હર્ડ ઇમ્યુનિટીઃ રોગને નાથવાની ટોળાશાહી
- સ્વીડનમાં હર્ડ ઇમ્યુનિટીનો પ્રયોગ કરવા જતા મૃત્યુદર 11.9 ટકા થઈ ગયો
- સામુહિક રક્ષણનું આ એક અદ્ભુત વિજ્ઞાાન છે, પણ કોરોનાના કાળીનાગને નાથવામાં કામ લાગી શકે તેમ નથી
- બાળકોને અમુક રસી અમુક ઉંમર સુધી આપી શકાતી નથી, ત્યારે તેનું રક્ષણ હર્ડ ઇમ્યુનિટી દ્વારા જ થાય છે
રાજકોટથી મુંબઇ જવાના અનેક રસ્તા છે. ઇચ્છા કરીએ તો નવા રસ્તા શોધી શકાય છે, બનાવી શકાય છે. એવી જ રીતે કોરોનાના કાળીનાગને નાથવા માટેના નિતનવા રસ્તા શોધવા વિચારવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસનનું એક નિવેદન હેડલાઇન બનેલું. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું, કોરોનાને નાથવા માટે હર્ડ ઇમ્યુનિટી પણ એક ઉપાય હોઈ શકે છે. જૉનસને હર્ડ ઇમ્યુનિટીની વાત તો કરી, પણ તેની કોઇ રણનીતિ પ્રસ્તુત કરી શક્યા નહીં. આ બાજુ બ્રિટનની જનતાને લાગ્યું કે બેકાબુ કોરાનાને નિયંત્રણમાં લેવા સરકાર હર્ડ ઇમ્યુનિટીનો વિકલ્પ અપનાવવા જઇ રહી છે. હર્ડ ઇમ્યુનિટી અર્થાત દેશની મોટાભાગની જનતાને કોરોનાનો ચેપ લાગી જવો.
હર્ડ ઇમ્યુનિટીનું નામ સાંભળીને બ્રિટનની જનતા ભયભીત થઇ જતાં સરકાર બચાવના મોડમાં આવી ગઇ. બ્રિટિશ સરકાર અને તેના પ્રતિનિધિઓ વારંવાર સ્પષ્ટતા કરવા માંડયા કે વાઇરસને નાથવા માટે સરકાર જુદા-જુદા પગલાં લઇ રહી છે તેનો ઉદ્દેશ હર્ડ ઇમ્યુનિટી હાંસલ કરવાનો નથી. આ માત્ર એક સાઇડ ઇફેક્ટ છે. બ્રિટનના સરકારી તંત્રની ડેમેજ કંટ્રોલની કોશિશ ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા સમાન હતી. લાખ પ્રયત્નો છતાં તેઓ બ્રિટનની જનતાનો બોરિસ જૉનસન માટે ઘટેલો વિશ્વાસ પુનઃ સંપાદિત કરી શક્યા નહીં.
બોરિસ જૉનસનના ઉતાવળિયા નિવેદને હર્ડ ઇમ્યુનિટી શબ્દને વૈજ્ઞાાનિક ચર્ચાની સીમામાંથી બહાર કાઢી લોકજીભે લાવી દીધો. તેના સ્ટેટમેન્ટના બે મહિના બાદ આ શબ્દ ફરીથી ચર્ચાના ચકડોળે ચડયો છે. ભારત, અમેરિકા, સ્વીડન સહિત અનેક દેશો હર્ડ ઇમ્યુનિટી વિશે વિચારી રહ્યા છે. આ સમયે હર્ડ ઇમ્યુનિટી એક્ઝેટલી છે શું? તે જાણવાની લાલચ રોકી શકાતી નથી.
હર્ડ એટલે ઝૂંડ અને ઇમ્યુનિટી એટલે પ્રતિકારક ક્ષમતા. ટૂંકમાં આ વાત આખા સમુદાયમાં પ્રતિકારક ક્ષમતા પેદા કરવા વિશેની છે. હર્ડ ઇમ્યુનિટી એટલે દેશની ૭૦થી ૯૦ ટકા જનતામાં ચેપી બીમારી સામે લડવાની શક્તિ વિકસિત કરવી. જેમ જેમ ચેપગ્રસ્તોની સંખ્યા વધતી જાય તેમ તેમ ચેપ ફેલવાનો ખતરો ઘટડો જાય, જેમ જેમ માનવ શરીર કોઇ વાઇરસના ચેપથી ટેવાતા જાય એમ તે વાઇરસનો ખતરો નહીંવત્ બનતો જાય. ૮૦ ટકા જનતા ઇમ્યુન થઇ જાય તો બાકીના ૨૦ ટકા લોકોના આરોગ્ય પરથી પણ જોખમ ટળી જાય. હર્ડ ઇમ્યુનિટીનું સાદું ગુજરાતી સામુહીક રોગ પ્રતિકારક શક્તિ કરી શકાય.
વાઇરસને ફેલાવા માટે નવું શરીર અર્થાત હોસ્ટની જરૂર પડે છે. જો ૧૦૦માંથી ૮૦ લોકોમાં ઇમ્યુનિટી પેદા થઇ જાય તો વાઇરસને નવું શરીર મળવાની સંભાવના ઘટી જાય છે. એક નિશ્ચિત સમય અવધિમાં જો વાઇરસને હોસ્ટ ન મળે તો તે નષ્ટ થઇ જાય છે. આમ ૮૦ ટકા લોકો ઇમ્યુન થઇ જાય તો પણ બાકીના ૨૦ ટકા સુરક્ષિત બની જાય છે. સૈનિકોની ટુકડી નાગરિકોનું રક્ષણ કરે એ રીતે ૮૦ ટકાથી ઘેરાયેલા ૨૦ ટકા લોકોને પ્રોકેટ્શન મળી જાય સમજો.
હર્ડ ઇમ્યુનિટી બેધારી તલવાર સાબિત થઇ શકે છે. ૮૦ ટકા ઇમ્યુન લોકોને કારણે ૨૦ ટકા લોકોને રક્ષણ મળી જાય છે અને ૨૦ ટકા લોકોમાંથી કોઇ ચેપગ્રસ્ત થાય તો પણ બાકીના ૮૦ ટકા ઇમ્યુન હોવાને કારણે રક્ષિત રહે છે. આ રીતે સંક્રમણનો ફેલાવો અટકાવી શકાય છે અને મહામારીથી મોક્ષ મેળવી શકાય છે.
જનસમુદાયમાં રોગ પ્રતિકારક ક્ષમતા પેદા કરવાની બે પદ્ધતિ છે. એક રસીકરણ, અને બીજું નેચરલ ઇમ્યુનિટી. રસીકરણમાં લોકોને રસી આપીને તેમના શરીરમાં એન્ટીબોડીઝ (રોગ પ્રતિરોધક દ્રવ્યો) દ્વારા પેદા કરવામાં આવે છે. બીજી પદ્ધતિ અંતર્ગત પ્રાકૃતિક રીતે જ વધુને વધુ લોકો રોગનો શિકાર બને અને તેમના શરીરમાં એ રોગ સામે લડવાના ઘટકો (એન્ટી બોડીઝ) પેદા થાય. હર્ડ ઇમ્યુનિટી પેદા કરવાની આ બીજી પદ્ધતિને કારણે જ બોરિસ જૉનસનનું નિવેદન સેન્સેશનલ બની ગયેલું. અત્યારે કોરોનાની રસી અવલેબેલ નથી તેથી હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવા માટે પહેલો વિકલ્પ અવેલેબલ નથી.
બહુધ વિજ્ઞાાનીઓ હર્ડ ઇમ્યુનિટી માટે હર્ડ પ્રોટેક્શન (સામુહીક સુરક્ષા) શબ્દનો ઉપયોગ કરે છે. તેમના મત પ્રમાણે જ્યારે બિમારીથી બચવા માટે રસી ઉપલબ્ધ હોય ત્યારે જ હર્ડ પ્રોટેક્સન કારગર સાબિત થાય. જો સમુદાયના મોટા હિસ્સાનું રસીકરણ થઇ જાય તો જે લોકોએ રસી નથી લીધી તેઓ પણ સુરક્ષિત થઇ જાય. જયારે કોઇ નાના સમુદાયનું રસીકરણ સંભવ ન બને અથવા રસીકરણ કર્યા પછી પણ તેમનામાં ઇમ્યુનિટી પેદા ન થાય ત્યારે હર્ડ પ્રોટેક્સન મદદગાર સાબિત થાય છે. મોટાભાગના લોકોમાં ઇમ્યુનિટી પેદા થઇ ચૂકી હોવાથી જે નાના સમુદાયમાં ઇમ્યુનિટી પેદા નથી થઇ તેમને પણ રક્ષણ મળી રહે છે. દાખલા તરીકે બાળકોને અમુક રોગની રસી અમુક ઉંમર સુધી આપી શકાતી નથી, ત્યાં સુધી એ રોગથી તેમનું રક્ષણ હર્ડ ઇમ્યુનિટી થકી જ થાય છે. એવી જ રીતે વૃદ્ધોમાં અમુક રોગ થવાની સંભાવના વધી જાય છે, પરંતુ મહદંશે તેઓ હર્ડ ઇમ્યુનિટીને કારણે રક્ષાયેલા રહે છે.
હર્ડ ઇમ્યુનિટીને સુરક્ષાનું બહાનું બનાવીને રસીકરણ ટાળી શકાય નહીં. દાખલા તરીકે કોઇ વ્યક્તિ એમ કહે કે બધાય આ રસીકરણ કરાવી રહ્યા છે તો મારે રસી લેવાની જરૂર નથી. હર્ડ ઇમ્યુનિટીથી મારું આપોઆપ રક્ષણ થઇ જશે. તેમની આ વાત સાચી પણ છે. પરંતુ માની લો કે સમુદાયનો એક મોટો વર્ગ આવી દલીલ કરવા માંડે તો? તો હર્ડ ઇમ્યુનિટીના સુરક્ષા ચક્રમાં ગાબડાં પડવા લાગે અને તેનો હેતુ સિદ્ધ થાય નહીં. એટલે જ વિજ્ઞાાનીઓ આગ્રહ રાખે છે કે એક પણ બાળક રસીકરણ વિના રહી જવું જોઇએ નહીં. ખાસ કરીને ઓરી, ફ્લુ, પોલિયો વગેરેમાં. કોવિડ-૧૯ની રસી શોધાશે ત્યારે તે પણ બધાએ અનિવાર્યપણે લેવાની થશે.
અનેક એવી બીમારી છે જે રોકવામાં હર્ડ ઇમ્યુનિટી કોઇ કામમાં આવતી નથી. જેમ કે ટીટનેસ. ટીટનેસ એક જીવાણુજન્ય રોગ છે. આંગળીમાં ચાકુ લાગવાથી પણ આ બીમારી થઇ શકે છે. તેનાથી બચવા માટે સમયાંતરે રસીકરણ અનિવાર્ય બની જાય છે. હર્ડ ઇમ્યુનિટી તેની સામે રક્ષણ આપી શકતી નથી. હવે વાત કરીએ કોવિડ-૧૯ માટે હર્ડ ઇમ્યુનિટીની. સાર્સ કોવ-૨ વાઇરસનો ચેપ રોકવા માટે અત્યારે આપણી પાસે કોઇ રસી ઉપલબ્ધ નથી. એ તો ઠીક, તે મટાડવા માટે કઇ દવા આપવી જોઇએ? તેના વિશે પણ તબીબોમાં મતભેદ પ્રવર્તી રહ્યા છે. વેક્સિન ન હોય તેવી સ્થિતિમાં પ્રાકૃતિક રીતે ઇમ્યુનિટી હાંસલ કરવાનો રસ્તો અનેક રીતે જોખમી બની શકે છે. કારણ કે હજુ સુધી તો એ પણ ખબર નથી કે કોવિડથી સાજા થયેલા દર્દીને બીજી વખત તે થઇ શકે છે કે નહીં વળી આ રોગચાળાને કારણે કેટલાય લોકો મોતના મુખમાં પણ ધકેલાઈ રહ્યા છે. ઉપરાંત કોવિડને કારણે અમુક દરદીઓની હાલત ગંભીર થઇ જાય છે જ્યારે અમુકની નથી થતી, આવું કેમ? તે પણ જાણી શકાયું નથી. વૃદ્ધ તથા પહેલેથી બીમાર હોય તેવા લોકો માટે તો આ રોગચાળો યમરાજનું સમન્સ પુરવાર થઇ રહ્યો છે.
ટૂંકમાં કોરોના વિશે આપણી પાસે જેટલી જાણકારી છે તે બિલકુલ અપૂરતી છે. એવી સ્થિતિમાં હર્ડ ઇમ્યુનિટીનો પ્રયોગ જીવતા વાયરને હાથમાં ઝાલવા જેવો પૂરવાર થઇ શકે છે. કોરોનાને નાથવામાં બહેતર સ્વાસ્થ્ય સુવિધાવાળા દેશોને પણ મોઢે ફીણ આવી ગયા છે એવામાં ભારત જેવા ઓછી સુવિધાવાળા દેશોમાં તો હર્ડ ઇમ્યુનિટીનો પ્રયોગ આત્મઘાતી સાબિત થઇ શકે છે. આ વાત સ્વીડનના ઉદાહરણ દ્વારા વધારે સારી રીતે સમજી શકાશે. સ્વીડન વિશ્વનો એવો પહેલો દેશ છે જ્યાં કોરોના ભગાડવા માટે હર્ડ ઇમ્યુનિટીને પ્રાયોરિટી આપવામાં આવી. ત્યાં માત્ર ફિઝિકલ ડિસ્ટન્સિંગનો નિયમ લાગુ કરવામાં આવ્યો. એ સિવાય ન તો સ્કૂલ કોલેજ બંધ કરાયાં, ન ઓફિસ, ન રેસ્ટોરાં.
આજે સ્વીડનમાં કોવિડના દર્દીઓનો મૃત્યુદર ૧૧.૯ ટકા છે. અમેરિકામાં ૫.૯ ટકા છે અને ભારતમાં ૨.૯ ટકા. આના પરથી સમજી શકાય છે કે આપણા કરતા હજાર દરજ્જે સારી આરોગ્ય સુવિધા ધરાવતા સ્વીડને કઇ રીતે કુહાડા પર કૂદકો માર્યો છે. સ્વીડનની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં રાજધાની સ્ટોકહોમની માત્ર ૭ ટકા જનતા જ ઇમ્યુનિટી પ્રાપ્ત કરી શકી છે. હર્ડ ઇમ્યુનિટી કમસેકમ ૨૦ ટકા સુધી પહોંચવાની કોઇ સંભાવના દેખાતી નથી. આ રસ્તા પર ચાલીને સ્વીડને તેના હજારો નાગરિકોના પ્રાણની આહુતિ આપી દીધી છે.
૨૦૧૯ના આંકડા પ્રમાણે સ્વીડનની વસ્તી ૧.૦૨ કરોડ છે. તેની તુલનાએ ભારતની વસ્તી છે ૧૩૦ કરોડ. સ્વીડનમાં અત્યાર સુધીમાં ૩૬,૪૭૬ને કોરોના થયો છે અને ૪,૩૫૦ લોકો સ્વર્ગે સિધાવ્યા છે. ભારતમાં કોરોના ચેપગ્રસ્તની સંખ્યા પોણા બે લાખ આસપાસ છે અને પાંચ હજારથી વધુ નાગરીકો સ્વર્ગવાસી બની ગયા છે. ભારતમાં જેટલો મૃત્યુદર છે તેના કરતાં સ્વીડનમાં ચાર ગણો છે. હવે વિચારો જો ભારતમાં હર્ડ ઇમ્યુનિટીનો પ્રયોગ કરવામાં આવે અને કોરોના અત્યારે છે તેના કરતાં ચારગણો વકરે તો આપણી શી હાલત થાય? એક અંદાજ પ્રમાણે ભારતમાં ૨૫ કરોડ લોકો હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં ૭૫ લાખ લોકોની બલિ ચડી જાય. દેશની ૮૦ ટકા જનતા હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં ૩ કરોડ ભારતીયો ફાની દુનિયા છોડીને જતા રહે.
હર્ડ ઇમ્યુનિટીનો વિચાર કાગળ પર જેટલો રોમેન્ટિક છે એટલો જ વાસ્તવિક સ્થિતિમાં બીનવ્યવહારું છે. સેન્ટર ફોર ડિસીઝ ડાયનામિક્સ, ઇકોનોમિક એન્ડ પોલીસીનો એક રીપોર્ટ જણાવે છે કે ભારતમાં કેવળ ૧૯ લાખ હોસ્પિટલ બેડ્સ છે. તેમાંથી આઇસીયુ ખાટલાની સંખ્યા કેવળ ૯૫,૦૦૦ છે ને માત્ર ૪૮,૦૦૦ વેન્ટીલેટર અવેલેબલ છે. ૧૩૦ કરોડની જનતામાં માત્ર ૪૮,૦૦૦ વેન્ટીલેટર્સ હોય માત્ર ૯૫,૦૦૦ આઇસીયુ બેડ હોય ત્યારે હર્ડ ઇમ્યુનિટીનો પ્રયોગ ભસ્માસુરનો હાથ માથા પર મુકાવવા જેવો પુરવાર થાય. બહેતર તો એ જ છે કે અત્યારે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક ઉપચાર પદ્ધતિમાં જે દવાઓ અવેલેબલ છે તેના થકી દરદીઓને સાજા કરવાના પ્રયત્નો કરવામાં આવે તથા નવી રસીઓ શોધવા પાછળ ધ્યાન કેન્દ્રિત કરાય.
આજની નવી જોક
લીલી (છગનને) : તમારા બર્થ ડે માટે મસ્ત કપડાં ખરીદ્યાં.
છગનઃ બતાવ?
લીલીઃ ખમો હમણા પહેરીને આવું.
છગનઃ હેં!?