Get The App

કેરાલા મોડેલનો ઈતિહાસ

- કેરળના રાજાએ છેક 1860ની સાલથી જાહેર આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો આરંભ કરેલો

- તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસો તો શો ફાયદો થાય? એવું જ પબ્લિક હેલ્થકેરનું

Updated: Jun 11th, 2020

GS TEAM

Google News
Google News

- સિક્કિમમાં કોરોનાનો ફેલાવો કેરળથીય ઓછો છે તોય કેરળની પ્રશંસા શામાટે?

કેરાલા મોડેલનો ઈતિહાસ 1 - image

મારી પ્રજાના દરેક વર્ગમાં સારામાં સારી ચિકિત્સા સુવિધા પહોંચે એ મારી સર્વોચ્ચ ઇચ્છા છે. આ એક એવી કૃપા છે જે ઇચ્છવા છતાં ઘણાં બધા લોકો પર વરસતી નથી. આથી એ રાજ્યની જવાબદારી છે કે તે આ દિશામાં પગલાં લે, આવું સન ૧૮૬૦માં ત્રાવણકોરના મહારાજાએ કહેલું. જ્યારે વેલ્ફેર સ્ટેટની કોઇ પરિકલ્પના જ નહોતી. જે રાજ્યને આવા રાજા મળ્યા હોય તે આજે સ્વતંત્ર ભારતમાં લોકતાંત્રિક ભારતમાં મોડેલ સ્ટેટ તરીકે પ્રસિદ્ધિ પામે તો આશ્ચર્ય શેનું? હા જી, કેરળ મોડલની વાત થઇ રહી છે.

ભારતમાં ૨,૬૬,૯૯૨ લોકોને કોરોના થયો છે અને ૭,૪૭૮ લોકો સ્વધામ સિધાવ્યા છે ત્યારે કેરળના આંકડા અચરજ પ્રેરનારા છે. જે રાજ્યમાં દરેક ઘરમાંથી એક અથવા એકથી વધુ વ્યક્તિ વિદેશમાં વસે છે ત્યારે ત્યાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા ૨,૦૦૬ છે અને મૃત્યુઆંક કેવળ ૧૭. કોઇને એમ થાય કે સિક્કિમમાં માત્ર ૭ કેસ છે અને એકપણ મૃત્યુ થયું નથી તો પછી કેરળની વાહવાહી શા માટે? બેશક, કોરોનાનો ફેલાવો રોકવામાં સિક્કિમની નૈસર્ગિક જીવનશૈલી કામ કરી રહી છે પરંતુ કેરળનું જે ફોરેન કનેકશન છે તે મુજબ ત્યાં કોરોનાનો ફેલાવો મહારાષ્ટ્ર કે ગુજરાત જેવો હોવો જોઇતો હતો.

કોવિડને નાથવામાં ત્યાંની સરકારે કરેલી કામગીરીની નોંધ દુનિયાભરની સરકારો લઇ રહી છે તો એ પણ નોંધવું જોઇએ કે તેઓ તરસ લાગ્યા પછી કૂવો ખોદવા બેઠા નથી, આ રાજ્યમાં જાહેર આરોગ્ય ૧૫૦ વર્ષથી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. એના ફળ તેમણે લણ્યાં છે. એટલે આજે કેરળનું પ્રશાસન અનુકરણીય કામગીરી કરી શક્યું છે.

તેમણે જે કુશળતાથી દર્દીઓ, હૉસ્પિટલો અને કવોરન્ટાઇન લોકોનુ મેનેજમેન્ટ કર્યું તે આંકડાઓમાં અને ધરાતલ પર એક સમાન પ્રતિબિંબત થયું છે. કટોકટીના આ સમયમાં ન માત્ર રાજ્ય સરકાર પંચાયતોએ પણ ઓવારી જવાય એવું અદ્ભુત કામ કર્યું છે. બંધારણમાં ૭૩ અને ૭૪મો સુધારો લાગુ થયા બાદ તરત જ તત્કાલીન કેરળ સરકારે તે લાગુ કરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રચી, અને તેમને આર્થિક, કાર્યકારી અને પ્રશાસનિક સ્વાયતત્તા આપી દીધેલી. તેના કેસર કેરી જેવા મિષ્ટ ફળ કોરોના કળિકાળમાં જોવા મળ્યાં છે. 

બહુ પહેલેથી આરોગ્ય તંત્ર મજબૂત હોવાથી ક્યારેય ત્યાં આરોગ્ય સંબંધિત દુર્ઘટનાઓ જોવા મળી નથી. ત્યાં વસતા લોકોમાંથી ઘણા બધા લોકો વ્યવસાય અર્થે વિદેશ જતા હોવાથી નવી-નવી બીમારીના સંપર્કમાં આવતા હોય છે પણ સજાગ અને સશક્ત આરોગ્ય તંત્રએ નવી બિમારીના ચેપને રાજ્યમાં પગ જમાવવા દીધો નથી. રાજનેતાઓને ખાસ કરીને હરીફ પક્ષના નેતાઓને કેરળની ઉત્તમ કામગીરીની પ્રશંસા કરતા જીભમાં કાંકરો આવે છે, ભોગ તેમના ને દુર્ભાગ્ય દેશના. 

તેમને જીભમાં કાંકરો એટલા માટે આવે છે કેમ કે તેઓ ડાબેરી પક્ષને ક્રેડિટ આપવા માગતા નથી. આ વાંચીને તેમના હૈયે ધરપત થાય કે કેરળની જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવામાં માત્ર ડાબેરી પક્ષનો હાથ નથી, ડાબેરીઓનું શાસન તો બંગાળમાં પણ દાયકાઓ સુધી રહ્યું, પણ તેની શું હાલત છે? ૮,૬૧૩ કેસ અને ૪૦૫નાં મોત. લેખની શરૂઆતમાં કહ્યું તેમ આ રાજયના શાસકો આજથી ૧૫૦ વર્ષ પહેલાં આરોગ્ય પ્રત્યે જાગૃત બનેલા ત્યારપછી જે પણ સરકાર આવી તેણે ઉત્તરોત્તર હેલ્થ કેર સીસ્ટમને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. 

લેખની શરૂઆતમાં જે કથન ટાંકવામાં આવે તે મહારાજા અઇલ્યમ તિરૂનલનું છે અને  દિવાન નાગમૈય્યાના વિવરણમાંથી મળી આવ્યું છે. વડોદરા અને મૈસુરના રાજા શિક્ષણ બાબતે  બહુ વહેલા જાગી ગયેલા પણ જાહેર આરોગ્ય ક્ષેત્રે સૌપ્રથમ અને સૌથી ઉત્તમ કામગીરી કોઇએ કરી તો ત્રાવણકોરના રાજાએ. ૧૯મી સદીની શરૂઆતથી જ કેરળમાં આરોગ્ય, શિક્ષણ અને ભૂમિ ક્ષેત્રે ધરખમ સુધારાના શ્રીગણેશ થઇ ચૂક્યા હતા. વર્તમાન કેરળ ત્રાવણકોર, કોચીન અને મલાબાર આ વિસ્તારો મળીને બનેલું છે.

ત્રાવણકોર અને કોચીન સુધારાની દિશામાં ઝડપથી આગળ વધ્યા, મલાબાર થોડું પાછળ રહી ગયું. તમે દોડતા હો અત્યંત ઝડપથી દોડતા હો ને કોઇએ તમારો હાથ ઝાલ્યો હોય, ધીમા દોડનારાએ હાથ ઝાલ્યો હોય તો તેની ગતિમાંય વેગ તો આવવાનો જ, ઝડપ તો આવવાની જ. એ વેગ,  એ ઝડપનો ફાયદો મલાબારને પણ મળ્યો. મલાબાર કોચીન અને ત્રાવણકોર કરતાં પાછળ તો પાછળ કિંતુ બીજા રાજ્યો કરતાં આગળ નીકળી ગયું.

સાલ ૧૮૬૫માં ત્રાવણકોર રાજ્યએ પટ્ટમ ઘોષણા પત્ર જારી કરેલું. તેને ત્રાવણકોરનું મેગ્નાકાર્ટા પણ કહેવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોને જમીનની સંપૂર્ણ માલિકી આપી દેવામાં આવેલી. તેઓ ઇચ્છે તો જમીન વેંચી પણ શકે અને ખરીદી પણ શકે. તેમના આ ઐતિહાસિક નિર્ણયથી ત્રાવણકોરમાં જમીનદારી પ્રથા ખતમ થઇ ગઇ અને નિમ્ન મનાતી જાતિઓમાં આર્થિક સમૃદ્ધિ આવી.  રાજ્યમાં કૃષિ ભૂમિનો વિસ્તાર થયો. અંગ્રેજોએ ત્યાં બાગાયતી ખેતી શરૂ કરી. કૃષિના કોમર્શિયલાઇઝેશનની શરૂઆત પણ ત્રાવણકોરથી જ થઇ. જે પેઢીઓથી ખેત મજૂર હતા તે બધા હવે ખેડૂત બની ગયા. ૧૯૩૧ની  વસ્તી ગણત્રીમાં આ વિશેની નોંધ વાંચવા મળે છે.

ભારતમાં નિમ્ન વર્ગમાં શિક્ષણ અને સ્વાસ્થ્યનું સ્તર ઊંચું આવ્યું એની બહુ પહેલાં કેરળમાં આવી ગયું. દુ:ખદ છે કે ત્યાં બહુ ઝડપથી ધર્માંતરણ પણ થયું. મોટી સંખ્યામાં લોકો ખ્રિસ્તી બનવા લાગ્યા, ખાસ કરીને નિમ્ન વર્ગના લોકો. આ માટે આપણી જાતિ વ્યવસ્થા સિવાય બીજું કોણ જવાબદાર હોય?   સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુધારાનો ફાયદો એ થયો કે આજે કેરળમાં ભાગ્યે જ વર્ગભેદ જોવા મળે છે. ત્યાં જ્ઞાાતિ આધારિત કે ધર્મ આધારિત રહેણાંક વિસ્તારો નથી. આ બહુ મોટી વાત છે. 

વોટ્સએપમાં એવા મેસેજ ફરે છે કે કેરળમાં કોરોનાનો ફેલાવો એટલા માટે ઓછો છે કેમ કે ત્યાં સાક્ષરતા દર સૌથી ઊંચો છે. આ ઊંચો સાક્ષરતા દર તેમણે ઊંઘતા-ઊંઘતા પ્રાપ્ત કર્યો નથી. ૧૯મી સદીના પૂર્વાધમાં જે સુધારા શરૂ થયા હતા તેના પરિણામે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ત્રાવણકોરનો સાક્ષરતા દર સેન્સેક્સની જેમ ઊંચે ચડવા લાગ્યો. ત્યાં પણ એઝવા, પરયા, પુલિયા આદિ નિમ્ન જ્ઞાાતિઓને  વિદ્યાલયોમાં પ્રવેશ અપાવવો અત્યંત પડકારરૂપ હતો. એ પડકાર માટે જનઆંદોલન તો થયું જ, સાથોસાથ ત્યાંના રાજાએ પણ પડકાર ઝીલવાની હિંમત બતાવી. ૧૯૦૯-૧૦માં એજ્યુકેશન કોડ લાવવામાં આવ્યો. જાતિ અને વર્ગ ભેદ વિના શિક્ષણ આપવાની ક્રાંતિકારી વાત કરવામાં આવી હતી. આ સિવાય પણ ક્રાંતિકારી પગલાં લેવાયાં. પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી યા તો અડધી કરી દેવાઈ અથવા સંપૂર્ણ માફ કરાઈ. ખેડૂતો અને મજૂરો માટે નાઇટ સ્કૂલ. પરિણામે ગરીબ, પછાત અને  નિમ્ન વર્ગનો જબરદસ્ત ઉત્કર્ષ થયો. 

કેરળના વર્તમાન મોડેલને સમજવા માટે ત્યાંના રજવાડાની જનકલ્યાણકારી નીતિઓને સમજવી અતિઆવશ્યક છે. કેરળની પ્રથમ લોકતાંત્રિક સરકારને આ નીતિઓ વારસામાં મળી. બાદના દાયકાઓમાં અનેક સરકારો બદલાઈ, પણ નીતિગત પરિવર્તન આવ્યું નહીં. ઉત્તરોત્તર સુધારો જ થયો. બગાડ પેઠો નહીં.     

આજે કોરોના સામેની લડાઇમાં કેરળ જે પરિણામ આપી રહ્યું છે તેમાં માત્ર આરોગ્યલક્ષી નહીં, માત્ર શિક્ષણલક્ષી નહીં પણ તમામ પ્રકારના સુધારા જવાબદાર છે એમ કહેવામાં આવે તો લગીરેય અતિશ્યોક્તિ ગણાશે નહીં. 

આટલું જાણ્યા પછી એ વાતનું જરાય આશ્ચર્ય ન થાય કે કેરળ માનવતાવાદી સૂચકાંકમાં આગળ પડતું છે. હોય જ. સ્વાભાવિક છે. આ કોઇ રાતોરાતની સફળતા નથી, આ કોઇ એક સરકારની સફળતા નથી. વિકાસ એ ક્રમિક પ્રક્રિયા છે. તેના પર કોઇ એક સરકાર દાવો કરે તે વાત જ બાલિશ છે. બીજા રાજ્યો પક્ષાપક્ષીનું રાજકારણ છોડી છાનામાના પણ કશુંક શીખીને તેમને ત્યાં સુધારા લાગુ કરે, સખત મહેનત કરે તો આવનારા વર્ષોમાં ત્યાં પણ ચમત્કાર થઇ શકે છે.

દુનિયા બહુ ઝડપથી બદલાઇ રહી છે. વિકાસની બાબતમાં, નીતિઓની બાબતમાં, અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. આખી દુનિયાને હંફાવનારા કોરોનાએ દેખાડી દીધુ છે કે જાહેર આરોગ્ય વિશેની આપણી નીતિઓ ડસ્ટબિનમાં ફેંકી દેવા સરીખી છે. જાહેર આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે. આ સાહસ કોણ કરશે? ચિંતન કોણ કરશે? ને અમલીકરણ કોણ કરશે? 

જીકે જંકશન

- ૮મી જૂને વર્લ્ડ ઓસન ડે (વિશ્વ મહાસાગર દિવસ) મનાવવામાં આવ્યો હતો. માનવીય પ્રવૃત્તિને કારણે સમુદ્રમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. હિમશીલાઓ ઓગળતી જાય છે અને સમુદ્રની સપાટી સતત ઊંચી આવી રહી છે. આ વિશે જાગરુકતા લાવવાની આવશ્યકતા છે. 

- આંધ્રપ્રદેશની સરકારે વેસ્ટ મેનેજમેન્ટ માટે ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કર્યું છે. કચરો અને તેનો નિકાલ દરેક રાજ્ય માટે માથાનો દુ:ખાવો છે ત્યારે આંધ્રપ્રદેશની સરકારે આ દિશામાં નવતર પહેલ કરી છે.

- તાજેતરમાં કર્ટ થોમસ નામના વિશ્વખ્યાત જિમ્નાસ્ટનું અવસાન થયું હતું. તેમણે ઓલિમ્પક્સમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરેલું. ૬૪ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમણે ૧૯૭૮માં  વર્લ્ડ આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો.

- ત્રિચી રેલવે જંકશનને સીઆઇઆઇ દ્વારા ગોલ્ડરેટિંગ આપવામાં આવ્યું છે.  તાજેતરમાં ભારતના પૂર્વ ફૂટબોલર હમઝા કોયાનું અવસાન થયું હતું. ગુગલ ક્લાઉડે ભારતમાં તેના સિનિયર ડિરેકટર તરીકે અનિલ વલ્લુરીની નિમણૂક કરી છે. 

- જી-૨૦ સમૂહે કોવિડ-૧૯ મહામારી સામે લડવા માટે ૨૧ અબજ ડોલરની સહાયની ઘોષણા કરી છે. આસામની સરકારે કોલેજ શિક્ષણ ૧૦૦ ટકા મફત કરી દેવાનું ક્રાંતીકારી પગલું લીધું છે. ઊંચી ફી વસૂલીને ગરીબ તથા મધ્યમ વર્ગના વાલીઓને ખંખેરતા આપણા કોલેજ સંચાલકોએ અને આપણી સરકારે આમાંથી સબક લેવો રહ્યો. 

- આર્યલેન્ડના મિકસ્ડ માર્શલના આર્ટના ખેલાડી કોનોર મેકગ્રેનરે સંન્યાસની ઘોષણા કરી છે. ઉત્તરાખંડે દેશના સૌથી મોટા બાયોડાયવર્સિટી પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું.

- ફોર્બ્સ મેગેઝિને સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીઝની યાદી જાહેર કરી છે. તેમાં કાઇલી જેનરે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આજની નવી જોક

છગન (મગનને): સફળ પતિ એટલે શું?

મગન: જે પુરુષને વગર વાંકે સોરી બોલવાની ટેવ પડી ગઈ હોય તેમને સફળ પતિ બનતા કોઈ રોકી શકે નહીં.

છગન: હેં!?

Tags :