Get The App

કોહિઅરન્સઃ ધૂમકેતુની જીવન પર અસર

- સાયન્સ ફિક્શન ફિલ્મો પણ લો બજેટમાં બની શકે એ પુરવાર કર્યું કોહિઅરન્સેઃ બજેટ માત્ર 8000 ડોલર

- પાયરેટ્સ ઑફ ધ કેરેબિયન માટે કામ કરી ચૂકેલો યુવાન જ્યારે ફિલ્મ બનાવવા નીકળ્યો ત્યારે તેની વહારે કોઈ આવ્યું નહીં

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News

- દિગ્દર્શકે આઠમાંથી એકેય અભિનેતાને આખી સ્ક્રિપ્ટ આપી નહોતી, ને સામેવાળાના રીએક્શન્સ કેવા હશે એ પણ નહોતું કહ્યું

કોહિઅરન્સઃ ધૂમકેતુની જીવન પર અસર 1 - image

કૂ વામાં હોય તે હવાડામાં આવે. આપણે સાયન્સમાં પાછળ છીએ એટલે સાયન્સ ફિક્શનમાં પણ. ભારતમાં સાયન્સ ફિક્શન કથાઓ બહુ જ ઓછી ખેડાઇ છે અને ફિલ્મો એનાથી પણ ઓછી બને છે. ઉઠાંતરી કરવામાં ઉસ્તાદ બોલીવુડ સાયન્સ ફિક્શન ફિલ્મોની નકલ કરીને પણ તેની સાથે ન્યાય કરી શક્યું નથી. મિસ્ટર ઇંડિયા જેવા અપવાદને બાદ કરવામાં આવે તો આપણે ત્યાં સાયન્સ ફિક્શન ફિલ્મોનો કાળો દુકાળ છે. હોલીવુડમાં સાયન્સ ફિક્શન ફિલ્મો ઢગલા મોઢે બને છે. તેનું બજેટ મહાકાય હોય છે. કારણ કે તેની પાસે મહાકાય માર્કેટ પણ છે. ત્યાં શૂટીંગ પાછળ જેટલો ખર્ચ કરવામાં આવે છે તેનાથી વધુ વીએફએક્સ પાછળ કરાય છે. જો કે હોલીવુડના નિર્દેશકો  લો બજેટમાં અદ્ભુત સાયન્સ ફિક્શન ફિલ્મો બનાવવા માટે પણ સુખ્યાત છે. 

સાયન્સ ફિક્શન એક બહુ જ મોંઘું ફિલ્મ જૉનર છે. કલ્પનાના ઘોડા પુસ્તકના પાના પર દોડાવવા અઘરા છે પણ એ કલ્પનાને પડદા પર દર્શાવવી  તેનાથી પણ કઠીન. વીએફએક્સ સ્ટુડિયોમાં ટેકનોલોજીના માધ્યમથી આ કલ્પનાઓને પડદા પરની વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં આવે છે. વીએફએક્સ ટેકનોલોજી તેની બાલ્ય અવસ્થામાં હતી ત્યારે   હોલીવુડ તેના મહત્ત્વાકાંક્ષી વિઝનને સાકાર કરવા માટે નિતનવા રસ્તા અપનાવતું. મોંઘા વિહંગમ સેટ, વિશાળકાય સ્પેસ ક્રાફટ, અતિઆધુનિક હથિયાર, વિચિત્ર રોબોટ આદિ વાસ્તવમાં તૈયાર કરાતા ૨૦૦૧... સ્પેસ ઓડીસી, સ્ટારવૉર્સ અને સ્ટારટ્રેક તેના હાથવગા ઉદાહરણ છે. ૬૦થી ૭૦ના દશકા સુધી હોલીવુડ નિર્દેશકો સાયન્સ ફિક્શન ફિલ્મમાં રચાયેલી ફેન્ટેસીને પડદા પર ઉપસાવવા માટે જાત-જાતના રસ્તા અપનાવતા,  પાણીની જેમ ડોલર વાપરતા. અત્યારે પણ પાણીની જેમ ડોલર વપરાય છે, પરંતુ હવે વીએફએક્સ સ્ટુડિયો પાછળ. 

ઇન્સેપ્શન, ઇન્ટરસ્ટેલર, અવતાર , મેટ્રીક્સ, ગ્રેવિટી, ધ માર્શિયન, નવી સ્ટારવૉર્સ, સ્ટારટ્રેક અને બ્લેડ રનર અત્યાધુનિક વીએફએકસ ટેકનોલોજીની કમાલ દર્શાવતી ફિલ્મો છે. આ બધાની વચ્ચે ૨૧મી સદીમાં બનેલી લો બજેટ સાયન્સ ફિક્શન ફિલ્મો પણ આપણું ધ્યાન ખેંચે છે. ૨૦૦૪માં આવેલી ટાઇમ ટ્રાવેલ પર આધારિત ફિલ્મ પ્રાયમર, ૨૦૦૭માં આવેલી ટાઇમફ્રાઇમન્સ, ૨૦૦૯માં આવેલી મુન, ૨૦૧૩માં રીલીઝ થયેલી અંડર ધ સ્કીન, ૨૦૦૭માં આવેલી મેન ફ્રોમ ધ અર્થ, ૨૦૧૨માં આવેલી સેફ્ટી નોટ ગેરંટીડ, ૨૦૧૪માં આવેલી પ્રીડેસ્ટિનેશન ઇત્યાદિ. આ ફિલ્મોમાં સંસાધનો અને લોકેશનનો બહુ જ સિમિત ઉપયોગ કરવામાં આવ્યો છે. વીએફએક્સનો વપરાશ પણ નહીં જેવો. તે માત્ર આઇડિયા, વિઝન અને કન્ટેન્ટના દમ પર બનાવાઇ છે અને તેમ છતાં વીએફએક્સ પ્રચૂર સાયન્સ ફીક્સન ફિલ્મોની સમકક્ષ ઉભી રહે છે. સાયન્સ ફિક્શન ફિલ્મો બનાવવા માટે મોટું બજેટ અને વીએફએક્સનો ભરપૂર ઉપયોગ ફરજિયાત છે એવી હોલિવુડિયન માન્યતા અને બોલીવુડિયન ભ્રમણાનું ખંડન કરે છે.

આવી જ એક લો બજેટ માસ્ટરપીસ મુવિ છે, કોહીઅરન્સ. ૨૦૧૩માં અમેરિકામાં બનેલી આ ફિલ્મ હિંદુસ્તાનમાં બહુ જ ઓછા દર્શકોએ જોઇ હશે. નિર્દેશક જેમ્સ વાર્ડ બર્કિટે એક સાયન્સ ફિક્શન કહાનીમાં હોરર અને થ્રીલર જોનરનો પણ સફળતાપુર્વક વિનિયોગ કર્યો છે. વિના વીએફએક્સ તેણે એવા-એવા પ્રયોગ કર્યા છે જે જોનારની આંખોને વિસ્ફારીત કરી દે. આખી વાર્તા કહેવાની ગુસ્તાખી ન કરાય તેનું ધ્યાન રાખીને ઉઘાડ કરીએ તો વાર્તા એવી છે કે પૃથ્વીની નજીકથી એક ધૂમકેતુ (મિલર્સ કોમેટ) પસાર થવાનો છે ને બરાબર તે જ રાતે ૮ મિત્રો એક ઘરે ડીનર પાર્ટી ગોઠવે છે. થોડા સમયમાં ચિત્ર-વિચિત્ર ઘટના બનવાનું શરૂ થઇ જાય છે. દોઢ કલાકની આ મુવિ કેવળ ૧૫ મિનીટમાં કલાકારો વચ્ચેના પારસ્પારિક સંબંધને પારિભાષીત કરી દે છે. ત્યારપછી સવા કલાક સુધી આશ્ચર્યની અદ્ભુત હારમાળા રચાતી રહે છે. ફિલ્મ જેટલી કમાલ છે એટલી જ કમાલ તેને બનાવવાની કથા પણ છે. 

સૂર્ય અને ચંદ્ર સહિતના અવકાશી પિંડોના ગુરુત્વાકર્ષણની પૃથ્વીને  અસર થતી હોવાનું સાયન્સ કહે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે નવ ગ્રહોની આપણને અસર થાય છે. આ જ વિચારને કોહરીઅન્સમાં જરાક જુદી રીતે તપાસવામાં આવ્યો છે. તેમાં એવી કહાની છે કે એક ધૂમકેતુ પૃથ્વીની નજીકથી પસાર થાય છે અને તેની અસર માનવીય વ્યવહાર પર પડે છે. જેમ-જેમ ધૂમકેતુ નજીક આવતો જાય તેમ-તેમ આઠેય મિત્રોના વ્યવહાર બદલાતા જાય છે. શું થઇ રહ્યું છે? અને સાચું શું છે? તે સમજવામાં દર્શકોની સમજણને પરસેવો છૂટી જાય છે. આ થીમનો નિર્દેશક લાર્સવોન ટ્રીયાએ પણ મેલનકોલીયા ૨૦૧૧ નામની ફિલ્મમાં કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. તેની કથા એવી છે કે એક રહસ્યમય ગ્રહ પૃથ્વી સાથે ટકરાવાનો છે તે જેમ-જેમ નજીક આવતો જાય તેમ લોકોનું બિહેવીયર બદલાતું જાય છે. નાયિકાના અવસાદભર્યા ચહેરાને ડિરેકટરે કોઇ કાવ્યની જેમ પડદા પર નિરૂપિત કર્યો છે. 

નિર્દેશક જેમ્સ વાર્ડ બર્કિટે કોહરીઅન્સ બનાવી એ પહેલાં પાયરેટ્સ ઑફ ધી કેરેબિયનની શરૂઆતની ત્રણ ફિલ્મોમાં  સ્ટોરીબોર્ડ તરીકે કામ કરેલું. ત્યારબાદ તેઓ સ્વતંત્ર નિર્દેશક તરીકે ફિલ્મ બનાવવા નીકળ્યા ત્યારે એક પણ  હોલીવુડ સ્ટુડિયો તેની મદદે આવ્યો નહીં. આખરે તેમણે આ ફિલ્મ પોતાના ઘરમાં શૂટ કરવાનું નક્કી કર્યું. આઠ અજાણ્યા એક્ટર્સને એકઠા કર્યા. કોઇપણ કલાકારને પૂરી સ્ક્રીપ્ટ ન આપી. નેચરલ એક્સપ્રેશન આવે એટલા માટે તેમણે એકેય કલાકારને બીજા કલાકારના રીએકશન વિશે જાણકારી આપી નહીં. કોઇ ક્રૂની મદદ વિના માત્ર બે કેમેરાથી ફિલ્મ શૂટ કરી. કેવળ પાંચ રાતમાં ફિલ્મ શૂટ થઇ. તેનું બજેટ ફકત ૮ હજાર ડોલર રહ્યું. આજની દૃષ્ટિએ આપણા પોણા  છ લાખ રૂપિયા થાય. પોણા છ લાખ રૂપિયામાં માસ્ટર પીસ મુવિ બની શકે એવી કલ્પના પણ કોને હોય?  

શુટીંગ દરમિયાન સિનેમેટોગ્રાફરની સાથે મળીને બે કેમેરા સંભાળ્યા અને લગાતાર નિર્દેશ આપતા રહ્યા. કલાકારોને સીન ભજવવાની પૂરેપૂરી સ્વતંત્રતા આપી, જેથી પડદા પર તે અસલી લાગે. એવો ખરેખર અહેસાસ થાય કે આ કોઇ ફિલ્મ નથી, સાચે જ આ લોકો જુદી જુદી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે અને તે પ્રમાણે વર્તી રહ્યા છે. કલાકારોને ઘરની અંદર ક્લોઝ અપ કેમેરામાં શૂટ કરવામાં આવ્યા હોવાથી કેમેરો હલતો દેખાય છે. શેકી કેમેરાવર્ક. 

અસલી ફિલ્મ એડિટિંગ ટેબલ પર બની છે. ૨૪ કલાકનું શુટીંગ કરાયેલું તેને કાપીને દોઢ કલાકનું કરવામાં ચાર મહિના લાગ્યા. નિર્દેશકે ધનપતિઓને ફિલ્મની ફૂટેજ દેખાડીને  તેમની પાસેથી પોસ્ટ પ્રોડકશન માટે ભંડોળ મેળવ્યું. આ ફિલ્મમાં વિજ્ઞાાનના કેટલાક સિદ્ધાંતોનું અદ્ભુત ચિત્રાંકન કરવામાં આવ્યું છે. કવોન્ટમ ફિઝિક્સની એક થીઅરી છે ડીકોહિયરન્સ. તેના પરથી જ આ ફિલ્મનું ટાઇટલ રાખવામાં આવ્યું છે. કોહીઅરન્સનો અર્થ થાય છે, તમામ યથાર્થનું એક સાથે આવી જવું, એક સાથે ઘટવું. આ કોહીઅરન્સ જ્યારે પિક્ચરમાં ઘટિત થાય છે ત્યારે હોંશ ઊડી જાય છે. આટલું વાંચ્યા પછી ફિલ્મ જોવાની લાલચ એક સેકન્ડ પણ રોકી શકાતી નથી.  

જીકે જંકશન

  • દર વર્ષે ૪થી જૂલાઇએ આંતરરાષ્ટ્રીય  સહકારીતા દિવસ મનાવવામાં આવે છે. દરેક પ્રાણીમાં બે ગુણ સર્વસામાન્ય છે- સ્વાર્થ અને સહકાર. સહકારનો વિકાસ એજ માનવજાતિની સફળતાનું રહસ્ય છે. 
  • ઓડિસામાં કોવિડ-૧૯ના ઇલાજ માટે જ હોસ્પિટલમાં પ્લાઝમા થેરાપી શરૂ કરવામાં આવી છે. ભારત દુનિયામાં સૌથી વધુ વિદેશી હુંડિયામણ ધરાવતો પાંચમો દેશ બની ગયો છે.  તાજેતરમાં પ્રગટ થયેલા એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં ઇ-કચરાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ ચાઇના છે. 
  • અતિમહવાકાંક્ષી વ્લાદિમિર પુતિન જીવનભર માટે રશિયાના રાષ્ટ્રપતિ બની ગયા છે. વિપક્ષી નેતાઓને તો તેમણે ક્યારનાય ખતમ કરી નાખ્યા હતા. હવે કેવળ આજ  ફોર્માલિટી બાકી હતી જે પણ તેમણે પુરી કરી દીધી છે. 
  • ઑલ ઇઁડિયા રેડિયો પર સંસ્કૃત ભાષામાં સમાચાર પ્રસારણ શરૂ થયું છે. તાજેતરમાં તેનો સર્વપ્રથમ સમાચાર પત્રિકા કાર્યક્રમ આયોજિત થયેલો. 
  • ઇક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકે વીડિયો કેવાયસીના માધ્યમથી ખાતું ખોલવાની સેવા શરૂ કરી છે. તેમની આ પહેલ બેંકીંગ ક્ષેત્રે નવી ક્રાંતી સર્જી શકે છે. 
  • ચીનના બેડમિન્ટન ખેલાડી લીન ડેને સંન્યાસની ઘોષણા કરી છે. ત્યાં ૨૦૨૧માં એશિયન યુથ ગેમ્સ યોજાશે તથા ૨૦૨૨માં ૧૯મી એશિયન ગેમ્સ, વિન્ટર ઓલિમ્પિક્સ અને એશિયન પેરાગેમ્સ યોજાશે. ઉતરાખંડમાં રાજ્ય સરકાર દ્વારા ઇ-લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે.

આજની નવી જોક

લીલી (છગનને) : તમે એક કામ બરાબર નથી કરતા.

છગનઃ કેમ?

લીલીઃ બે દિવસ પહેલા તમે ગેસનો બાટલો લગાવ્યો ત્યારથી ત્રણ વખત દૂધ ઊભરાઈ ચૂક્યું છે.

છગનઃ હેં!?

Tags :