For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધોળાવીરા .

Updated: Jul 17th, 2021

Article Content Image

- ગુજરાતનું પાંચ હજાર વર્ષ જૂનું નગર ધોળાવીરા સ્માર્ટ સિટી હતું!

- ધોળાવીરાનો નાશ કેમ થયો એ અંગે સંશોધકોમાં મતમતાંતર : ધોળાવીરામાંથી મળી આવેલું સાઈનબોર્ડ આજે પણ ઉકેલી શકાયું નથી

- ચાલુ વર્ષે મળેલી યુનેસ્કોની બેઠકમાં ધોળાવીરા સત્તાવાર રીતે હેરિટેજ જાહેર થશે

ગુજરાતમાં જે કેટલાક વિસ્તારોમાં પ્રવાસનનો ભારે વિકાસ થયો છે, તેમાં કચ્છનો સમાવેશ થાય છે. કચ્છમાં જે કેટલાક સ્થળો તરફ પ્રવાસીઓ વધુ આકર્ષાયા છે, તેમાં ધોળાવીરાનો સમાવેશ થાય છે. આ ધોળાવીરાનો સમાવેશ હવે વર્લ્ડ હેરિટેજ સાઈટમાં થવા જઈ રહ્યો છે. આમ તો યુનેસ્કોની કામચલાઉ યાદીમાં તો ધોળાવીરા કેટલાક વર્ષોથી સ્થાન ધરાવે જ છે.

૧૬થી ૩૧ જુલાઈ દરમિયાન યુનેસ્કોની હેરિટેજ સમિતિની બેઠક મળી રહી છે. હેરિટેજ સમિતિની આ ૪૪મી બેઠક છે અને ઓનલાઈન મળશે. એ દરમિયાન નવી નવી સાઈટોને સત્તાવાર રીતે હેરિટેજ (ધરોહર)નો દરજ્જો અપાશે. તેમાં ધોળાવીરાનો પણ સમાવેશ થવાનો છે.

કચ્છમાં જતા ઓછા પ્રવાસીઓ આમ તો ધોળાવીરા તરફ લાંબા થાય છે, પરંતુ એક નાનો વર્ગ તેનો ચાહક છે. ખાસ તો ઈતિહાસ અને આર્કિયોલોજીમાં રસ હોય એ લાંબી સફર કરીને સાવ છેડે આવેલા ધોળાવીરાની ધૂળમાં પગલાં પાડે છે. ધરતીમાં ધરબાયેલું આ નગર અનેક રીતે વિશિષ્ટ છે. 

ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ

ધોળાવીરાવાસીઓએ હજારો વર્ષ પહેલા ડેમ, નહેર, જળાશય, વાવ, કૂવા સહિતનું જડબેસલાક નેટવર્ક ઉભું કર્યું હતું. પાણીનું એક એક ટીપું તેઓ બચાવી જાણતા હતા. ધોળાવીરાની બે દિશાએથી મનહર નદીની બે શાખા ફંટાતી હતી, જ્યારે શહેરના અન્ય ભાગમાં જળ સંચયના ટાંકા હતા. એ જમીની ટાંકા આજે પણ ધોળાવીરાની સાઈટ ફરતે સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વમાં આવેલો સૌથી મોટો જળ હોજ તો ૮૯ મીટર લાંબો, ૧૨ મીટર પહોળો અને સવા સાત મીટર ઊંડો છે. તેમાં ૭૭ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે. એ વખતના રહેવાસીઓે એવી સગવડ કરી હતી કે નહેર દ્વારા મનહરનું પાણી ટાંકા સુધી પહોંચી જતું હતુ. આખા નગરમાં ઠેર ઠેર જળાશય, નહેર, તળાવ વગેરે બનાવેલા હતા. માટે મનહરનું પાણી નગર સુધી પહોંચી ઠેર ઠેર વહેંચાઈ જતું હતું. એટલું જ નહીં રણ વિસ્તારમાં આવેલું હોવા છતાં ધોળાવીરા વાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડતો ન હતો. ક્યાંક ક્યાંક ચેકડેમ જેવી રચના હોવાના પુરાવા પણ સંશોધકોને હાથ લાગ્યા છે.

નગરના આજે જેટલા બાંધકામો બચ્યા છે, એમાંથી ૫૦ ટકા કરતા વધારે તો જળ વ્યવસ્થાપન માટેના છે. ધોળાવીરાનું જળ સંચાલન અવશેષોમાં સિમિત રહ્યું, પણ તેનો અભ્યાસ કરવામાં આવે તો આજેય પાણી કેમ સાચવવું તેના રસ્તા મળી આવે એમ છે.

ધોળાવીરામાં છે પુરાતન ફ્રીજ અને બાથરૂમ

ધોળાવીરા જતા પ્રવાસીઓ જો ગાઈડની મદદ લે તો તેમને જાણવા મળે કે અવશેષોમાં એ જમાનાનું બાથરૂમ છે અને એ જમાનાનું ફ્રીજ પણ છે. ત્યાંનું  કદાવર બાથરૂમ, જે આમ જનતા માટે નહીં પણ સત્તા પર બેઠેલા ખાસ નાગરિકો માટેનું હતું. એ બાથરૂમ સુધી જરા દૂર આવેલા કૂવામાંથી પાણી આવતું રહેતું. કુવામાં પાણી ખૂટે તો વળી નગર બહાર આવેલા કદાવર જળાશયોમાંથી કૂવો ભરાતો રહે એવી પણ ધોળાવીરાના ભણેલા અને ગણેલા એન્જીનિયરોએ વ્યવસ્થા કરી હતી.

ફ્રીજ અથવા જળ સંગ્રહનો ટાંકો, જેની દીવાલો કોઈ એક પથ્થરની નહીં, એકથી વધારે પ્રકારના પથ્થરો વાપરીને બનાવાઈ છે. તેના કારણે ઊનાળામાં પાણી ઠંડું રહે. આજે પણ તેમાં ભરાયેલું પાણી ઊનાળામાં ઠંડું રહી શકે એમ છે. પાણી ઠંડું રહે એટલા માટે બાથરૂમની દીવાલો ખાસ પ્રકારે બનાવાઈ હતી. પથ્થરના એકથી વધારે થર છે, તેની વચ્ચે મુલતાની માટીનું પડ છે. ફ્રીજને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે અને આ ટાંકાને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે છે. ધોળાવીરાના જાણકાર ગાઈડ ચમનભાઈએ જણાવ્યું હતું કે 'આ જળ-સંગ્રહસ્થાન એ જમાનાનું ફ્રીજ છે. પણ ધોળાવીરા આવતા મોટા ભાગના પ્રવાસીઓ પથ્થરમાં ઊંડા ઉતર્યા વગર ફોટો શેસન કરીને રવાના થાય એટલે તેમને એ માહિતી મળી શકતી નથી'. ક્યારેક ફ્રીજ સાફ કરવાનું થાય ત્યારે બધું પાણી ખાલી કર્યા પછીય સાફ-સફાઈ માટે બહારથી લાવવું ન પડે એટલા માટે ફ્રીજમાં વળી નાનો હોજ પણ છે, જેમાં થોડું પાણી સચવાતું.

સૌથી મહત્વનું નગર

ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્વના નગર પૈકીનું એક હતું. આજનું પશ્ચિમ ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિંધુ સભ્યતામાં સમાવેશ પામતા હતા. આ સંસ્કૃતિ ૮ હજાર વર્ષ એટલે કે જગતની સૌથી જુની સંસ્કૃતિ છે. સિંધુ નદીના બન્ને કાંઠે વિસ્તરી હોવાથી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે. એક સમયે આ સંસ્કૃતિનો વિસ્તાર ૧૫ લાખ ચોરસ કિલોમીટર (અત્યારના ભારત કરતાં અડધો) હતો. આપણુ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબનો કેટલોક ભાગ વગેરે સિંધુ સભ્યતાના પ્રદેશો હતા. સિંધુ સંસ્કૃતિ કેમ નાશ પામી એ અંગે સંશોધકો પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. વિવિધ થિયરીઓ રજૂ થતી રહે છે. 

આઈઆઈટી ખડગપુરના સંશોધકોએ થોડા વર્ષ પહેલા એક થિયરી રજૂ કરી હતી, જે પ્રમાણે નબળાં ચોમાસા ધોળાવીરાના પતનમાં કારણભૂત હતા. એ સંશોધન પ્રમાણે આજથી ૪૩૫૦ વર્ષ પહેલા ચોમાસું નબળું પડવાની શરૂઆત થઈ હતી. એ પછી સતત ૯૦૦ વર્ષ સુધી ચોમાસું નબળું જ રહ્યું. પરિણામે સિંધુ ખીણ વિસ્તાર છોડીને અહીંના લોકો અન્યત્ર જતાં રહ્યા હશે. સંશોધન પ્રમાણે શરૂઆતમાં તો સિંધુ સભ્યતાના રહેવાસીઓએ ઓછા વરસાદમાં પણ રહેવાની ટેવ પાડી દીધી હતી. પરંતુ વરસો વરસ વરસાદ ઘટતો જ ગયો એમાં ખેતી-વેપાર-ઉદ્યોગ-ધંધા બધું જ નબળું પડતું ગયું. સુક્કા વાતાવરણમાં ઘણા લોકો-પશુ-સજીવો મૃત્યુ પામ્યા તો બાકીના બચવા માટે અન્ય સ્થળોએ જતાં રહ્યા હતા. એટલે ધોળાવીરા છેવટે એક ખંડેર જ રહી ગયું.

સમુદ્રી પાણી ફરી વળ્યાં હશે?

તો વળી ત્સુનામીથી નષ્ટ થયાની પણ બીજી થિયરી જાણીતી છે. ગોવા સ્થિત 'નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ઓશનોગ્રાફી (એનઆઈઓ)'ના સંશોધન પ્રમાણે કદાચ ત્સુનામીએ ધોળાવીરાનો નાશ કર્યો હશે. કેમ કે ધોળાવીરા એક સમયે બંદર હતું, વેપાર-ધંધાથી સતત ધમધમતુ રહેતુ નગર હતુ. અંદાજે ૩૪૫૦ વર્ષ પહેલા આવેલા ત્સુનામીના વિકરાળ મોજાંએ શહેરનો નાશ કર્યો હશે. 

વિજ્ઞાાનીઓને તપાસ દરમિયાન ધોળાવીરાની ધરતીમાં અઢી-ત્રણ મીટર નીચે દરિયાઈ રેતીના અવશેષો મળી આવ્યા છે. એ બધા એવા અવશેષો જે, માત્ર દરિયાના ઊંડા પાણીમાં જ હોય. એટલે કે આ શહેર પર પાણી ફરી વળ્યું હશે, ત્યારે આ અવશેષો પણ અહીં પથરાયા હશે અને કાળક્રમે દટાઈ ગયા હશે. પરંતુ એ વાતે સંશોધકો એકમત નથી.

બીજી તરફ અમેરિકાના મેસેચ્યુશેટમાં આવેલી 'વૂડ્સ હોલ ઓશનોગ્રાફિક ઈન્સ્ટિટયૂટ (ડબલ્યુએચઓઆઈ)'ના સંશોધકોએ એવુ તારણ રજૂ કર્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ ક્લાઈમેટ ચેન્જના કારણે નષ્ટ થઈ હતી.

સમુદ્રશાસ્ત્ર (ઓશનોગ્રાફી)નો અભ્યાસ કરતી આ સંસ્થાએ આ તારણ પર આવવા માટે સી-ફોસિલ (દરિયાઈ અવશેષો) અને દરિયાઈ જીવોના ડીએનએનો આધાર લીધો હતો. કેમ કે અવશેષોમાં હજારો વર્ષ પહેલાના હવામાનના કણો એમના એમ સચવાઈ રહ્યા હોય છે. તેના આધારે અમુક સો કે પછી અમુક હજાર વર્ષ પહેલાં વાતાવરણ કેવુ હતું એ જાણવુ ખાસ મુશ્કેલ નથી. સંશોધકોએ જણાવ્યુ હતુ કે આ સંસ્કૃતિના સમયગાળા દરમિયાન ક્લાઈમેટ ચેન્જ થવાથી વરસાદ સતત ઘટતો ગયો હતો. વાતાવરણ સુક્કું થયું અને છેવટે જીવતા રહેવા માટે જરૂરી પાણી પણ ઉપલબ્ધ થયું નહીં હોય. એ પછી ધીમે ધીમે સિંધુ સંસ્કૃતિ નાશ પામતી ગઈ છે.

વિજ્ઞાાનીઓએ રિસર્ચમાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે વાતાવરણ સુક્કું થયું એટલે લોકો અહીંથી સ્થળાંતરીત થવા લાગ્યા હતા. ત્યારે આજના જેવી સરહદો હતી નહીં. માટે વિવિધ સ્થળોએ લોકો જતાં રહ્યા હતા. આજે પણ કચ્છ જેવા વિસ્તારમાં વરસાદ ઓછો પડે ત્યારે લોકો સ્થળાંતર કરે જ છે. એ વખતે વરસાદ ઓછો થતો ગયો એમ કૃષિ પેદાશ ઘટવા લાગી, પશુધનને પણ અસર થઈ અને છેવટે લોકો સિંધુનો કાંઠો છોડી દેવા મજબૂર બન્યા હશે. 

પ્રાચીન ભારતનું સ્માર્ટ સિટી

આપણે આજે ઘણા નગરોને સ્માર્ટ ગણાવવા સરકાર પ્રયાસ કરે છે, પણ કોઈ શહેર સ્માર્ટ નથી. આપણા આજના શહેરો કરતાં તો વધારે ખમતીધર પાંચ હજાર વર્ષ પહેલાનું ધોળાવીરા હતું. એ નગર દુનિયા વેપાર કરતું શહેર કિલ્લેબંધ હતુ. સમાજના દરેક વર્ગ માટે રહેવાની અલગ વ્યવસ્થા હતી. એટલું જ નહીં શહેર ફરતે ખુબ જાડી દીવાલ હતી, જે દરિયાઈ પાણી તથા દુશ્મનોથી રક્ષણ આપતી હતી. શહેરને ચાર દરવાજા હતા અને દરેક દરવાજો કરામતી લોક સિસ્ટમ ધરાવતો હતો. એટલે કોઈ હુમલાખોર આવે તો એ ધોળાવીરાનો દરવાજો ખોલી અંદર પ્રવેશી શકતા ન હતા. એ લોકના અવશેષો આજેય પ્રવેશદ્વાર પાસે છે.

બીજી તરફ અહીંથી મળી આવેલું એક સાઈનબોર્ડ જગતનું સૌ પ્રથમ સાઈનબોર્ડ મનાય છે. એ સાઈનબોર્ડમાં ચિત્ર લીપી છે, પરંતુ ખરેખર શું લખ્યું છે એ સંશોધકો ઉકેલી શક્યા નથી. એ વળી અલગ અભ્યાસનો વિષય છે. 

પણ હાલ તો આ સ્થળને હેરિટેજ જાહેર કરવામાં આવશે તો ગુજરાતના ગૌરવમાં વધારે એક પીંછુ ઉમેરાશે. 

આજની નવી જોક

છગન : કોરોનાએ બધાને ગબ્બરસિંહ બનાવી દીધા છે.

મગન : કેવી રીતે ?

છગન: માણસ ક્યાંક પ્રસંગેથી આવે કે આપણે પૂછીએ છીએ - કેટલા લોકો હતા ?

Gujarat