અચ્છે દિન નથી જોઈતા, હવે તો 2014 પહેલાના દિવસો પાછા આવી જાય તોય ઘણું
- ધારાવાહિક નિરાશા .
- સીધી રાહત આપવાને બદલે લોનની ચોકલેટ પકડાવી દેવામાં આવી
- જ્યારે બજારમાં ડીમાન્ડ જ ન હોય ત્યારે કઈ કંપની લોન લેવાની?
- ઉછીના લઈ ગયેલો દોસ્તાર પૈસા પાછા આપવાને બદલે જૂના અહેસાનો ગણાવી દે તેમ સરકારે જૂની યોજનાઓ પણ ગણાવી દીધી
નામ બડે ઔર દર્શન છોટે કહેવત જાણે કે ભારત સરકારે ગત સપ્તાહે જાહેર કરેલા રાહત પેકેજ પરથી જ પડી છે. કટકે-કટકે પ્રસ્તુત થયેલું આ ધારાવાહિક પેકેજ રાહતની ધારા વરસાવવામાં ઉણું ઉતર્યું છે. આ પેકેજને ટુકડે-ટુકડે પેકેજ કહેવામાં કંઈ ખોટું નથી. તેણે આપણી ઉમ્મીદના ટુકડે-ટુકડા કરી નાખ્યા છે. હૃદયની જેમ બેસી ગયેલી અર્થવ્યવસ્થા માટે આવશ્યક પમ્પિંગનો આમાં અભાવ વર્તાય રહ્યો છે. આશા અને આકાંક્ષાથી છલકતી જનતાને કોથળામાંથી બિલાડુ નીકળ્યા જેવો અહેસાસ થયો છે. અચ્છે દિન તો સમજ્યા પણ પહેલેવાલે દિનની અપેક્ષા પણ ધૂંધળી પ્રતિત થઇ રહી છે. રૂા. ૨૦ લાખ કરોડના ૧૩ મીંડા પાછળની સચ્ચાઇ જાણ્યા બાદ લોકો શૂન્યમનસ્ક બની ગયા છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે હપ્તાવાર આર્થિક પેકેજની ઘોષણાની પૂર્ણાહુતિ કરી કે તરત ચર્ચિત આંતરરાષ્ટ્રીય એજન્સી ગોલ્ડમેન સાક્સ મોકાણના સમાચાર લઇને આવી. તેણે જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધીની સૌથી કારમી મંદી આવવાની છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટમાં ૫ ટકાનો વિજકડાકો બોલશે. મોદી સરકારના આર્થિક પેકેજથી અર્થવ્યવસ્થાને તાત્કાલિકપણે કોઇ ફાયદો થવાની આશા નથી. તેમણે તર્ક આપ્યો છે કે પ્રસ્તુત પેકેજમાં જે ઘોષણાઓ કરવામાં આવી છે તેમાંથી જૂજ રાહત કેન્દ્રી છે અને બહુધા સુધારા કેન્દ્રિત. આથી આ રાહત પેકેજ કેવળ ને કેવળ લાંબા સમયે ફાયદો પહોંચાડી શકે છે.
ભારત સરકારે પ્રથમ રાહત પેકેજ રૂા. ૧,૭૨,૦૦૦ કરોડનું જાહેર કર્યું હતું તે જીડીપીના માત્ર ૧.૪ ટકા હતું, વિશ્વના જેટલા પણ મોટા અર્થતંત્રો છે તેની સરકારો દ્વારા જીડીપીના ૧૦થી ૨૦ ટકા ઘોષિત કરવામાં આવ્યું હોવાથી ભારત સરકારની મોંફાટ આલોચના થઇ હતી. આથી મોદી સરકાર બીજું પેકેજ રૂા.૨૦ લાખ કરોડનું લઇને આવી. આ રકમ આપણી જીડીપીના ૧૦ ટકા બરાબર છે એ સાચી વાત પરંતુ જો પેકેટ ખોલીને અંદર જોઇએ તો મોટાભાગની રાહતો છે તે લોનરૂપી છે. સીધી રાહત ૨થી ૩ લાખ કરોડ કરતા વધારે નથી. નિષ્ણાતથી લઇને નાના બચ્ચા સુધી બધાને ખબર પડી ગઇ છે કે ભારતીય જનતાને તારક મહેતાના ઊંધા ચશ્માં પહેરાવવામાં આવ્યા છે. મે મહિનામાં સરકારે દેશવાસીઓને એપ્રિલફુલ બનાવવાની ગુસ્તાખી કરી છે. એકવાર એ પણ ક્ષમ્ય ગણી શકાય, કિંતુ ઘોર કોરોના કળીકાળમાં આવી મજાક કરાતી હશે?
રાહત પેકેજને આત્મનિર્ભર ભારત અભિયાન નામ આપવામાં આવ્યું છે. જાણે કે કોરોના કાળમાં આર્થિક પાયમાલ થનારા નોકરી- ધંધા ગુમાવનારા લોકોને સૌ-સૌનું ફોડી લેવાનો ગૂઢ સંકેત કરવામાં આવ્યો છે. ધારાવાહિક સિરિયલના પ્રથમ એપિસોડમાં નિર્મલાબહેને રૂા. ૫.૯૪ લાખ કરોડનું પેકેજ ઘોષિત કર્યુ, તેમાં સૂક્ષ્મ, લઘુ એવમ મધ્યમ સ્તરના ઉદ્યોગો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ૫.૯૪ લાખ કરોડમાંથી ૩ લાખ કરોડ તો માત્ર લોન આપવાની ઘોષણા હતી, જામીનગીરી મુક્ત લોન. જ્યાં ઉદ્યોગકારોએ સીધી રાહતની અપેક્ષા રાખી રહ્યા હતા ત્યાં તેમને લોનની ચોકલેટ પકડાવી દેવામાં આવી છે.
બીજા એપિસોડમાં નાણાંમંત્રીએ રૂા.૩.૧૦ લાખ કરોડની રાહતની ઘોષણા કરી તેમાં અત્યારે જે સૌથી વધુ હેરાન છે તેવા વસાહતી મજૂરો, ફેરિયાઓ, મધ્યમ વર્ગ અને ખેડૂતોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ૧.૫ લાખ કરોડનું પેકેજ કૃષિ સાથે સંકળાયેલા પાયાના માળખાને દુરસ્ત કરવા માટેનું છે. તેમણે કોલસા ખાણથી લઇને અંતરિક્ષ લગીના ક્ષેત્રોમાં પાયાગત સુધારા કરવાની ઘોષણા કરી. રાજ્યોને વધારાની મદદ આપવાની પણ વાત કરાઈ. આ પગલાં પાછળ રૂપિયા રૂા. ૪૮૧૦૦ કરોડ ખર્ચવામાં આવશે એવું પણ કહેવાયું. આમ ત્યાં સુધીમાં કુલ મળીને રૂા. ૧૧ લાખ કરોડના પેકેજની ઘોષણા કરવામાં આવી.
વાર્તામાં ટ્વીસ્ટ હવે આવે છે. નાણાંમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૨ મેના એલાન પહેલાં જ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રૂા. ૧ લાખ ૯૨,૮૦૦ની જાહેરાત કરવામાં આવેલી. ઉપરાંત રીઝર્વ બેંકે પણ અંદાજે રૂા. ૮ લાખ કરોડનું એલાન થોડા મહિનાઓ અંતર્ગત કરેલું છે. જો આ બધી જ રકમનો સરવાળો કરી દેવામાં આવે તો સરવાળો રૂા.૨૦,૯૭,૦૫૩ કરોડ થાય. પકડાવ્યાને ઉંધા કાન, એ જ તો કમાલ છે. આ જાદુનો ખેલ છે દોસ્તો, તમે તાગ મેળવવા જશો ત્યાં વરસ વીતી જશે. આ તો એવું થયું જાણે ઉછીના પૈસા લઈ ગયેલો દોસ્તાર તે પાછા આપવાને બદલે જૂના અહેસાનો ગણાવી દે.
બહારથી બુલેટ ટ્રેન જેવા અને અંદરથી વરાળ એન્જીનથી દોડતી છુકછુક ગાડી જેવા પેકેજ વિશે ગોલ્ડમેન સાક્સની જેમ બીજા બધાએ પણ રિએકશન્સ આપ્યાં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું અને સાચું જ કહ્યું કે આ રાહત નહીં બલ્કે લોનનું પેકેજ છે. સરકારે આના પર પુર્નવિચારણા કરવી જોઇએ. અત્યારે સીધા ગરીબોના ખાતામાં પૈસા જમા કરાવવાની જરૂર છે. સડક પર ચાલતા વતન જઇ રહેલા માઇગ્રન્ટ્સને પૈસાની જરૂર છે લોનની નહીં. જે ખેડૂતો મુશ્કેલીમાં છે તેમને પણ પૈસા જોઇએ છે લોન નહીં.
આયોજન પંચના ભૂતપૂર્વ સદસ્ય સંતોષ મેહરોત્રા કહે છે કે, લોન આપવાની આ ઘોષણાઓનો ગરીબ વર્ગને કોઇ ફાયદો થશે નહીં. મનરેગામાં ૪૦ હજાર કરોડ રૂપિયાની વધારાની ફાળવણી તથા જનધન ખાતામાં રૂા. ૩૧ હજાર કરોડની ફાળવણી બેશક રાહતદાયી છે પણ પર્યાપ્ત નથી. આ બંને યોજનાઓમાં બમણું કે ત્રણગણું કે એના કરતાં પણ વધારે ફંડીંંગ કરવાની આવશ્યકતા છે.
આઇઆઇએમ અમદાવાદના એસોસિએટ પ્રોફેસર રિતિકા ખેડાએ કહ્યું, જે ઘોષણાઓ કરવામાં આવી છે તે રિલિફ ઓછી અને રીફોર્મ વધારે લાગે છે. તાત્કાલીક રાહત આપવા માટે સરકારે નહીં બરાબર પગલાં લીધા છે. તાત્કાલીક રાહતની રકમ દેશની કુલ જીડીપીના એક ટકા પણ થતી નથી. ખરેખર રાહત પેકેજ કેટલાનું છે કહો ચતુર સુજાણ?, એવું ઉખાણું પૂછવામાં આવે તો દરેક જાણકાર પાસેથી જુદા જુદા આંકડા મળે છે. ભૂતપૂર્વ કેન્દ્રિય નાણાંપ્રધાન પી. ચીદમ્બરમ કહે છે અસલમાં આ પેકેજ રૂા.૧,૮૬,૦૦૦ કરોડનું જ છે. ગોલ્ડમેન સાક્સ કહે છે કે મોદી સરકારનું રાહત પેકેજ ૨.૭ લાખ કરોડનું છે એટલે કે દેશની જીડીપીના ૧.૩ ટકા.
મોદી સરકારનો આર્થિક પેકેજ આંકડાની માયાજાળથી વિશેષ કશું ન હોવાના આક્ષેપ દસે દિશામાંથી ઉઠી રહ્યા છે. સીપીએમ નેતા બ્રિન્દા કરાત તેમના એક આર્ટિકલમાં જણાવે છે, આ પેકેજમાં અનેક જુની યોજનાઓનું રિસાયકલીંગ કરવામાં આવ્યું છે ઉપરાંત બજેટ વખતે જે ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી તેને પણ આમાં સમાવી લેવામાં આવી છે. દાખલા તરીકે માર્ચ મહિનામાં ઘોષિત પેકેજમાં ખેડૂતોના ખાતામાં રૂા. ૨ હજાર જમા કરવામાં આવ્યા હતા તે પણ આ પેકેજમાં ગણી લેવામાં આવ્યા છે. નાણાંમંત્રીએ પોતે પણ આ સચ્ચાઇનો સ્વીકાર કર્યો છે. આવું શા માટે? તેનો તેમની પાસે કોઇ જવાબ નથી.
બિલકુલ આવું જ એક દેશ, એક રાશન કાર્ડ યોજના માટે પણ કહી શકાય. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજની ઉદ્દઘોષણા સમયે આ યોજનાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું, વસાહતી મજૂરોને ફાયદો પહોંચાડવા માટે અમે રેશનકાર્ડની નેશનલ પોર્ટેબિલીટી કરવા જઇ રહ્યા છીએ. તેનાથી સ્થળાંતરિત મજૂરો દેશના કોઇપણ હિસ્સામાંથી રાશન ખરીદી શકશે. દાખલા તરીકે આજે કોઇ રાશનકાર્ડ ધારક બિહાર અથવા કર્ણાટકમાં હોય અને કાલે તે રાજસ્થાન જતો રહે તો ત્યાંથી પણ રાશન ખરીદી શકે. ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં એટલે કે આગામી ૩ મહિનામાં ૨૩ રાજ્યોના ૬૭ કરોડ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત કવર કરવામાં આવશે.
જનતા સાથેની મજાક એ છે કે એક દેશ એક રાશનકાર્ડ એ કોઈ નવી યોજના છે જ નહીં, તેના પર બે વર્ષથી કામ થઇ રહ્યું છે. ૪થી ફબુ્રઆરીએ ગ્રાહકલક્ષી બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણના રાજ્ય મંત્રી દાનવે રાવસાહેબ દાદા રાવે લોકસભામાં એક દેશ એક રાશનકાર્ડ યોજના વિશે માહિતી આપી જ હતી. તેમણે તો એવો દાવો કરેલો, આ યોજના પર એપ્રિલ ૨૦૧૮થી કામ શરૂ થઇ ચૂક્યું છે. હવે વાત કોની સાચી માનવાની? શ્રીમાન દાનવેની કે નિર્મલામૈયાની? ને ખરેખર બે વર્ષ પહેલાં જો એક દેશ એક રાશનકાર્ડ યોજના લાગુ પડી ગઇ હોત તો આજે રોજીરોટી વિનાના શ્રમિકોને તેમના વતન ઉચાળા ભરવા પડયા હોત નહીં.
૧૫મી મેએ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના નિવેદને પણ જબરો વિવાદ સર્જયો. તેમણે કહ્યું કે, એમ.એસ.એમ.ઇ. એકમો પાસેથી વિવિધ સરકારી સંસ્થાઓ અને વિભાગોને રૂા. ૫ લાખ કરોડ લેવાના નીકળે છે. નિર્મલા સીતારમણે તેની પહેલાં એવી ઘોષણા કરી હતી કે એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રને રૂા. ૩ લાખ કરોડની ગેરંટી ફ્રી લોન આપવામાં આવશે. ગડકરીનું નિવેદન સાંભળ્યા બાદ ચિદમ્બરમે મમરો મૂક્યો કે લોન આપનાર કોણ છે? અને ઉધાર લેનાર કોણ છે? તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે. બંને મંત્રીઓના નિવેદન પરસ્પર ટકરાતા હોવાથી હોબાળો વધી ગયો અને ગડકરીએ એવું કહીને વળાંક લીધો, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
કેટલાક આર્થિક નિષ્ણાતો કહે છે કે જ્યારે બજારમાં ડિમાન્ડ જ નથી ત્યારે કંપનીઓ લોન લેશે શા માટે? સરકારે સૌ પ્રથમ બજારમાં ડિમાન્ડ ઉભી કરવા પર ધ્યાન આપવું જોઇએ. જ્યાં સુધી ડિમાન્ડ નહીં પેદા થાય ત્યાં સુધી ઉદ્યોગો માલનું પ્રોડકશન કરવાની હિંમત કરશે નહીં. ખેડૂતો, શ્રમિકો અને ગરીબોના ખાતામાં પૈસા નાખવામાં આવે તો તેઓ બજારમાં વસ્તુની ખરીદી કરવા નીકળે અને અર્થતંત્ર ફરીથી ધબકતું થાય. બજારમાં વસ્તુની લાવ-લાવ શરૂ થાય તો સ્વાભાવિકપણે ઉત્પાદન પણ વધે અને ઇકોનોમીના જામ થઇ ગયેલા ચક્કા ફરીથી દોડતા થાય. સરકારે આ બાબતની સંપૂર્ણપણે ઉપેક્ષા કરી છે. પી. ચીદમ્બરમ ઉપરાંત અઝીઝ પ્રેમજી અને રાજીવ બજાજ જેવા ઉદ્યોગપતિઓ પણ એ જ કહી રહ્યા છે કે સરકારે ગરીબોના હાથમાં પૈસા આપવા જોઇએ.
નાણાંમંત્રી સીતારમણને પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજી પણ સરકારને ગરીબોના ખાતામાં કમસેકમ રૂા. પાંચથી સાત હજાર જમા કરાવવાની સલાહ આપી રહ્યા છે તો શા માટે તેનું અમલીકરણ કરવામાં આવતું નથી? તેના જવાબમાં તેમણે પ્રશંસનીય બચાવ કર્યો, એક સમસ્યાને ઉકેલવાના અનેક રસ્તા હોય છે. અમે જે રસ્તો અપનાવ્યો છે તે વધારે અસરકારક નીવડશે.
સાચી વાત એ છે કે તેઓ અત્યારે પણ પક્ષાપક્ષીનું રાજકારણ રમી રહ્યા છે. કોરોના જેવા ગંભીર સંકટ સમયે પણ તેમને હરીફ દ્વારા સૂચવવામાં આવેલા રસ્તા પર ચાલવું મંજૂર નથી. એટલા માટે કેમ કે જો સફળતા મળે તો ક્રેડિટ હરીફ પક્ષ લઇ જાય. તુમ મેરી નહીં હો સકતી તો મેં તુમ્હે કિસી ઔર કી ભી નહીં હોને દૂંગા તેના જેવી આ વાત છે. ને બીજી હકીકત એ છે કે અગાઉના વર્ષોમાં વિવિધ તમાશાઓમાં સરકારે એટલા બધા નાણાં ખર્ચી નાખ્યા છે કે તેની પાસે સંકટ સમયની સાંકળ બની શકે એવું કશું બચ્યું નથી. તિજોરી તળિયા...
આજની નવી જોક
છગન (મગનને) : આજે રાતે હું નહીં ઊંઘું.
મગનઃ કેમ?
છગનઃ કાલે રાતે સપનાંમાં એક લુખ્ખાને લમધાર્યો હતો. આજે તે ટોળકી લઈને મને મારવા આવવાનો છે.
મગનઃ હેં!?