Get The App

ફેરનહિટ 451 : સરકાર વિ. પુસ્તકો

- કેટલાક વિદ્રોહીઓ પુસ્તકો પાકા કરી લે છે જેથી તે સળગીને નષ્ટ થયા પછી પણ નષ્ટ ન થાયઃ આપણા ઋષિમુનિઓ પણ આવું કરતા

- સરકાર જ્યારે પુસ્તકો જપ્ત કરી-કરીને સળગાવાનું શરૂ કરે છે ત્યારે

Updated: Jun 20th, 2020

GS TEAM

Google News
Google News

- જે-તે સમયે ફ્લોપ ગયેલી આ મુવિ પાછળથી ક્લાસિક ફિલ્મ તરીકે પ્રશંસા પામી

ફેરનહિટ 451 : સરકાર વિ. પુસ્તકો 1 - image

સત્ય ગમે એટલી મીઠાશથી બોલવામાં આવે તો પણ તે કડવું લાગ્યા વિના રહેતું નથી, ખૂંચ્યા વિના રહેતું નથી કારણ કે તે સત્ય છે.  જૂઠના આરાધકો, સમાજના અને રાજનીતિના સ્થાપિત હિતોને તો સત્ય કાનમાં ધગધગતુ સીસું રેડાતું હોય તેવું લાગે છે. એટલે જ પુસ્તકો પર પ્રતિબંધ મુકાતા રહ્યા છે. અંધકારના આરાધકો ઇચ્છતા નથી કે પૃથ્વી પર અજવાળું ઊતરે. એટલે જ કટુ સત્ય ઉચ્ચારતા પુસ્તકો પર પ્રતિબંધ મુકાતા રહે છે. ફ્રાંસવા ત્રુફોની ફિલ્મ અંધકાર ને ઉજાસ વચ્ચેની કિતાબી અથડામણની કથા કહે છે. 

પુસ્તકોને સંશયથી જોનારાં સરકાર અને સમાજનો આપણને અનેક વખત પરિચય થઈ ગયો છે. ભિમા-કોરેગાંવ કેસની તપાસ દરમિયાન કેટલાક સામાજિક કાર્યકરોના ઘરમાંથી ડાબેરી લેખકોના પુસ્તકો એવી રીતે બરામદ કરવામાં આવ્યાં, જાણે વિસ્ફોટકો મળી આવ્યાં હોય. ૨૦૧૮માં રિલીઝ થયેલી શહાદત હસન મંટોની બાયોપિક પણ આગ ઓકતું સત્ય ઉચ્ચારતી કૃતિઓની વાત કરે છે. કૃતિઓની અને તેના પર મુકાતા પ્રતિબંધની વાત કરે છે. તેમાં દર્શાવાયુ છે કે, વાર્તા અને વાર્તાકારોને લઇને હિન્દુસ્તાની તથા પાકિસ્તાની સરકાર કેટલી નિર્દય બની ગઇ હતી. નેટ ફ્લેકીસ પર રિલીઝ થયેલી ધૂલમાં પણ ભારતમાં તાનાશાહ સરકારવાળા એક ભયાવહ ભવિષ્યની કલ્પના કરવામાં આવી છે. અંધકારના સમયમાં કેવી રીતે પુસ્તકોને સળગાવવામાં આવે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. તેના લીધે ફેરનહીટ ૪૫૧ ફરીથી પ્રસ્તુત બની છે. 

ન્યુવેવ સિનેમાના મશાલચી નિર્દેશક ફ્રાંસવા ત્રુફોએ ફેરનહીટ ૪૫૧ ૧૯૬૬માં રિલીઝ કરેલી. આ ફિલ્મ તેના સમયમાં બહુ ઓછી પ્રશંસા પામેલી, પરંતુ વખત જતાં તેની જબરદસ્ત નોંધ લેવાઇ અને ક્લાસિક ફિલ્મોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું. આજથી ૬૫ વર્ષ પહેલાં બનાવેલી ફિલ્મમાં સમાજ અને સરકારની કરવામાં આવેલી આકરી ટીકા આજના સમય સાથે પણ બિલકુલ બંધ બેસે છે.   ધૂલ નામની મિની સીરિઝમાં એક સીન અંતર્ગત ફેરનહીટ ૪૫૧ને આદરાંજલિ આપવામાં આવી છે.

ધૂલના શરૂઆતના ભાગમાં દેખાડવામાં આવ્યું છે કે પોલીસ મુસ્લિમોની એક વસ્તીમાંથી વિણી-વિણીને પુસ્તકો ભેગા કરે છે, જેમ કે એન્સાઇક્લોપીડિયા, નર્સરી રાઇમ્સ એ બધા પુસ્તકોને બંદૂક જેવા કોઇ શસ્ત્રથી સળગાવી દેવામાં આવે છે. આ સિન ફેરનહીટ ૪૫૧નું કેન્દ્રબિંદુ છે. ફેરનહીટ ૪૫૧માં એવા ભવિષ્યની કલ્પના કરવામાં આવી છે જ્યાં પુસ્તકો વાંચવા ગેરકાનૂની છે અને એક સરકારી સંસ્થા પુસ્તકોને શોધી-શોધીને તેને સળગાવવાનું કામ કરે છે.  અમેરિકન લેખક રે બ્રેડબરીએ ફેરનહીટ ૪૫૧ શીર્ષકથી એક સાયન્સ ફીક્શન નવલકથા લખેલી. એ મહાન કૃતિ પરથી જ ફ્રાંસવા ત્રુફોએ ફિલ્મ બનાવી છે. બ્રેડબરીનું પુસ્તક ફિલ્મ કરતાં પણ વધુ ચર્ચિત બનેલું. વિદ્વદ્જનોની સભામાં જ્યારે પણ ધૂંધળા ભવિષ્યની ચર્ચા થાય છે ત્યારે જ્યોર્જ ઓરવેલની ૧૯૮૪ અને બ્રેડબરીની ફેરનહીટનો ઉલ્લેખ અવશ્ય થાય છે. 

૧૯૪૯માં પ્રસિદ્ધ થયેલી જ્યોર્જ ઓરવેલની નવલકથા ૧૯૮૪માં તાનાશાહ સરકારની દમનકારી નીતિઓનું વિસ્તૃત ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમાં સ્ટેટ એક નિર્દય કેરેકટર તરીકે ઊભરી આવે છે. ફેરનહીટ ૪૫૧માં કિતાબો પરનો પ્રતિબંધ કેન્દ્રસ્થાને છે અને સરકારની અદૃશ્ય ઉપસ્થિતિ રહે છે.

કદાચ એટલે જ સરળ નેરેટીવ અને પ્રીડિક્ટેબલ વાર્તા હોવા છતાં ફેરનહીટ ૪૫૧ આજે પણ આઉટડેટેડ લાગતી નથી. તે દરેક સમયનું સત્ય બની રહે છે અને વિચારધારાઓની પાર જઇને શાસકોની માનસિકતા પર ગેરીલા હુમલો કરે છે. તેનું સાયન્સ ફીક્શન એલિમેન્ટ એટલું પ્રબળ છે કે ૧૯૫૩માં લખાયેલી તોપણ આજના સમાજ સાથે સુસંગત બેસે છે. 

ફિલ્મમાં દર્શાવવામાં આવેલું ટેલિવિઝનનું રૂપક વર્તમાન સમયની કડવી સચ્ચાઇ વ્યક્ત કરે છે. ત્રુફોએ આ રૂપકનો બહુ સુંદર વિનિયોગ કર્યો છે. ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતી ક્રેડિટ અહીં દેખાડવાને બદલે માત્ર બોલવામાં આવી છે અને પડદા પર એન્ટેના યુગના રંગીન દૃશ્યો ચલાયમાન રહે છે. ક્રેડિટમાં કલાકારોના નામ લખીને દેખાડવામાં આવ્યા નથી. તેના દ્વારા ત્રુફોએ એવો સંદેશ આપ્યો છે કે જે સમાજમાં પુસ્તકો વાંચવા પર પ્રતિબંધ હોય ત્યાંના લોકો માત્ર સાંભળશે, વાંચી શકશે નહીં અને એ જ સાંભળશે જે કેવળ તેમને સંભળાવવામાં આવશે. 

ટેલિવિઝનના માધ્યમથી માત્ર સાંભળવાનું દર્શાવી જબરદસ્ત વ્યંગ કરવામાં આવ્યો છે. ટીવી પર કેવળ સરકારી ચેનલો પ્રસારિત થાય છે, મોટાભાગના નાગરિકો તેની સાથે ચીટકેલા રહે છે. નાયક મોન્ટેગ (ઓસ્કાર વર્નર) ની પત્નીના માધ્યમથી સ્ટેટ  સ્પોન્સર મનોરંજનના નશાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ફિલ્મના આખરી હિસ્સામાં વિદ્રોહી નાયિકા (જૂલી ક્રીસ્ટી)ની ધરપકડનો સીન  સરકારી મનોરંજનની ભયાવહતાનો નમૂનો પૂરો પાડે છે. 

એક દૃશ્યમાં નાયક નાયિકાની પડોશણને પૂછે છે કે સરકારને કઇ રીતે ખબર પડી કે તેના ઘરમાં પુસ્તકો છે? પડોશણ આકાશ તરફ ઇશારો કરે છે. કેમેરો આકાશ તરફ ઘૂમે છે અને દેખાડે છે કે બધા ઘર પર એન્ટેના લાગેલા છે. કેવળ એકને બાદ કરતાં. નાયિકા એટલા માટે પકડાય છે કેમ કે તે સ્ટેટ સ્પોન્સર્ડ ટીવી જોતી નથી. તેના ઘર પર એન્ટેના ન લાગેલું હોવાથી પોલીસ સમજી જાય છે પુસ્તકો વાંચતી વિદ્રોહી વામા અહીં જ રહેતી હશે. 

ફિલ્મનો નાયક વ્યવસાયે ફાયરમેન છે. તેનું કામ આગ હોેલવવાનું નથી. પુસ્તકો શોધીને તેના પર કેરોસીન છાંટીને સળગાવવાનું છે. લાલ રંગના બંબામાં કાળા કપડાં પહેરીને તે પુસ્તકો સળગાવવા નીકળે છે. તે પુસ્તકોને રાખ કરી નાખે છે અને બાદમાં રાખને પણ કેરોસીનથી સળગાવે છે. કેરોસીનની મહેક તેના માટે પરફ્યુમની મહેક સમાન છે. તેના યુનિફોર્મ પર લખ્યું છે ૪૫૧. આ એ તાપમાન છે જે તાપમાન પર પુસ્તકો રાખ થઇ જાય છે ને આ જ છે ફિલ્મનું ટાઇટલ ફેરનહીટ ૪૫૧. 

ફેરનહીટ ૪૫૧ ફ્રેન્ચ નિર્દેશક ફ્રાંસવા ત્રુફોની કારકિર્દીની પહેલી રંગીન ફિલ્મ હતી તથા પહેલી અને આખરી અંગ્રેજી ભાષી. ફ્રેન્ચ નિર્દેશકે અંગ્રેજી ફિલ્મ બનાવતા અન્ય ફિલ્મકારોએ તેના પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો એટલે જ તેણે ત્યાર પછી ક્યારેય અંગ્રેજી ફિલ્મ બનાવવાની હિંમત કરી નહીં. ત્રુફોએ ફિલ્મ નિર્દેશન, ફિલ્મ લેખન અને ફિલ્મ સમીક્ષા આ ત્રણે પર હાથ અજમાવેલો અને ત્રણે વિધાઓમાં પોતાની ઓથોરિટી સિદ્ધ કરેલી. ફિલ્મ બનાવવાની પરંપરાગત ઢબથી તેમણે હંમેશા આભડછેટ રાખી. તેમની પ્રયોગશીલ મુવિ ધ ૪૦૦ બ્લોઝ પોતાના અલાયદાપણાને લીધે સમીક્ષકો અને દર્શકોમાં ખાસ્સી પ્રશંસા પામેલી. 

ચાર પ્રયોગશીલ ફિલ્મો બનાવ્યા બાદ ત્રુફોએ ફેરનહીટ ૪૫૧ હાથ ધરી. આ ફિલ્મ બનાવવા તેઓ ઇંગ્લેન્ડ ગયા ને એ અનુભવ તેમના જીવનમાં સૌથી કષ્ટદાયક અને દુઃખદ સાબિત થયો. તેમને ફિલ્મના હીરો ઓસ્કર વર્નર સાથે પણ વારંવાર ઝઘડા થતા હતા અને તેમના જેવા આઝાદ ખ્યાલ નિર્દેશકને સ્ટુડિયો સીસ્ટમના બંધિયારપણામાં ગૂંગળામણ અનુભવાતી હતી. ફિલ્મનો વિચાર બહુ જ મજબૂત હોવાથી ત્રુફો તમામ ત્રૂટિઓને અતિક્રમી એ બધું જ દેખાડવામાં સફળ રહ્યા,  જે રે બ્રેડબરીએ પોતાના પુસ્તકમાં દેખાડયું છે.  ફિલ્મમાં ઓથેલો, એલિસન વન્ડરલેન્ડ, ચાર્લી ચેપ્લીનની આત્મકથા, કાફકા એરિસ્ટોટલ, સાલ્વાડોર ડાલી જેવી હસ્તિઓના પુસ્તકો સળગાવવાના દૃશ્યો બેહદ હૃદયવિદારક બની રહે છે. અગણિત પુસ્તકોની એક સીક્રેટ લાયબ્રેરીને તેની કેરટેકર મહિલા સાથે સળગાવી નાખવામાં આવેલી. આ  દૃશ્ય રૂંવાડા ઊભા કરી દે છે ને એ નાઝી જર્મનીની યાદ અપાવે છે જ્યાં એક જર્મન લેખિકાને હીટલરની પોલીસે પુસ્તકો સાથે સળગાવી દીધેલી. પુસ્તકો સળગતા હોય ત્યારે એવું લાગે છે, જાણે જીવતા માણસો સળગી રહ્યા છે. ને...પછી પુસ્તકો સળગાવતા ફરતા પ્રૌઢ નાયકે પહેલી વખત છુપાઇ છુપાઇને પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. શબ્દકોશનો સહારો લઇને જ્યારે તે ગેંડા શબ્દને સમજવાની કોશિશ કરે છે ત્યારે જોનારના ચહેરા પર ઉદાસી ભરેલું સ્મિત છવાઇ જાય છે. 

ત્રુફો નહીં જેવું અંગ્રેજી બોલતા હતા. જ્યારે ફિલ્મનો વિષય અંગ્રેજી હતો અને ટેકનિશિયનો પણ અંગ્રેજી હતા. એટલે ધી ૪૦૦ બ્લોઝમાં જે ક્રીએટીવીટી જોવા મળી તે ફેરનહીટ ૪૫૧માં અનુવાદિત થઇ શકી નહીં. આ ક્ષતિઓ પડદા પર દેખાય આવે છે. તેમ છતાં કશુંક એવું છે જે તેને માસ્ટરપીસ બનાવી દે છે.

ફિલ્મનો નાયક પહેલી વખત ઊંચા અવાજે પુસ્તક વાંચે છે. તે સાંભળીને તેની આસપાસ બેઠેલી મહિલાઓ રડી પડે છે. આ ઘટના મોમેન્ટ ઑફ ધ મુવિ છે. અત્યાર સુધી તેઓ સરકારી મનોરંજન નિહાળીને નકલી ખુશી વ્યક્ત કરતી હતી. પુસ્તકરૂપે પહેલી વખત તેમની સામે મૌલિક ભાવનાઓ પ્રસ્તુત થતા તે ભાવુક બની ગઇ. પુસ્તક પર પ્રતિબંધ મૂકવાના અગણિત મુર્ખામી ભરેલા કારણો ફિલ્મમાં દર્શાવાયા છે, વારંવાર દર્શાવાયા છે. તેના દ્વારા નિર્દેશક કહેવા માગે છે કે તાનાશાહના આદેશ ક્યારેય દમન સિવાય કશું આપી શકતા નથી. તાનાશાહના આદેશમાં બહેતર ભવિષ્યની કલ્પના કરતા લોકોથી વધારે નાદાન બીજો કોઇ નથી. ફિલ્મનો અંત પણ એટલો જ માર્મિક છે. સિસ્ટમથી હતાશ થયેલો નાયક શહેરથી ભાગીને દૂરના જંગલોમાં પહોંચે છે જ્યાં તે એવા બળવાખોરોને જોવે છે જે ભેગા મળીને પુસ્તકોની રક્ષા કરી રહ્યા છે. કેવી રીતે પોતે પુસ્તક બનીને. દરેક બળવાખોર એક-એક પુસ્તક યાદ કરી લે છે. આમ સરકારનું પુસ્તકોનું સળગાવી નાખવું પણ તેનો નાશ કરી શકતું નથી. આ ઘટના ભારતના ઋષિઓની યાદ અપાવે છે. વેદ તો સૈકાઓ સુધી સાંભળીને યાદ રાખવામાં આવેલા. તે ગ્રંથસ્થ થયા પછી વિદેશીઓ જ્યારે ભારત પર હુમલો કરતા ત્યારે આપણા ઋષિઓ અને તેના શિષ્યો વેદનું એક-એક પાનું યાદ કરતા જતાં અને તેને સળગાવતા જતા. 

ફેરનહીટ ૪૫૧ એક નિર્દોષ સવાલ પૂછે છે, પુસ્તકો તો સળગાવી નાખશો, પણ તેનું સત્ત્વ અને તત્ત્વ કઇ રીતે સળગાવશો? આ સવાલનો જવાબ કોઇ પાસે નથી.

આજની નવી જોક

છગન (મગનને) : જો તારા લગ્ન જુડવા બહેનોમાંની એક સાથે થયા તો તારી પત્નીને કઈ રીતે ઓળખીશ?

મગનઃ સિમ્પલ, હું એની ચોટલી ખેંચીશ. જો તે ગુસ્સે થઈ તો મારી વાઇફ. હસી તો સાળી.

છગનઃ હેં!?

Tags :