ગોડ ઑફ ફુટબોલની કહાની
- જે મેરેડોનાને એક સમયે રોતલ અને ડરપોક કહેવાતો તેણે સદીનો સૌથી મોટો ગોલ ફટકારેલો
- 1986ના ફિફા વર્લ્ડકપમાં બ્રિટન અને આર્જેન્ટિના એવી રીતે સામસામે આવેલા જાણે સાચું યુદ્ધ હોય
- ને પછી ફૂટબોલના દેવતાનું સ્વર્ગમાંથી પતન થયુંઃ કોકેઇન, મીડિયા પર ફાયરિંગ, ભાઈલોગ સાથે દોસ્તી ને બીજું શું નહીં!?
વિશ્વના કેટલાક મહાન ફૂટબોલરોમાં આર્જેન્ટીનાના ખેલવીર ડિયાગો મેરેડોનાનું નામ પ્રથમ પંક્તિમાં મૂકવું પડે. હાલ તેઓ આર્જેન્ટીનાના ફૂટબોલ મેનેજર છે અને જિમ્નેશિયા દી લા પાર્ટા કલબના કોચ તરીકે સેવાઓ આપી રહ્યા છે. ફૂટબોલ ખેલાડી તરીકે તેમણે જે કારનામા કર્યા છે તે આજે પણ દંતકથા સમાન છે. તેમના ઝીરોમાંથી હીરો અને હીરોમાંથી પુનઃ ઝીરો બનવાની શૂન્યાકાર વાર્તા આ રાતી.
સાલ ૧૯૮૬. મેક્સિકો બીજી વખત ફીફા વર્લ્ડ કપની યજમાની કરનારો પ્રથમ દેશ બન્યો હતો. મેક્સિકો લેટિન અમેરિકામાં આવેલો દેશ છે. સંસ્થાનવાદી ઇતિહાસને કારણે લેટિન અમેરિકાના દેશોમાં સ્પેનિશ, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ ભાષા બોલાય છે. એ જ વર્લ્ડ કપમાં ૨૫ વર્ષનો આર્જેન્ટીનિયન યુવાન બદલાની આગથી સળગી રહ્યો હતો. લોકો તેને રોતલ અને ડરપોક કહીને ચીડવતા હતા, તેનો એ જવાબ આપવા માગતો હતો.
લોકોએ મારેલા મેણાંના ઘાવ ઊંડા હોવાથી તેણે મહેનત પણ એટલી જ આકરી કરી હતી. ૧૯૭૮નો વર્લ્ડ કપ તેઓ ઉંમરને કારણે નહોતા રમી શક્યા, અને ૧૯૮૨નો હુમલાનો જવાબ આપવાના બચપનાના કારણે. આ વખતે બધો સામટો બદલો વાળવાનો હતો. આ વખતે તે કોઇ ભૂલ કરવા માગતો નહોતો. હવે તે બુમો પાડવાને બદલે પરફોર્મ કરવા પર જ ફોક્સ કરી રહ્યો હતો.
અગાઉના વર્લ્ડ કપમાં સેકન્ડ સ્ટેજમાં બે મેચ હાર્યા બાદ આર્જેન્ટીના વર્લ્ડ કપમાંથી ફેંકાઇ ગયું હતું. હવે આર્જેન્ટીનાની ટીમ નવા રૂપરંગમાં હતી. ૨૫ વર્ષનો મેરેડોના તેનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેની પ્રતિભાના કારણે તેની ખ્યાતિ સ્પેન અને ઇટલી સુધી ફેલાઇ ચૂકી હતી. ૮૨ના વર્લ્ડ કપમાં બ્રાઝિલના મિડ ફિલ્ડર બાતીસ્તાનું જૂતુ તેના ગાલ પર લાગતા તે ખિજાઇ ગયો અને બાતીસ્તાને લાત મારી. રેફરીએ લાલ કાર્ડ દેખાડી તેને ટીમ બહાર કરી દીધેલો.
૮૬ના વર્લ્ડ કપમાં તે બદલાઇ ગયો હતો. ૧૯૮૪માં સ્પેનિશ નેશનલ કપની ફાઇનલમાં તેમણે પોતાના સ્વભાવમાં આવેલા પરિવર્તનનો પણ પરિચય આપેલો. વિપક્ષી પ્લેયર્સને દોડાવી-દોડાવીને મારવાને બદલે હવે તેઓ શાંત ચિત્તે રમવા પર જ ભાર મૂકી રહ્યા હતા. આવી રીતે તેમણે સ્પેનના રાજાની નજર સામે સ્પેનની ટીમને પરાજિત કરી. તેમનું ટેમ્પરામેન્ટ બદલવામાં તેમના કોચ કાર્લોસ બિલાર્ડોએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી હતી. સ્પેન સામે જીત મળેવ્યા પછી થોડો સમય તે ઇટલીની નાપોલી ક્લબ ટીમમાંથી રમેલો આ નવી ટીમે પણ મેરેડોનાને શાંત કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી.
ઇટાલિયન ફૂટબોલમાં સૌથી વધારે ભાર ડિફેન્સમાં મૂકવામાં આવતો હતો. તેમણે મેરેડોનાને દરેક વાયડાઈનો જવાબ ઓવર રિએક્ટ કરીને આપવાને બદલે ખતરનાક ડિફેન્સ દ્વારા આપતા શીખવ્યું. આ પરિવર્તનને કારણે તેઓ ફકત ૨૨ વર્ષની ઉંમરે નેશનલ ટીમના કેપ્ટન બની ગયા. આટલી નાની ઉંમરે તેમને કેપ્ટન બનાવાતા ટીમમાં અસંતોષ ફાટી નીકળ્યો. સિનિયર પ્લેયર્સને થયું અમારી નજર સામે ટીમમાં આવેલો છોકરો અમારું નેતૃત્વ કઇ રીતે કરી શકે? અસંતુષ્ટ જૂથના લીડર બન્યા દિગ્ગજ ડિફેન્ડર ડેનિયલ પાસાયેરા. તેઓ ૧૯૭૮ની વર્લ્ડ કપ ટીમના કેપ્ટન હતા. તેમના સ્થાને મેરેડોનાને લાવવામાં આવ્યો તે તેનાથી સહન થયું નહીં. પહેલાં તો તેમણે પોતાનું નામ ટીમમાંથી પાછુ ખેંચી લીધું, સ્વાભાવિક છે કે એક ખેલાડીના નીકળી જવાથી રાષ્ટ્રીય ટીમને કશો ફરક પડતો નથી. ૧૯૮૬ના વર્લ્ડ કપમાં પહેલો મેચ સાઉથ કોરિયા સામે થયો.
દક્ષિણ કોરિયાની ટીમે એ જ ટેકનિક અપનાવી જે દુનિયાની બીજી ટીમો અપનાવી રહી હતી. બોલ કરતા વધારે મેરેડોનાને ફંગોળો, તેને સતત પછાડતા રહો. ઇન્ટરનેશનલ મેચ હોય કે કલબ મેચ, બધી ટીમો આ ટેકનિકનો ઉપયોગ કરતી હતી. સ્પેનિશ કલબ એથ્લેટિક બીલ્બાઓએ આ ટેકનિક અપનાવીને જ ૧૯૮૩-૮૪માં મેરેડોનાનો વિજય રથ અટકાવેલો. તેમણે મેરેડોનાનું માથું ફોડી નાખેલું તેના કારણે તેઓ ત્રણ મહિના સુધી ટીમની બહાર રહ્યા હતા. દક્ષિણ કોરિયાના મનસુબા પણ કંઇક એવા જ હતા. પરંતુ આ વખતનો મેરેડોના કંઇક જુદો હતો. તે ગુસ્સા પર કાબુ કરી શકતો હતો. આક્રમણનો જવાબ ભડકીને નહીં પરંતુ રમત રમીને આપતો હતો.
એ મેચ આર્જેન્ટીનાએ ૩-૧થી કબજે કરી લીધી. ત્રણેય ગોલ મેરેડોનાની મદદથી થયેલા. બીજી મેચ ઇટલી સામે રમાઇ. જે ૧-૧થી ડ્રો થઇ. તેમાં મેરેડોનાએ એક બહુ જ સુંદર ગોલ કર્યો. ત્રીજી મેચમાં આર્જેન્ટીનાએ બુલ્ગેરીયાને પરાસ્ત કર્યું. સેકન્ડ રાઉન્ડમાં ઉરૂગ્વેને ૧-૦થી હરાવી કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો.
કવાર્ટર ફાઇનલમાં તેમનો સામનો ઇંગ્લેન્ડથી હતો. એજ ઇંગ્લેન્ડ જેણે ૧૯મી સદીમાં આર્જેન્ટીનાને આ રમત શીખવી હતી. ૧૯૬૬ના વર્લ્ડ કપથી બંને ટીમ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. યોગાનુયોગે ૧૯૮૬ના કવાર્ટર ફાઇનલમાં તેમને સામ-સામે ટકરાવાનું આવ્યું. ૧૯૬૬નો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાયેલો. તેમાં ઇંગ્લેન્ડ અને આર્જેન્ટીના વચ્ચેની મેચ દરમિયાન આર્જેન્ટીનાના કેપ્ટન એન્ટોનિયો રેટીનને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું. કારણ એવું આપવામાં આવ્યું કે તેઓ ઇંગ્લેન્ડના ખેલાડી બોબી ચાર્લ્ટનને અપશબ્દ કહી રહ્યા હતા. રેફરી રૂડોલ્ફ ક્રીટલીનનો આ આક્ષેપ આર્જેન્ટીનાને માન્ય નહોતો. કારણ કે તેઓ જર્મન હતા. તેમને સ્પેનિશ ભાષા આવડતી નહોતી અને રેટીન સ્પેનિશ હતા.
કહેવાય છે કે ક્રીટલીન તેના યુરોપિયન સાથીની મદદ કરવા માટે જાણી જોઇને બેઇમાની કરી રહ્યા હતા. એ મેચમાં પધારેલા અતિથિઓમાં બ્રિટનના મહારાણી પણ હતા. તેમના માટે લાલ જાજમ બિછાવવામાં આવેલી હતી. રેટીન મેદાનમાંથી બહાર નીકળવાનો ઇન્કાર કરી રહ્યા હતા તો રેફરીએ ગાર્ડ્સ બોલાવ્યા. ગાર્ડે તેમને બહાર ધકેલ્યા તો તેઓ રાણી માટે બિછાવવામાં આવેલા રેડ કાર્પેટ પર બેસી ગયા. મેચ પૂરો થયા પછી ઇંગ્લેન્ડના કોચ અલ્ફરામઝીએ આર્જેન્ટીનાના ખેલાડીઓને જાનવર કહીને વિવાદનું વતેસર કર્યું. ત્યારબાદ જ્યારે પણ ઇંગ્લેન્ડ અને આર્જેન્ટીના સામ-સામે આવતા ત્યારે એ વિવાદ ફરીથી સપાટી પર આવી જતો હતો. તેમની વચ્ચે ફરીથી તંગદિલીનો માહૌલ છવાઇ જતો હતો.
આ સિવાય બીજા કારણથી પણ ૧૯૮૬ની કવાર્ટર ફાઇનલ મેચ વધારે સંગીન હતી. કારણ કે સાલ ૧૯૮૨માં ફોકલેન્ડ આયલેન્ડ પર બંને દેશો વાસ્તવમાં લડી પડેલા. તેમની વચ્ચે થયેલી સૈન્ય અથડામણમાં બ્રિટનના ૨૫૮ અને આર્જેન્ટીનાના ૬૫૫ સૈનિકોનું મૃત્યુ થયેલું. તેમણે સત્તાવાર રીતે આ ઘટનાને ક્યારેય યુદ્ધ તરીકે ન સ્વીકારી પણ હવે ઇંગ્લેન્ડ અને આર્જેન્ટીના વચ્ચેની કોઇપણ મેચ યુદ્ધ સમાન હતી.
વો ઘડી આ ગઈ. ફર્સ્ટ હાફમાં બેમાંથી કોઇ ટીમ ગોલ કરી શકી નહીં, સેકન્ડ હાફની છઠ્ઠી મિનિટે મેરેડાના બોલ લઇને ઇંગ્લીશ ગોલ પોસ્ટ તરફ આગળ વધ્યા. મેદાનની ડાબી તરફથી અંદર આવ્યા અને ચપળતાપૂર્વક બોલ ટીમ મેટ હોર્હેવાલ્દાનો તરફ ઉછાળી દીધો. બોલ પાસ કર્યા પછી પણ મેરેડોના થંભ્યા નહીં હજુ પણ ઇંગ્લીશ બોક્સ તરફ તેમની કૂચ જારી હતી.
બીજીબાજુ ઇંગ્લીશ ખેલાડીઓનું ધ્યાન કેવળ બોલ તરફ જ હતું. ડિફેન્સમાં રમી રહેલા અંગ્રેજ મિડફિલ્ડર સ્ટીવ હોઝથી ગફલત થતાં બોલ ઇંગ્લીશ ગોલ પોસ્ટ તરફ સરકી ગઇ. મેરેડોના પણ બિલકુલ એ જ દિશામાં જઇ રહ્યા હતા. ઇંગ્લીશ ગોલકીપર પીટર શીલ્ટન ગોલ રોકવા માટે લાઇનની બહાર નીકળી ગયા, મેરેડોના પણ તેમની સાથે ઉછળ્યા અને બોલ ગોલ પોસ્ટમાં પહોંચી ગઇ.
મેરેડોનાએ જે રીતે ગોલ કર્યો હતો તે જોઇને તેમના સાથીઓને પણ વિશ્વાસ આવતો નહતો કે આ ગોલ છે. તેમણે બુમ પાડી, આગળ વધો અને મને ગળે લગાડો. અન્યથા રેફરી આ ગોલને માન્ય નહીં કરે.
રેફરીએ ગોલ મંજૂર કરી દીધો. બાદમાં મેરેડોનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, થોડું મેરેડોનાના મગજથી થયું અને થોડું ઇશ્વરના હાથથી. પિક્ચર હજુ બાકી હતું. મેચની ૫૫મી મિનિટે મેરેડોનાએ જે કર્યું તે ગોલ ઓફ ધ સેન્ચુરી હતો. માત્ર ૧૦.૮ સેકન્ડમાં તેમણે પીટર બીયર્ડ્સલે, પીટર રીડ, ટેરી ફેન્વિક, ગોલ કીપર પીટર શીલ્ટન જેવા ધૂરંધર ઇંગ્લીશ ખેલાડીઓને થાપ ખવડાવી હતી. આર્જેન્ટીનાએ એ મેચ ૨-૧થી જીતી લીધી.
સેમિફાઇનલમાં તેમણે વધુ ૨ ગોલ કર્યા. આર્જેન્ટીનાએ બેલ્જીયમને ૨-૦થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી. ફાઇનલમાં તેમનો સામનો વેસ્ટ જર્મનીથી હતો. વેસ્ટ જર્મનીએ તેના સર્વેશ્રેષ્ઠ ડિફેન્ડર લોથા મથાયસને મેરેડોનાને રોકવાની જવાબદારી સોંપી. મથાયશની પ્રતિભાથી મેરેડોના સારી રીતે પરિચિત હતા. તેમણે કહેલું, હું મારી જિંદગીમાં લોથા મથાયસથી બહેતર ખેલાડી સામે રમ્યો નથી. મથાયસ મેરેડોનાને અટકાવવામાં તો સફળ રહ્યા પણ વેસ્ટ જર્મનીની ટીમ એ ભૂલી જ ગઇ કે આર્જેન્ટીનાની ટીમમાં મેરેડોના સિવાય પણ નવ ખેલાડીઓ છે અને તેઓ પણ ગોલ કરી શકે છે.
ફર્સ્ટ હાફમાં આર્જેન્ટીના ૧-૦થી આગળ થઇ ગયું. સેકન્ડ હાફની શરૂઆતમાં ૨-૦ થી બઢત મેળવી લીધી. ત્યારબાદ જર્મનીએ રણનીતિ બદલી અને ૨-૨થી બરાબરી કરી. મેચ પૂરો થવાને માત્ર ૭ મિનિટ બાકી હતી ત્યારે મેરેડોનાએ જાદુ દેખાડયો. તેમણે બોલને એવી કુશળતાથી પાસ કર્યો કે તે આખી મીડ ફિલ્ડ અને ડિફેન્સને પાર કરી તીરની જેમ ગોલ પોસ્ટમાં ઘૂસી ગયો. આર્જેન્ટીના ૩-૨થી વિજેતા બની અને મેરેડોના અમર થઇ ગયા. તેમની પ્રતિભાને કારણે તેઓ ગોડ ઓફ ફૂટબોલ કહેવાવા લાગ્યા.
આર્જેન્ટીનાએ વર્લ્ડ કપમાં ૧૪ ગોલ કરેલા. તેમાંથી ૫ કેવળ મેરેડોનાએ કરેલા. બીજા પાંચ ગોલમાં તેઓ સહાયક બનેલા. આમ ૧૪માંથી ૧૦ ગોલમાં તેમની ભૂમિકા હતી. ફીફા વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઇપણ ખેલાડીએ કોઇપણ ટુર્નામેન્ટમાં આટલો બધો પ્રભાવ પાડયો નથી. તેઓ ફૂટબોલના ઇતિહાસમાં અમર બની ગયા.
સફળતા પચાવવી ખૂબ અઘરી છે. તેઓ ફૂટબોલના એવા ઇશ્વર હતા જેમનું ખરાબ રીતે પતન થયું. તેમને કોકીનની લત પડી ગઇ. આ માટે હજારો ડોલરનો દંડ થયા પછી પણ તેઓ ન સૂધર્યા. તેમના પર ઇટાલિયન માફીયા કમોર્રા સાથે દોસ્તી હોવાના પણ આક્ષેપ મૂકાયા. કોકીનના કારણે તેમના પર ૧૫ મહિનાનો પ્રતિબંધ મુકાયો. ૧૯૯૪ના વર્લ્ડ કપ તેમના પતનનો છેલ્લો ઘા પૂરવાર થયો. મીડિયા પર ફાયરીંગ કર્યું. ડોપિંગ ટેસ્ટ પોઝીટીવ આવતા તેમને વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવ્યા. આર્જેન્ટીના ત્યારપછી એ વર્લ્ડ કપની એકપણ મેચ ન જીતી ને ગોડ ઓફ ફૂટબોલનું નામુ નખાઇ ગયું.
આજની નવી જોક
છગન (લીલીને) : તું આમ ગુમસુમ કેમ બેઠી છો? શું થયું?
લીલીઃ હું વિચારું છું કે મારાથી એવી તે શું કસર રહી ગઈ છે કે લગ્નના આટલા વર્ષો પછી પણ તમે હસી લો છો.
છગનઃ હેં!?