ઑલિમ્પિક્સમાં ભારતની મેડલ જર્ની .
- ટોક્યો ઑલિમ્પિકમાં મેડલ જીતનારા ટોપ 15 દેશોના નામ વાંચતા જ અંદાજ આવે છે કે સ્પોર્ટ્સ અને આર્થિક વિકાસ વચ્ચે સીધો સંબંધ છે
- કડવું સત્યઃ આપણને અત્યાર સુધીમાં જેટલા ગોલ્ડ મળ્યા છે તેના કરતા ત્રણ ગણા યુએસ દરેક ઑલિમ્પિકમાં જીતે છે
- 1948માં ભારતની હોકી ટીમે બ્રિટનને ફાઇનલમાં પરાજિત કરીને સદીઓની ગુલામીનું વેર વાળેલું
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય ખેલવીર નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડમેડલ અપાવતાં સમગ્ર દેશમાં ઉત્સવનું વાતાવરણ છે. આ પહેલાં ૨૦૦૮માં અભિનવ બિન્દ્રાએ ભારતને શૂટિંગમાં ગોલ્ડમેડલ અપાવ્યો હતો. રમત-ગમત એ ઊર્જા અને ઉત્સાહનું પ્રતીક છે. આ ઊર્જા અને ઉત્સાહ વિકાસમાં પરિવર્તિત થતાં હોય છે. ટોક્યો ઑલિમ્પિકમાં અમેરિકાના ખેલવીરોએ ૩૯ ગોલ્ડ સહિત ૧૧૨ મેડલ જીત્યા છે. ૩૮ ગોલ્ડ સહિત ૮૮ મેડલ સાથે ચીન બીજા ક્રમ પર છે. ૨૭ ગોલ્ડ સહિત ૫૮ મેડલ સાથે જાપાન ત્રીજું અને ૨૨ સુવર્ણ સહિત ૬૫ ચંદ્રક સાથે બ્રિટન ચોથા ક્રમ પર છે. ભારતને ૧૯૨૮થી આજ સુધીમાં કુલ ૧૦ ગોલ્ડમેડલ મળ્યા છે. પહેલાં ચારમાં અમેરિકા, ચીન, જાપાન અને બ્રિટન આવે છે તેના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે સ્પોર્ટસ પર્ફોમન્સ અને વિકાસ વચ્ચે શું સંબંધ છે.
રમત ક્ષેત્રે તમારે સર્વોચ્ચ શિખર પર પહોંચવું હોય તો અતિમહત્ત્વાકાંક્ષી અને અતિપરિશ્રમી હોવું આવશ્યક બની જાય છે. એ જ પરિશ્રમ અને મહત્ત્વાકાંક્ષા દેશને વિકસિત બનાવવા જરૂરી હોય છે. દેશવાસીઓની મહત્ત્વાકાંક્ષા અને પરિશ્રમ જ્યારે વધતા જાય ત્યારે અભિનવ બિન્દ્રા અને નીરજ ચોપરા જેવા સર્વોત્કૃષ્ટ ખેલાડીઓની સંખ્યા પણ વધતી જાય છે અને દેશની ગ્રોથસ્ટોરી પણ લખાતી જાય છે. ૨૦૨૧ના મેડલ ટેલીમાં ટોપ-૧૫ દેશોના નામ વાંચીએ તો તરત જ ખ્યાલ આવે છે કે દેશના આર્થિક વિકાસ અને સ્પોર્ટ્સના વિકાસ વચ્ચે સીધો સંબંધ છે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારા ટોપ-૧૫ દેશોના નામ ક્રમશઃ આ પ્રમાણે છે. ૧. યુ.એસ., ૨. ચીન, ૩. જાપાન, ૪. બ્રિટન, ૫. આર.ઓ.સી. (રશિયા), ૬. ઓસ્ટ્રેલિયા, ૭. નેધરલેન્ડ, ૮. જર્મની, ૯. ઇટલી, ૧૦. ફ્રાન્સ, ૧૧. કેનેડા, ૧૨. બ્રાઝિલ, ૧૩. ન્યુઝીલેન્ડ, ૧૪. ક્યુબા, ૧૫. હંગેરી. ભારત આ યાદીમાં બહુ પાછળ છે. જે આપણને કહી જાય છે કે હજી બીજી રમતોમાં પણ આપણને નીરજ ચોપરા જેવા પ્રતિભાવંતોની જરૂર છે. નીરજની સોનેરી જીતની ઉજવણીના અવસર પર ભારતની અત્યાર સુધીની ઓલિમ્પિક જર્ની પર નજર કરવાનું મન થઈ જાય છે.
સાલ ૧૯૦૦માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિકમાં નોર્મન પ્રીચાર્ડને દોડમાં બે સિલ્વર મેડલ મળ્યા હતા. નોર્મનને એકઝેટલી ઇંડિયન કહી શકાય નહીં. તેનો જન્મ ભારતના બ્રિટિશ ફેમિલીમાં થયો હતો ત્યારે ભારત અંગ્રેજોના તાબા હેઠળ હોવાથી ઓલિમ્પિકમાં ભારતનો સ્વતંત્ર ધ્વજ પણ ન હોય. ભારત ૧૯૨૮માં ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે જોડાયું. પ્રીચાર્ડ સ્વતંત્ર ખેલાડી તરીકે ઓલિમ્પિકમાં જોડાયેલા. રશિયાના ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં હાલ જે રીતે ભાગ લઈ રહ્યા છે એ રીતે.
નોર્મનનો જન્મ ભારતમાં થયો, અહીં જ શિક્ષણ મેળવ્યું અને કારકિર્દીના પ્રારંભિક વર્ષોમાં શણનો વેપાર પણ કર્યો. અહીં તે સમયે યોજાતી રમતોમાં તેમણે અનેક વિક્રમ સર્જેલા. તેનું જન્મ પ્રમાણપત્ર અહીંનું, પેરિસની યાત્રા ભારતના ડોક્યુમેન્ટ પર કરેલી, એ રીતે તે ચોક્કસ ભારતીય કહી શકાય. પ્રીચાર્ડ બાદની વાત કરીએ તો ૧૯૨૮માં એર્મ્સ્ટડમ ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં પ્રથમ ગોલ્ડ મેળવ્યો. ૧૯૨૮થી ૧૯૫૬ દરિમયાન ભારતની પુરુષ હોકી ટીમે બેકટુ બેક છ ગોલ્ડમેડલ મેળવેલા. ૧૯૨૦થી ૧૯૮૦ સુધીમાં ૧૨ ઓલિમ્પિક રમાઈ, તેમાં ભારતના નામે ૧૧ મેડલ બોલતા હતા.
૧૯૪૮માં ભારતના ખેલાડીઓએ પ્રથમ વખત ત્રિરંગાના નેજા હેઠળ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો. ભારતની હોકી ટીમે ફાઈનલ મેચમાં હરીફ ટીમને ૪-૦થી પરાજિત કરી ગોલ્ડમેડલ જીતેલો. આ જીત ત્રણ કારણથી સ્પેશ્યલ હતી. એક તો ભારતે સ્વતંત્ર દેશ તરીકે ભાગ લીધેલો. બીજું અત્યાર સુધી જેની ગુલામી કરી હતી એ બ્રિટનની ટીમને જ હોકીની ફાઈનલમાં પરાજિત કરેલી અને ત્રીજું તેની જ જમીન પર લંડન ખાતે હરાવી.
સ્વતંત્ર ભારતને પહેલો વ્યક્તિગત ગોલ્ડમેડલ ખાસાબા જાદવે અપાવેલો. ૧૯૫૨માં હેલસિંકી ખાતે ઓલિમ્પિક યોજાયેલી. તેમાં કુસ્તીબાજ ખાસાબા જાદવ બ્રોન્ઝ વિજેતા બનેલા. ઓલિમ્પિકમાં જવા માટે તેમને અને તેમના પરિવારે લોકફાળો કરવો પડયો હતો. ખાસાબા જાદવે વ્યક્તિગત મેડલ મેળવ્યા પછી ભારતને ઓલિમ્પિકમાં બીજો વ્યક્તિગત મેડલ મેળવવા માટે ૪૪ વર્ષની રાહ જોવી પડી. ૧૯૯૬માં એટલાંટા ખાતે આયોજિત ઓલિમ્પિક રમતોમાં લિયેન્ડર પેસે ટેનિસમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. ત્યારપછી આપણું પર્ફોમન્સ ક્રમશઃ સુધરવા લાગ્યું. દરેક ઓલિમ્પિકમાં કમસેકમ એક મેડલ મળતો થયો.
૨૦૧૨ની લંડન ઓલિમ્પિક્સમાં ભારતને પહેલી વખત ૬ મેડલ મળ્યા. સાલ ૨૦૦૦માં વેઈટલિફટર કરન્મ મલ્લેશ્વરી ઑલિમ્પિક મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બની. સિડની ઑલિમ્પિકમાં તેઓ બ્રોન્ઝમેડલ વિજેતા બન્યા. મલ્લેશ્વરીએ ચંદ્રક જીત્યા પછી બીજી ભારતીય ખેલવિરાંગનાને ચંદ્રક જીતવામાં ૧૨ વર્ષ લાગ્યા, અલબત્ત એ પછી બોક્સિંગમાં મેરી કોમ, બેડમિન્ટનમાં સાયના નેહવાલ અને પી.વી. સિંધુ તથા કુસ્તીમાં સાક્ષી મલિકે મેડલનું ગૌરવ અપાવ્યું. આજે એ સ્થિતિ છે કે ઑલિમ્પિકમાં ભારતના પુરુષ ખેલાડીઓ કરતાં વધારે મેડલ મહિલા ખેલાડીઓ જીતી રહી છે.
ભારતને સૌ પ્રથમ વ્યકિતગત સિલ્વર મેડલ ૨૦૦૪માં મળ્યો. જે એથેન્સ ખાતે શૂટિંગમાં રાજ્યવર્ધનસિંહ રાઠોરે પ્રાપ્ત કરેલો. ભારતને અત્યાર સુધીમાં હોકીમાં આઠ
ગોલ્ડમેડલ મળ્યા છે, તેમાંથી છેલ્લો ગોલ્ડ ૧૯૮૦માં મોસ્કો ઑલિમ્પિકમાં મળ્યો હતો. આ વખતે ઇંડિયન હોકી ટીમ ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બની. આ સાથે અત્યાર સુધીમાં હોકીમાં ભારતના ૧૨ મેડલ થયા છે.
હોકી પછી ભારતીય રમતવીરોને સૌથી વધુ સફળતા શૂટિંગ અને રેસલીંગમાં મળી છે. ૨૦૦૮માં અભિનવ બ્રિન્દાને ૧૦ મીટર એર રાયફલ શૂટિંગમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત થયો હતો. આ સાથે ૧૯૮૦ પછી સુવર્ણચંદ્રકનો ૩૮ વર્ષનો ખાલીપો સમાપ્ત થયો. ૨૦૧૨માં લંડન ઑલિમ્પિક્સમાં શૂટિંગની હરિફાઈમાં વધુ બે પ્રતિભા ઝળકી. વિજય કુમારને સિલ્વર અને ગગન નારંગને બ્રોન્ઝ મેડલ મળ્યો. ટોક્યો ઑલિમ્પિકમાં રવિ દહીયા કુસ્તીમાં સિલ્વર મેડલ વિજેતા બન્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કેવળ એક જ પુરુષ કુસ્તીબાજને બે ઑલિમ્પિક મેડલ મળ્યા છે. ૨૦૦૮માં સુશીલકુમારને બ્રોન્ઝ મેડલ અને ૨૦૧૨માં સિલ્વર મેડલ વિજેતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. યોગેશ્વર દત્તને એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે અને સાક્ષી મલિક કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ મેળવનારી પહેલી ભારતીય મહિલા છે. ૨૦૧૬માં તેને પ્રથમ ગોલ્ડમેડલ મળ્યો હતો.
બેડમિંટન અને બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિકમાં પ્રતિભા બતાવી છે. બોક્સિંગમાં ૨૦૦૮માં વિજેન્દ્રસિંઘ અને ૨૦૧૨માં મેરી કોમ બ્રોન્ઝ વિજેતા બન્યા હતા. બેડમિંટનમાં ૨૦૧૨માં સાયના નેહવાલ બ્રોન્ઝ અને ૨૦૧૬માં પી.વી. સિંધુ રજત ચંદ્રક વિજેતા બન્યા હતા. આ વખતે ૪૯ કિલો વેઈટ લિફટિંગમાં મીરાબાઈ ચાનુ સિલ્વર મેડલ, બેડમિંટનમાં પી.વી. સિંધુ બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફટિંગમાં લવલીના બોર્ગોહાઈન બ્રોન્ઝ મેડલ, કુસ્તીમાં રવિ દહીંયા સિલ્વર મેડલ, બજરંગ પુનિયા બ્રોન્ઝ મેડલ અને ભાલા ફેંકમાં નીરજ ચોપરા ગોલ્ડમેડલ વિજેતા બન્યા છે.
મેડલની વધતી જતી સંખ્યા એક દિવસ આપણને ઑલિમ્પિકના ટોચના પાંચ વિજેતાઓમાં પહોંચાડશે એવી આશા બૂલંદ છે.
આજની નવી જોક
લલ્લુ (છગનને): પપ્પા, તમને અંધારાથી ડર લાગે છે?
છગનઃ ના.
લલ્લુઃ તમને ગાજવીજથી ડર લાગે છે?
છગનઃ ના.
લલ્લુઃ એનો મતલબ એમ કે તમને મમ્મી સિવાય કોઈથી ડર લાગતો નથી.
છગનઃ હેં!?
બહુ કેવાય
ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ કે. ડી. જાદવે ઑલિમ્પિકમાં જવા માટે ઘર ગીરવે મૂકવું પડેલું
કુસ્તીબાજ કે. ડી. જાદવે ઑલિમ્પિકમાં ભાગ લેવા પોતાનું ઘર ૭ હજાર રૂપિયામાં ગીરવે મૂકેલું. ભારતમાં પ્રતિભાઓ તો અનેક પાકે છે પરંતુ- તેનું સંવર્ધન કરનારા અને તેને પારખનારા કદરદાનોનો અભાવ હોવાથી એ પ્રતિભાઓ વિશ્વપ્રસિદ્ધ થયા પહેલાં જ કરમાઈ જાય છે. કુસ્તીબાજ ખાસાબા જાદવ આવા વિસમ સંજોગોમાંથી પણ પાર ઊતર્યા હતા. ૧૯૫૨માં તેમણે હેલસિંકી ઓલિમ્પિકમાં ભારતને પહેલો સ્વતંત્ર ગોલ્ડ મેડલ અપાવેલો. વિજય પછી દેશમાં તેમનું જબરદસ્ત સન્માન થયું. રેલ્વે સ્ટેશન પર તેમને આવકારવા હજારોની ભીડ એકઠી થઈ. ૧૫૧ બળદ ગાડાનું વિશાળ સરઘસ નીકળ્યું, પરંતુ જ્યારે તેમને ઓલિમ્પિકમાં જવાનું હતું ત્યારે સ્થિતિ બિલકુલ ઉલટી હતી.
એ સમયમાં ભારતમાં રમતગમત ક્ષેત્રે અણઘડ વહીવટ ચાલતો હતો. ૧૯૫૨માં મદ્રાસ ખાતે આયોજિત નેશનલ ગેમ્સમાં તેઓ વિજેતા બન્યા હોવા છતાં તેમને ગોલ્ડમેડલ આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો. આવા ભેદભાવ બદલ તેમણે પતિયાલાના મહારાજા યાદવીન્દ્રસિંહને ફરિયાદ કરી. તેઓ ત્યારે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશનના અધ્યક્ષ હતા. તેમણે કોલકત્તામાં જાદવની ફરીથી પરીક્ષા લીધી અને તેમાં તેઓ હેલસિંકી ઑલિમ્પિક માટે ક્વોલિફાય થયા.
ક્વોલિફાય તો થઈ ગયા પરંતુ તેમની પાસે હેલસિંકી જવાના પૈસા નહોતા. તેમણે રૂપિયા ૭,૦૦૦માં એક કોલેજ પ્રિન્સિપાલ પાસે પોતાનું ઘર ગીરવે મૂક્યું. હજી રૂપિયા ૧૨૦૦૦ ખૂટતા હતા. તેમણે બોમ્બે પ્રાંતના તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈને વાત કરી. મોરારજીભાઈનો જવાબ હતો, ગેમ્સ પછી મળીએ. અંતે તેઓ લોકફાળો ઊઘરાવીને ઑલિમ્પિકમાં પહોંચ્યા અને તમામ વિપરીત સંજોગો વચ્ચે પણ દેશને ગૌરવ અપાવ્યું.
જીકે જંકશન
- દર વર્ષે ૭મી ઓગસ્ટે વિશ્વ હાથશાળ દિવસ મનાવવામાં આવે છે. હાથશાળના ઉત્પાદનો વધારે સારી ગુણવત્તાના હોય છે પરંતુ બજારવાદને લીધે તેમનું સ્પર્ધામાં ટકવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ વિશે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે.
- તાજેતરમાં અમેરિકાના કુસ્તીબાજ બોબી ઇટનનું અવસાન થયું હતું. રાજસ્થાન સરકાર દ્વારા ૬૦ ભિક્ષુકોને નોકરી આપવામાં આવી છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે પાકિસ્તાનને કોરોનાની રસી ખરીદવા માટે ૫૦ કરોડ ડોલરની લોન આપી છે.
- ઉત્તરાખંડના લાભાંશુ શર્મા કેસરી કુસ્તીદંગલમાં વિજેતા બન્યા હતા. એ.ડી.બી. મહારાષ્ટ્રને ગ્રામીણ કનેક્ટિવટી સુધારવા માટે ૩૦ લાખ ડોલરની લોન આપશે.
- જોન્સન એન્ડ જોન્સનની સીંગલ ડોઝ રસીને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે તેનો ઉપયોગ ઈમરજન્સીમાં જ કરી શકાશે.