Get The App

મેજર ધ્યાનચંદ હોકીનું હિમશિખર

Updated: Aug 10th, 2021

GS TEAM


Google News
Google News
મેજર ધ્યાનચંદ હોકીનું હિમશિખર 1 - image


- જેમના નામે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર અપાશે તે હોકીવીર ધ્યાનચંદ કોણ છે ?

- મને આગળ વધારવાની જવાબદારી દેશની નથી, મારી જવાબદારી છે કે હું દેશને આગળ વધારું: ભારતના હોકીવીરે હિટલરને રોકડું પરખાવેલું

- ધ્યાનચંદે 12 ગોલ ફટકાર્યા તો સહગલે ખુશ થઈને 14 ગીત ગાયા

- બ્રેડમેને કહેલું, બેટ્સમેન જેમ રન બનાવે તેમ ધ્યાનચંદ ગોલ ફટકારે છે

મહાન બનવાની કોઈ રેસીપી નથી હોતી. મહાન બનાતું નથી હોતું. મહાનતા ઇનબિલ્ટ હોય છે. હા, કેટલાક ટ્રિગર્સ હોય છે માણસની અંદર... જે દબાઈ જાય તો તે મચી પડે છે અને મહાન બની જાય છે. મેજર ધ્યાનચંદ આવી જ એક મહાન હસ્તી હતા. ઑલિમ્પિકમાં ભારતને ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ અપાવનારી એક માત્ર પ્રતિભા. ભલે ગોલ્ડ ટીમને મળ્યો હતો, તેમને વ્યક્તિગત નહોતો મળ્યો, પણ તેમની વ્યક્તિગત રમત એટલી અજાયબ કે ૧૯૨૮થી ૧૯૩૬ના એ વર્ષોમાં તેમણે ઑલિમ્પિકમાં જે ઈતિહાસ લખ્યો તે તેમના વિના સંભવ નહોતો. રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારને મેજર ધ્યાનચંદનું નામ આપવાનું ભારત સરકારનું પગલું આવકારદાયક છે. રમતના સંકુલો, રમતના પારિતોષિકો, રમત-ગમતને લગતી યોજનાઓ કે સ્કોલરશિપ્સ આ બધાની આગળ દેશના મહાન રમતવીરોના જ નામ જોડવા જોઈએ, જેથી સ્પોર્ટ્સને વધુ પ્રોત્સાહન મળે, તેના વિશેની જાગરુકતા વધે.

૨૯મી ઑગસ્ટ ૧૯૦૫ના રોજ તેમનો જન્મ, જે હવે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવાય છે. અલ્લાહાબાદમાં જન્મેલા આ જાદુગરનું મૂળ નામ ધ્યાનસિંઘ. ધ્યાન ચંદ કેવી રીતે થઈ ગયું તેની વાત આગળ કરશું. તેમના પિતા પણ હોકી પ્લેયર હતા અને આર્મી વતી હોકી રમતા. ધ્યાનસિંઘ ક્યારેય હોકી ન રમતા. અન્ય રમતોમાં પણ તેમનો ઓછો રસ હતો. અપવાદરૂપ કુસ્તી. તેમને કુસ્તી રમવી ગમતી પિતાની વારંવાર બદલી થતી હોવાથી તેમનું શિક્ષણ ડિસ્ટર્બ થતું. વિક્ટોરિયા કોલેજ, ગ્વાલિયરમાંથી તેઓ સ્નાતક થયા. માત્ર ૧૭ વર્ષની ઉંમરે બ્રિટિશ આર્મીમાં સિપાહી તરીકે જોડાઈ ગયા.

૧૯૨૨માં તેમણે આર્મીમાંથી હોકી રમવાનું શરૂ કર્યું. અહીંથી હોકી સાથેનો તેમનો નાતો શરૂ થાય છે. સુબેદાર મેજર તિવારીએ તેમના હાથમાં હોકી સ્ટિક પકડાવી. તેમની કેળવણી કરી. તેમના માર્ગદર્શન હેઠળ જોતજોતામાં ધ્યાનચંદ હોકીના મહાન ખેલાડી બની ગયા. તેમની સ્પોર્ટ્સ ટેલેન્ટ જોઈને ૧૯૨૭માં તેમના લાન્સ નાયક બનાવી દેવામાં આવ્યા. તેમના ભાઈ રૂપસિંહ પણ તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે હોકી રમતા.  ૧૯૨૮માં પહેલી વખત ભારતીય હોકી ટીમે એમ્સ્ટર્ડમ ઑલિમ્પિકમાં ભાગ લીધો. તેમાં ટીમ ઇંડિયા બધી જ મેચ જીતી અને ધ્યાનચંદને જબરદસ્ત સફળતા મળી. હોલેન્ડ સામેની ફાઇનલમાં ટીમ ઇંડિયા ૩-૦થી વિજેતા બની તેમાં બે ગોલ ધ્યાનચંદે ફટકાર્યા હતા.

૧૯૨૬થી ૧૯૪૮ સુધીની તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેમણે ૪૦૦ ગોલ ફટકારેલા. સર ડોન બ્રેડમેન તેમનાથી ત્રણ વર્ષ નાના હતા અને તેઓ પણ ધ્યાનચંદના ફેન હતા. ૧૯૩૫માં ટીમ ઇંડિયા ઑસ્ટ્રેલિયા અને ન્યુઝેલેન્ડના પ્રવાસે ગયેલી. એક મેચ એડીલેડમાં રમાયેલી જેમ ડોન બ્રેડમેન પણ આવ્યા હતા. તેમણે તેમની રમત જોઈને કહેલું, ક્રિકેટરો જે રીતે ક્રિકેટમાં રન બનાવે એવી રીતે ધ્યાનચંદ ગોલ ફટકારે છે. જ્યારે તેમને ખબર પડી કે ધ્યાનચંદે ૪૮ મેચમાં ૨૦૧ ગોલ ફટકાર્યા છે તો તેમણે તુરંત આશ્ચર્ય વ્યક્ત કર્યું, આ ગોલ કોઈ હોકી પ્લેયરે ફટકાર્યા છે કે બેટ્સમેને!

લોસ એન્જલસ ઑલિમ્પિકમાં ફાઇનલ મેચમાં ભારત અને અમેરિકાની ટીમ વચ્ચે ટક્કર થયેલી. ભારતની ટીમે અમેરિકાની ટીમને ૨૪-૦૧થી હરાવી દીધી. બીજે દિવસે એક અખબારમાં છપાયું, ભારતની હોકી ટીમ પૂર્વથી આવેલું તોફાન છે.   ૧૯૩૬માં બર્લિન ઑલિમ્પિકમાં જોવા જેવી થઈ. વોર્મ અપ મેચમાં ભારતની ટીમ જર્મનીની ટીમ સામે ૧-૪થી હારી ગઈ. તેના લીધે ધ્યાનચંદ બહુ જ અપસેટ થઈ ગયા. મીર્ઝા મસૂદ નામનો ખેલાડી આઉટ ઑફ ફોર્મ હતો. તેને હટાવી તેના સ્થાને રમવા માટે અલી દારાને ભારતથી સ્પેશ્યલ બોલાવવામાં આવ્યો. એ અલી દારા આઝાદી પછી પાકિસ્તાનના મશહૂર હોકી પ્લેયર રહ્યા. 

૧૯મી ઓગસ્ટે ભારત અને જર્મની વચ્ચે ફાઇનલ મેચ રમાઈ. હિટલર, તેનો પ્રચાર મંત્રી ચાર્લ્સ ગોબેલ્સ અને બીજા કેટલાક નાઝી અધિકારીઓ તે મેચ જોવા આવેલા. નાઝી જર્મનીએ આર્ય નસલની હોકી ટીમ તૈયાર કર્યો હતો, જેનો હિટલરને ઘમંડ હતો. અડધો મેચ પૂરો થયો ત્યાં સુધીમાં ઇંડિયાએ માત્ર એક જ ગોલ ફટકાર્યો હતો. સેકન્ડ હાફમાં ધ્યાનચંદ અને તેમના ભાઈ રૂપસિંહે તેમના જૂતા ઊતરી નાખ્યા અને ઊઘાડા પગે જુસ્સા ભેર રમવા લાગ્યા. ટીમ ઇંડિયા ૮-૧થી વિજેતા બની. 

આ ઘટનાનું બહુ મિસ રીપોર્ટીંગ થયું છે. કેટલાકે તો એવા ફાંકાં માર્યા છે કે ટીમ ઇંડિયાએ ૧૫ ગોલ ફટકાર્યા હતા અને તેમાંથી ૧૪ ધ્યાનચંદે ફટકાર્યા હતા. ઘણાએ એવું લખ્યું છે કે આઠમાંથી છ ગોલ. ઓથેન્ટિક માહિતી એ છે કે આઠમાંથી ત્રણ ગોલ ધ્યાનચંદે ફટકાર્યા હતા અને બર્લિન ઑલિમ્પિકના તમામ મેચીસમાં તેમણે કુલ ૩૩ ગોલ ફટકાર્યા હતા.

ટીમ હારી એ પહેલા જ હિટલર મેદાન છોડીને જતો રહ્યો હતો. બાદમાં પ્રેઝન્ટેશન સેરેમનીમા પાછો આવ્યો. તેણે ધ્યાનચંદને ડીનર માટે આમંત્રણ આપ્યું. ધ્યાનચંદ ગયા. હિટલર તેની રમતથી પ્રભાવિત હતો. તેણે પૂછ્યું, તમે હોકી સિવાય બીજું શું કામ કરો છો?

ધ્યાનચંદે કહ્યું, સુબેદાર છું.

હું તમને જર્મન સેનામાં કર્નલનું પદ આપીશ. જર્મની તરફથી હોકી રમો. ધ્યાનચંદે આ ઑફરનો સવિનય ઇનકાર કર્યો, મેં મારા દેશનું નમક ખાધું છે. આથી હું મારા દેશ માટે જ રમીશ.

હિટલરે કહ્યું, તને તારા દેશે શું આપ્યું છે?

ધ્યાનચંદે જવાબ આપ્યો, મને આગળ વધારવાની જવાબદારી દેશની નથી, એ મારી જવાબદારી છે કે હું દેશને આગળ વધારું.

ગેપને પારખવાની ક્ષમતા

ભાગલા પછી પાકિસ્તાન જતા રહેલા હોકી પ્લેયર અલ દારાએ વર્લ્ડ હોકી મેગેઝિનમાં લખ્યું, ધ્યાન ક્યારેય ફાસ્ટ રમતા નહોતા. તેઓ ધીમે જ દોડતા, પરંતુ તેમનામાં ગેપને પારખવાની ગજબની ક્ષમતા હતી. ડાબા ફ્લેકમાં તેમનો ભાઈ રૂપસિંહ અને જમણા ફ્લેકમાં હું રમતો. ડીમાં પહોંચીને તેઓ એટલી ઝડપથી અને એટલી શક્તિ સાથે શોટ મારતા કે સારામાં સારો ગોલ કીપર પણ તે રોકી શકતો નહોતો.

 પૃથ્વી રાજ કપૂર ધ્યાનચંદના જબ્બર ફેન હતા. તેઓ કે. એલ. સહગલને લઈને મુંબઈમાં હોકીની મેચ જોવા ગયા. અડધી મેચ પૂરી થઈ ત્યાં સુધી એક પણ ગોલ થયો નહીં. સહગલ અકડાઈ ગયા, મેં તમારા બંનેનું નામ બહુ સાંભળ્યું છે. મને આશ્ચર્ય છે કે તમે આટલા સમયમાં એક પણ ગોલ ન કરી શક્યા.  રૂપસિંહે ટીખ્ખળ કરી, અમે જેટલા ગોલ મારી એટલા ગીત સંભળાવશો?

સહગલે હા પાડી. એ પછી બંને ભાઈઓએ મળીને ૧૨ ગોલ ફટકાર્યા. મેચ પૂરો થાય એ પહેલા સહગલ મેદાન છોડીને ભાગી ગયા હતા. બીજે દિવસે તેમણે ધ્યાનચંદને પોતાના સ્ટુડિયો તેડી લાવવા માટે કાર મોકલી. તેઓ આવ્યા, પણ સહગલ સાહેબ કહે અત્યારે ગાવાનો મારો મૂડ નથી.

ધ્યાન ચંદ નિરાશ થઈ ગયા. થયું કે ખાલી ખોટો સમય બરબાદ કર્યો સહગલ સાહેબે. બીજે દિવસે સહગલ પોતાની કાર લઈને ટીમ ઇંડિયાની હોકી ટીમ જ્યાં રોકાઈ હતી ત્યાં પહોંચ્યા. તેમણે કુલ ૧૪ ગીત ગાયા અને તમામ ખેલાડીઓને એક-એક ઘડિયાળ ભેટ આપી. 

૧૯૭૨માં ધ્યાનચંદના પુત્ર અશોક કુમાર હોકી રમવા જર્મની ગયા હતા. હોકીના એક પ્રસંશક તેમને મળવા માટે સ્ટ્રેચર પર આવ્યા. તેમણે ૧૯૩૬ના જર્મન છાપાઓના કટિંગ બતાવ્યા અને કહ્યું, તમારા પિતા બહુ જ મહાન હતા. જર્મન અખબારના કટિંગની હેડલાઈન હતી: જર્મનીને ટીમ ઇંડિયાની આ જીત લાંબા સમય સુધી યાદ રહેશે.

મેજર ધ્યાનચંદ તેમના મૃત્યુ પછી વધારે ફેમસ બન્યા. આ સાથે તેમની સાથે ઘણી બધી અફવા પણ જોડાઈ. જેમ કે વિયેનામાં તેેમનું ચાર હાથવાળું પૂતળું મૂકવામાં આવ્યું છે. જે વ્યક્તિ અકલ્પનીય હોય તેમના વિશે જ અફવાઓ ઊડતી હોય છે. આવી અવિશ્વસનીય પ્રતિભા, આવી અકલ્પનીય પ્રતિભાને કેવળ પદ્મ ભૂષણ સુધી સીમિત રાખી શકાય નહીં. તેમને ભારત રત્ન પણ મળવો જોઈએ.

સ્ટેડિયમના નામ ખેલાડીના નામ સાથે જોડવાની લોકલાગણી

રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામકરણ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ થયું તે આવકાર્ય છે. આવી જ રીતે સ્ટેડિયમોના નામ ખેલાડીઓના નામે હોય એવી લોકલાગણી ઉઠી છે. સોશિયલ મીડિયામાં લોકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે મેદાનોના નામ જો મહાન ખેલાડીઓના નામથી ઓળખાય તો ગૌરવ પણ જળવાય અને રમત પ્રત્યે નાગરિકોનું જોડાણ વધે. મિલ્ખા સિંહ, પીટી ઉષા, સચિન તેંડુલકર, કપિલદેવ, સુનિલ છેત્રી, મેરી કોમ, પી. સિંધુ, લિયેન્ડર પેસ, મહેશ ભૂપતિ વગેરેના નામે મેદાનો ઓળખાતા થાય તો એ ખરું સમ્માન લેખાશે.

હોકીના મેદાનને ચેસ બોર્ડની જેમ જોતા

હોકી પ્લેયર કેશવ દત્તે કહેલું, ધ્યાનચંદની અસલી પ્રતિભા દડાને ચીપકાવી રાખવામાં નહોતી, પણ તેમના મગજમાં હતી. ચેસનો ખેલાડી જે રીતે શતરંજનું બોર્ડ જુએ એ રીતે તેઓ હોકીના મેદાનને જોતા હતા. 

54 વર્ષે પણ અજય હતા

૧૯૫૯માં તેઓ ૫૪ વર્ષના હતા અને ત્યારે પણ ભારતનો એકેય ખેલાડી એવો નહોતો જે ધ્યાનચંદ પાસેથી બોલ છીનવી શકે. પછીની પેઢી ધ્યાનચંદની લેગસીનું વહન ન કરી શકી. આ વખતે ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતાડનારી ભારતીય ટીમ પાસે આગામી ઑલિમ્પિકમાં મોટા ચમત્કારની આશા રાખી શકાય છે.

ધ્યાનસિંહનું નામ 

ધ્યાનચંદ કેવી રીતે પડયું?

તેઓ દિવસે તો હોકીની પ્રેક્ટીસ કરતા. રાતે પણ કરતા. એ સમયે તો લાઇટો હતી નહીં તો ચંદ્રના અજવાળામાં હોકીની પ્રક્ટિસ કરતા. તેના પરથી તેમનું નામ ધ્યાનસિંઘમાંથી ધ્યાનચંદ પડી ગયું. ત્યાર પછી આજીવન તેઓ આ જ નામથી ઓળખાયા.

હોકી તોડીને ચેક કરવામાં આવી કે ક્યાંક તેમાં ચુંબક તો નથીને?

બોલ પર તેમની જબરદસ્ત પકડ હતી. નેધરલેન્ડની એક મેચ દરમિયાન તેમનું અસામાન્ય પરફોર્મન્સ જોઈને સત્તાધીશોને શંકા ગઈ કે ધ્યાનચંદે હોકીમાં ચુંબક લગાવેલું છે. તેમની હોકી તોડીને ચથીક કરવામાં આવી. અંદરથી તો શું નીકળવાનું હતું. કારણ કે જે હતું તે ધ્યાનચંદની અંદર હતું. તે પછી પણ ઘણી અફવાઓ ઊડતી રહેતી. વિદેશોમાં એવી વાતો થતી કે ધ્યાનચંદ હોકી પર ગૂંદ લગાવીને રમે છે. 

આજની નવી જોક

મગન (છગનને): શું વિચારે છે?

છગન: દૂધવાળા હડતાળ પર હોય ત્યારે દૂધ સડક પર ફેંકી દે છે. શાકવાળા હડતાળ પર હોય ત્યારે શાક સડક પર ફેંકી દે છે. બેંકવાળા ક્યારે હડતાળ પર જશે?

મગન: હેં!?

Tags :