નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા એમ ન કહેવાય રમેશ, એમ કહેવાય કે આત્મનિર્ભર થઈ ગયા (ર.પા.ની માફી સાથે)
- રામ ભરોસે .
- મળમાં કોરોના વાઇરસ આઠ દિવસ જીવે છે, ને બીજી બાજુ આપણી પાસે ગંદકીના
- યોગ્ય નિકાલની પર્યાપ્ત વ્યવસ્થાનો અભાવ
- નવી કહેવત:જેમનો રાજા આંધળો, તેમનું કટક આત્મનિર્ભર
અધધધ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રૂપિયાનું પેકેજ ઘોષિત કરવામાં આવ્યું છે. સંબિત પાત્રાને જાણ થાય કે ૨૦ લાખ કરોડમાં ૧૩ મીંડા આવે છે. ને પાછા આ મીંડા બગડાની જમણી બાજુ આવશે, ડાબી બાજુ નહીં. ને બોલવામાં ક્યાં ખર્ચો લાગે છે ! જ્યારે ભારત સરકારે ૧.૭ લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું ત્યારે દુનિયાભરમાં ટીકા થઈ રહી હતી. કારણ કે મોટી ઇકોનોમી ધરાવતા દરેક દેશે તેની જીડીપીના ૧૦ ટકા કે તેથી વધુનું પેકેજ ઘોષિત કરેલું. હવે આપણે પણ તેની નજીક આવી ગયા. તોય પેકેટનું કવર જોઈને સેલિબ્રેટ ન કરાય. સૌથી મહત્ત્વની બાબત છે અમલીકરણ. હા, યોગ્ય અમલીકરણ થશે તો મલમ લાગશે.
જાપાને તેની જીડીપીના ૨૧ ટકા સ્ટિમ્યુલસ પેકેજ ઘોષિત કર્યું છે. જર્મનીએ ૨૦ ટકા, અમેરિકાએ ૧૧ ટકા, ઑસ્ટ્રેલિયા ૯.૯ ટકા, કેનેડાએ ૮.૪ ટકા. સોશિયલ મીડિયામાં એવી જોક પણ ફરે છે કે રૂા.૨૦ લાખ કરોડને ૧૩૦ કરોડ વડે ભાગો તો માથાદીઠ રૂા.૧૫,૩૮૪ થાય. ને પછી લખે છે, રૂા.૧૫ લાખ દરેકના ખાતામાં જમા કરવાનો દાવો કરનારી સરકાર હવે રૂા.૧૫,૦૦૦ પર આવી ગઈ. જોક્સ અપાર્ટ. આ સ્ટીમ્યુલસ પેકેજ સારું છે. જો ખરેખર એટલું આપવામાં આવે તો. જો ખરેખર તે જરૂરિયાતમંદના હાથ સુધી પહોંચે તો. જરૂરિયાત ન હોય તે લોકો યોજનાકીય લાભ લેવાની લાલચ જતી કરી દે તે પણ આ પેકેજને સફળ બનાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે.
લોકડાઉન-૧માં તેમણે કહ્યું હતું, નોકરીમાંથી કાઢતા નહીં, લોકડાઉન-૪માં તેમણે કહ્યું, આત્મનિર્ભર બનો. ટૂંકમાં શું કહ્યું, સમજી ગયાને!? સેન્ટર ફોર મોનિટરિંગ ઇંડિયન ઇકોનોમી કહે છે કે ભારતમાં ૨૦થી ૩૦ વર્ષના વયજૂથના ૨.૭ કરોડ લોકોની નોકરી ગઈ છે. કુલ ૧૩ કરોડ કરતા વધુ નોકરીઓ ગઈ હોવાનો અંદાજ છે. યાને કે દર ૧૦માંથી એક ભારતીય. આમાંથી ઘણાને કામ ફરીથી મળી જશે. ઘણાને અગાઉ કરતા ઓછા પગારે મળશે, ઘણાને પોતાની આવડત કરતા કોઈ બીજું જ કામ સ્વીકારીને મન મનાવવું પડશે. ઇકોનોમિક્સ ભણ્યા હોય એ તરત સમજશે કે આવડત કરતા બીજું કામ કરવું એ પણ બેકારી જ છે. ભારતમાં અત્યારે બેકારી દર ૨૪.૭ ટકા છે. કામ કરવા લાયક ચારમાંથી એક જણો ઈશ્વરની જેમ નોકરી શોધી રહ્યો છે. બાય ધ વે બેરોજગારી દરનું નામ ભવિષ્યમાં આત્મનિર્ભરતા દર બની જવાનું છે.
જે કરોડોની નોકરી ગઈ છે એને ઇકોનોમીના દરવાજા ખૂલ્યા પછી પણ કામ નહીં મળે. કેમ કે નોકરીદાતાઓએ તેમનું નુકસાન સરભર કરવા હાથતંગ કર્યો છે. તેમને એ પણ વિશ્વાસ નથી કે ડીમાન્ડ પૂર્વવત્ ક્યારે થશે. જે કરોડો લોકોની નોકરી ગઈ છે તેમણે સ્વનિર્ભર બનવાનું છે. એટલે કે ગયેલી નોકરી માટે કોઈ દાવા-દલીલ કરવાના નથી. કોઈ હોહા મચાવવાની નથી. આત્મનિર્ભર બનવાનું છે.
ને હા, પકોડા તળવા એ પણ રોજગારી જ છે! એન્જિનિયર થઈને પણ તમે પકોડા તળી જ શકો છો. કેટલાય ખાણીપીણીના ખૂમચાવાળા સાંજ પડયે ૧૦,૦૦૦ની નોટ પાડે છે. એ કંઈ નબળો વ્યવસાય થોડો છે! હવે બધાએ આત્મનિર્ભર બનવાનું છે. બિલ્ડરોએ આત્મનિર્ભર બનવાનું છે. જાતે જ બિલ્ડિંગ બનાવી લેવું, ઉદ્યોપતિઓએ જાતે મશીન ચલાવવા, જનતાએ જાતે અનાજ ઉગાડી લેવું. બધાએ આત્મનિર્ભર બનવાનું છે. જેવી રીતે હજારો શ્રમિકો પોતાના પગ પર સવાર થઈને ઘરે ગયા તેમ. બધાએ બધું જાતેજાતે કરી લેવાનું છે. બધાએ આત્મનિર્ભર બનવાનું છે.
મજૂરો ચાલીચાલીને ઘરે ગયા એ તેમનો ત્યાગ તેમનું તપ હતું. આ ત્યાગ-તપ માટે તેમને સલામ. કેટલાય તપસ્વીઓ શહીદ પણ થયા. તેમને વંદન. સૌથી પહેલા આત્મનિર્ભર બનનારા આ શ્રમિકો. તેમની જેમ બીજાએ પણ આત્મનિર્ભર બનવાનું છે.
બેરોજગાર થઈ ગયા એમ ન કહેવાય રમેશ, એમ કહેવાય કે આત્મનિર્ભર થઈ ગયા... (ર.પા.ની માફી સાથે) પોઝીટીવીટીનો યુગ છે આ. નેગેટીવ નહીં વિચારવાનું અને નેગેટીવ નહીં બોલવાનું. મોટીવેટ થવાનું, મોટીવેટ કરવાના, વેબિનાર્સ એટેન્ડ કરવાના... ને આત્મનિર્ભર બનવાનું. કેટલાક પોઝીટીવ થિંકર્સ તો એટલા પોઝીટીવ હોય છે કે બળાત્કાર, હત્યા જેવી ઘટનાઓમાંથીય પોઝિટિવિટી શોધી કાઢે છે. તેમની આત્મનિર્ભરતાને સલામ.
લોકલ માટે વોકલ બનવાની વાત ખરેખર સારી છે. દેશનો મોટો વર્ગ એવો છે જે વિદેશી બ્રાન્ડ્સને જ મહત્ત્વ આપે છે. ઇંડિયન બ્રાન્ડ સારી હોય તોય તેને ટાળે. આપણને આપણી કદર નથી. તેનો પ્રતિપક્ષ એ પણ છે કે કેટલીક નબળી ગુણવત્તાવાળા ઉત્પાદનો સ્વદેશીના નામે ચરી ખાઈ વૈતરણી પાર કરવાની વેતરણમાં રહે છે. આ બંને વચ્ચેથી ભારતનો ખરીદાર નીરક્ષીર વિવેક રાખીને પસાર થાય તો લોકલ ઉત્પાદનો જરૂર વોકલ બની શકે છે.
૧૩૦ કરોડની વસ્તી છે. બધા એકબીજા માટે કંઈને કંઈ બનાવે તો આપણે દુનિયાની જરૂર જ ન પડે, પણ આ બધા માટે દૃઢ નિશ્ચય જોઈએ અને કમસેકમ એક દાયકો મજૂરી કરવી પડે. અહીં ફ્લિપકાર્ટ જેવી એક પ્રતિષ્ઠિત કંપની બને તો તરત વિદેશીઓ ઓળવી જાય છે. કારણ કે ઇંડિયન એક ઇંડિયન તરીકે લઘુતાગ્રંથી અનુભવે છે. વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે શીંગડા ભરાવતી કંપનીઓ આપણે ત્યાં છે. પણ વર્ષોથી એ જ બે-ચાર નામ છે. કોઈ નવું માર્કેટમાં યા તો આવતું નથી, ને જો આવી ચડે તો તેને ટકવા નથી દેવાતો. ૧૮ વર્ષનો છોકરો માઇક્રોસોફ્ટ, એપલ કે ફેસબુક સ્થાપે એવા સુખદ અકસ્માત ભારતમાં નથી ઘટતા. એ જ્યારે ઘટતા થઈ જશે ત્યારે લોકલ વોકલ બની જશે. જ્યારે એક આત્મનિર્ભર બીજાને આત્મનિર્ભર બનવાની જગ્યા આપશે ત્યારે લોકલ જરૂર વોકલ બનશે.
આપણે ત્યાં બે દેશ છે. ભારત અને ઇંડિયા. શિક્ષિત અને અશિક્ષિત, શહેરી અને ગ્રામીણ, ધનિક અને ગરીબ, ઉદ્યોગપતિ અને શ્રમિક, અંગ્રેજી બોલનારો અને અંગ્રેજી ન સમજનારો. આમાં કેવળને કેવળ કોઈ એક વર્ગને સાથે લઈને ચાલવામાં આવશે ત્યાં સુધી દેશનો ખરો વિકાસ થઈ શકે તેમ નથી. લોકડાઉનના અર્થચિંતનમાં આ મુદ્દો સામેલ કરવાની આવશ્યકતા છે. આમાંનો એકેય વર્ગ આત્મનિર્ભર નથી. તેઓ સ્વાવલંબી નથી, પરસ્પરાવલંબી છે તે સત્ય નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી વિકાસ થઈ શકે તેમ નથી.
લગભગ બે મહિના થવા આવ્યા છે. હવે કોરોના સાથે જીવવાનું છે એ સરકાર પણ સ્વીકારી ચૂકી છે અને જનતા પણ. મોટા ભાગના લોકો કામધંધે વળગવાના. એવા સમયે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી બની જાય છે. એ છે સ્વચ્છતા, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, ગંદકીનો નિકાલ અને આરોગ્યની સંભાળ. ગાંધીજીના સમયમાં લોકો ટ્રેનમાં જે જગ્યાએ બેસતા હોય ત્યાં જ થૂંકતા. ગાંધીજીને એ જોઈને ખૂબ ચીતરી ચડતી. એ જંગલી ભારતીયો આજે થોડા સૂધર્યા છે, પણ હજી ઘણા નથી સૂધર્યા.
જ્યાં ત્યાં થૂંકવું, કૂંડીના ઢાંકણા પર એંઠવાડ ફેંકવો, ઘરની બહાર ગમે ત્યાં કચરો ફેંકવો આ બધી બહુ ગંદી આદત છે આપણને. સરકારના ભલે લાખ દોષ કાઢીએ, સાથોસાથ આપણે આપણી સાઇડથી પણ બહેતર બનવાની જરૂર છે. કોરોનાએ માથા પર બંદૂકી મૂકી દીધી છે. ને કહ્યું છે, સ્વચ્છતા નહીં જાળવો તો શૂટ થઈ જશો. હવે જીવવું હોય તો સ્વચ્છ રહેવું ફરજિયાત છે.
ઘણા લોકો એમ માનીને મજેથી ફરે છે કે, જીવન-મરણ ઈશ્વરના હાથમાં છે. નસીબમાં માંડયું હશે તે થશે. બિલકુલ. તેઓ સાચા છે. પણ સંભવ છે કે ઈશ્વરે આપણા નસીબમાં એમ લખ્યું હોય કે જો આ બચવા માટેના પ્રયત્નો કરશે તો જીવી જશે અને નહીં કરે તો મરી જશે. સંભવ છે ઈશ્વરે આપણી આયુષ્ય રેખા સાચે જ આપણા હાથમાં આપી દીધી હોય. એટલે જ. બહુ ઓવરકોન્ફીડન્સમાં રહેવું વાજબી નથી. ભાગ્યનોય ભરોસો મૂકીને આત્મનિર્ભર બનવું પડશે.
સૌથી મોટો પ્રશ્ન માસ્કના નિકાલનો છે. પાનખરમાં પીળા પાંદડા પડયા હોય એમ ચારે બાજુ માસ્ક પડેલા જોવા મળે છે. આ રીતે ફેંકાયેલા માસ્ક કોરોનાના ફેલાવામાં પેટ્રોલનું કામ કરી શકે છે. જ્યાં આપણે ભીનો કચરો અને સૂકો કચરો અલગ નથી રાખતા ત્યાં આપણી માથે ત્રીજી જવાબદારી આવી પડી છે. બાયોમેડિકલ વેસ્ટ અલગ રાખવાની. તેનો પ્રોપર નિકાલ કરવાની. હવે આ મોટી ચેલેન્જ હશે. ઉપરાંત હૉસ્પિટલમાંથી પેદા થતો કોવિડ-૧૯નો વેસ્ટ. આપણા હિસ્સાની જવાબદારી આપણે નિભાવવી પડશે અને સરકારના હિસ્સાની સરકારે. જો સરકાર બાયો મેડિકલ વેસ્ટનો પ્રોપર નિકાલ નહીં કરે તો મહામારી વધારે વિકરાળ સ્વરૂપ લેશે યા કંટ્રોલમાં આવ્યા પછી પાછો ઉથલો મારશે.
યુએને આ વિશે વાતચીત શરૂ કરી છે. ૧૯૯૨ના બેઝલ સંધિપત્રની યાદ દેવડાવી છે જે મુજબ દરેક દેશે તેના કચરાનો સાવધાનીપૂર્વક નિકાલ કરવાનો રહેશે. સીવેજના નિકાલમાં બેદરકારી કોરોનાના ફેલાવામાં જલદ પ્રવાહીનું કામ કરી શકે છે. દેશના શહેરોમાંથી સાલ ૨૦૧૫માં દરરોજ ૬,૧૯,૪૮૦ લાખ લીટર ગંદુ પાણી નીકળતું હતું. તેમાંથી આપણે કેવળ ૨,૩૨,૭૭૦ લાખ લીટર પાણી જ સાફ કરી શકતા હતા. યાને કે ૬૩ ટકા સીવેજ શુદ્ધ થયા વિના સીધું નદીમાં ઠલવાતું.
હવે એવું નહીં ચાલે. શા માટે નહીં ચાલે?કારણ કે મળની અંદર કોરોના વાઇરસ આઠ દિવસ સુધી જીવિત રહી શકે છે. એ ગંદકી શુદ્ધ થયા વિના પાણીમાં ભળે તો એ પાણીના સંપર્કમાં જેટલા લોકો આવે એ બધાને કોરોના થાય. અમેરિકામાં જેમ વાઘને કોરોના થયો છે તેમ કોને ખબર કાલે બીજી પ્રાણી કે પક્ષી સૃષ્ટિમાં કોરોના ફેલાય. એટલે ગંદકીના ૧૦૦ ટકા નિકાલ પર ફોકસ નહીં રાખવામાં આવે તો જિંદગી ૧૦૦ ટકા નર્ક થઈ જશે. આના માટે તો સરકારે જ આત્મનિર્ભર બનવું પડશે.
૨૦૧૭માં ભારતમાં બે લાખ ટન બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન થતો. તેમાંથી ૭૮ ટકાનો કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટીમાં નિકાલ કરવામાં આવતો. આ આંકડા પ્રમાણે ૨૨ ટકા મેડિકલ વેસ્ટનો પદ્ધતિસર નિકાલ થતો નથી. ગમે ત્યાં ફેંકી દેવાય છે. અત્યાર સુધી જે ભૂલ કરી તે. હવે આના પરિણામ બહુ ગંભીર આવી શકે છે.
ને સૌથી મહત્ત્વનું એ છે કે સરકાર બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટની સુવિધા વધારે. જો નહીં વધારે તો જીવવું મુશ્કેલ બની જશે. તેમણે કહ્યું કે દેશમાં રોજ બે લાખ પીપીઈ કિટ બની રહી છે. તો જેટલી પીપીઈ કીટ ડૉક્ટર્સને આપો છો એટલી સફાઈ કર્મીઓને પણ આપો. કેમ? એ માણસો નથી? ભાષણમાં પૌરાણિક સંદર્ભો આપનારા એ કેમ યાદ ન રાખે કે આપણા શાસ્ત્રોમાં જીવ માત્રને એક સમાન ગણવાની વાત કરવામાં આવી છે. આ તો કેવળ મનુષ્ય માત્રને એકસમાન ગણવાની વાત છે. પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ ઘરે સફાઈ કામ કરવા આવતા દરેક સફાઈ કર્મીને પણ પીપીઈ કિટ મળવી જ જોઈએ. આ સફાઈ કર્મીઓ લોકોનો કચરો ઉસેડી જાય છે. તેમાં કોરોનાના કિટાણું હોવાની સંભાવના છે. તેમ છતાં તેઓ જીવનું જોખમ ખેડે છે. તેઓ આપણા આદર અને સલામના અધિકારી છે.
જેનો સેનાપતિ આંધળો એનું કટક કૂવામાં એ જૂની કહેવત છે. નવી કહેવત છે, જેનો સેનાપતિ આંધળો તેનું કટક કોરોનામાં. એમાં સેનાપતિનો શો વાંક? હવે તો કટકે આત્મનિર્ભર બનવાનું છે!
આજની નવી જોક
છગન (મગનને): સારું છે કોરોના ૨૦૨૦માં આવ્યો.
મગન: કેમ?
છગન: ૨૦૦૦માં આવ્યો હોત તો નોકિયા ૩૩૧૦માં નાગવાળી ગેમ રમીને દિવસો કેમ કાઢત?
મગન: હેં!?