રાજસ્થાનમાં સીએમ પદ માટે ઉઠા-પટકનો ઈતિહાસ
- દેશ આઝાદ થયો ત્યારથી રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ પ્રાપ્ત કરવા અનેક પાઇલોટ પ્રોજેક્ટ્સ ચાલી ચૂક્યા છે
- યુવા નેતાઓને આગળ ન કરવાનું કોંગ્રેસનું વલણ જનતામાં તેમના પ્રત્યે નારાજગી પેદા કરી રહ્યું છે
- આઝાદ થયાના પાંચ જ વર્ષમાં જ રાજસ્થાનમાં પાંચ મુખ્યમંત્રી બદલાઈ ગયેલા
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટેની રાજનીતિ ખાસ્સી ગરમ છે. પોતાને ૩૦ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરી બગાવત કરનારા સચિન પાયલોટને ડેપ્યુટી સી.એમ. તથા પ્રદેશ પ્રમુખના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ યુવા નેતૃત્વને તક આપવાની તક ગુમાવીને આત્મઘાતની દિશામાં પગલું ઉપાડયું હતું અને હવે એ જ તરફ મક્કમતાથી આગળ વધી રહી છે. જો કે આ બધું પહેલીવાર નથી. કોંગ્રેસ આ અગાઉ પણ સેંકડો બ્લન્ડર કરી ચૂકી છે અને મુખ્યમંત્રી પદ માટે પણ અનેક વખત ખેંચાખેંચી થઇ ચૂકી છે.
૩૦ માર્ચ ૧૯૪૯. બૃહદ રાજસ્થાનના ઉદ્દઘાટન સમારોહની તૈયારી પૂરી થઇ ચૂકી હતી, થોડા જ વખતમાં કોંગ્રેસ નેતા હીરાલાલ શાસ્ત્રી પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા (ત્યારે આ પદને પ્રધાનમંત્રી પદ કહેવામાં આવતું હતું) એટલામાં લોકનાયક જયનારાયણ વ્યાસ અને માણિક્યલાલ વર્મા જેવા દિગ્ગજ નેતા સમારોહનો બહિષ્કાર કરીને જતા રહ્યા. તેમની ફરિયાદ હતી કે સમારોહમાં તેમને બેસવા માટે ઉચિત જગ્યા મળી નથી. રાજસ્થાનની રાજનીતિના જાણકારો કહે છે કે તેમની નારાજગીનું અસલ કારણ સમારોહ નહીં બલ્કે મુખ્યમંત્રીની ખુરશી હતું.
હીરાલાલ શાસ્ત્રી જયપુરના રાજા સવાઇ માનસિંહ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાના નિકટવર્તી હતા. અમેરિકન લેખક રીચર્ડ સિસને કોંગ્રેસ પાર્ટી ઇન રાજસ્થાન: પોલિટિકલ ઇન્ટીગ્રેશન એન્ડ ઇન્સ્ટિટયુશન બિલ્ડિંગ ઇન ઇંડિયન સ્ટેટમાં લખ્યું છે, જયપુરના મહારાજાએ વલ્લભભાઇ પટેલ પાસેથી વચન લીધુ હતું કે પહેલો મુખ્યમંત્રી તેમની પસંદગીનો હશે. બીજી બાજુ જયનારાયણ વ્યાસ અને માણિક્યલાલ વર્મા ગોકુલભાઇ ભટ્ટને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા. શાસ્ત્રી પર સરદારનો વરદ હસ્ત હોવાથી મામલો થાળે પડતા ઝાઝી વાર લાગી નહીં. શરમે-ધરમે ધરતીની અંદર ઢબુરાઈ ગયેલો લાવા ત્રણ મહિના પછી ફરીથી બહાર આવ્યો.
હીરાલાલ શાસ્ત્રી વિરુદ્ધ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જંગી બહુમત સાથે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરી દીધો. પટેલે આ પ્રસ્તાવ ફગાવી દેતા શાસ્ત્રીને પદ તો ન છોડવું પડયું કિંતુ રાજસ્થાન કોંગ્રેસમાં હંમેશા માટે દરાર પડી ગઇ. શાસ્ત્રીએ બદલો લેવા જયનારાયણ વ્યાસ અને તેના બે સાથીદારો સામે સ્પેશ્યલ કોર્ટમાં ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરી દીધો. ભારતનું બંધારણ લાગુ થયા બાદ રાજસ્થાન હાઇકોર્ટે આ કેસ અટકાવી દીધો.
સરદાર પટેલનું અવસાન થતાં ફરીથી શાસ્ત્રીના પગ ડગમગ્યા. તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડયું અને એપ્રિલ ૧૯૫૧માં જયનારાયણ વ્યાસે સત્તાના સૂત્રો સંભાળ્યા. ૧૯૫૨માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં તેઓ બે બેઠક પરથી ઊભા રહેલા અને બંને જગ્યાએ હારી ગયા. વિરોધીઓ તેમના પર ભારે પડયા. રાજસ્થાનના ત્રીજા મુખ્યમંત્રી બન્યા ટીકારામ પાલીવાલ.
વ્યાસ કંઇ હારીને બેસી ગયા નહોતા. વ્યાસ અને તેના સમર્થકોએ હીરાલાલ શાસ્ત્રીને ટકવા દીધા નહોતા તો તેમના કરતાં કમજોર પાલીવાલ કેમ ટકી શકે ભલા? આઠ મહિનાની આંતરિક ખેંચતાણ બાદ નવેમ્બર ૧૯૫૨માં આ પદ ફરીથી વ્યાસની ઝોળીમાં આવ્યું. ત્યાં સુધીમાં બીજા વિરોધીઓ તૈયાર થઇ ચૂક્યા હતા. કુંભારામ આર્ય અને મથુરાદાસ માથુર મોહનલાલ સુખડીયાને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા.
તેમણે જયનારાયણ વ્યાસ પર શક્તિ પ્રદર્શનનું દબાણ કર્યું. લાખ આનાકાની કર્યા પછી પણ નવેમ્બર ૧૯૫૪માં ફલોર ટેસ્ટ થયો, ૧૧૦માંથી ૫૧ ધારાસભ્યોએ તેમનું સમર્થન કર્યું તો ૫૯એ સુખડીયાનું. મોહનલાલ સુખડીયા રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા. પાંચ વર્ષની અંદર રાજસ્થાનને મળેલા આ પાંચમા મુખ્યમત્રી હતા. ૧૭ વર્ષ સુધી તેઓ સત્તામાં બની રહ્યા. રાજસ્થાનની રાજનીતિને સ્થિરતા આપી. કુંભારામ આર્ય, નાથુરામ મિર્ધા અને માથુરદાસ માથુરે તેમને અનેક વખત નબળા પાડવાની કોશિશ કરી પણ સ્વયં નબળા પૂરવાર થયા.
૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ ધારાસભ્યોને અંતરાત્માનો અવાજ સાંભળીને મત આપવાની અપીલ કરેલી, ત્યારે મોહનલાલ સુખડીયાએ ઇંદિરા ગાંધીની પસંદ વી.વી. ગીરીને બદલે નિલમ સંજીવ રેડ્ડીને મત આપ્યો અને ફસાઇ ગયા.
તેમને પદ છોડવું પડયું. ૧૯૭૧માં રાજસ્થાનને સર્વપ્રથમ પેરાશૂટ અને લઘુમતિ મુખ્યમંત્રી મળ્યા. બરકતુલ્લાહ ખાન. ૧૯૭૩માં તેમનું કસમયે મૃત્યુ થતાં પાર્ટીના અનુશાસિત સિપાહી હરિદેવ જોષીને કમાન સોંપાઇ. હરિદેવ જોષીને મુખ્યમંત્રી બનાવવા વિશે આજે પણ સવાલ ઉઠાવવામાં આવે છે. તેઓ કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી રામનિવાસ મિર્ધાને હરાવી કઇ રીતે મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા એ આજે પણ ઘણાંને સમજાતું નથી એટલે કે બધાને સમજાય છે. સ્વાભાવિક છે કે આ સવાલ કોંગ્રેસની આંતરિક લોકશાહી સામે છે.
જોષીના કાર્યકાળમાં જ દેશમાં કટોકટીની ઘોષણા થઇ. એપ્રિલ ૧૯૭૭માં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું. જાન્યુઆરી ૧૯૭૮માં રાજસ્થાન કોંગ્રેસમાં ફરીથી તડાં પડયા. અશોક ગેહલોત રેડ્ડી કોંગ્રેસમાં જોડાઇ ગયેલા. સમજાવટ બાદ તેઓ કોંગ્રેસ આઇમાં પાછા ફર્યા ન હોત તો આજે રાજસ્થાનનો રાજકીય ઇતિહાસ જુદો હોત. યોગ્ય સમયે સાચા રાજકીય નિર્ણયો લેવાની સૂઝને કારણે જ તેઓ રાજનીતિના જાદુગર કહેવાય છે.
૧૯૮૦થી ૮૫ દરમિયાન રાજસ્થાનમાં કોંગ્રેસ પુન: સત્તારૃઢ થઇ. પાંચ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાયા. ૧૯૮૦માં સંજય ગાંધીના નિકટવર્તી જગન્નાથ પહાડિયાને સી.એમ. બનાવાયા. તેમના શાસનમાં રાજ્યની આર્થિક સ્થિતિ ખાડે ગઇ. સંગઠનના અગ્રણી નેતા શિવચરણ માથુરે પોતાના સમર્થકો સાથે દિલ્હી જઇને ઇંદિરા ગાંધીને આ વિશે ફરિયાદ કરી. જૂલાઇ ૧૯૮૧માં ઇન્દિરાએ પહાડિયા પાસેથી રાજીનામું લઇ લીધું અને શિવચરણ માથુરને ચીફ મિનિસ્ટર બનાવ્યા.
૧૯૮૫માં ભરતપુરના અપક્ષ ઉમેદવાર અને જાટ રાજઘરાના સાથે સંકળાયેલા માનસિંહનું પોલીસ અથડામણમાં મોત થયું. માનસિંહ પર શિવચરણ માથુરનું હેલિકોપ્ટર અને તેમનો સભામંચ ધ્વસ્ત કરવાનો આક્ષેપ હતો. તેનું પોલીસ એનકાઉન્ટર થઇ જતાં હોબાળો મચી ગયો અને અડધી રાતે જ શિવચરણ માથુર પાસેથી રાજીનામું લઇ હીરાલાલ દેવપુરાને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા.
૧૯૮૫ની વિધાનસભા ચૂંટણી બાદ હીરાલાલ દેવપુરા જ મુખ્યમંત્રી બની રહેવાના હતા કિંતુ હરિદેવ જોષી હાઇકમાન્ડને પ્રસન્ન કરવામાં સફળ થઇ ગયા. સપ્ટેમ્બર ૧૯૮૭માં સિકરના દીવરાલામાં સતીકાંડ થયો. મંત્રી નરેન્દ્રસિંહ ભાટીએ વિધાનસભામાં પોતાની જ સરકારની બેફામ ટીકા કરી. એટલું જ નહીં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના કાન ભરવામાં કોઇ કસર ન છોડી. ૧૯૮૬માં રાજીવ ગાંધી રણથંભોર અભ્યારણ્યમાં મહાલવા પહોંચ્યા. ભાટીએ કરેલા આગ્રહને પગલે હરિદેવ જોષીએ સાદગીપૂર્વક તેમનું સ્વાગત કર્યું. રાજીવ ગાંધીને તેમની સાદગી ગમી. તેઓ પોતાનો પક્ષ રાખવામાં સફળ થયા અને ભાટીને તેમના પદ પરથી હટાવી દીધા.
બીજા વર્ષે રાજીવ ગાંધી સરિસ્કા અભ્યારણ્ય પહોંચ્યા ત્યારે હરિદેવ જોષી ફરીથી મુશ્કેલીમાં મૂકાઇ ગયા. રાજીવ ગાંધીએ સાદગીથી સ્વાગત કરવાનો આદેશ કરેલો, પણ હરિદેવની મતિ ફરી ગઇ હતી. તેમણે મોટો તામ-જામ ઊભો કર્યો. મોકો ન મળે ત્યાં સુધી આખા રસાલાને અભયારણ્યથી દૂર રાખવામાં આવ્યો હતો. અહીં જોષીના વિરોધીઓ રમત રમી ગયા. રાજીવ ગાંધી કાર સેલ્ફ ડ્રાઇવ કરતા હતા. જોષીજીના વિરોધીઓએ રસ્તા પર મુકેલા સાઇન બોર્ડના આધારે તેઓ અભયારણ્યને બદલે એ જગ્યાએ પહોંચી ગયા, જ્યાં તેમના સ્વાગતની ભવ્ય તૈયારી કરવામાં આવી હતી. આ બધું જોઇને તેઓ ખૂબ ગુસ્સે થઇ ગયા.
પક્ષના વરિષ્ઠ નેતા સાથે દુવ્યવહાર કરવાનો મામલો નેશનલ મીડિયામાં ઉછળતા રાજીવ ગાંધીની બદનામી થઇ. આથી તેઓ જોષી પર સખત નારાજ રહેવા લાગ્યા અને ૧૯૮૮માં તેમને હટાવી શિવચરણ માથુરને સી.એમ. બનાવી દીધા. ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ બોફોર્સ કાંડથી બદનામ થયેલી હતી. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પછી રાજસ્થાનની તમામ ૨૫ બેઠકો કોંગ્રેસને મળી હતી તે ૧૯૮૯માં હાથમાંથી લસરી ગઇ.
કેન્દ્રમાં રાજીવ ગાંધી કમજોર પડી ચૂક્યા હતા. તક જોઇને રાજસ્થાનમાં માથુરના વિરોધીઓ તેમને પદ પરથી હટાવવામાં ઘડીનો પણ વિલંબ કર્યો નહીં. રાજ્યપાલ બનાવીને આસામ મોકલી દેવાયેલા હરિદેવ જોષી ફરીથી મુખ્યમંત્રી બનીને રાજસ્થાન આવ્યા. પછીના વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મોંભેર પછડાઇ.
૧૯૯૮માં ૧૫૩ બેઠક પર જીત મેળવીને રેકોર્ડ બહુમત સાથે ફરીથી સત્તામાં આવી. અશોક ગેહલોત ત્યારે પ્રદેશ અધ્યક્ષ હતા. તેઓ શા માટે રાજનીતિના જાદુગર કહેવાય છે તેનો જવાબ અહીં છે. એ સમયે પરસરામ મદેરણા મુખ્યમંત્રીપદ માટે હોટફેવરિટ હતા. તેમના પછી નવલકિશોર શર્મા અને શિવચરણ માથુરનું પણ નામ લેવાતુ હતું. ડાર્ક હોર્સ ગેહલોત ક્યારે આ બધાને ઓવરટેક કરી ગયા તેની ખબર જ ન પડી. બહુ ઉહાપોહ મચ્યો હતો પણ તેમણે લક્ષ્ય સિદ્ધિ કરી લીધી હતી.
૨૦૦૮માં મુખ્યમંત્રી પદ અને ગેહલોત વચ્ચે ચીનની દીવાલની જેમ ઊભા હતા ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી સી. પી. જોષી. જોષી ફકત એક મતથી ચૂંટણી હારી ગયા. મજાની વાત એ છે કે તેમના પત્નીએ મતદાન કર્યું નહોતું. જો તેમના શ્રીમતીએ વોટિંગ કર્યું હોત તો રાજસ્થાનનો ઇતિહાસ જુદો હોત. ૨૦૦૮ એકમાત્ર એવો અવસર હતો જ્યારે રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે ખાસ ચડસાચડસી થઇ નહોતી.
૨૦૧૮માં પ્રદેશ અધ્યક્ષ રહેલા યંગ લીડર સચિન પાયલોટ મુખ્યમંત્રી બનવા માગતા હતા. પણ જમાનાના ખાધેલા ગેહલોતે તેમને આજની તારીખ સુધી ફાવવા દીધા નથી. પાયલોટ ઘણાં બધા કારણસર ભાજપમાં જઇ શકે એમ નથી, અને જાય તો પણ તખ્તાપલટ કરવા સક્ષમ નથી. તેમની મનની મનમાં રહી ગઇ છે. છેલ્લા પાંચ-સાત વર્ષમાં કોંગ્રેસે દેશવાસીઓને બહુ જ નિરાશ કર્યા છે. મોદીએ અનેક ખોટા નિર્ણયો લીધા છે.
જનતામાં તેના પ્રત્યે અસંતોષ છે, પણ પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે યોગ્ય વિકલ્પ તેમને મળી રહ્યો નથી. મોદી-શાહના વિકલ્પમાં કઇ રાજનીતિ હોઇ શકે તેનું ઉદાહરણ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા પૂરું પાડી શક્યા નથી. જે ઉદાહરણ તેઓ આપી રહ્યા છે તે જનતાને અસ્વીકાર્ય છે. સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા સમર્થ યુવા નેતાઓને તક આપીને કોંગ્રેસ માટે નવી તકનું નિર્માણ કરવાની તક સોનિયા ગાંધીએ ગુમાવી દીધી છે.
આજની નવી જોક
છગન (મગનને): પુરુષ પરણ્યા પછી પણ વિદ્યાર્થી જ રહે છે.
મગન: કેવી રીતે?
છગન: માને એમ થાય છે કે મારા દીકરાને એની વહુ બધું શીખવાડે છે. વહુને એમ થાય છે કે એની મા બધું શીખવાડે છે.
મગન: હેં!?