For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશના 40 ઓટીટી પ્લેટફોર્મ્સનું વર્ષે 3500 કરોડનું ટર્નઓવરઃ વિશ્વમાં ભારતનો ઓટીટી ગ્રોથ ત્રણ ગણો, દેશમાં સૌથી વધુ 40 કરોડ વ્યૂઅર્સ

Updated: Mar 26th, 2022

Article Content Image

- ભારતમાં 65 ટકા વસતીની વય 35 વર્ષથી નીચે છે, તેનો લાભ લઈને 2030 સુધીમાં ઓટીટી બિઝનેસ 15 અબજ ડોલર એટલે કે 1,14,86,64,00,000 રૂપિયા થવાનો અંદાજ

- શાહરૂખ ખાનની નવા ઓટીટી પ્લેટફોર્મની જાહેરાત, બીજા સ્ટાર્સ પણ એ દિશામાં આગળ વધશેઃ દેશમાં ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ મનોરંજનનું સૌથી મજબૂત માધ્યમ બની જશે

બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાના નવા ઓટીટી પ્લેટફોર્મની જાહેરાત કરીને ઓટીટી ક્ષેત્રમાં હિલચાલ તેજ કરી દીધી છે. શાહરૂખના પગલે પગલે હવે બીજા બિગ પ્લેયર્સ પણ રોકાણ કરવા આગળ આવશે. કેટલાય ઉદ્યોગ સાહસિકો આ ક્ષેત્રમાં આવવા થનગની રહ્યા છે. મીડિયા કંપનીઓ પણ આ ક્ષેત્રમાં રોકાણ કરતી થઈ છે અનેે પોતાના પ્લેટફોર્મમાં વ્યૂઅર્સ મેળવવા મથામણ કરી રહી છે. ભારતમાં ૬૫ ટકા વસતીની વય ૩૫ વર્ષથી પણ નીચે છે. આ વયજૂથના સંભવિત ગ્રાહકોને પોતાની તરફ વાળવા માટે એક પછી એક ઓટીટી પ્લેટફોર્મ આવી રહ્યા છે. વિશ્વમાં ઓટીટીનો જેટલો ગ્રોથ છે એનાથી ભારતમાં ત્રણ ગણો વધારે ગ્રોથ થઈ રહ્યો છે. ભારતના કરોડો યુવા યુઝર્સને ધ્યાનમાં રાખીને દેશી-વિદેશી કંપનીઓ નવી નવી થીમ સાથે ઓટીટી શરૂ કરે છે. અહીં ઓટીટી પ્લેટફોર્મ, તેની શરૂઆત અને વિકાસ વગેરે વિશે ટૂંકમાં છતાં વિગતવાર સમજ મેળવી લઈએ...

ઓટીટી શું છે?

ઓટીટી - ઓવર ધ ટોપ એ ૨૧મી સદીના બીજાં દશકામાં સર્જાયેલી અનોખી ક્રાંતિ છે. ૨૧મી સદીના દર્શકોને તેમના સમય પ્રમાણે, તેમની મનગમતી સામગ્રી જોવાની મોકળાશ આપતી વ્યવસ્થા એટલે ઓટીટી. ફિલ્મ, વેબસીરિઝ, ટીવી શો સહિતની બધી જ સામગ્રી ઈન્ટરનેટના માધ્યમથી સીધી સ્માર્ટફોનમાં એક ક્લિકે હાજર થઈ જાય એને ઓટીટી કહેવાય છે.

ઓટીટીનું નામ અગાઉ 'વીડિયો ઓન ડિમાન્ડ' સવસ હતું. વીડિયો, ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, વેબસીરિઝ ડિમાન્ડથી એટલે કે સબસ્ક્રાઈબ કરીને કે ફોલો કરીને ગમે ત્યારે, ગમે ત્યાં જોઈ શકાય એને વીડિયો ઓન ડિમાન્ડ સવસ કહેવાય છે. યુટયૂબ તેનું સૌથી જાણીતું ઉદાહરણ છે. એક વખત એમાં કોઈ કન્ટેન્ટ અપલોડ થાય એ પછી તેને ગમે ત્યારે, ગમે ત્યાંથી જોઈ શકાય છે. 'વીડિયો ઓન ડિમાન્ડ'ની વ્યાખ્યા થોડી વિસ્તૃત થઈ ત્યારથી એને ઓટીટી કહેવાય છે. ખાસ તો એપના માધ્યમથી સામગ્રી દર્શકો સુધી પહોંચવા લાગી ત્યારથી એ પ્લેટફોર્મ ઓટીટી તરીકે ઓળખાવા લાગ્યું.

ઓટીટી શબ્દ કેવી રીતે આવ્યો?

ઓટીટી નામ કોઈન કરવાનો યશ કેનેડાની ટેલિકોમ રેગ્યુલેટર એજન્સી (કેનેડિયન રેડિયો-ટેલિવિઝન એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ કમિશન) સીઆરટીસીને મળે છે. ૨૦૧૧માં કમિશને કેનેડાની સંસદીય સમિતિ સમક્ષ એક અહેવાલ રજૂ કર્યો હતો. એમાં રેડિયો-ટીવી કે સિનેમાઘરને બદલે ઈન્ટરનેટની મદદથી વ્યૂઅર્સ સુધી સીધી જે સામગ્રી પહોંચતી હતી એના માટે કમિશને 'ઓવર ધ ટોપ' શબ્દ પહેલી વખત પ્રયોજ્યો હતો. 'ઓવર ધ ટોપ' એટલે રેડિયો-ટીવી સહિતના માધ્યમોથી ઉપર - જેના પર સીધું કોઈ સરકારી નિયંત્રણ નથી એવી સવસ. ઓટીટી એટલે પર્સનલ કમ્યુટરમાં, એપના માધ્યમથી સ્માર્ટફોનમાં, ટેબલેટમાં કે ડિજિટલ મીડિયા પ્લેયર્સમાં જોઈ શકાતી સામગ્રી.

આ થઈ ઓટીટીની સાદી સમજ. હવે તેની પોપ્યુલારિટીની વાત કરીએ. અમેરિકન કંપની નેટફ્લિક્સે ઓટીટી ક્ષેત્રે સફળતાના ઝંડા ખોડયા હતા. નેટફ્લિક્સ કંપની ૧૯૯૭માં સ્થપાઈ ત્યારે એ ડીવીડી વેચતી કંપની હતી. ઈ-મેઈલના માધ્યમથી ઓર્ડર લઈને કંપની લોકપ્રિય ફિલ્મો અને ટીવી સીરિયલ્સની ડીવીડી ઘરે ઘરે પહોંચાડતી હતી. ૨૦૦૭માં નેટફ્લિક્સે ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગની સવસ શરૂ કરી. ૨૦૧૦માં વીડિયો ઓન ડિમાન્ડની સુવિધા આપી તે સાથે જ મનોરંજન ક્ષેત્રે એક નવા યુગનો આરંભ થયો.

હાઉસ ઓફ કાર્ડ્સથી નવી તક સર્જાઈ

નેટફ્લિક્સ કંપની ૨૦૧૨-૧૩ સુધી બીજી પ્રોડક્શન કંપનીઓની ફિલ્મ-ટીવી સીરિઝ તેના પ્લેટફોર્મ પર મૂકીને પૈસા કમાતી હતી. નેટફ્લિક્સની વેબસાઈટમાં સબસ્ક્રાઈબ કરાવીને વ્યૂઅર્સ એ ફિલ્મો જોઈ શકતા હતા. ૨૦૧૨માં કંપનીએ એપ લોંચ કરીને સ્માર્ટફોન યુઝર્સને વધુ મોકળાશ આપી દીધી. ૨૦૧૩માં કંપનીએ બહુ ચચત વેબસીરિઝ 'હાઉસ ઓફ કાર્ડ્સ'નું નિર્માણ કર્યું. અત્યાર સુધી માત્ર સ્ટ્રીમિંગ સવસ આપતી કંપનીએ પોતાનું પ્રોડક્શન હાઉસ બનાવીને નવો ટ્રેન્ડ સેટ કર્યો. જે સામગ્રી સેન્સરશીપના કારણે ટીવીમાં બતાવી શકાય તેમ ન હતી એવી હિંસક-એડલ્ટ દૃશ્યો ધરાવતી સામગ્રી છૂટછાટ લઈને એપમાં બતાવી શકાતી હતી, નેટફ્લિક્સે તેનો બરાબર લાભ લીધો.

નેટફ્લિક્સે 'હાઉસ ઓફ કાર્ડ્સ' વેબસીરિઝથી ઓટીટી ક્ષેત્રે નવી તકનું સર્જન કર્યું. નેટફ્લિક્સને પગલે પગલે એમેઝોન કંપનીએ પણ એ ક્ષેત્રે ઝંપલાવ્યું અને એમેઝોન પ્રાઈમ વીડિયોનો પ્રારંભ કર્યો. ૨૦૧૬માં પ્રાઈમની સવસ દુનિયાભરમાં શરૂ થઈ. એમેઝોન પ્રાઈમ ઓરિજિનલ નામથી કંપની ઈનહાઉસ વીડિયો કન્ટેન્ટ બનાવે છે. પછી તો એટી એન્ટ ટી ટીવી, ફ્યુબો ટીવી, સ્લિંગ ટીવી, હૂલૂ, યુટયૂબ ટીવી વગેરે કેટલાંય ઓટીટી પ્લેટફોર્મ આવ્યાં અને વ્યૂઅર્સને આકર્ષવા નવું નવું કન્ટેન્ટ પીરસવા લાગ્યાં.

ભારતમાં ઓટીટીના સૌથી વધુ 40 કરોડ વ્યૂઅર્સ

ભારત આખી દુનિયામાં સૌથી વધુ ૩૫થી ૪૦ કરોડ ઓટીટી વ્યૂઅર્સ ધરાવતો દેશ છે. ભારતમાં જાણીતાં ૪૦ ઓટીટી પ્રોવાઈડર્સ છે, જે દેશભરમાં, અલગ અલગ ભાષાઓમાં સ્ટ્રીમિંગ સવસ આપે છે. ૨૦૧૮માં ભારતનું ઓટીટી માર્કેટ ૨૧૫૦ કરોડ રૂપિયાનું હતું, જે વધીને ૨૦૨૦માં ૩૫૦૦ કરોડ રૂપિયાનું થઈ ચૂક્યું છે.

ઓટીટી ફોર્મેટ યુવાપેઢીમાં એટલું પોપ્યુલર છે કે મેઈનસ્ટ્રીમ ટીવી કંપનીઓએ પણ ઓટીટી પ્લેટફોર્મ શરૂ કર્યા છે. ભારતમાં એનો પ્રારંભ થયો હોટસ્ટારથી. સ્ટાર ઈન્ડિયા કંપનીએ ૨૦૧૫માં હોટસ્ટાર લોંચ કર્યું હતું. કંપનીએ ધ વોલ્ટ ડિઝની કંપની સાથે કરાર કર્યો એ પછી હોટસ્ટાર 'ડિઝની પ્લસ હોટસ્ટાર' નામથી ઓળખાય છે. સોનીએ સોની લીવનો પ્રારંભ કર્યો. ટીવી સીરિયલની નિર્માત્રી એકતા કપૂરે અલ્ટ બાલાજીની શરૂઆત કરી. ઝી ટીવીએ ઝીફાઈવ નામનું ઓટીટી પ્લેટફોર્મ બનાવ્યું. ઈરોઝ નાઉ, વૂટ, મેક્સ પ્લેયર, સન નેક્સ્ટ, જીઓ સિનેમા સહિતની કેટલીય મોટી કંપનીઓએ ઓટીટી ક્ષેત્રે ઝંપલાવ્યું છે. શાહરૂખ ખાનની એન્ટ્રી થતાં હવે આગામી સમયમાં મોટા અભિનેતાઓ પણ આ ક્ષેત્રમાં આવે એવી શક્યતા વધી ગઈ છે.

આજની નવી જોક

ઘરના દરવાજા ઉપરની એક ખીલી બહાર નીકળેલી જોઈને છગન દરવાજો કાઢીને ઉપરના માળે લઈ ગયો

લીલી : આ શું કર્યું? દરવાજો કેમ ઉપર લાવ્યા?

છગન : બહાર નીકળી ગયેલી ખીલી બેસાડવી હતી, પણ હથોડી ઉપર પડી હતી!

ઓટીટીનું અર્થતંત્ર

ઓટીટીનું કમાણીનું ગણિત જુદું છે. ત્રણ રીતે ઓટીટી પ્લેટફોર્મ પૈસા કમાઈ શકે છે. પહેલી રીત થોડીક પરંપરાગત છે. એમાં જે તે ફિલ્મ કે વીડિયો ડાઉનલોડ કરવાનો ચાર્જ ચૂકવવો પડે છે અને તેના બદલામાં એ ડિવાઈસમાં ગમે ત્યારે એ સામગ્રી જોઈ શકાય છે. બીજી માસિક કે વાષક સબસ્ક્રિપ્શન પદ્ધતિ છે. કોઈ પ્લેટફોર્મને એક મહિના માટે કે વર્ષ માટે સબસ્ક્રાઈબ કરવાથી એમાં ઉપલબ્ધ બધી જ સામગ્રી જોઈ શકાય છે. ત્રીજી પદ્ધતિમાં યુઝર્સે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેતો નથી, પરંતુ એના બદલામાં સમય ખર્ચવો પડે છે! એટલે કે કોઈ સામગ્રી જોતી વખતે વચ્ચે વચ્ચે આવતી જાહેરાતો પણ જોવી પડે છે. જાહેરાત કંપનીઓ એના બદલામાં ઓટીટી પ્લેટફોર્મને વળતર આપે છે એટલે ઓટીટી કંપની ગ્રાહકોને વિનામૂલ્યે સવસ આપે છે. ઓટીટી પ્લેટફોર્મ એડ ફ્રી સામગ્રી જોવા માટે ગ્રાહકોને સબસ્ક્રિપ્શન ખરીદવાની ઓફર કરે છે એમાંથી પણ ઘણાં ગ્રાહકો મળી રહે છે.

ઓટીટીના પ્લસ અને માઈનસ પોઈન્ટ્સ

દરેક ક્ષેત્રની જેમ ઓટીટીના પણ ફાયદા નુકસાન છે. ઓટીટીનો માઈનસ પોઈન્ટ એ છે કે તે ટીવી-સિનેમાગૃહની સરખામણીએ ખૂબ જ પર્સનલ પ્લેટફોર્મ હોવાથી તેનો ઉપયોગ એડલ્ટ કન્ટેન્ટ માટે થતો હોવાની ફરિયાદ દુનિયાભરમાં ઉઠી છે. જાણીતા પ્લેટફોર્મ્સ - નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ કે હોટસ્ટાર જેવાએ એક હદથી વધારે એડલ્ટ કન્ટેન્ટ ન અપલોડ થાય તે માટે નિયમો બનાવ્યા છે ખરા, પરંતુ એ એટલા અસરકારક નથી. એના બચાવમાં દલીલ એવી થાય છે કે પર્સનલાઈઝ પ્લેટફોર્મ છે એટલે સુરૂચિના ભંગનો પ્રશ્ન ઉઠતો નથી. અભિવ્યક્તિની મોકળાશના નામે ઓટીટીને છૂટછાટ આપવી જોઈએ એવી તરફેણ થઈ રહી છે.

એ સિવાયનું એક નુકસાન સીધું નથી, પરંતુ આડકતરું છે. ઓટીટી આપણી લાઈફસ્ટાઈલને બદલીને લાંબાં ગાળે લાઈફસ્ટાઈલ ડિસીસને નોતરશે એવી દહેશત વ્યક્ત થઈ રહી છે. ટીવી કે સિનેમાહોલનો એક નિયત સમય રહેતો. સિનેમાહોલનો છેલ્લામાં છેલ્લો શો પણ ૧૨-૧ વાગ્યે તો પૂરો થઈ જ જાય છે. સામાન્ય રીતે દરેક પરિવારોમાં ટીવી જોવાનો સરેરાશ સમય પાંચથી છ કલાક હોય છે. ૧૧ કે ૧૨ વાગ્યા પછી ભાગ્યે જ કોઈ પરિવારોમાં ટીવી જોવાય છે. એના બદલે સાવ નવરાશ મળ્યા પછી મોડી રાતે ઓટીટીમાં વેબસીરિઝ/ફિલ્મો જોવાનું શરૂ થાય છે અને પછી એ ઘણાં કિસ્સામાં વહેલી સવાર સુધી ચાલે છે. ગમે ત્યાં, ગમે ત્યારે જોવાની મોકળાશ હોવાનો ફાયદો છે એમ તેનો ગેરફાયદો પણ છે જ.

ઓટીટીનો સૌથી મોટો ફાયદો ઉભરતા કલાકારોને મળી રહ્યો છે. એક પ્રોજેક્ટ મળી જાય એ માટે વર્ષો સુધી ફિલ્મનિર્માતાની ઓફિસે ધક્કા ખાનારા કેટલાય ઉગતા કલાકારોને ઓટીટીએ ઉડવા માટે આકાશ આપ્યું છે. ફિલ્મ-ટીવી સીરિઝ નિર્માણ અને ડિસ્ટ્રીબ્યુશનમાં મોનોપોલી સર્જાઈ ચૂકી છે. મોટી-મોટી ફિલ્મનિર્માણ કંપનીઓમાં ગમે તેને બ્રેક મળતો નથી, એમાં સગાવાદના આરોપો અવારનવાર લાગતા રહે છે. દેશભરના અસંખ્ય યુવાનો અભિનેતા-દિગ્દર્શક-સ્ક્રિપ્ટ રાઈટર-ગાયક-ગીતકાર બનવાનું સપનું આંખમાં આંજીને મુંબઈ આવતા હોય છે. પરંતુ હવે ઓટીટીએ નવી તકો સર્જી છે. હવે એના માટે મુંબઈ જવું જરૂરી રહ્યું નથી. ફિલ્મ બની ગયા પછી ડિસ્ટ્રિબ્યુટર ન મળે તો ડબ્બામાં બંધ રહી જાય છે. ટીવી ચેનલ કંપનીઓની પરવાનગી ન મળે તો બનેલી ટીવીસીરિઝ દર્શકો સુધી પહોંચતી નથી. અથવા તો ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ ઓટીટીએ આ સ્થિતિમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે. દુનિયાભરના સુપરસ્ટાર્સ ઓટીટી માટે કામ કરવા ઉતાવળા બન્યા છે એ જ બાબત આ પ્લેટફોર્મનું મહત્વ સાબિત કરવા માટે પૂરતી છે.

Gujarat