સૂરજ હુઆ મદ્ધમ .
- પહેલા ગ્લોબલ વોર્મિંગનું ટેન્શન હતું, હવે સૂર્યની ગરમી ઘટી રહી હોવાની ચિંતા છે
- સોલર મિનિમમ દરમિયાન જેટલી ગરમી ઘટે છે તેના કરતા છ ગણી ગરમી આપણે પેદા કરી લઈએ છીએ
- મનુષ્ય જાત દ્વારા પૃથ્વી પર પેદા કરવામાં આવતી ગરમી સોલર મિનિમમ સામે રક્ષણ આપનારી પુરવાર થશે
સૂર્યભાનુ ગુપ્તે લખ્યું છે, હમ તો સૂરજ હૈ સર્દ મૂલ્કો કે, મૂડ આતા હૈ તો નિકલતે હૈ. સૂરજ હાજરાહજૂર હોવા છતાં હંમેશાથી કવિની કલ્પનાનો વિષય રહ્યો છે. સૂરજ હુઆ મદ્ધમ એવું પણ કોઇએ લખ્યું જ છે ને. અત્યારે આપણો સૂરજ ખરેખર મધ્ધમ એટલે કે મંદ પડવા લાગ્યો છે. વિજ્ઞાાનની ભાષામાં તેને સોલર મિનિમમ કહે છે. સૂરજની સપાટી પર થતી સક્રિયતામાં ઘટાડો થાય ત્યારે સોલર મિનિમમની સ્થિતિ પેદા થાય છે. સૂર્યની સપાટી પર એવી તે કઇ ઘટના ઘટી રહી છે તે જિજ્ઞાાસાનો વિષય છે.
સૂરજ એક એવો તારો છે જેના પર ઇલેકટ્રીકલી ચાર્જ્ડ ગેસ (પ્લાઝમા) ફુંકાતો રહે છે. પ્લાઝમા સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે. ભૌતિક વિજ્ઞાાનના સિદ્ધાંત પ્રમાણે વિદ્યુત ભારીત વાયુ (ઇલેકટ્રીકલી ચાર્જ્ડ ગેસ) અથવા તરંગો નિશ્ચિત પેટર્નમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે તો ચુંબકીય બળ પેદા થાય છે. આ ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્ર ઉભું કરે છે. આમ સૂરજ પર પણ બહુ બધા શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રો રચાતા હોય છે.
સ્કૂલમાં એક પ્રયોગ આવતો, લોખંડની કોઇપણ ચીજમાં વિદ્યુત ભારીત તરંગો હોય છે પરંતુ તે અસ્તવ્યસ્ત હોવાથી ચુંબકીય બળ પેદા કરી શકતા નથી. લોખંડના કોઇ ટુકડા પર થોડી વાર સુધી ચુંબક ઘસવામાં આવે તો એ લોખંડના ટુકડામાં રહેલા વિદ્યુત ભારના અસ્તવ્યસ્ત તરંગો એક જ પેટર્નમાં ગોઠવાઇ જાય છે. ફલત: એ લોખંડનો ટુકડો પણ ચુંબક જેવું કામ આપે છે.
સૂરજ પર વાયુઓ આમતેમ ફરતા રહે છે, સામસામા ટકરાય છે અને એકબીજામાં મળી જાય છે. એવી જ રીતે તેમના ચુંબકીય ક્ષેત્રો પણ પરસ્પર ટકરાતા રહેતા હોય છે. તેના કારણે સૂર્ય પર ઘણી વખત મોટી હલચલ પેદા થઇ જાય છે જે સોલર ફ્લેયર્સ (સૌરજ્વાળા) કોરોનલ માસ ઇજંકશન (સીએમઇ) અને સનસ્પોટ (સૌરકલંક) જેવી ઘટનાઓ ઘટે છે. આ બધી ઘટનાઓ એટલે જ તો સોલર એક્ટિવીટી અથવા સૌર ગતિવિધિ. સૌ પ્રથમ સનસ્પોટને સમજીએ. સૂર્યની ભીતર ચાલતી ક્રિયાઓને લીધે જે વાયુ મુક્ત થાય છે તે તેની આસપાસના વાયુને ગરમ કરી દે છે.
આ વાયુઓ ગરમ થતા ઉપર ઊઠે છે અર્થાત સપાટી તરફ ગતિ કરે છે. સપાટી પર રહેલા પ્રમાણમાં ઠંડા વાયુઓ નીચે તરફ ગતિ કરે છે. એક નિશ્ચિત સમય ગાળા માટે બંને વાયુઓની તાસિર બદલાય છે. સપાટી પર પહોંચતા ગરમ વાયુઓ ઠંડા પડી જાય છે અને સપાટી પરના ઠંડા વાયુઓ સૂરજના ગર્ભની ગરમી પામીને ગરમ થઇ જાય છે ને બંને ફરીથી જગ્યા બદલે છે. સપાટી પરથી ગર્ભમાં ગયેલા વાયુઓ ફરીથી સપાટી પર આવવા લાગે છે અને ગર્ભમાંથી સપાટી પર આવેલા વાયુઓ પુન: ગર્ભમાં જવા લાગે છે. આ ઘટનાક્રમ વણથંભ્યો ચાલતો રહે છે.
આ ઘટના ચક્ર દરમ્યાન કેટલીક વખત પરસ્પર ટકરાતા બે ચુંબકીય ક્ષેત્રો એટલા પ્રગાઢ બની જાય છે કે તેની આસપાસના માર્ગમાંથી વાયુઓને ગતિ કરવા દેતા નથી. એટલા વિસ્તારમાં એક વેક્યુમ રચાઇ જાય છે. પરિણામે આ વિસ્તાર સૂર્યના બીજા વિસ્તારોની તુલનાએ ઠંડો રહે છે તેથી આપણને એ જગ્યા પર કાળા રંગનું ધાબું દેખાય છે. એ ધાબુ એટલે જ તા સનસ્પોટ. બીજું શું ભલા? સનસ્પોટનો સૌ પ્રથમ પદ્ધતિસર અભ્યાસ ગેલિલિયો ગેલેલિએ સાલ ૧૬૦૯માં કર્યો હતો. તેના પછી ક્રિસ્ટોફ સાયનરે સૌર કલંકનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો.
સન સ્પોટ આપણી પૃથ્વી કરતા અનેકગણા મોટા હોય છે. તેનું ચુંબકીય ક્ષેત્ર પણ પૃથ્વી કરતા હજારગણું શક્તિશાળી હોય છે. એક મોટા સનસ્પોટનું તાપમાન ૩૭૦૦ ડિગ્રી સેલ્સિયસ લગી હોઇ શકે છે. ૩૭૦૦ ડિગ્રી તાપમાન આપણને ઝાઝું લાગે તો ય ઓછું છે. કારણ કે સૂર્યની સપાટી પર સરેરાશ તાપમાન ૫૫૦૦ ડિગ્રી સેલ્સિયસ હોય છે. સન સ્પોટની અંદર બહુ બધી ઉર્જા પણ સંચિત થાય છે જે એક મર્યાદા પછી વિસ્ફોટક જ્વાળારૂપે બહાર નીકળે છે તેને સોલર પ્લેયર (સૌરજ્વાળા) કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક સૌર જ્વાળાની સાથે કોરોનલ માસ ઇજેકશન પણ જોવા મળે છે. કોરોનલ માસ ઇજેકશન અસલમાં કિરણોત્સર્ગ અને પ્રકાશના મોટા-મોટા ગોળા હોય છે. તે સૌર જ્વાળાની જેમ જ તીવ્ર વિસ્ફોટની સાથે સૂર્યમાંથી બહાર નીકળે છે અને આકાશમાં ફેલાય જાય છે.
વિજ્ઞાાનીઓ સૂર્યની ભીતર થતી ક્રિયાઓ વિશે હજુ પૂરેપુરી જાણકારી પ્રાપ્ત કરી શક્યા નથી. તેઓ તેની બાહ્ય સપાટી પર બનતી ઘટનાઓ જોઇને જ તેના પર ચાલતી ગતિવિધિનો અંદાજ લગાવે છે. અત્યાર સુધી માત્ર પૂર્વભૂમિકા હતી. મૂળ વાત હવે આવે છે. અત્યારે સૌર કલંકોની સંખ્યા ઘટી ગઇ છે. તેનો અર્થ એ થયો કે હાલ સૂર્ય પર એટલા ચુંબકીય ક્ષેત્રો બનતા નથી, જેટલા ભૂતકાળમાં બનતા હતા. પ્લાઝમાની ગતિવિધિ થંભી જાય અથવા મંદ પડી જાય ત્યારે જ આવું બનતું હોય છે.
આવું થવું પણ એક સામાન્ય ઘટનાક્રમનો હિસ્સો છે. સોલર સાઇકલ ૧૧ વર્ષની હોય છે. આ ૧૧ વર્ષ દરમ્યાન સૂર્યનો ઉત્તર ધુ્રવ તેના દક્ષિણ ધુ્રવના સ્થાને આવી જાય છે અને દક્ષિણ ધુ્રવ ઉત્તર ધુ્રવના સ્થાને. આ પ્રકારનું સૌર ચક્ર પણ નિરંતર ચાલતું રહે છે. સૂર્યના ધુ્રવો સ્થાન બદલે એટલે તેના પર રહેલા ચુંબકીય ક્ષેત્રો પણ અદલ-બદલ થઈ જાય છે. આ ઘટનાક્રમ સૌર ગતિવિધિને પ્રભાવિત કરે છે. ૧૧ વર્ષના અંતરાલમાં એક સમય એવો આવે છે જ્યારે સૌર ગતિવિધિ વધી જાય છે અને બીજો સમય એવો આવે છે જ્યારે તે ઓછી થઇ જાય છે. સૌર ગતિવિધિ સર્વાધિક થઇ જાય એ સમયને સોલર મેક્સિમમ કહે છે અને તે ન્યૂનતમ થઇ જાય એ સમયને સોલર મિનિમમ કહે છે.
સૌર ચક્રની ગણના સાલ ૧૭૫૫થી થઇ રહી છે. ૧૭૫૫ને બેઇઝ ઇયર બનાવવામાં આવ્યું છે. ત્યારથી શરૂ કરો તો હાલ ૨૫મું સૌર ચક્ર ચાલી રહ્યું છે. તેની શરૂઆત સાલ ૨૦૧૯ના અંતિમ મહિનાઓમાં થયેલી, અને તે ૨૦૩૦ લગી ચાલશે તેવું અનુમાન છે. ૨૪મા સૌર ચક્ર અંતર્ગત એપ્રિલ ૨૦૧૪માં સોલર મેક્સિમમની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે સૂરજની સપાટી પર ૮૨ સનસ્પોટ જોવા મળ્યા હતા. ૨૦૦૯-૧૦માં સોલર મિનિમમની સ્થિતિ સર્જાયેલી.
સોલર મિનિમમને ખતરારૂપ માનવામાં આવી રહ્યું છે. ૨૦૨૦ શરૂ થયું ત્યારથી આજ દી સુધીમાં સૂર્ય પર એકપણ સનસ્પોટ જોવા મળ્યું નથી. ૨૦૧૯માં ૩૬૫માંથી ૨૮૧ દિવસ સુધી કોઇ સનસ્પોટ જોવા મળ્યો નહોતો. સનસ્પોટનું આટલા લાંબા સમય સુધી જોવા ન મળવું ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે. અમેરિકાના ખગોળ વિજ્ઞાાની ડો. ટોની ફિલિપ્સ પ્રમાણે આપણે છેલ્લા ૧૦૦ વર્ષના સૌથી મોટા સોલર મિનિમમનો સામનો કરવો પડી શકે છે. આપણા સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર બહુ જ ક્ષીણ થઇ ગયું છે. તેનું નુકસાન એ છે કે આ ચુંબકીય ક્ષેત્ર અગાઉ દૂરના બ્રહ્માંડમાંથી આવતા કોસ્મિક કિરણોને અટકાવી દેતું હતું. હવે તે મંદ પડી જતાં કોસ્મિક કિરણો સીધા પૃથ્વી પર પહોંચશે અને અહીંના ચુંબકીય ક્ષેત્રને વિપરીત અસર કરશે. આ કોસ્મિક કિરણો અંતરિક્ષમાં તરતા આપણા સેટેલાઇટ્સને પણ નુકસાન પહોંચાડી શકે છે.
કેટલાક વિશેષજ્ઞાોને ડર છે કે આ સોલર મિનિમમ ક્યાંક એવી સ્થિતિ પેદા ન કરે જે વર્ષ ૧૬૪૫થી ૧૭૧૫ અને ૧૭૯૦થી ૧૮૩૦ વચ્ચે પેદા થઇ હતી. ત્યારે સર્જાયેલા સોલર મિનિમમને અનુક્રમે માઉન્ડર અને ડોલ્ટનનું નામ આપવામાં આવ્યું છે. માઉન્ડરને લિટલ આઇસ એજ (લઘુ હિમયુગ) પણ કહેવામાં આવે છે. એ સમયમાં યુરોપ અને ઉત્તર અમેરિકામાં અતિશય કાતિલ ઠંડી પડી હતી. કેટલાય બંદરો અને મિલો બરફથી ઢંકાઇ ગયા હતા. જમીન પર બરફના અનેક ફૂટ જાડા થર જામી ગયા હતા. દુનિયાના ઘણાંય વિસ્તારોમાં દુષ્કાળ પડેલો અને ખેતી બરબાદ થઇ ગયેલી. ચીનમાં એ અરસામાં ઉનાળાની ફસલ નિષ્ફળ ગયેલી.
કંઇક એવું જ ડોલ્ટન મિનિમમ વખતે પણ બનેલું. ત્યારે કેટલાક જ્વાળામુખી સક્રિય થતા ઠર્યા પર ડામ લાગ્યો હતો. એ જ્વાળામુખી વિસ્ફોટ એપ્રિલ ૧૮૧૫માં ઇન્ડોનેશિયાના તંબોરામાં થયો હતો. જેને ઇતિહાસનો સૌથી મોટો જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે. એ દુર્ઘટનામાં એક લાખ લોકોના મોત થયા હતાં. ડોલ્ટન મિનિમમ વખતે ચેન્નાઇનું તાપમાન પણ માઇનસ થઇ ગયું હતું.
આ વખતે સ્થિતિ એટલી ખરાબ નથી કે આપણે માઉન્ડર અથવા ડોલ્ટન મિનિમમ જેવી સ્થિતિનો સામનો કરવો પડે એવો વિજ્ઞાાનીઓનો અભિપ્રાય રાહત આપનારો છે. જર્મનીની મેક્સપ્લેન્ક સંસ્થામાં સૂર્ય મંડળ પર સંશોધન કરી રહેલા વિજ્ઞાાની એલેકઝેન્ડર સાપિરો જણાવે છે, છેલ્લાં ૫૦ વર્ષમાં અનેક વખત સૂર્ય પર અસામાન્ય ગતિવિધિ જોવા મળી છે. આ વર્ષ પણ તેમાનું જ એક છે. વર્તમાન સૌર ચક્ર અગાઉના ચાર સૌર ચક્ર કરતા નબળું માનવામાં આવી રહ્યું છે પરંતુ તે એટલું નબળું સાબિત થશે નહીં જેટલો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. છેલ્લાં અક હજાર વર્ષનો ઇતિહાસ જોઇએ તો સમજાય છે કે સૌર ગતિવિધિથી એટલું બધું ડરવાની પણ જરૂર નથી.
અમેરિકાની વિજ્ઞાાન એજન્સી નેશનલ ઓસનીક એન્ડ એટમોસ્થીયરીક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે ૨૫મા સૌર ચક્રની શરૂઆત ભલે ધીમી હોય પણ ૨૦૨૩થી ૨૦૨૬ વચ્ચે દમદાર સોલર મેકિસમમ જોવા મળી શકે છે. આ ત્રણ વર્ષ દરમ્યાન ૯૫થી ૧૩૦ સૌર કલંક જોવા મળવાનો અંદાજ છે. ૧૧ વર્ષના સૌર ચક્ર દરમ્યાન ૧૪૦થી ૨૨૦ સનસ્પોટ જોવા મળતા હોય છે. નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનના વિજ્ઞાાનીઓ તો ત્યાં સુધી દાવો કરે છે કે વર્તમાન સૌર ચક્ર અગાઉના ચાર સૌર ચક્ર કરતાં વધારે શક્તિશાળી પુરવાર થશે.
માની લો બહુ મેજર સોલર મિનિમમ સર્જાય તો પણ પૃથ્વી પર તેની અસર માત્ર એટલી જ ગરમી ઘટાડવા પૂરતી હશે જે માનવીય પ્રવૃત્તિ દ્વારા પેદા થાય છે. વિજ્ઞાાનીઓનું અનુમાન છે કે આપણે દાયકાઓથી ચાલી રહેલા સોલર મિનિમમ કરતાં છ ગણી વધુ ગરમી પેદા કરી રહ્યા છીએ.
યુનિવર્સિટી ઓફ રીડીંગ (યુકે)માં ભૌતિક વિજ્ઞાાન ભણાવતા પ્રો. મેથ્યુ ઓએન્સે ન્યુઝવીક સાથેની વાતચીતમાં કહ્યું કે વર્તમાન સોલર મિનિમમ એટલું સામાન્ય પણ નથી અને એટલું અસામાન્ય પણ નથી. અત્યારે જે ઉપક્રમ ચાલી રહ્યો છે તે લાંબા સમય સુધી ચાલશે તો સૌથી લાંબુ સોલર મિનિમમ રચાઇ શકે છે. જો કે અત્યારે કોઇપણ પ્રકારની ભવિષ્યવાણી કરી શકાય તેમ નથી. ગત સોલાર મિનિમમ પણ લાંબું હતું. અત્યારે જે સ્થિતિ છે તેમાં જલ્દી કોઇ સુધારો થવાની મને કોઇ શક્યતા દેખાતી નથી. કોઇપણ તારણ સુધી પહોંચવું ઉતાવળ ભર્યુ ગણાશે. હા, એટલું ચોક્કસ કહી શકાય કે સૂર્ય આપણને ગમે ત્યારે ચકિત કરી શકે છે.
આજની નવી જોક
છગન (મગનને): આખો દિવસ પબજી શું રમે છે? તેનાથી કેટલી નકારાત્મક અસર થાય છે ખબર પડે છે?
મગન: સાચી વાત છે. હવે મારે પણ તારી જેમ ટીકટોક પર વીડિયો બનાવવા છે. તેનાથી પોઝિટીવ અસર થાય છે, કેમ?
છગન: હેં!?