન્ય પાચન તંત્રના રોગો, ઇન્ફલુએન્ઝા અને ટીબીનો ખાસ ઉલ્લેખ કરી શકાય. દવાના ઉત્પાદનમાં ભારત વિશ્વના ટોચના દેશોમાં સ્થાન પામે છે. આપણો દેશ પેટન્ટ મુક્ત દવાઓ, જેનેરિક મેડિસિન અને રસીનો બહુ મોટો નિકાસકાર છે. હા, એક વાત ચોક્કસ કે ગુણવત્તાની બાબતમાં હજુ આપણે વધારે મહેનત કરવાની જરૂર છે. હાલ ભારતની અર્ધો ડઝન કંપનીઓ કોવિડ-૧૯ની દવા બનાવવા ઝઝૂમી રહી છે.
પૂણેની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા રસી બનાવનારી જગતની ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે. તે દર વર્ષે લગભગ ૨૦ પ્રકારની રસીના દોઢ અબજ ડોઝ બનાવે છે. નેધરલેન્ડ અને ચેક રિપબ્લીકમાં પણ તેના બે યુનિટ કાર્ય કરી રહ્યા છે. સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં એક એવી રસીનું ઉત્પાદન શરૂ કરવાની છે જે કોવીડ-૧૯ થતો અટકાવવામાં કામ લાગશે. આ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓ દ્વારા શોધવામાં આવી છે. ઓક્સફર્ડના વિજ્ઞાાનીઓએ એપ્રિલ મહિનાથી નવસંશોધીત રસીનું માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. ચિમ્પાન્ઝીમાં મળી આવતા એક વાઇરસનું જેનેટિક મોડીફીકેશન કરીને આ રસી વિકસાવવામાં આવી છે. જો બધું સીધુ ચાલ્યુ તો સપ્ટેમ્બર મહિના લગીમાં આ રસીના ૧૦ લાખ ડોઝ બની જશે. સીરમ ઇન્સ્ટીટયુટ ૪૦થી ૫૦ કરોડ ડોઝ બનાવવા પણ સક્ષમ છે.
હૈદરાબાદની ભારત બાયોટેક અમેરિકાની વિસ્કોન્સીન યુનિવર્સિટી તથા ફ્લુઝીન કંપની સાથે મળીને એક અન્ય રસીના ૩૦ કરોડ ડોઝ તૈયાર કરશે જેનું દુનિયાના વિવિધ દેશોમાં વિતરણ કરવામાં આવશે. આ સિવાયની બીજી ત્રણ ભારતીય કંપનીઓ પોતાની અલગ રસી વિકસીત કરવા મચી પડી છે. વિદેશી મિડિયામાં ભારતના ફાર્માસ્યુટીકલ જગતની ચર્ચા નહીં બરાબર છે. તેને જેટલું મહત્વ મળવું જોઇએ તેટલું નથી મળતું એ બાબત દુઃખદ છે. જે લોકો ભારતની ફાર્માસ્યુટીકલ પ્રગતિથી પરિચિત છે તેઓ દ્દઢપણે માને છે કે જગતને કોરોના મહામારીમાંથી ઉગારવામાં ભારતનું પ્રદાન મહત્ત્વપૂર્ણ હશે. એક દળદાર અને ઝળહળતું પ્રકરણ આપણું પણ હશે. અન્ય ચિકિત્સા પદ્ધતિઓ જેમ કે હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પણ અવનવા પ્રયોગો થઇ રહ્યા છે જે બંને બાંહો પ્રસારીને આવકારવા જેવા છે. ટૂંકમાં ભારતનું દવા જગત પોતાનાથી બનતા શ્રેષ્ઠત્તમ પ્રયત્ન કરી રહ્યું છે.
આજની નવી જોક
છગન (લીલીને) : બસ હવે, આ મહિને એક રૂપિયો પણ વધારાનાનો નહીં મળે.
લીલીઃ ૫૦૦ રૂપિયા ઉછીના આપો.
છગનઃ પાછા ક્યારે આપીશ?
લીલીઃ તમારો પગાર આવે ત્યારે...
છગનઃ હેં!?
જીકે જંકશન
- ચાણક્યનો જન્મ ઇ.સ.પૂર્વે ૩૫૦માં થયો હતો. તેમનો જન્મ ક્યાં થયો હતો તેને લઇને પણ વિવાદ છે. કેટલાક નિષ્ણાતો કહે છે તક્ષશીલામાં અને કેટલાક કહે છે દક્ષિણ ભારતમાં.
- તેમના પિતાનું નામ કાનીન અથવા ચનક હતું. માતાનું નામ કાનેશ્વરી હતું. ચનક પરથી જ ચાણક્ય નામ આવ્યું હોવાનું માનવામાં આવે છે.
- ચાણક્યનું મૂળ નામ વિષ્ણુગુપ્ત મૌર્ય હતું. તેમની બુદ્ધિપ્રતિભાને કારણે ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય એ સમયમાં સર્વાધિક શક્તિશાળી બન્યું હતું.
- ચંદ્રગુપ્ત બાદ તેમના પુત્ર બિંદુસાર મૌર્ય સામ્રાજ્યના ઉત્તરાધિકારી બન્યા હતા. ચાણક્ય તેમના પણ રાજકીય સલાહકાર હતા.
- તેઓ અર્થશાસ્ત્ર અને ચાણક્ય નીતિના લેખક છે. તેમના કેટલાક વિચારો આજે પણ પ્રસ્તુત છે. ચાણક્ય પર અનેક સિરિયલ તથા ફિલ્મો બની છે. ચાણક્ય નીતિ પર અનેક પુસ્તકો પણ લખાયા છે.
- તેમણે તક્ષશીલામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ શિક્ષક પણ બન્યા. તક્ષશીલા વિશ્વ વિદ્યાલય એ સમયે દેશ-દેશાવરમાં નામના ધરાવતી હતી.
- તેમનામાં રાજા બનવાના તમામ ગુણ હતા. જ્ઞાાનની બાબતમાં તેમનો પર્યાય જડવો અસંભવ હતો. નંદવંશના રાજા ધનનંદે તેમને અપમાનીત કર્યા પછી તેમણે નવો રાજા શોધવાનો પ્રારંભ કર્યો.
- ચંદ્રગુપ્ત મૌર્ય ૧૨-૧૩ વર્ષના હતા ત્યારે ચાણક્યને મળેલા અને તેમના શિષ્ય બન્યા. ચાણક્યએ તેને એક રાજા બનવા માટે જરૂરી હોય એ તમામ પ્રકારનું શિક્ષણ આપ્યું. શાસન કરવાની સાથોસાથ સમાજ કલ્યાણનો પણ સબક શીખવ્યો.
- ચાણક્યના માર્ગદર્શનતળે ચંદ્રગુપ્ત મૌર્યએ નંદવેશના સામ્રાજ્યનો અંત કરી નવા રાજ્યની સ્થાપના કરી. તેઓ મૌર્યવંશના પ્રથમ રાજા હતા.
- ચાણક્યનું મૃત્યુ ઇ.સ. પૂર્વે ૨૮૦માં થયેલું. તેમના મૃત્યુ વિશે પણ અનેક દંતકથાઓ છે. કેટલાક લોકો કહે છે કે તેઓ જંગલમાં જતા રહેલા અને ત્યાં જ તેમનું મોત થયેલું. બીજો એક મત એવો પણ છે કે બિંદુસારના દરબારમાં કોઇ સાથે મતભેદ થવાને કારણે તેમનુ મૃત્યુ થયું.