બોલીવૂડમાં નાણાં રળવા સેક્સી ફિલ્મો બનાવવાનો ચાલ સમાજ માટે ખતરનાક
- કમાણીના શોર્ટકટ માટે ફિલ્મમાં સેક્સનો તડકો મારવામાં કોઇ અચકાતું નથી
- ક્રાઇમ, હોરર અને નારીલક્ષી ફિલ્મોમાં પણ સેકસનો તડકો મારવાની ફેશન
- બોલીવૂડમાં સેક્સના જોરે ફિલ્મ બનાવી નાણાં રળવાનો દાવ બોક્સ ઓફિસ પર ઉંધો પડે છે
સેક્સ વેચવામાં દુનિયામાં બોલીવૂડનો જોટો ક્યાંય જડે તેમ નથી. બોલીવૂડમાં સેકસના જોરે ફિલ્મ ચાલી જશે તેમ સમજીને ફિલ્મ બનાવનારાં સફળ ફિલ્મ સ્ટારો અને નિર્માતાઓની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઉંધે મોથે પટકાઇ છે પણ બોલીવૂડમાં સેક્સી ફિલ્મો બનાવવાનું ચલણ ઘટતું નથી.
એક જમાનામાં બોલીવૂડમાં નવાસવા હિરોઇન- હિરોઇનો અને નિર્માતાઓ ફિલ્મ ઉદ્યોગમાં તેમનો પગ જમાવવા માટે જેમાં બેફામ અંગપ્રદર્શન કરવામાં આવે તે પ્રકારની ફિલ્મો બનાવતાં હતા. જેને બી કે સી ક્લાસની ફિલ્મો ગણવામાં આવતી હતી. પણ હવે બોલીવૂડંમાં જાણીતા મોટા ફિલ્મ સ્ટારો અને નિર્માતાઓ પણ નાણાં રળવા માટે આ પ્રકારની ફિલ્મો બનાવતાં અચકાતાં નથી. તાજેતરમાં આવેલી દિપિકા પદુકોણની ફિલ્મ ગહરાઇયાં આ બાબતનું તાજું ઉદાહરણ છે.
લોકોને ગલીપચી કરાવીને તેમના ખિસ્સા ખંખેરી લેવાનું કામ બોલીવૂડમાં દાયકાઓથી ચાલે છે. ઘણાં તો આ કામમાં એટલા માહેર છે કે તેમણે આ પ્રકારની ફિલ્મો બનાવી ફિલ્મ ઉદ્યોગમાં સફળતા પણ મેળવી છે. પણ દરેક વખતે આ દાવ સફળ થતો નથી. દિગદર્શક મિલન લુથરિયાએ દસ વર્ષ અગાઉ ૨૦૧૧માં વિદ્યા બાલન અને નસીરૂદ્દીન શાહને લઇને ડર્ટી પિક્ચર ફિલ્મ બનાવી હતી. સિલ્ક સ્મિતા નામની ૩૬ વર્ષે આપઘાત કરીને મૃત્યુ પામેલી સાઉથની સેક્સી હિરોઇનના નામને વટાવી ખાવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી હતી. પણ ફિલ્મ એટલી કંગાળ બની હતી કે લોકોએ કહ્યું કે સારૂ થયું સિલ્ક આ ફિલ્મ જોવા જીવતી રહી નથી. નહીં તો તેણે બીજીવાર આપઘાત કરવો પડયો હોત. સિલ્ક સ્મિતાનો ઘણાં સારા દિગ્દર્શકોએ અફલાતૂન ઉપયોગ પણ કર્યો હતો. આ ફિલ્મમાં વિદ્યા બાલનની સેકસી અદાઓ અને નસીરૂદ્દીન શાહ જેવો અભિનેતા હોવા છતાં આ ફિલ્મ જોઇએ તેવી ચાલી નહોતી. પરિણામે બાલાજી મોશન ફિલ્મની આ ફિલ્મ દ્વારા અઢળક નાણાં કમાઇ લેવાની ઇચ્છા બર આવી નહોતી. ઓ લાલા...ઓ લાલા ગીત અને સિલ્ક સ્મિતાનો ડાયલોગ -લોગોં કા નામ ઉનકે કામ સે હોતા હૈ મેરા બદનામ હો કે હુઆ હે - લોકપ્રિય બન્યા હતા પણ લાકાને સેક્સના નામે લલચાવવાનો પ્રયાસ સફળ થયો નહોતો. રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મ પહેલાં કંગના રનૌતને ઓફર કરવામાં આવી હતી પણ કંગના આ પ્રકારની ભૂમિકાઓ ભજવી ચૂકી હોવાથી તેણે આ ફિલ્મ કરવાની ના પાડી હતી અને તેના સ્થાને વિદ્યા બાલને જોખમ લીધું હતું.
ઘણીવાર એવું બને છેે કે આ પ્રકારની એક ફિલ્મ સફળ થાય એટલે લાલચુ ફિલ્મ નિર્માતાઓ તેના નામે આખી શ્રેણી બનાવી નાંખે છે. આવી ફિલ્મનું ઉદાહરણ હેટ સ્ટોરી છે. પહેલી ફિલ્મ હેટ સ્ટોરીમાં જાસૂસી માટે રૂપાળી લલનાનો ઉપયોગ કરી હની ટ્રેપની વાત હતી એટલે ફિલ્મ સફળ બની પણ એ પછી તો હેટ સ્ટોરી ટુ,થ્રી અને ફોર પણ આવી. આ શ્રેણીની ફિલ્મોમાં નફરત અને વેર વાળવા માટે સ્ત્રી શરીરનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાની વાત હતી. આવી જ રીતે ૨૦૦૨માં વોટ લાઇઝ બિનિથ નામની અંગ્રેજી ફિલ્મથી પ્રેરિત રાઝ ફિલ્મ આવી હતી. જેના પગલે રાઝ : ધ મિસ્ટરી કન્ટીન્યુઝ, રાઝ થ્રી અને છે ક ૨૦૧૬માં રાઝ : રીબૂટ આવી. પ્રથમ રાઝ ફિલ્મ ચાલવાનું કારણ એ હતું કે એ સમયે બોલીવૂડમાંથી હોરર ફિલ્મો ગાયબ થવાને આરે હતી. ત્યારે એક અંગ્રેજી ફિલ્મની નકલ હોવાને કારણે વાર્તમાં નવીનતા હોવાથી તે ફિલ્મ હોરર ફિલ્મના દર્શકોને ગમી હતી પણ તેને પગલે રાઝ ફિલ્મોની ભરમાર આવી તેને કારણે આખરે આ પ્રકારની ફિલ્મોથી લોકો ઉબાઇ ગયા. આ ફિલ્મોમાં હોરરના નામે સેક્સ પીરસવામાં ફિલ્મ નિર્માતાઓએ કશું બાકી રાખ્યું નહોતું.
મજાની વાત તો એ છે કે હાલ દુનિયાને દેશપ્રેમના પાઠ ભણાવવાનો સાઇડ બિઝનેસ કરતાં કંગના રનૌતે ૨૦૦૯માં બનેલી રાઝ : ધ મિસ્ટરી કન્ટીન્યુઝમાં ઇમરાન હાશ્મી સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પણ સેક્સ દરેક વખતે બોક્સ ઓફિસ પર નાણાં રળી આપતું નથી એ હકીકત છે. આવી જ રીતે મર્ડર ફિલ્મ હીટ થવાને પગલે મર્ડર ફિલ્મોની આખી શ્રેણી આવી ગઇ હતી. જેમાં ક્રાઇમને નામે સેક્સનો વેપાર કરવામાં આવ્યો હતો. બિપાશા બસુ અને ઇમરાન હાશ્મીની કારકિર્દી આ ફિલ્મોને કારણે ઉંચકાઇ પણ આ પ્રકારની ફિલ્મ શ્રેણીને કારણે ક્રાઇમ, હોરર અને નારીલક્ષી ફિલ્મોની ગુણવત્તા એ હદે કથળી કે લોકોએ આ પ્રકારની ફિલ્મો બનાવવાનું જ માંડી વાળવું પડયુ.
એક સમયના વિખ્યાત પત્રકાર પ્રિતીશ નંદી ફિલ્મ નિર્માતા બન્યા ત્યારે તેઓ પણ આ પ્રકારે નાણાં રળવાનો મોહ ટાળી શક્યા નહોતા. તેમના પ્રોડકશન હાઉસે મલ્લિકા શેરાવતને લઇને બનાવેલી ફિલ્મ અગ્લી ઔર પગલીમાં પણ ભરચક સેક્સ પીરસવામાં આવ્યું હતું. જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઇ હતી.
બીજું જ્યારે કોઇ મોટા ફિલ્મ ખાનદાનના નબીરાંમાં કોઇ ટેલેન્ટ ન હોય અને તેને મોટાપાયે લોન્ચ કરવાનો હોય ત્યારે પણ આ પ્રકારની ફિલ્મ બનાવવામાં આવે છે. ઉદય ચોપડાની ડગુમગુ થઇ રહેલી ફિલ્મ કારકિર્દીને બચાવવા માટે તનિશા મુખર્જીને લઇને નીલ એન્ડ નિક્કી નામની ફિલ્મ ૨૦૦૫માં બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં જ મુખર્જી ખાનદાનની ફરજંદ તનિશાએ બોલ્ડ સીન આપ્યા હતા. પણ આજે ફિલ્મ નીલ એન્ડ નીક્કી અને તનિશા મુખર્જી બંનેમાંથી કોઇને યાદ રહ્યા નથી. બાય ધ વે, તનિશા એ કાજોલની બહેન અને તનુજાની દીકરી છે.
તો ઘણી ફિલ્મો ગલગલિયા કરાવવા માટે જ બને છે. આવી એક ફિલ્મ હતી હન્ટરરરર. જેમાં ગુલશન દેવૈયા અને રાધિકા આપ્ટે અને સાઇ તામ્હણકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ગુલશન દેવૈયાએ સેક્સ એડિક્ટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કિસીંગ સીનની ભરમાર હતી. અનુરાગ કશ્યપ પણ આ ફિલ્મની નિર્માણ મંડળીમાં સામેલ હતો. આ ફિલ્મમાં પણ નિર્માતાએ મોટી ખોટ સહેવી પડી હતી. પણ આ ફિલ્મના નિર્માતાને શ્રેય એ વાતનું આપવું પડે કે આ જ વર્ષે એટલે કે ૨૦૧૫માં તેમણે મસાન જેવી ઉત્તમ ફિલ્મ પણ રજૂ કરી હતી.
બી ગ્રેડની આ ફિલ્મોને કારણે સિનેમાને સહેવું પડયું એટલું જ નહીં તેનાકારણે જે પ્રકારનું સેક્સ ફિલ્મોમાં રજૂ થયું તેને કારણે સમાજ પર પણ તેની વિપરીત અસરો પડે છે તે કોઇ નકારી શકે તેમ નથી. બોલીવૂડે છાશવારે આ પ્રકારની ફિલ્મો બનાવી સેક્સના નામે નાણાં રળવાના આવા અવળા ધંધા બંધ કરવાનો સમય પાકી ગયો છે. યેનકેનપ્રકારેણ સેકસના નામેે નાણાં રળી લેવાની માનસિકતાની એક બીજી ઘાતક અસર એવી પડી છે કે સારી ફિલ્મો ભણી પણ લોકો હવે શકની નજરે જોવા માંડયા છે. સમાજનો એક રૂઢિચુસ્ત વર્ગ કોઇપણ પ્રકારની ફિલ્મ બને કે તેમની લાગણી દુભાઇ હોવાનો ચિપિયો પછાડીને ઉભો થઇ જાય છે. સરવાળે મુદ્દો એ છે ક ે બોલીવૂડના સુપર સ્ટારો અને ફિલ્મ નિર્માતા-નિર્દેશકોએ નાણાં રળવા માટે જ સેક્સનો તડકો નાંખીને ફિલ્મ બનાવતા પૂર્વે બે વાર વિચાર કરવો જોઇએ. જાહેર મનોરંજનના માધ્યમના મોભીઓ તરીકે તેમની પણ સમાજ પ્રત્યે કોઇ જવાબદારી બને છે. તેમને આવી છીછરી ફિલ્મો બનાવવાનું શોભતું નથી.
આજની નવી જોક
છગન: મારું અનુમાન છે કે આ બોક્સમાં કોઇ ખાવાની ચીજ છે.
લીલી: અરે વાહ, પતિદેવ! તમારું અનુમાન એકદમ સાચું છે. બોક્સમાં મારા નવા સેન્ડલ છે.
ઓટીટી પ્લેટફોર્મમાં અશ્લિલતાનો મારો
ઓટીટી પ્લેટફોર્મ પર કોઈ નિયંત્રણ ન હોવાથી સર્જકની સ્વતંત્રતાના નામે બેફામ અશ્લિલતા પીરસવામાં આવે છે. એક મોટો વર્ગ છે જે ઓટીટીમાં બોલ્ડ કન્ટેન્ટ જોવા ઈચ્છે છે. તેમને ધ્યાનમાં રાખીને ડાયલોગમાં ગાળાગાળી અને દ્વિઅર્થી શબ્દો મૂકવામાં આવે છે. એવી જ રીતે અશ્લિલ સ્ટોરીલાઈન ઘડી કાઢવામાં આવે છે. ભારતીય સમાજજીવનના ડાર્ક પાસા બતાવવાના નામે કંઈ કેટલીય સ્ટોરીને અશ્લિલ રીતે બતાવીને લોકપ્રિયતા અંકે કરવામાં આવી રહી છે. ભારતના પ્લેટફોર્મમાં જ આવું થાય છે એવું ય નથી. વિદેશી પ્લેટફોર્મમાં પણ છૂટથી અશ્લિલતા પીરસવામાં આવે છે. નેટફ્લિક્સ, હોટસ્ટાર કે એમેઝોન જેવા ટોચના પ્લેટફોર્મ પણ એમાંથી બાકાત નથી. કેટલીય વેબસીરિઝમાં નવીનતાના નામે કંઈક એવા વિષયો રજૂ કરવામાં આવે છે કે જેમાં ઈન્ટીમેટ દૃશ્યો સિવાય કશું હોતું નથી. એડલ્ટ કોમેડી શો વગેરેની તો વ્યૂઅરશીપ એટલી બધી હોય છે કે બધા મેકર્સ એવી વ્યૂઅરશીપ મેળવવાના પ્રયાસોમાં લાગી જાય છે. કેટલાક ઓટીટી પ્લેટફોર્મ્સ વલ્ગારિટીનું માધ્યમ બનતા જાય છે.
સારી ફિલ્મમાં પણ સેકસી ડાન્સ નંબરનો ઉપયોગ!
કોઇ એક ફિલ્મમાં કમર્શિયલ સફળતા માટે એક સેક્સી ડાન્સ નંબર ઉમેરવો એક વાત છે અને માત્ર ગલગલિયા કરાવવા માટે જ આખી ફિલ્મ સેક્સને આધારે બનાવવી તે બીજી વાત છે. બાલુ મહેન્દ્રની ક્લાસિક ગણાતી ફિલ્મ સદમામાં સિલ્ક સ્મિતા અને કમલ હાસનની સેકસી ડાન્સ સોન્ગ સિકવન્સ ન હોત તો શ્રીદેવીના અફલાતૂન અભિનય છતાં આફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી હોત કે કેમ તે એક શંકા છે. આ ફિલ્મમાં આ સેક્સી ડાન્સનો ઉપયોગ લોકોને એક સારી ફિલ્મ જોવા માટે થિયેટરમાં ખેંચી લાવવા માટે થયો હતો. મજાની વાત એ છે કે આ ડાન્સને હાલ યંગ જનરેશનમાં લોકપ્રિય પ્રભુ દેવાના પિતા મુગુર સંુંદરમ માસ્ટરેે કોરિયોગ્રાફ કર્યો હતો.