પંચતંત્રઃ કથા અનંતા...
- જેમ ઇન્સેપ્શનમાં સપનાંની અંદર સપનાં છે તેમ પંચતંત્રમાં કથાની અંદર કથાની અંદર કથા
- પંચતંત્ર ક્યાં લખાઈ? કોણે લખી? વિષ્ણુ શર્મા નામની કોઈ વ્યક્તિ હતી કે કાલ્પનિક પાત્ર? સાચું શીર્ષક પંચતંત્ર છે?
- વિશ્વની જુદી-જુદી 50 ભાષામાં તેના 200 વર્ઝન ઉપલબ્ધ છેઃ મતલબ સારું લખનારે માર્કેટિંગ કરવાની જરૂર નથી

ઊર્જાની જેમ કેટલાક સર્જનો પણ અવિનાશી હોય છે. તેનું સ્વરૂપ બદલાતું રહે છે, રંગરૂપ બદલાતાં રહે છે, ભાષા બદલાતી રહે છે, પણ તે ક્યારેય મરતાં નથી. તેનામાં કાળને હરાવી દેવાની પ્રચંડ શક્તિ રહેલી હોય છે. પંચતંત્રની વાર્તા એક આવું જ મહાન સર્જન છે. ઇસ પૂર્વે ૩૦૦માં લખાયેલો આ વાર્તાગુચ્છ આજે પણ જીવે છે. ન માત્ર ભારતમાં, બલ્કે દુનિયાના ખૂણે-ખૂણે, લગભગ દરેક ભાષામાં.
ભારતમાં ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જેણે પંચતંત્રની વાર્તાઓ ન સાંભળી હોય કે ન વાંચી હોય. તે માત્ર બાળવાર્તાઓ નથી. તે મોટેરાની પણ વાર્તા છે. તે અટપટી રાજનીતિ એકડેથી ૧૦૦ શીખવા જેવી સરળતાથી શીખવાની કિતાબ છે. અઘરામાં અઘરો વિષય સાવ સહેલાઈથી કઈ રીતે શીખી શકાય તેનું પ્રેક્ટિકલ ઉદાહરણ છે.
વિષ્ણુ શર્મા તેના મહાન લેખક. જો તેઓ પણ તેમની કૃતિની જેમ અમર હોત તો આપણે તેમને ભારતની એજ્યુકેશન સિસ્ટમ બદલવાની જવાબદારી સોંપી શકત. માત્ર રાજનીતિ જ નહીં, દરેક વિષય અને દરેક સિલેબસ આવી રીતે વાર્તામાં રૂપાંતરિત કરીને સરળતાથી શીખી શકાત. અફસોસ, તેઓ તેમની કૃતિની ભીતર સિવાય ક્યાંય હયાત નથી અને સાસ્કૃતિક રાષ્ટ્રવાદમાં રાંચતા આપણે આપણા સાસ્કૃતિક વારસામાંથી કશું શીખવા સમર્થ નથી.
યેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને તુલનાત્મક તત્ત્વદર્શન ભણાવતા પ્રોફેસર ફ્રેન્કલીન એડર્ટને મદ્રાસ કુરિયરમાં લખ્યું છે, પંચતંત્રે આખી પૃથ્વી ધમરોળી છે. તે રીટોલ્ડ થઈ છે, ભાષાંતરિત થઈ છે, રૂપાંતરિત થઈ છે અને ગદ્યમાંથી પદ્યમાં ફેરવવામાં આવી છે. નાટયાંતરણ પામી છે, નવલકથા રૂપે કહેવાઈ છે, ટીવી સીરિઝ અને કોમિક્સ રૂપે પણ પ્રસ્તુત થઈ છે. ભારતની બીજી કોઈ કૃતિ તેના જેટલી લોકપ્રિય બની નથી. પંચતંત્ર જે રીતે ફેલાઈ છે એ રીતે તો મહેક પણ ફેલાતી નથી.
જર્મન ઇન્ડોલોજિસ્ટ જ્હોનાસ હર્ટલના મત પ્રમાણે, પંચતંત્રના ૫૦ જેટલી ભાષામાં ૨૦૦ વર્ઝન મળી આવે છે. તેમાંથી ૭૫ ટકા કૃતિઓ વિદેશી ભાષામાં રચાયેલી છે. ગ્રીક, લેટિન, અંગ્રેજી, ઓલ્ડ સ્લેવોનિક, સ્પેનિશ, જર્મન, ચેક, બીજી સ્લેવોનિક ભાષાઓમાં પણ આ કૃતિ અનુદિત થઈ છે. જીભ, કાન, કલમ અને આંખના માર્ગે તે જાવાથી લઈને આઇસલેન્ડ સુધી પહોંચી છે.
મહિલારોપ્યના રાજા અમરશક્તિને ત્રણ પુત્ર હતા. ત્રણે ભણવામાં ઠોઠ. તેઓ સ્ટેટ્સમેનશિપ શીખવા તૈયાર જ નહોતા. બહુ બધા પંડિત અને આચાર્ય રાખ્યા, પણ કોઈ તેમને ભણાવી શક્યું નહીં. રાજાએ ઘોષણા કરી, જે વિદ્વાન આ ઠોબારાઓને ભણાવી દેશે તેમને ઇનામ આપવામાં આવશે.
મંત્રીઓએ રાજાને રાજકુમારોના શિક્ષક તરીકે વિષ્ણુ શર્માને નિયુક્ત કરવાની સલાહ આપી. ૮૦ વર્ષના એ વૃદ્ધ વિજ્ઞાાન, રાજનીતિ તથા નીતિશાસ્ત્રના વિદ્વાન હતા. રાજાએ ઘોષણા કરી, જો તમે મારા સંતાનોને ભણાવી દેશો તો હું તમને ૧૦૦ ગામ અને ઘણું બધું સુવર્ણ ભેટમાં આપીશ.
વિષ્ણુ શર્મા હસીને બોલ્યા, હે રાજન! હું મારી વિદ્યા વેચતો નથી. મને કોઈ ઉપહારની ઇચ્છા નથી. તમે મને સન્માનપૂર્વક બોલાવ્યો છે. આથી હું તમારા સંતાનોને છ મહિનામાં કુશળ પ્રશાસક બનાવવાના શપથ લઉં છું. જો હું મારો સંકલ્પ સિદ્ધ કરવામાં નિષ્ફળ જઉં તો મારું નામ બદલી નાખજો.
પછી જે થયું એ પંચતંત્ર. વિષ્ણુ શર્માએ રાજ્યનીતિ અને પ્રશાસનના સિદ્ધાંતો પ્રાણી કથાઓના રૂપમાં શીખવવાનું શરૂ કર્યું. પંચતંત્ર એટલે પાંચ વિભાગ.૧) મિત્રભેદ. પ્રથમ ભાગ બે મિત્રોને છુટ્ટા કઈરીતે પાડવા તેની કથા કહે છે. ૨) મિત્ર સંપ્રાપ્તિઃ મિત્રો કઈરીતે બનાવવા અને તેનો કઈ રીતે લાભ મેળવવો તેની કથા કહે છે. ૩) કાકોલુકિયમઃ કાગડા અને ઘુવડની કથા. તેમાં ક્યારે યુદ્ધ કરવું અને ક્યારે શાંતિ સ્થાપિત કરવી તેની કથા કહેવામાં આવી છે. ૪) લબ્ધાપ્રણાશઃ ચોથો ભાગ હાથ લાગેલી ચીજ કઈરીતે હાથમાંથી નીકળી જાય છે તેની વાર્તા કહે છે. ૫) અપરિક્ષિત કારકઃ જેની પરખ નથી થઈ તેની પરખ કરતા પહેલા કેટલી સાવધાની રાખવી , ઉતાવળિયા પગલાં ન લેવા તેની વાત કરવામાં આવી છે. મનોવિજ્ઞાાન, રાજકાજ અને વ્યવહારિકતાના સિદ્ધાંતો બાસુંદીની જેમ ગળે ઊતરી જાય એવી સરળતાથી વર્ણવવામાં આળ્યા છે.
જેમ ઇન્સેપ્શનમાં સપનાંની અંદર સપનાં છે તેમ પંચતંત્રમાં કથાની અંદર કથાની અંદર કથા. પિંગલક સિંહ, સંજીવક આખલો તથા કરટક અને દમનક શિયાળ આ વાર્તાના મુખ્ય પાત્રો છે. તે માત્ર બાળકથા નથી. તેનો અભ્યાસ બાળપણથી શરૂ થવો જોઈએ, બાકી તે આખી જિંદગી વાંચવાનો ગ્રંથ છે. ઘણા વિદ્વાનોએ પંચતંત્રની એવું કહીને ટીકા કરી છે કે આ ગ્રંથ પરમાર્થ નહીં, પણ લુચ્ચાઈ અને મુત્સદીપણું શીખવે છે. જર્મન ઇન્ડોલોજિસ્ટ હર્ટલ કહે છે, ચાલાકીથી ભરેલી પંચતંત્રની વાર્તાઓ ભલાઈ માટે આચરવામાં આવતી અનીતિ શીખવે છે. પંચતંત્રની કથા બેઇમાની શીખવતી હોવાનો ઘણા વિરોધ કરે છે.
અમુક અભ્યાસુઓ એવું કહે છે, મહાભારતની વાર્તાઓ અને જાતક કથાઓને મોડીફાઈ કરીને, તેનો ઉપદેશ ઉલટાવી નાખીને પંચતંત્રની વાર્તા લખવામાં આવી છે. એક વાત સાથે બધા સહમત છે કે પંચતંત્રની માનવ જીવનના બધા આંતરદ્વંદ્વો અને વિરોધાભાસ પ્રસ્તુત કરતી કથા છે. પંચતંત્ર રિયલ લાઇફના અવઢવ ભરેલા કોયડા ઉકેલતી હોવાથી જ વિશ્વપ્રસિદ્ધ છે.
પંચતંત્રના શીર્ષક, તેનું રચના સ્થળ અને લેખકના નામ સુધીના પણ વિવાદો છે. તેનું મૂળ નામ તંત્રાખ્યાયિકા, પંચાખ્યાન્કા, પંચાખ્યાના અથવા તંત્રોપખ્યાના હોવાનું કહેવામાં આવે છે. કેટલાક નિષ્ણાતો કહે છે, પંચતંત્ર કાશ્મીરમાં લખાઈ અને તેનું મૂળ નામ તંત્રાખ્યાયિકા. કોઈ વળી એમ કહે છે કે પંચતંત્રની રચના દક્ષિણ ભારતમાં થઈ છે. તમુક ઈતિહાસવિદ્ વદે છે ઇસ ૧૧૫૩માં જૈન સાધુ પંચભદ્રે પંચતંત્રનું નવું વર્ઝન લખ્યું, જે પંચાખ્યાન્કા તરીકે પશ્ચિમ અને મધ્ય ભારતમાં પ્રસિદ્ધ બન્યું.
વિષ્ણુ શર્મા નામની ખરેખર કોઈ વ્યક્તિ હતી, તે ઉપનામ હતું કે સાહિત્યનું પાત્ર તે વિશે પણ મત-મતાંતર પ્રવર્તે છે. દક્ષિણ ભારત અને દક્ષિણ-પૂર્વની આવૃત્તિઓમાં લેખનું નામ વિષ્ણુભાગા અથવા દુર્ગાસિંહ વાંચવા મળે છે. વિષ્ણુ શર્મા એક કાલ્પનિક પાત્ર છે એવું માનનારાઓની સંખ્યા અધિક છે. પંચતંત્રની કથાઓ ભલે જીવે છે, પરંતુ સંસ્કૃતમાં લખાયેલી તેની ઑરિજિનલ ટેક્સ્ટને કાળ ભરખી ગયો છે એ કબૂલવું રહ્યું.
છઠ્ઠી સદીમાં મૂળ કથાનું પ્રથમ ભાષાંતર પહલવી ભાષામાં થયેલું. શાહી તબીબ બુર્ઝોએ ફારસના રાજા ખોસરુ અનુશ્રીવનને ભારતમાં સાહિત્ય, વિજ્ઞાાન અને રાજનીતિ વિજ્ઞાાનનો કેવો વિકાસ થયો હોવાની વાત કરતા પંચતંત્રનો ઉલ્લેખ કર્યો. રાજાએ તેનો પહલવી ભાષામાં અનુવાદ કરવા આદેશ આપ્યો. બુર્ઝોએ અનુદિત ગ્રંથને પેલા બે શિયાળ પરથી નામ આપ્યું, કરટક-દમનક. આ વાત સાલ ૫૫૦ આસપાસની.
ત્યાંથી તે ભૂમધ્ય સમુદ્રમાં પહોંચી. સાલ ૫૭૦માં પહલવીમાંથી સીરિયન ભાષામાં રૂપાંતર થયું. શીર્ષક કલિલગ દમંગ. સન ૭૫૦માં બગદાદના અબ્દુલ્લા અલ ઇબ્ન મોકફાએ તેનો અનુવાદ અરબી ભાષામાં કરાવ્યો. શીર્ષક, કલિલાહ-દિમનાહ. તમે જુઓ જેમ ભાષા બદલતી જાય એમ નામ કેવા બદલતા જાય છે. જે કરટક અને દમનક હતા તે કલિલાહ અને દિમનાહ બની ગયા. એ પછી વિશ્વમાં પંચતંત્રના જેટલા અનુવાદ થયા તે કલિલાહ-દિમનાહમાંથી થયા. મતલબ જેટલા પણ અનુવાદ થયા તે અનુવાદના અનુવાદનો અનુવાદ છે.
૧૦મી સદીમાં તેનો ફરીથી સીરિયન ભાષામાં અનુવાદ થયો. ૧૦૮૦માં સાયમન બેલ સેઠે પંચતંત્રના અરબી અનુવાદ પરથી ગ્રીક અનુવાદ કર્યો. સ્ટેફેનિટીસ કાઇ નેલેટ્સ. એ ગ્રીક ભાષાંતર પરથી બાદમાં લેટિન, ઇટાલિયન, જર્મન, ફ્રેન્ચ અને સ્લોવેનિક અનુવાદ થયા. ૧૧૨૧માં નસરલ્લાહ નામના વિદ્વાને ફરીથી અરબી અનુવાદ કર્યો.
૧૫૦૦ની સાલમાં અનવરી સુહાઈલી શીર્ષક રૂપે પંચતંત્રની વાર્તાઓ વધારે સારી રીતે રીટોલ્ડ કરવામાં આવી. એશિયન અને યુરોપિયન ભાષાઓમાં તેનું સતત ભાષાંતર થતું રહ્યું. યહૂદી વિદ્વાન રબ્બી જોએલે કલિલ્લાહ વા દિમનાહનું હીબૂ્ર ભાષામાં રૂપાંતર કર્યું. યુરોપિયન ભાષાઓમાં જેટલા પણ અનુવાદ થયા તે મોટા ભાગે આ હીબુ્ર ભાષા પરથી થયા.
૧૨૫૧માં સ્પેનિશ કિંગ આલ્ફોન્સો એક્સ ઑફ કેસલે કલિલ્લાહ વા દિમનાહનું સ્પેનિશ ભાષાંતર કર્યું. સ્પેનિશ ભાષાશાસ્ત્રી જેકોબ બેન એલીઝરે કલિલ્લાહ વા દિમનાહનો પદ્યાનુવાદ કર્યો. જિઓવાની દી કેપ્યુઆ નામના યહૂદીએ રબ્બી જોએલના હીબુ્ર વર્ઝનનું લેટિનમાં ભાષાંતર કર્યું.
તેનું શીર્ષક દ્રૌપદીની સાડી કરતાય લાંબું, લાઇબર કલિલ્લા એટ દિનાઃ ડિરેક્ટોરિયમ હ્યુમેન વિટે એલિયાસ પેરાબોલા એન્ટિકોરિયમ સેપેઇન્ટિયમ. (માનવજીવનની માર્ગદર્શિકા અથવા પ્રાચીન ઋષિઓનીકહેવતો) આ ગ્રંથ તેમણે પોતાના આધ્યાત્મિક ગુરુ કાર્ડિનલ મેટો ઓર્સિનીને અર્પણ કરેલો.
કેપ્યુઆનું લેટિન વર્ઝન મધ્યયુગમાં જબરદસ્ત લોકપ્રિય બન્યું. તેના પરથી ઘણી બધી યુરોપિયન ભાષામાં અનુવાદ થયા. ૧૩૧૩માં રેમન્ડ્સ ડી બેઝરે ફરીથી પંચતંત્રનો સ્પેનિશ ભાષામાં અનવાદ કર્યો. તેનું શીર્ષક લિબર દી દીના એટ કલિલા. આ પુસ્તક તેમણે રાજા જેન દી નવારને અર્પણ કર્યું. ૧૪૮૦માં એન્થોનિયસ વોન ફોરે જર્મન ભાષામાં ટ્રાન્સલ્સેશન કર્યું. પુસ્તકનું શીર્ષક બુચ દર બિસ્પિલ દર એલન વેસન. ૧૫૨૪માં ઇટાલિયન લેખક, સંપાદક અને પ્રકાશક એન્તોનિયો ફ્રાંસિસ્કોએ પંચતંત્રનું ઇટાલિયન વર્ઝન છાપ્યું.
તેનુ શીર્ષક લા મોરલ ફિલોસોફિયા. પહેલવીમાંથી અરબી, અરબીમાંથી હીબુ્ર, હીબુ્રમાંથી લેટિન, લેટિનમાંથી ઇટાલિયન ભાષામાં અનુવાદિત થયેલી કૃતિ પરથી ઇંગ્લીશ અનુવાદ થયો. સાલ ૧૫૭૦માં સર થોમસ નોર્થે અનુવાદ કર્યો અને શીર્ષક રાખ્યું, મોરલ ફિલોસોફી ઑફ ડોની. તેના પરથી બીજી યુરોપિયન ભાષામાં ફેબલ્સ ઑફ બિદિપાઈ રૂપે અનુવાદ થયા. ફેબલ્સ એટલે વાર્તા અને બિદિપાઈ એ સંસ્કૃત શબ્દ વિદ્યાપતિનું અપભ્રંશ છે.
સૈકા વીતતા જાય અને દંપતીનો વંશવેલો હજારોની વસ્તી રૂપે વિસ્તરતો જાય તેમ પંચતંત્ર સતત અનુવાદિત થતી રહે છે, સતત નવો જન્મ લેતી રહે છે. તે દર્શાવે છે કે લેખકે ચિંતા કરવી નહીં, સારી કૃતિ હશે તો આપોઆપ ઊગી નીકળશે. નો માર્કેટિંગ નીડેડ.
આજની નવી જોક
છગન (ડૉ. મગનને): સાહેબ, મારું માથું બહુ દુઃખે છે.
મગનઃ છગનની આંખો તપાસીને કહે, તમારે આરામની સખત જરૂર છે.
છગનઃ સાહેબ, દવા નહીં આપો?
મગનઃ આપું છું. આ લો આ ઊંઘની ગોળી. રાતે તમારી પત્નીને ખવડાવી દેજો. એટલે તમને આરામ થઈ જશે
છગનઃ હેં!?

