For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીન : વસ્તી ગણિતનો ક્લાસિક કેસ

Updated: Jun 14th, 2022

Article Content Image

- વન ચાઇલ્ડ પોલિસીને કારણે એક આખી પેઢી ત્યાં એવી છે જેને મામા, માસી, કાકા, ફોઈબા જેવા સંબંધો વિશે ખબર નથી

- 20 કરોડની વર્કફોર્સ પર દોઢ અબજ લોકોને નિભાવવાની જવાબદારી આવી પડે ત્યારે શું થાય?

- ચીન વૃદ્ધોની વધતી સંખ્યાથી ત્રસ્ત છે, થ્રી ચાઇલ્ડ પોલીસીથી તેનો ઉકેલ આવશે?

આજે ટેકનોલોજીની મદદથી તમે ઠંડામાં ઠંડા પ્રદેશમાં જીવી શકો છો. પણ આજથી હજાર, બે હજાર કે પાંચ હજાર વર્ષ પહેલા અઘરું હતું. એશિયામાં વસ્તી વધારે અને યુરોપ-અમેરિકામાં ઓછી એવું કેમ?તેના બે જવાબ છે. એક તો વિસમ આબોહવા. વિસમ આબોહવાને કારણે હજારો વર્ષો પહેલા ત્યાં જીવન અતિ કપરું હતું. એશિયાનું વાતાવરણ વધારે અનુકૂળ છે.

તોય અગાઉ વસ્તી કંટ્રોલ થતી રહેતી. એક દંપતીને સાત-આઠ સંતાનો હોય તો બેના બાળ મરણ થાય, બે યુવાનીમાં મરી જાય. એ પછી જે વસ્તી વધતી તેને મહામારી નિયંત્રિત કરી નાખતી. એક મહામારી આવે એટલે ૩૦થી ૪૦ ટકા વસ્તીને સાફ કરી નાખે. પાછી ધીમે-ધીમે વસ્તી વધતી જાય. સો-સવાસો વર્ષે માણસની વસ્તીમાં જે અધિક વધારો થયો હોય તેને ફરી કોઈ મહામારી આવીને સાફ કરી નાખે. કુદરતના આ ક્રૂર ચક્રનો આપણે લાખો વર્ષોથી ભાગ છીએ.

આ કુદરતી ચક્રને કારણે એશિયામાં વસ્તી નિયંત્રણમાં રહેતી, પણ અંગ્રેજો આવ્યા એટલે સાથે મેડિકલ સાયન્સ પણ આવ્યું. મેડિકલ સાયન્સ આવ્યું એટલે મહામારી સામે લડવાના ઉપચારો આવ્યા, નવી-નવી દવાઓ આવી. લોકોની જિજીવિષાની જેમ આયુષ્ય પણ વધવા લાગ્યું. જુવાન મૈણાં અને બાળ મરણ ઘટવા લાગ્યાં.

એશિયામાં વસ્તી વધારે હોવાનું બીજું કારણ પણ અંગ્રેજો અને તેના જેવા બીજા કોલોનિયલ ફોર્સીઝ છે. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ આવ્યા બાદ કાચા માલની શોધમાં યુરોપિયન દેશો લગભગ પૂરી દુનિયા પર ફરી વળ્યા. એશિયામાં એક તો વાતાવરણ અનુકૂળ હતું અને વળી અંગ્રેજોનું તિબિબી વિજ્ઞાાન પણ આવ્યું. એશિયન દેશોમાં વસ્તી વધારાનું મુખ્ય કારણ એ છે કે અહીં શિક્ષણ પાછળથી આવ્યું, મેડિકલ સાયન્સ પહેલા આવી ગયું. મેડિકલ સાયન્સ પહેલા આવી જવાને કારણે વસ્તી રોકેટ ઝડપે વધવા લાગી, મૃત્યુ ઘટવા લાગ્યાં. જો શિક્ષણ પહેલા આવી ગયું હોત, બચ્ચાં પેદા કરવા પહેલા કરિયરમાં સેટ થવું એવી ભાવના આવી ગઈ હોત તો ભારત કે ચીનમાં આટલી વસ્તી હોત નહીં.

૧૯૮૦માં ચીનની વસ્તી એક અબજ સુધી પહોંચવા આવેલી. સામ્યવાદી શાસકોને લાગ્યું કે આનાથી તો વિકાસમાં અવરોધ પડશે. આપણે જે આર્થિક વિકાસનું લક્ષ્ય રાખીને બેઠા છીએ તે પાર નહીં પડે. એટલે તેમણે વન ચાઇલ્ડ પોલિસી લાગુ કરી દીધી. હમ દો હમારા એક. ચીનનો વિકાસ ક્રૂર વિકાસ છે. કારણ કે ત્યાંની સરકાર જડની જેમ નિર્ણયો લે છે અને તમારા પરિવારની આંતરિક બાબતોમાંય ઘૂસી જાય છે. વસ્તી વધારાની સમસ્યા હોય તો અવેરનેસ પ્રોગ્રામ ચલાવાય, શિક્ષણ વધારાય. આ બધું થાય એટલે આપોઆપ બર્થ કંટ્રોલ થાય. વધુ ભણેલા અને વધુ મહત્ત્વાકાંક્ષી લોકો વધુ સંતાનોને જન્મ આપવાનું ટાળે. ને આપોઆપ બર્થ કંટ્રોલ થાય. ચીને એવું ન કર્યું. તેણે બળજબરીપૂર્વક વન ચાઇલ્ડ પોલિસી લાગુ કરી દીધી.

ચીનની સરકારથી ઊલટું તેના નાગરિકોની ઇચ્છા એકથી વધુ સંતાનો રાખવાની હતી, પણ ચીનની સરકાર એવી તાનાશાહ કે રાખવા જ ન દે. આઠમો મહિનો ચાલતો હોય તોય જેવી ખબર પડે કે ગર્ભપાત કરાવી નાખે. ફરજિયાત કરાવે. તમારી ઇચ્છા ન હોય તોય કરાવે. જેને એકથી વધુ સંતાનો થાય તેને નોકરીમાંથી કાઢી મૂકે, તમામ સરકારી લાભથી વંચિત કરી દે. તેના કારણે એવું થયું કે એકથી વધુ સંતાન કરનારા લોકો તેનું બીજું સંતાન સરકારથી છુપાવી રાખતા. તેની ચોપડે નોંધ જ ન કરાવતા. અધિકારીઓ ઘરે આવે તો તેને સંતાડી દે. એવા ગેરકાયદે બાળકોની એક આખી પેઢી યુવાવસ્થા વટાવીને આજે આધેડ વયના ઉંબરે ઊભી છે. ચીનની સરકારે જ્યારે ત્રીજા સંતાનની છુટ આપી ત્યારે આ લોકોમાં રોષ છે. એવી માતાઓમાં આક્રોશ છે જેમનું ગર્ભસ્થ શિશુ આઠમે મહિને અબોર્ટ કરાવી નાખવામાં આવ્યું હતું. ચીની સોશિયલ મીડિયા વેઇબો પર આવા સંખ્યાબંધ કિસ્સાઓ છલકાઈ રહ્યા છે. જે લોકો વન ચાઇલ્ડ પોલિસીને કારણે સરકારની બળજબરીનો શિકાર બન્યા છે તેઓ વળતરની માગણી કરી રહ્યા છે.

પોતાની આ ક્રૂર પોલીસીને ચીની સરકાર સફળતા ગણાવતી રહી છે. કહે છે કે એ રીતે ૪૦ કરોડ લોકોને જન્મ લેતા અટકાવી શકાયા. એ જ સરકાર હવે ભેખડે ભરાઈ છે. એ ૪૦ કરોડ લોકો અત્યારે હોત તો યુવાન હોત અને ચીનની સશક્ત લેબરફોર્સ હોત. તેની બદલે ચીન પાસે હાલ ઘરડી લેબર ફોર્સ છે. નિવૃત્ત લોકો છે. ચીનમાં વૃદ્ધોની વસ્તી બહુ ઝડપથી વધતી જાય છે. કારણ કે એક આખો દોર એવો ગયો જેમાં બાળકો ખૂબ ઓછા જન્મ્યા. ત્યારે જે યુવાન હતા એ આજે ઘરડા છે. તેમને કોણ સાચવશે? વન ચાઇલ્ડ પોલિસીને કારણે આજે ચીનમાં યુવાનોની વસ્તી ઓછી છે તો આ વૃદ્ધોને સાચવશે કોણ?

સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. ધારો કે તમારે એક દીકરી છે. બીજું એક કપલ છે એને દીકરો છે. બંને દંપતીને એક-એક જ સંતાન છે. બંનેના મેરેજ થાય છે. હવે જે નવું દંપતી રચાય છે તેઓ એકનું એક સંતાન હોવાથી બંને પર બે પેરેન્ટ્સને સાચવવાની જવાબદારી આવી પડે. ઉપરાંત કરિયર, ઉપરાંત પોતાનું સંતાન. એક તરફ સરકાર પાસે યુવા વર્કફોર્સ ઘટતી જાય છે અને બીજી બાજું આ વૃદ્ધોને સાચવવા સરકારેય કંઈક તો કરવું પડેને. પેન્શન, મેડિકલ સહાય વગેરે-વગેરે.

ચીન આજે વિશ્વની બીજા નંબરની ઇકોનોમી જરૂર છે, પણ તેનામાં અમેરિકા કે યુરોપ જેવી નજાકત નથી. તેણે બળજબરીપૂર્વક વિકાસ કર્યો છે. લોકો પાસે ફેક્ટરીમાં ૧૫--૧૫ કલાક કામ કરાવવું. રવિવારે પણ રજા નહીં, એક જ સંતાન. સાડા ત્રણ દાયકા સુધી આ પ્રકારની પ્રેક્ટીસ કરવાથી તેની જનતાનું પણ માનસ એ પ્રકારનું થઈ ગયું છે. ૨૦૧૬માં તેણે વન ચાઇલ્ડ પોલિસી પડતી મૂકી. બે સંતાનોની છૂટ આપી. તે પછી પણ ફર્ટિલિટી રેટ (જન્મ દર)માં સુધારો ન થતા હવે તેણે ત્રણ બાળકોના જન્મને મંજૂરી આપી છે. આજે ચીનની વસ્તી ૧.૪૧ અબજ છે. તેનો ફર્ટીલીટી રેટ ૧.૫ ટકા છે. જેટલી વસ્તી છે તેટલી જાળવવા માટે તથા, યુવાપેઢીને સતત રીપ્લેસ કરતા રહેવા માટે ફર્ટિલિટી રેટ ૨.૧ ટકા હોવો જરૂરી છે. ચીન હવે તેની મથામણમાં છે.  

પણ શું તેનાથી ફાયદો થશે? ચીનના આજના યુવાનો મહત્ત્વાકાંક્ષી બની ગયા છે. તેઓ ન્યુક્લિઅર ફેમિલીમાં રહેવા ટેવાઈ ગયા છે. મહિલાઓ કરિયર ઓરિયેન્ટેડ બની ગઈ છે. સ્ત્રી-પુરુષ બંને કામ કરતા હોય તેમને એકથી વધુ સંતાનો રાખવા પોસાય નહીં. આજની ચીની મહિલાઓ બે સંતાનનો પણ વિરોધ કરી રહી છે તો ત્રણ તો ક્યાંથી કરવાની. હા, ગામડાંમાં ચોક્કસ આનાથી જન્મદર વધશે. પણ ત્યાં ઊલટી મુશ્કેલી શરૂ થશે. ત્યાં શિક્ષણની વ્યવસ્થા ન હોય, પરિવાર ગરીબ હોય, પૂરતા સંસાધનો ન હોય. એવામાં તેમને ચીની સરકારે જાત-જાતના ઇન્સેન્ટીવ્ઝ આપવા પડે.

ચીનની એક પેઢી મામા, માસી, કાકા, કાકી, ફુઆ, ફોઈબા વગેરે સંબંધોને જોયા વિના જ મોટી થઈ ગઈ છે. હવે અત્યારે કદાચ ફર્ટિલિટી દર વધે તોય એ પ્રકારના સંબંધોને અસ્તિત્ત્વમાં આવતા બે પેઢી વીતી જાય. હવે બે-ચાર વર્ષમાં ચીનની વસ્તી ઘટવા લાગશે. ભારતની વસ્તી ચીનની ખૂબ નજીક છે. આપણે વસ્તીની બાબતમાં ચીનને ૨૦૨૫માં ઓવરટેક કરી જશું. ચીની સરકારની નવી પોલિસીથી ત્યાંની જનતામાં ત્રણ રીએક્શન છે. ૧) એક વર્ગ એવો છે જેને ત્રણ સંતાન જોઈએ છે. ૨) બીજો વર્ગ એવો છે જે એકથી વધુ સંતાન ઇચ્છતો નથી. ૩) ત્રીજો વર્ગ એવો છે કે જે ભૂતકાળના કડવા અનુભવ બાબતે વલોપાત કરી રહ્યો છે.

ચીનને ત્યાં યુવા લેબરફોર્સ ઘટતી જાય છે તેની ક્ષતિપૂર્તિ કરવા તે વધુને વધુ ઉદ્યોગોને ઓટોમેશન મોડ પર લઈ જઈ શકે છે. પહેલા વન ચાઇલ્ડ પોલિસી અને હવે થ્રી ચાઇલ્ડ પોલિસી, ચીન વસ્તી ગણિતનો ક્લાસિક કેસ છે. પોલિસી બદલવાથી તેને કોઈ ફાયદો થાય એવી અપેક્ષા બહુ ઓછી રાખવામાં આવી રહી છે. આપણી સકાર પાસે વસ્તીને લઈને શું પોલિસી છે?

આજની નવી જોક

લીલી (છગનને) : સાંભળો છો? લલ્લુ ૧૦નો સિક્કો ગળી ગયો છે.

છગનઃ એમાં કોઈ ઉપાધિ નથી. ૧૦નો સિક્કો આમેય બજારમાં કોઈ લેતું નથી.

લીલીઃ હેં!?

પ્રેરક

એપલઃ નંબર વન નહીં, તોય નંબર વન

૨૦૦૭ માં સ્ટીવ જૉબ્સે આઇફોન લોન્ચ કર્યો. ત્યારે તેને પણ અંદાજ નહીં હોય કે આ મોબાઇલ માણસની કિડની તરીકે ઓળખાશે, એટલો પ્રચલિત બની જશે. આઇફોન. અત્યારે દુનિયાની સૌથી વધારે બ્રાન્ડ વેલ્યુ ધરાવતી પ્રોડક્ટ છે. ચાહે તે ચાઇનીઝ હોય, અમેરિકન હોય કે ભારતીય, દરેક માટે તે સ્ટેટસ સિમ્બોલ છે. એક માત્ર એવી કંપની કે જેણે ડેસ્કટોપ પણ બનાવ્યા, લેપટોપ પણ બનાવ્યા અને મોબાઇલ પણ અને ત્રણેમાં સફળતા મેળવી તો તે એક માત્ર એપલ.

દુનિયામાં બહુ ઓછી કંપનીઓ એવી છે જેની બજાર મૂડી એક ટ્રિલિયન ડોલર હોય. એપલની બે ટ્રિલિયન ડોલર છે. ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઇડ એપલથી વધારે પોપ્યુલર છે. મેકની ઓએસ કરતા વિન્ડોઝ વધારે પોપ્યુલર છે. એપલ નંબર વન નથી તોય નંબર વન કેવી રીતે? કારણ તે અનેક સેગમેન્ટમાં નંબર ટુ છે. જે માઇક્રોસોફ્ટ, ગુગલ કે એમેઝોન જેવી પોત-પોતાના ક્ષેત્રોની નંબર વન કંપની પણ નથી.

માઉસ એપલ લઈને આવ્યું, ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ એપલ લાવ્યું. સૌથી પહેલું ડેસ્કટોપ એપલ લાવ્યું. કનેક્ટેડ પ્રિન્ટર એપલ લાવ્યું. એમપીથ્રી મ્યુઝિકની દુનિયામાં ગેમ ચેન્જર સાબિત થયું. એ સમયમાં આઇટયુનનો દબદબો રહ્યો, એ પછી ટચસ્ક્રીન એપલ લાવ્યું. આ કંપનીએ આઇટી ટેકનોલોજીની દુનિયાને સતત લીડ કરી.

સર્વિસ સેક્ટરમાં પણ તેનો દબદબો જેવો નહીં કે તેવો. આઇટયુન, એપલ એન્ટરટેઇનમેન્ટ લાઇબ્રેરી, એપલ પ્લે, એપલ, કેર. ડેટા પ્રાઇવસીની બાબતમાં પણ એપલ એક્કો છે. આ વિશે તેની અને ફેસબુક વચ્ચેની ટસલ જાણીતી છે.

Gujarat