For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મિથાલી રાજઃ ક્રિકેટથી પણ આગળ

Updated: Jul 27th, 2021

Article Content Image

- મિથાલી વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તો છે જ, સાથે એક સારી ભરતનાટયમ ડાન્સર પણ છે

- ટીમ દાવ લેતી હોય અને પોતાની બેટિંગ ન આવી હોય ત્યાં સુધી પુસ્તક વાંચતી રહે છે

- રાજસ્થાનના તમિલ પરિવારની આ છોકરી મહાઊંઘણશી છે, પણ કોચે તેનામાં નાનપણમાં જ સ્પાર્ક જોયેલો

છોકરાઓ પહેલાં પણ ક્રિકેટ રમતાં હતા પણ કપિલદેવને જોઈને બીજા લાખો છોકરાઓ રમતાં થયા. છોકરીઓ પહેલાં પણ ક્રિકેટ રમતી હતી, મિથાલી રાજને જોઈને બીજી લાખો છોકરીઓ ક્રિકેટ રમતી થઈ ગઈ. મહિલા ક્રિકેટરોના નામ ઘરે-ઘરે પહોંચ્યા હોય તેવો ઇતિહાસ પહેલી વખત લખાઈ રહ્યો છે.  કારણ કે ભારતની આ મહામાનૂનીએ મહિલા ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધારે રનનો વિક્રમ   રચી દીધો છે. આ એક નહીં, આવા તો બીજા કંઈ કેટલાય. 

જોધપુરમાં રહેતાં તમિલ પરિવારમાં ૩ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ તેમનો જન્મ. છોકરી બહુ જ આળસુ હતી. તેને ઊંઘવું બહુ ગમતું. સવારે ૪-૩૦ વાગ્યામાં આખું ઘર સૂતું હોય ત્યારે જાગીને ક્રિકેટ કેમ્પમાં જવું તેના માટે માથાનો ઘા હતો, પણ પિતાની કડકાઈ પાસે કશું ચાલ્યું નહીં. નાનપણમાં ક્રિકેટ અને ભરત નાટયમ બંનેના ક્લાસ જોઈન્ટ કરેલા. ક્રિકેટને કારણે ભરતનાટયમમાં પૂરતુ ધ્યાન દેવાતું ન હતું. ભરતનાટયમના શિક્ષકે એવું કહ્યું કે તારે ક્રિકેટ અને ભરત નાટયમમાંથી બેમાંથી એકની પસંદગી કરવી પડશે. ક્રિકેટ કોચે તેના પિતાને એવું કહ્યું કે તમારા દીકરાને નહીં પણ તમારી દીકરીને ક્રિકેટમાં તાલીમ અપાવો. તેનામાં સ્પાર્ક છે તે બહુ આગળ વધશે. મિથાલીને ભરતનાટયમમાં જવાની ખૂબ ઈચ્છા હતી, પણ તેમના પિતાએ કહ્યું, તુમ તો બનોગી ક્રિકેટર.

આજે પણ મિથાલી ખૂબ સારી ડાન્સર છે. ખૂબ સારુ ગિટાર વગાડે છે. પુસ્તકનો કીડો છે. આખો દિવસ ગેમ્સ રમવામાં જતો હોવા છતાં પણ વચ્ચે-વચ્ચે તે પુસ્તક વાંચવાનો સમય કાઢી લે છે. મેચ ચાલતી હોય અને ટીમ ઇંડિયા દાવ લેતી હોય ત્યારે મિથાલી પેવેલિયનમાં બેઠા-બેઠા પુસ્તક વાંચતી હોય છે. જેવો તેનો દાવ આવે કે બુક બંધ કરી રમવા ઊપડી જાય છે. તે કહે છે કે, ચાલુ મેચે પુસ્તક વાંચવાથી મને પ્રેરણા મળે છે. તેની સિદ્ધિઓ જોતાં તેની આ વાત ખોટી પણ માની શકાય એમ નથી.  મહિલા વન-ડે ઈન્ટરનેશનલમાં તેના નામે ૭,૦૦૦ રન બોલે છે. તે એવી પહેલી મહિલા ખેલાડી છે જેણે સતત ૭ ઓડીઆઈમાં ફિફટી મારી હોય.

વર્લ્ડ કપની મેચોમાં પણ આ માંચોગર્લના નામે સૌથી વધુ ફિફટી બોલે છે. ટી-૨૦માં ૨,૦૦૦ રન કરનારી પહેલી નારી છે. એક કરતાં વધુ વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ કરી હોય તેવી એક માત્ર મહિલા છે. ૨૦૦૫-૨૦૧૭માં તેમણે વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ તે ૨૦૦ વન-ડે મેચ રમનારી પહેલી મહિલા બની. એ જ વર્ષે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૨૦ વર્ષ પૂરા કરનારી  પ્રથમ મહિલા બની. છેલ્લાં ૨૨ વર્ષથી તે ક્રિકેટ રમે છે એટલે જ તેને લેડી તેંડુલકર તરીકે ઓળખવામાં આવે છે. તેની ક્રિકેટ કરિયર માત્ર ૧૬ વર્ષની ઉંમરે શરૂ થઈ ગયેલી. પ્રથમ મેચમાં શૂન્યમાં આઉટ થયેલી અને આજે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે જ બોલે છે.

વનડે વર્લ્ડ કપની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ૨૦૧૯માં તેમણે ટી-૨૦માંથી નિવૃત્તિ જાહેર કરેલી. પ્રતિષ્ઠિત વિઝડન મેગેઝીન દ્વારા ૨૦૧૭માં તેને લીડીંગ વુમન ક્રિકેટરનો ખિતાબ અપાયેલો. ૨૦૦૩માં અર્જુન એવોર્ડ મળ્યો છે અને ૨૦૧૫માં પદ્મશ્રી. તાજેતરમાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક રનનો ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર શાર્લોટ એડવર્ડનો ૧૦,૨૭૩ રનનો વિક્રમ પણ ધરાશાયી કરી નાખ્યો. વર્લ્ડકપમાં ૧ હજાર રન બનાવનારી ભારતની પહેલી અને વિશ્વની પાંચમી મહિલા છે. એકધારી ૧૦૯ ઇન્ટરનેશનલ વન-ડે મેચ રમીને પણ તેણે એક અલગ જ પ્રકારનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ૨૦૧૭માં તેણે વોગ સ્પોર્ટસ પર્સન ઓફ ધ ઇયરનો અવોર્ડ મળેલો. એ જ વર્ષમાં બી.બી.સી.ની ૧૦૦ મહિલાઓની સૂચિમાં પણ સ્થાન મળેલું. બોલિવુડે મેરીકોમ પર ફિલ્મ બનાવી છે. ગીતા અને બબિતા ફોગાટ પર દંગલ બનાવી છે અને હવે વાયકોમ-૧૮ મોશન પિકચર્સ મિથાલી પર પણ મુવિ બનાવી રહી છે. ભારતની તો તે શ્રેષ્ઠ મહિલા ખેલાડી છે જ, સાથોસાથ વિશ્વની પણ શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે તેની ગણના કરવી પડે.

તે કુલ ૨૧૭ એકદિવસીય મેચ રમી છે તેમાંથી ૮૭ ભારતમાં રમી છે, જેમાં તેણે ૨૦,૮૩૩  રન ફટકાર્યા છે તથા ૩ સેન્ચુરી સાથે ૫૩.૪૫ રનની સરેરાશ જાળવી છે. ભારત બહાર તેની એવરેજ થોડી નીચી જાય છે પરંતુ એટલી બધી નહીં. કેપ્ટન તરીકે તે કુલ ૮૫ મેચ રમી છે, જેમાં એક સેન્ચુરી અને ૪૬.૨૭ રનની સરેરાશ સાથે ૨૮૬૯ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં તેની એવરેજ સૌથી ખરાબ રહી છે, ૧૩ મેચમાં માત્ર ૩૦.૧૫ રનની સરેરાશ. જ્યારે ઇંગ્લેન્ડમાં તેનો દેખાવ ખૂબ સારો છે. ૨૭ મેચમાં ૪૮.૯૫ની સરેરાશથી રન બનાવ્યા છે.  દક્ષિણ આફ્રિકામાં ૧૧ મેચમાં ૪૩.૭૫ રનની એવરેજ જાળવી છે. ન્યુ ઝીલેન્ડમાં ૧૦ મેચમાં તેની સરેરાશ ૪૦ રનથી નીચે રહી છે.

ઓસ્ટ્રેલિયામાં તેનો ઓલઓવર દેખાવ ભલે સારો ન હોય પરંતુ ૨૦૦૯માં ત્યાં ખેલાયેલા વર્લ્ડ કપમાં તેમણે સર્વાધિક ૨૪૭ રન ફટકારેલા. માત્ર ૭ મેચમાં ૬૨ રનની તોતિંગ સરેરાશ જાળવેલી. ૨૦૧૭ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે મારેલી સદી  યાદગાર રહી હતી. ન તો વતન હોય, ન તો હરિફ દેશની ભૂમિ હોય એવા ત્રાહિત દેશોમાં તેનું પર્ફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે. ૪૫ મેચમાં ૬૧.૬૧ની એવરેજ સાથે ૧૬૦૨ રન બનાવ્યા છે, જેમાં ૩ સેન્ચુરી પણ ગણવી પડે.

શાર્લોટ એડવર્ડનો રેકોર્ડ જરા વિપરીત છે. તેણે ઘરઆંગણે ૮૧ મેચમાં ૩૨.૫૬ રનની સરેરાશથી ૨,૧૪૯ રન બનાવ્યા છે. જ્યારે વતન બહારની ૭૪ મેચમાં ૪૦.૩૮ રનની સરેરાશ જાળવી છે. ત્રાહિત દેશોમાં તેની સરાસરી ૩૬ મેચમાં ૪૬.૩૯ રનની રહી છે. ઓસ્ટ્રેલિયન લિઝન્ડ બેલીન્ડા કલાર્કની વાત કરીએ તો તેમણે ૩૧ મેચ ઘરઆંગણે રમી છે અને તેમાં  ૫૦ રન કરતાં વધારેની સરેરાશ જાળવી છે. વતન બહારની ૫૫ મેચમાં ૪૦ રન આસપાસની  એવરેજ જાળવી છે. જ્યારે ત્રાહિત દેશમાં ૩૨ મેચમાં ૬૦.૦૯ રનની સરેરાશથી રન બનાવ્યા છે. 

ત્રણેય ખેલ વિરાંગનાઓના પર્ફોર્મન્સની સરખામણી કરીએ તો મિથાલીનું પલડું ભારે છે. પુરુષ ક્રિકેટમાં પણ એકમાત્ર સચિન તેંડુલકર એવા છે જે મિથાલીથી પણ લાંબી કરિયર ધરાવે છે. મિથાલીએ માત્ર ૧૬ વર્ષની ઉંમરે સાલ ૧૯૯૯માં કારકિર્દીની શરૂઆત કરી હતી. સચિનની જેમ જ કારકિર્દીના પ્રારંભના વર્ષોમાં તેનું પર્ફોમન્સ એટલું સારું ન હતું. સ્મૃતિ મન્ધાના અને હરમનપ્રિત કૌરના ઉદય પછી તેના પરનું પ્રેશર ઘટયું.

મિથાલીની પ્રતિભા તો અસામાન્ય છે જ ભવિષ્યમાં તેનાથી સારી ખેલ વિરાંગનાઓ તો આવશે જ પરંતુ તેની શ્રેષ્ઠ વાત એ છે કે તેના કારણે ભારતમાં મહિલા ક્રિકેટને મહત્ત્વ મળતું થયું છે. મહિલા ક્રિકેટના દર્શકો દિવસે-દિવસે વધતાં જાય છે. હવેની દીકરીઓ કોઈપણ પ્રકારની અસલામતીનો અનુભવ કર્યા વિના ક્રિકેટમાં કરિયર બનાવી શકે છે. આ જરાય નાની વાત નથી.

૨૦૧૭ના વર્લ્ડ કપ પછી તેનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયેલું. તે જીમ કરી રહી હતી ત્યારે તેના ટ્રેનરને ફરિયાદના સૂરમાં કહ્યું કે,  મારું એકાઉન્ટ હેક કરવાનો સમય કોની પાસે હશે? ટ્રેનરે જવાબ આપ્યો, વેલકમ ટુ સેલેબહૂડ. 

આજની નવી જોક

લલ્લુ (છગનને): પપ્પા, જલ્દી તૈયાર થઈ જાવ. છોકરીવાળા મને જોવા આવે છે.

છગનઃ કેમ?

લલ્લુઃ મેં પડોશીની છોકરીને ચીડવતા એના પપ્પાએ મને કહ્યું કે, ઊભો રે હમણા તને જોઈ લઉં.

છગનઃ હેં!?

હોય નહીં મિથાલી રાજની કારકિર્દીના વિવાદો

- ૨૦૧૮માં આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો ત્યારે એટિટયૂડને લઈને તેને મેનેજમેન્ટ સાથે વિવાદ થયો હતો.  તેણે બીસીસીઆઈને પત્ર લખીને કોચ રમેશ પવાર તથા બીસીસીઆઈ- સીઓએ મેમ્બર દિઆના એદુલ્જી પર પક્ષપાતનો આરોપ મૂકેલો. ફરિયાદ કરેલી કે, ટી-૨૦ વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન સમાવીને મારું અપમાન કરવામાં આવ્યું છે. પવારે પ્રતિઆક્ષેપ કરેલો કે, મિથાલીએ મને ધમકી આપેલી કે જો તેને નીચેના બેટિંગ ક્રમ પર રમવાનું કહેવામાં આવશે તો તે નિવૃત્ત થઈ જશે. તે કોચીઝનું બ્લેકમેઈલીંગ કરી તેમના પર પ્રેશર વધારી રહી છે તથા ટીમમાં ભાગલા પડાવી રહી છે.  ટીમની સિનિયર પ્લેયર હોવાછતાં મિટીંગમાં તેનું ઈનપુટ મિનિમમ હોય છે. તે ટીમ પ્લાનને ન તો સમજી શકે છે, ન તો તેને અનુકૂળ થઈ શકે છે. પોતાના રોલને અવગણીને અંગત માઈલ સ્ટોન પ્રાપ્ત કરવા લડતી રહે છે. મોમેન્ટમ જાળવતી ન હોવાથી અન્ય બેટર્સ પર દબાણ વધી જાય છે. 

- આર્યલેન્ડ સામે જે મેચમાં ફિફટી મારી તેમાં તેણે ૨૫ બોલ ખાલી છોડયા હતા, જેની પણ કોચ પવાર દ્વારા ટીકા કરવામાં આવેલી. 

- ટી-૨૦ કેપ્ટન હરમનપ્રિત કૌર સાથે પણ તેના સંબંધો તણાવ ભરેલા રહ્યા છે. મે ૨૦૨૧માં રમેશ પવારની નિમણૂક મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કરવામાં આવ્યા પછી બેઉ વચ્ચે સમાધાન થઈ ગયું છે. મિથાલી અને હરમનપ્રિત વિવિધ ઈન્ટરવ્યૂમાં એવું કહી ચૂક્યા છે કે તેમને એકબીજા સામે કોઈ વાંધો નથી.

જીકે જંકશન

- તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એસબીઆઈની શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેલંગાણા ખાતે દલિત બંધુ યોજના શરૂ કરવામાં આવી છે.

- બાંગ્લાદેશે જોગજોગ નામથી પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિકસિત કરવાની ઘોષણા કરી છે. હરિયાણામાં હવાઇ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે.

- તાજેતરમાં જાણીતા ગાયક ફકીર આલમગીરનું નિધન થયું હતું. ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલ વિનયને એલેક્ઝાન્ડર ડેલરિમ્પલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

- ભારત રશિયા સાથે ઇન્દ્ર-૨૦૨૧ સૈન્ય અભ્યાસ યોજશે. અમિતાભ કાન્તનું તાજેતરમાં એક નવું પુસ્તક આવ્યું છે, જેનું શીર્ષક છે. શિફ્ટિંગ ઓરબિટ્સઃ ડિકોડિંગ ધ ટ્રેજેક્ટરી ઑફ ધ ઇંડિયન સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ. 

- યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાંથી ઇંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તાજેતરમાં દિલ્હી ખાતે આઝાદની શૌર્યગાથા પ્રદર્શન યોજાયું હતું.

- રશિયાએ નવા યુદ્ધવિમાન ચેકમેટનું અનાવરણ કર્યું હતું.

Gujarat