For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેલકમ ટુ સ્પેસ રેસ 2.0

Updated: Jul 20th, 2021

Article Content Image

- પ્રાઇવેટ ઉડાનનો આ નવો સ્પેસયુગ દુનિયા બદલી નાખશે

- અવકાશમાં ઊડવામાં બ્રાન્સન ભલે આગળ નીકળી ગયા, પણ બેઝોસ બીજી રીતે આગળ નીકળી જશે

- દક્ષિણ કોરિયાની ફિલ્મ સ્પેસ સ્વીપર્સમાં માણસ દ્વારા અવકાશમાં કરતા કચરાને મુદ્દો બનાવી અદ્ભુત વાર્તા કહેવાઈ છે

માનવજાતિનો ઈતિહાસ જમીન માટેની લડાઈનો ઈતિહાસ છે. મનુષ્ય જ્યારથી સમજણો થયો ત્યારથી સતત નવી-નવી જમીનો શોધતો આવ્યો છે અને જીતતો આવ્યો છે. લેન્ડલોર્ડ. આ શબ્દ બહુ વિશાળ છે. તેની સીમાઓ આપણી ધારણાથી ઘણી આગળની છે. કહો કે તેનું સીમાંકન કરવું અઘરું છે. કારણ કે તેનો સ્વભાવ ડ્રેગન જેવો વિસ્તારવાદી છે. રાજાઓ હોય કે ધનપતિઓ અંતતઃ તેમનું સ્વપ્ન વધુને વધુ મોટો જમીનદાર બનવાનું હોય છે. પૃથ્વી પર તો હવે એક પણ ઇંચ એવો રહ્યો નથી જ્યાં માણસના પગલાં ન પડયાં હોય. એટલે જ હવે કદાચ માનવજાતિએ આકાશ તરફ મીટ માંડી છે. ભવિષ્યમાં જમીનદારની જેમ આકાશદાર, અવકાશદાર કે સ્પેસદાર જેવા શબ્દો સાંભળવા મળે કોને ખબર. સ્કાયલોર્ડ, સ્પેસલોર્ડ! કંઈપણ સંભવી શકે છે.

આમ તો માણસની ગગનગામી દોડને છ દાયકા થઈ ચૂક્યા છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી અવકાશયાત્રી સિવાયના મનુષ્યો પણ સાત પગલાં સ્પેસમાં પાડવાનું ખ્વાબ સેવી રહ્યા છે. તેમને હવે બીજા ગ્રહો અને ઉપગ્રહો પર જમીન જોઈએ છે. ચંદ્ર પર પ્લોટિંગની વાત તો જૂની થઈ ચૂકી છે. કોરિયન મુવિ સ્પેસ સ્વીપર્સ આ બાબતમાં રવિ અને કવિથી પણ આગળ નીકળે છે. તેની કહાનીનો સમયખંડ ૨૦૯૨નો છે. પૃથ્વી રહેવા લાયક રહી નથી. માનવસર્જિત પ્રદૂષણને લીધે પૃથ્વી ઉકરડામાં પરિવર્તિત થઈ ચૂકી છે. ટોચના ધનપતિઓ સ્પેસ સ્ટેશનમાં રહેવા જતા રહ્યા છે. માણસ એટલું સમજતો નથી કે જગ્યા બદલવાથી કિસ્મત બદલાઈ જતી નથી. તમે ગમે ત્યાં જાવ ત્યાં તમારો સ્વભાવ ભેગો આવે છે. તેઓ ત્યાં પણ કચરો કરવાનું બંધ કરતા નથી. ટનબંધ કચરો ભ્રમણકક્ષામાં ઊડી રહ્યો છે. તે સાફ કરવા માટે અવકાશી સફાઈ કામદારો નીમવામાં આવેલા છે. આ સ્પેસ સ્વીપર્સને રહેવાનું પૃથ્વી પર. ત્યાંની ગંદી હવામાં જીવવાનું. અવકાશમાં જઈને ત્યાંથી કચરો જમીન પર લાવવાનો અને જમીન પર રીસાઇકલિંગ કંપનીને વેચી નાખવાનો. એ કંપનીના માલિક પાછા અવકાશમાં રહેતા હોય. 

સ્વીપર્સ રોજ સફાઈ કરતા હોય છે એ દરમિયાન એક દિવસ તેમને કચરામાંથી એક છોકરી મળી આવે છે. એ કોઈ સામાન્ય છોકરી નથી. છોકરી અને રોબોટનું ફ્યુઝન છે. તેના શરીરમાં વેપન ઑફ માસ ડિસ્ટ્રક્શન ભરેલા છે. ફિલ્મનો મેસેજ બહુ સુંદર છે. માણસે પૃથ્વી છોડવાની જરૂર નથી. તેનું રીઢાપણું છોડવાની જરૂર છે, તેની આદતો છોડવાની જરૂર છે. તેની લોભવૃત્તિ છોડવાની જરૂર છે. પૃથ્વી પર ગમે તેટલી ગંદકી થાય તોય આપણને કંઈ ફરક પડતો નથી-નું વલણ છોડવાની જરૂર છે. અન્યથા આપણે જ્યાં જશું ત્યાં પૃથ્વી જેવું જ કરી નાખશું. ઈવન આજે પણ જ્યારે હજી સામાન્ય માણસો અવકાશમાં જતા નથી તો પણ ભ્રમણકક્ષામાં ફરતો અવકાશી કચરો એક મોટી સમસ્યા છે. કદાચ એવું પણ બને કે માણસ આવતીકાલે અવકાશમાં સેટલ થાય એ પહેલા જ અવકાશ ગંદકીથી તરબતર થઈ ચૂક્યું હોય અને સાત પગલાં અંતરિક્ષમાં પાડવાની આપણી મનની મનમાં રહી જાય.

૨૦મી જુલાઈ ૧૯૬૯ના રોજ એપોલો યાન ચંદ્ર પર પહોંચેલું. તેની ૫૧મી વર્ષગાંઠ પર જેફ બેઝોસ તેની બ્લુ ઓરિજિન કંપનીના સ્પેસયાનમાં બેસીને અવકાશમાં ઊડવાના છે. તેમનો ભાઈ માર્ક તથા ૮૨ વર્ષના મહિલા પાઇલટ વોલી ફંક તેમની સાથે હશે. બેઝોસ તેમની સાથે અન્ય એક મુસાફરને પણ લઈ જવા માગતા હતા. તેના માટે ટિકિટની હરાજી કરાયેલી. એક વ્યક્તિએ ટિકિટ ૨.૮ કરોડ ડોલરમાં ખરીદી લીધી, પણ સમયના અભાવે હવે તેઓ જવાના નથી. હવે તેમના સ્થાને હાઇસ્કૂલ પાસ આઉટ ૧૮ વર્ષીય નવયુવાન ઓલિવર ડેમોન અવકાશની જાતરા કરશે. 

ઓલિવર માટે ટિકિટ તેમના પિતાએ જ ખરીદી છે. તેઓ સમરસેટ કેપિટલ પાર્ટનર્સ નામની ઇન્વેસ્ટમેન્ટ ફર્મના સીઈઓ છે. ૮૨ વર્ષીય ફંક અંતરિક્ષમાં જનારી અત્યાર સુધીની સૌથી વૃદ્ધ વ્યક્તિ હશે. ૬૦ વર્ષ પહેલા તેમને નાસાના મર્ક્યુરી-૧૧ મિશન માટે તાલિમ આપવામાં આવી હતી, કિન્તુ મિશન રદ થતા. મોકો ચુકાઈ ગયો. નસીબ પણ કેવું છે. એ મોકો ૬૦ વર્ષ પછી એક નવા વિક્રમ સાથે આવ્યો.

બેઝોસની અવકાશ યાત્રાનો સૌથી મોટી વયના માનવીને અવકાશમાં લઈ જનારી તો હશે જ સાથોસાથ સૌથી નાની વયના અવકાશયાત્રીનો પણ વિક્રમ સ્થાપિત કરશે. યસ, ઓલિવર સૌથી નાની ઉંમરના અવકાશયાત્રી બનશે. તેમની પહેલા આ વિક્રમ સોવિયેત સંઘના જી. તિતોવના નામે હતો. યુરી ગાગારિને સર્વપ્રથમ અવકાશયાત્રા ખેડયાના ચાર મહિના પછી તેમણે સ્પેસમાં ઉડાન ભરેલી. 

એક ભાઈના લગ્નગીત ગવાતા હોય ત્યાં બીજો ભાઈ ભાગીને લગ્ન કરી લે તેના જેવું થયું. જેફ બેઝોસની અવકાશ યાત્રાના વાજા વાગી રહ્યા હતા. ૨૦મીએ તેમનું રોકેટ ટેક ઑફ થવાનું છે. તેમની પહેલા બ્રિટિશ અબજપતિ રીચર્ડ બ્રાન્સન તેમની કંપની વર્જિન ગેલેક્ટિકના યાનમાં બેસીને અવકાશમાં આંટો મારી આવ્યા છે. પાંચ ક્રૂ મેમ્બર્સ હતા તેમની સાથે. ૧૭ વર્ષથી તેમના વિજ્ઞાાનીઓ આ માટે મહેનત કરતા હતા. ન્યુ મેક્સિકોથી તેમણે ઉડાન ભરી. 

તેમનું યાન ૮૫ કિ.મી.ની ઊંચાઈ સુધી ગયેલું. આ ઉડાનનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. સ્પેશશિપ રોકેટથી અલગ થતા બે પાઇલેટ સહિત ફ્લાઇટમાં સવાર છએ છ જણાએ એક ઝટકાનો અનુભવ કર્યો. એક ટ્વીટમાં તેમણે કહ્યું, જો હું આવું કરી શકું તો બીજા શું ન કરી શકે.

બેઝોસ સાથે જે ક્રૂ મેમ્બર્સ અવકાશની ખેપ મારી આવ્યા તેમાંથી એક ભારતીય મૂળની મહિલા છે. નામ છે, સિરીશા બાંદલા. સિરીશા અવકાશમાં જનારી બીજી એવી મહિલા છે જે ભારતમાં જ જન્મી છે. પહેલી મહિલા કલ્પના ચાવલા. સિરીશા વર્જિન ગેલેક્ટિકમાં સરકારી બાબતો સંભાળતા વિભાગના ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે. તેમણે જ્યારે પોતે અવકાશમાં જવાની છે એવી ટ્વીટ કરી ત્યારે ભારત ખૂબ ખુશ થયું. ખાસ કરીને આન્ધ્ર પ્રદેશવાસીઓ. કારણ કે સિરીશાનો જન્મ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં થયો છે. દેશ-વિદેશમાંથી તેમના પર શુભેચ્છાઓનો ધોધ વહ્યો. 

બ્રાન્સને બેઝોસને પાછળ છોડી દીધા છે, પણ બેઝોસ હવે તેમનાથી બીજી રીતે આગળ નીકળવાના છે. તેઓ અવકાશમાં ૧૦૦ કિ.મી.ની ઉંચાઈ સુધી જશે. હવાનું પડ ક્યાં પૂરું થાય છે અને અવકાશ ક્યાંથી શરૂ થાય છે તેનું એક્ઝેટ ડીમાર્કેશન હજી સુધી થયું નથી. ૫૦ના દશકમાં હંગેરિયન ભૌતિકશાસ્ત્રી વાન કર્મને એક ગાણિતિક મોડલના આધારે દાવો કર્યો હતો કે સમુદ્રની સપાટીથી ૧૦૦ કિ.મી.ની ઊંચાઈથી આઉટર સ્પેસ શરૂ થાય છે. બેઝોસનું યાન કર્મન લાઇન આંબવાનું છે. એટલે બ્રાન્સન ભલે આગળ નીકળી ગયા, પણ તેઓ કિલોમીટરની દૃષ્ટિએ આગળ નીકળી જશે. આધુનિક વિજ્ઞાાનના મતે આઉટર સ્પેસ (જ્યાં વાયુ નથી એવું અવકાશ) ૮૪ કિ.મી.થી જ શરૂ થઈ જાય છે.

બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે સ્પેસ રેસ શરૂ થઈ ગઈ હતી. બેઝોસ અને બ્રાન્સને સ્પેસ રેસ ૨.૦ છેડી દીધી છે. સ્પેસ રેસ ૧.૦ સરકારી હતી. સ્પેસ રેસ ૨.૦ પ્રાઇવેટ છે. આવનારા દિવસોમાં આશ્ચર્યના ખજાના ખૂલવાના છે. માનવામાં નહીં આવે એવી-એવી ટેકનોલોજીસ જોવા મળવાની છે. દુષ્યંત કુમારનો જાણીતો શેર છે કે, 

કૌન કહતા હૈ આસમાં મેં સુરાખ નહીં હો સકતા,

ઇક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો.

આ શેર જરા જુદી રીતે પણ કહેવાનું મન થઈ આવે,

કોન કહતા હૈ સ્પેસ મેં હમ નહીં જા સકતે,

ઇક સપનાં તો તબિયત સે ઉછાલો યારો.

માણસ ભલે આકાશમાં ઊડે, પણ પગ જમીન પર રહેવા અનિવાર્ય છે.

આજની નવી જોક

લીલી (છગનને): કાલે તમે મને ઊંઘમાં ગાળો દેતા હતા.

છગનઃ તારો વહેમ છે.

લીલીઃ બિલકુલ વહેમ નથી. કાલે તમે મને ઊંઘમાં ગાળો દેતા હતા.

છગનઃ વહેમ જ છે. હું ત્યારે ઊંઘતો નહોતો.

લીલીઃ હેં!?

જીકે જંકશન

- ગુરુગ્રામમાં દેશનું પહેલું અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પેરા ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા દિવ્યાંગોને નોકરી આપવાની ઘોષણા કરી છે.

- કર્ણાટકે ઇલેક્ટ્રિક બાઇક ટેક્સિ યોજના શરૂ કરી છે. તાજેતરમાં ગાયક મનમીતસિંઘનું નિધન થયું હતું. પાકિસ્તાનના પૂર્વરાષ્ટ્રપતિ મમનૂન હુસેનનું અવસાન થયું હતું.

- બે દેશ વચ્ચેના વિવાદો તેના સ્થાને છે, પણ વ્યાપાર ફરીથી વધી રહ્યો છે. ૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં ભારત અને ચીન વચ્ચેના વેપારમાં ૬૨ ટકાની વૃદ્ધિ થઈ છે.

- યુએઈ ઇઝરાયલમાં દૂતાવાસ શરૂ કરનારો પ્રથમ ખાડી દેશ બન્યો છે. આસામનો કછાર જિલ્લો સ્કોચ એવોર્ડ વિજેતા બન્યો છે. આ એવોર્ડ ૨૦૦૩માં સ્થાપિત થયો છે. ભારતને બહેતર બનાવવાની દિશામાં કશુંક હટકે કરનારને સ્કોચ અવોર્ડ અપાય છે.

- આન્ધ્ર પ્રદેશે વિશ્વબેંકની મદદ લઈને સોલ્ટ કાર્યક્રમ શરૂ કર્યો છે. એ. આર. રહેમાને ટોક્યો ઓલિમ્પિક્સનું ચીઅર સોંગ હિંદુસ્તાની વે લોન્ચ કર્યું હતું. 

- તાજેતરમાં જે. એસ. ઇફ્તેખારનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. જેનું શીર્ષક છે, ઉર્દૂ પોએટ્સ એન્ડ રાઇટર્સઃ જેમ્સ ઑફ ડેકન્સ.

- દર વર્ષે ૧૩મી જુલાઈએ વિશ્વ યુવા કૌશલ દિવસ મનાવવામાં આવે છે. એનટીપીસી ભારતનો સૌથી મોટો સાલર પાર્ક ગુજરાતમાં બનાવશે.

- હાલમાં પહેલવાન પોલ એન્ડોર્ફનું નિધન થયું હતું. ભારતનું સૌથી પહેલું ડોલ્ફિન સંશોધન કેન્દ્ર પટનામાં સ્થાપવામાં આવ્યું છે. 

- ક્રિસ ગેલ ટીટ્વેન્ટીમાં ૧૪,૦૦૦ રન બનાવનારા પ્રથમ ખેલાડી બન્યા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે જ્યોર્જિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનવારણ કર્યું હતું. 

Gujarat