રંગભેદઃ યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ
- ગ્રેટર માન્ચેસ્ટરમાં 2012થી 2019 દરમિયાન ફુટબોલ મેચ પછી ઘરેલુ હિંસા થયાના 5,23,546 કેસ નોંધાયા
- ટેક્સાસની રીપબ્લિકન સરકાર અશ્વેતોના મતાધિકાર પર કાપ મૂકવા માટે હવાતિયા મારી રહી છે
- આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સના જમાનામાં પણ રંગભેદ માથું ઉંચકતો રહેે છે
કોરોના એ કંઈ પહેલી મહામારી નથી. આની પહેલા સ્પેનિશ ફ્લૂ ફેલાઈ ચૂક્યો છે, ટીબી ફેલાઈ ચૂક્યો છે, શીતળા, અછબડા, ઓળી ફેલાઈ ચૂક્યાં છે, બ્યુબોનિક પ્લેગ ફેલાઈ ચૂક્યો છે. બીજી બધી મહામારીની કોઈને કોઈ દવા અને રસી શોધાઈ ચૂકી છે. તે નિયંત્રણમાં આવી ચૂકી છે, પણ કોવિડ ઉપરાંતની એક મહામારી એવી છે જે હજી નિયંત્રણ બહાર છે. એ મહામારી એટલે ભેદભાવ. અમે ઊંચા અને તમે નીચાનો ખ્યાલ. આ બીમારી લાઇલાજ છે. આના કોઈ ઓસડ નથી. ફાર્માં કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા છે. માનવજાતિનું મસ્તક નીચું થઈ ગયું છે.
રંગભેદ બધે જ છે. પછાત દેશોમાંય છે, વિકસિત દેશોમાંય છે. પછાત દેશોમાંય છે, ગરીબ દેશોમાંય છે. સભ્ય સમાજોમાંય છે, જંગલી સમાજોમાંય છે. પ્રાચીન કાળમાં હતો, આજેય છે. પથ્થરયુગમાંય હતો, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાંય છે. તે દર્શાવે છે કે આપણે જેને વિકાસ કહીએ છીએ એ ખરેખર વિકાસ નથી. રંગભેદ, જાતિવાદ, કોમવાદ મૂળે એક જ છે. બસ ચહેરા જુદા-જુદા છે.
ફ્રેન્ચ-ટયુનિશિયન લેખક આલ્બર્ટ મેમીએ તેમના જીવનમાં બનેલો એક કિસ્સો ટાંકેલો. એક વખત ફ્રાંસની એક બસમાં તે, તેમનો શ્વેત મિત્ર અને કેટલાક ઇમિગ્રન્ટ્સ ચડયા. એક જૂથ પચરંગી ટીનેજર્સનું હતું. તેમાં નિગ્રો હતા, બ્રાઉન હતા. તેમણે કલબલાટ કરી મૂક્યો. લેખકનો ધોળિયો મિત્ર કહે, જો તો, ધ્યાન ખેંચવા માટે કેવો ગોકીરો કરે છે.
ટીનેજરો કાળા હોય કે ધોળા તેઓ કલબલાટ કરતા જ હોય છે. વાઇટ્સ કંઈ કરે છે તો કોઈ નોટિસ નથી કરતું, પણ બ્લેક કંઈક કરે તો એમ કહે જો તો આ બ્લેક લોકો કેવું-કેવું કરે છે! કોઈ માણસને તમે સતત ચોર-ચોર એવું કહ્યા કરો તો એક દિવસ તે સાચે જ ચોરી કરવાનો. કોઈને તમે રોજ ખરાબ કહેશો તો તે સાચે જ ખરાબ બની જવાનો. પશ્ચિમી દેશોમાં આજે શ્વેત કરતા અશ્વેતોમાં ગુનાખોરીનું પ્રમાણ વધારે છે. તેનું કારણ તેનો ઈતિહાસ છે. શ્વેત લોકો તેમની સાથે તતત ભેદભાવ કરતા આવે છે, તેમને સતત અપશબ્દો બોલતા આવે છે. તેમને મારે છે. અમેરિકામાં પોલિસ અધિકારીએ જ્યોર્જ ફ્લોઇડની હત્યા કરી એને હજી વરસ માંડ થયું છે. આ કિસ્સો તો આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચગેલો તો ન્યાય થયો, પણ આવા તો બીજા સેંકડો કેસ છે જેમાં વિકસિત દેશોમાંય ન્યાયના નામે મીંડું છે. ને નવી પેઢી આંકડા સાથે દલીલ કરે છે, જુઓ નિગ્રો સાચે જ ગુનાખોર હોય છે. અરે યાર, એ ગનાખોર નહોતા. એને તમે બનાવી દીધા.
યુરોપિયન દેશોમાં યુરોકપનું મહત્ત્વ ભારતમાં ક્રિકેટનું મહાત્મ્ય છે તેના જેટલું જ છે. અથવા કહો તેનાથી પણ વધારે છે. ૫૫ વર્ષ પહેલા બ્રિટન ૧૯૬૬માં યુરોકપ જીતેલું. તે પછી નથી જીત્યું. આ વખતે ટીમ ફાઇનલમાં પહોંચી ગયેલી. ઇટલી અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ હતી. સ્ટેડિયમ પણ એ જ હતું, વેમ્બલી. જ્યાં પ૦ વર્ષ પહેલા ઇંગ્લેન્ડની ટીમ યુરોકપ જીતી હતી. બીજી જ મિનિટે ઇંગ્લેન્ડ ૧-૦થી આગળ નીકળી ગયું હતું, પણ ધીમે-ધીમે દૃશ્ય બદલાયું અને ઇટલી ૩-૨થી વિજેતા બન્યું.
ઇંગ્લેન્ડે પોણી દુનિયા પર રાજ કર્યું છે તો સ્વાભાવિક છે કે જુદા-જુદા વંશમૂળના લોકો ત્યાં સ્થાયી થયા હોય. તેમના સંતાનોના સંતાનો આજે બહુ મોટા રમતવીર છે અને ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમમાંથી રમે છે. ઇંગ્લેન્ડનો આજનો સમાજ બહુસાંસ્કૃતિક છે, એવું જ ફુટબોલની ટીમનું છે. ફાઇનલની જે મેચ હાર્યા તેમાં યોગાનુયોગે એવું થયું કે ઇન્ગ્લેન્ડના ત્રણ અશ્વેત ખેલાડી પેનલ્ટી શૂટઆઉટ ચૂકી ગયા. માર્કસ રેશફોર્ડ, જેડોન સાન્ચો અને બુકાયો શાકા. ફાઇનલ હારી જવાથી ફુટબોલ ચાહકો ભડકી ગયા ત્યાં સુધી સ્વાભાવિક હતું, પણ તેઓ આ ખેલાડીઓની ચામડીના રંગ વિશે જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. જાણે તેઓ એટલા માટે ગોલ ન કરી શક્યા કારણ કે તેમની ત્વચાનો રંગ ગોરો નહોતો.
ઇંગ્લેન્ડના સ્ટેડિયમમાં દર્શકોને અનલિમિટેડ દારૂ પીવાની છૂટ હોય છે. દારૂનો સદ્ગુણ એ છે કે તે માણસનું અસલી ચરિત્ર પ્રગટ કરી દે છે. ઇંગ્લેન્ડની ટીમના ચાહકોએ મેચ પછી ઇટલીના સપોર્ટરો પર હિંસક હુમલા કર્યા. જાહેર મિલકતો તોડી અને રસ્તા પર ગંદકી કરી, સોશિયલ મીડિયા પર ઊલટી કરી. ઘણા દર્શકો સજોડે મેચ જોવા ગયેલા અને ઇંગ્લેન્ડની હારથી માથુ ફરી જતા વળતી વખતે તેના જીવનસાથી પર હુમલો કરી દીધો. તમને આશ્ચર્ય થશે, પણ ઇંગ્લેન્ડમાં ઘરેલું હિંસાને અને ફુટબોલના પરાજયને ગાઢ સંબંધ છે. ૨૦૧૨થી ૨૦૧૯માં ગ્રેટર માન્ચેસ્ટર વિસ્તારમાં ફુટબોલમાં ટીમના પરાજયના કારણે ઘરેલુ હિંસાના ૫,૨૩,૫૪૬ કેસ નોંધાયા છે. ઇંગ્લેન્ડના પુરુષો એટલી જાડી બુદ્ધિના અને જાનવર જેવા છે કે અશ્વેતો વિશે તો આમતેમ બોલે જ છે, પણ પોતાની પત્ની કે લીવ ઇન પાર્ટનરનેય મૂકતા નથી.
૨૧મી જુને ડેઇલી મેઇલમાં સ્ટોરી હતીઃ મલ્ટિકલ્ચરલ ઇન્ગ્લેન્ડ ટીમ એટ યુરો ૨૦૨૦ ઇઝ એ લેગસી ઑફ વિન્ડ્રશ જનરેશન. ૧૦મી જુલાઈએ અલ જઝીરામાં સ્ટોરી હતીઃ ડાઇવર્સ ઇઁગ્લેન્ડ ફુટબોલ ટીમ ધેટ ઈઝ વિનિંગ ફેન્સ. હજી ગઈ કાલ સુધી ઇન્ગ્લેન્ડની મલ્ટિ કલ્ચરલ ટીમના ઓવારણા લેવામાં આવતા હતા અને આજે તેઓ મેચ હારી ગયા તો તેના અશ્વેત ખેલાડીઓ તેમના માટે ખરાબ બની ગયા. રેશફોર્ડે વટથી કહી દીધું, હું જ્યાંથી આવું છું તેના માટે ક્યારેય માફી નહીં માગું.
જે દેશના વડા પ્રધાન જ વંશવાદી હોય તે દેશનું શું કહેવું. બોરિસ જૉનસન ઇમિગ્રન્ટ્સ માટે જાહેરમાં પોસ્ટ બોક્સ અને પિકાનિનિસી જેવા શબ્દોનો પ્રયોગ કરી ચૂક્યા છે. પિકાનિનિસી એટલે ઓસ્ટ્રેલિયાની હબસી જેવી એક જાતિ. ઇંગ્લેન્ડની જનતા પહેલેથી વંશવાદી હતી અને આજેય છે. ઇંગ્લેન્ડની ટીમમાં વંશવાદની ભાવના ન પેદા થાય એટલા માટે બધા ખેલાડીઓ જમીન પર બેસી અને માથુ ઝૂકાવતા. એ સમયે દર્શકો હૂટિંગ કરતા. આ વિશે કોઈએ પ્રીતિ પટેલ અને બોરિસ જૉનસનને ફરિયાદ કરી. બોરિસ જૉનસને એવું કહ્યું કે, દર્શકો હૂટિંગ કરતા હોય તો કંઈ વાંધો નહીં.
સારી-સારી વાતો માત્ર કિતાબોમાં હોય છે. જાહેર જીવનમાં તેનાથી તદ્દન ઊલટું ચાલતું હોય છે. ન તો ગાંધીની અહિંસા કોઈનું માનસ બદલી શકી છે, ન માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના આંદોલનો. જે લોકો નથી બદલાવાના તે નથી જ બદલાવાના. તમે ચાહે ગમે તે કરી લો. અમેરિકામાં ડેમોક્રેટ્સે સરકાર બનાવ્યા પછી હવે ટેક્સાસની રીપબ્લિકન સરકાર અશ્વેતોના મતાધિકાર પર કાપ મૂકવા માટે હવાતિયા મારી રહી છે.
આવું તેઓ શા માટે કરે છે? કારણ કે તેમને હારવું નથી. તેમને કિંગ પડે તોય જીતવું છે, ક્રોસ પડે તોય. આપણે નાનપણમાં આ વસ્તુ જોયેલી છે. જ્યારે કોઈ છોકરો આપણાથી આગળ નીકળી જાય ત્યારે ઘણા બાળકો તેની કોઈ નબળાઈ ગોતીને તેનાથી તેમને ચીડવવા લાગગતા હતા. જેમ કે કોઈને ચશ્માં હોય તો કહેશે એ બાડા... એ આંધળા... કોઈની આંખ ત્રાંસી હોય તો કહેશે એ ફાંગા...
બાળપણની આ વૃત્તિનો છોડ સતત પોષાતો રહે છે અને મોટું વૃક્ષ બને છે. ઇંગ્લેન્ડ હોય કે અમેરિકા ત્યાં અત્યારે વિદેશીઓ જ કમાલ કરી રહ્યા છે. એ ત્યાંના સ્થાનિકો દ્વારા સહન થતું નથી. એટલે તેની જાતિની, તેના ધર્મની, તેની ચામડીના કલરની, તેની કોઈ શારીરિક નબળાઈની મજાક ઉડાવતા રહે છે. ને પેલો માણસ મનમાં મુંઝાતો રહે છે. તેનો આત્મવિશ્વાસ લોહીલુહાણ થઈ જાય છે, તેને દુઃખ પહોંચે છે. તેનું પરફોર્મન્સ ડાઉન થઈ જાય છે.
કાળો વરસાદ મારા દેશમાં નથી, નથી પીળો વરસાદ તારા દેશમાં એવું બધાય જાણે છે. બધા સમજતા હોવાનો ડોળ પણ કરે છે. તેના વિશે જાહેરમાં ટીકા પણ કરે છે. તો કોણ છે જે સૂધરતું નથી? સભ્યતાના માસ્કની અંદર અસલી ચહેરો છુપાવીને બધા ફરે છે ને મોકો મળે કે તરત જ ચહેરો બતાવે છે. ચરિત્ર બતાવે છે.
આ દુનિયા આવી જ છે. અહીં તમે મહાન બનીનેય શું કરી લેવાના? યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ? જે અમેરિકા કે બ્રિટન છે તેણે આંખો ઉઘાડીને જોવાની જરૂર છે કે હજી મનુષ્ય તરીકે તેઓ અલ્પ વિકસિત જ રહ્યા છે. જે દેશો અમેરિકા અને બ્રિટન જેવા બનવા માગે છે તેમણએ એ સમજવાની જરૂર છે કે માત્ર આર્થિક વિકાસ એ જ વિકાસ નથી. અંદરથી પણ સમૃદ્ધ થઈશું, અસમાનતાની, બીજા પ્રત્યે તિરસ્કારની ભાવના ફગાવી દઈશું તો જ આર્થિક વિકાસનો સ્વાદ વધારે મોજથઈ લઈ શકશું. બરોબરને?
આજની નવી જોક
છગન મોડી રાતે ઘરે આવ્યો.
લીલી (છગનને): ક્યાં ગયા હતા? તમારો ફોન નહોતો લાગતો.
છગનઃ તારો ફોન લાગે એ માટે ટાવર શોધવા ગયો હતો.
લીલીઃ હેં!?
જીકે જંકશન
* છત્તીસગઢે લેમરુ હાથી અભયારણ્યના વિસ્તારમાં કાપ મૂક્યો છે. ભુટાનમાં ભિમ એપના વપરાશને મંજૂરી આપવામાં આવશે.
* તાજેતરમાં ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થયું હતું. ડેવોન કોનવેની આઈસીસી ક્રિકેટ પ્લેયર ઑફ ધ મન્થ ઘોષિત કરવામાં આવ્યા છે.
* આઈઆઈટી મંડીના સંશોધકોએ બટેટામાં રહેલી બીમારી જાણવા માટે એક એપ્લિકેશન વિકસાવી છે. ભારતીય નૌસેનાએ અમેરિકા પાસેથી ૧૦મું સબમરિન પ્રતિરોધક યુદ્ધ વિમાન પી-૮૧ પ્રાપ્ત કર્યું હતું.
* ભારત ૨૦૨૬માં બીડબલ્યુએફ વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની કરશે. બીડબલ્યુએફનું ફૂલફોર્મ છે બેડમિંટન વર્લ્ડ ફેડરેશન.
* ફ્રાંસની સરકારે ગુગલને ૫૦ કરોડ યુરોનો દંડ ફટકાર્યો હતો. તાજેતરમાં અશોક ચક્રવર્તીનું એક પુસ્તક આવ્યું છે, જેનું શીર્ષક છે, ધ સ્ટ્રગલ વિધિનઃ એ મેમોઇર ઑફ ધ ઇમર્જન્સી.
* ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતાઓને છ કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. તાજેતરમાં વડા પ્રધાન મોદીએ પણ ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો.