ન જાને ક્યૂં હોતા હૈ યે ઝિંદગી કે સાથ
- ઓરિજિનલની સમકક્ષ રીમેક કેમ બનાવાય, રોમકોમ કેવીરીતે બનાવાય એ બાસુ ચેટરજી પાસેથી શીખવું પડે
- તેમણે મુખ્યધારાથી હટીને ફિલ્મો બનાવી અને કોમર્સિયલ સફળતા પણ મેળવી
- એક્શન ફિલ્મોનો સૂરજ મધ્યાહને તપતો હતો ત્યારે તેમણે સામાન્ય જીવનના પ્રશ્નો ઉપાડયા
પ્રવાહથી વિરુદ્ધ તો ઘણા બધા ચાલતા હોય છે, પણ બધા સફળ થતા નથી. માત્ર ચાતરેલા ચીલે ન ચાલીને મહાન બની શકાતું નથી. તેના માટે આંતરદૃષ્ટિ હોવી આવશ્યક. ને જ્યારે તમે સિનેમા જેવી કળા સાથે જોડાયેલા હો ત્યારે દર્શકો સાથે કનેક્ટ થવું પણ આવશ્યક છે.
સફળ હોય અને વિવેચકો દ્વારા પ્રમાણિત ન હોય એવા ફિલ્મ ડિરેકટર્સનો ગગનચુંબી ઢગલો છે. વિવેચકો દ્વારા પ્રમાણિત હોય અને સફળ ન હોય એવા દિગ્દર્શકો પણ આપણે ત્યાં ઓછા નથી. વિવેચકો અને દર્શકો બંને દ્વારા એક સમાન રીતે પોખવામાં આવ્યા હોય તેવા નિર્દેશકો બહુ જૂજ છે, તેમાંના એક એટલે બાસુ ચેટરજી.
બીજલી ગાયબ! યહ હાલત હૈ ઇસ દેશ કી, ઇસ સાલી ગર્વમેન્ટ કી. ખાને મેં કટૌતી, પીને મેં કટૌતી, હર ચીજ મેં કટૌતી, લાનત હૈ ઐસી કટૌતી પે.
બહુત મશહુર ઇકોનોમિસ્ટ ગુરનાર મર્ડલને એક જગહ લિખા હૈ, સરકાર કા કટૌતી કે લિયે કહના બિલકુલ ઐસા હી હૈ જૈસે- આપ કા જૂતા છોટા હૈ, અપને પાંવ કાટ લો.
આ સંવાદ ભારતીય સિનેમાની સર્વકાલિક ફિલ્મોમાં સ્થાન પામતી એક રુકા હુઆ ફૈસલાનો છે. ૧૯૮૬માં બનેલી આ ફિલ્મના પ્રારંભમાં જ આ સંવાદ આવે છે ને ગોળ પર મકોડો ચોંટી જાય એમ આપણે ફિલ્મ સાથે જોડાઇ જઇએ છીએ. વાર્તાના એક પછી એક પડ ખૂલતા જાય છે અને એક-એક પળ આપણને વધુ ને વધુ સંમોહિત કરતી જાય છે.
આખી ફિલ્મમાં માત્ર એક રૂમ અને ૧૨ અભિનેતા સિવાય કોઇ નથી. દરેકનો અભિનય સહજ, ચોંટડુક સંવાદો. કથાનકનો રોમાંચ તમારી દુનિયામાંથી ઊખડુક કહીને બીજે કશેક લઇ જાય. આ ચલચિત્ર એરોનોટિકલ માઇલ સ્ટોન રચી દે છે. આ માઇલસ્ટોન બાસુદાની સિનેમા યાત્રાનું ગિરિશિખર છે.
૪ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ જન્મેલા અને ૪ જૂન ૨૦૨૦ના રોજ દુનિયાને ગુડ બાય કહી ગયેલા બાસુ ચેટરજી શોમેન જેવા કોઇ વિશેષણ વગર વિશેષ દિગ્દર્શક હતા. તેઓ ભાગ્યશાળી હતા કે તેમના જીવતા જીવ તેમણે પોતાની ફિલ્મોનું મૃત્યુ જોવું પડયું નહીં. દીકરાની નનામીનો ભાર બાપને બહુ જ ભારે પડતો હોય છે. ૧૦૦માંથી ૯૦ ફિલ્મકારોએ આ દુર્ભાગ્ય વેઠવું પડતું હોય છે. બાસુદા તેનાથી અલિપ્ત રહ્યા. કારણ કે તેમની ફિલ્મો આજે પણ જોવાય છે, જોવા લાયક છે, પ્રસ્તુત છે અને નવલોહિયા નિર્દેશકો માટે પ્રેરણાનું બારમાસી ઝરણું છે.
અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને ધર્મેન્દ્રના યુગમાં નાયક પ્રધાન ફિલ્મોને જાકારો આપી ચરિત્ર પ્રધાન ફિલ્મો બનાવવી, વળી એવી રીતે બનાવવી કે હિટ જાય તે કંઇ જેવીતેવી વાત નથી. તેમની ફિલ્મો આજે પણ ફ્રેશ લાગે છે કારણ કે તેમની ફિલ્મોના પાત્રો લાર્જરધેન લાઇફ નહીં લો પ્રોફાઇલ છે. તેમાં સામાન્ય માણસની જિંંદગીની વાત છે. તેમાં તમારી, મારી, આપણી વાત છે. રજનીગંધા, ચિતચોર, છોટી સી બાત, ખટ્ટામીઠા, બાતો બાતો મેં તેના બોલતા પુરાવા છે.
૧૯૫૭માં ફિલ્મકાર સિડની લૂમે ટવેલ્થ એંગ્રીમેન મુવિ બનાવેલી. અદ્ભુત કોર્ટડ્રામા. બાસુદાએ બનાવેલી એક રૂકા હુઆ ફૈસલા તેની જ રીમેક. આપણા દિગ્દર્શકો મોટાભાગે રીમેક સાથે ન્યાય કરી શકતા નથી. મહાન ફિલ્મ પરથી રિમેક બનાવવી એ કંઇ તમારામાં રહેલી સર્જનશીલતાની ઉણપ નથી, ઊલટું કોઇ મહાન કલાકારની કળાને ચાંદલો કરીને કરેલા વધામણા છે. પણ આ વધામણા કરવાનીયે એક રીત છે, એક રસમ છે.
કોઇના પેગડામાં ત્યારે જ પગ મુકાય જ્યારે આપણો પગ તેની બરાબરનો હોય, તેમાં ફીટ થઇ શકે તેવો હોય. નબળી રીમેક બનાવવાની કુપ્રથા વચ્ચે બાસુદા અપવાદ સિદ્ધ થયા. સિડની લુમની લગોલગ ઊભા રહી ગયા.
તેનુ એડેપ્ટેશન એટલું ભારતીય છે કે એક સિંગલ ફ્રેમમાં તે કોઇ વિદેશી ફિલ્મ પરથી પ્રેરિત હોવાનો અહેસાસ થાય નહીં. તમામ પાત્રોનું સામાજિક બેકગ્રાઉન્ડ, તેમના સંવાદો, તેમના વાણી વર્તન વ્યવહાર, તેમની ખૂબીઓ અને ત્રૂટિઓ બધું જ બિલકુલ ભારતીય લાગે.
સિનેમા ડિરેકટરની કળા કહેવાય છે. એ શા માટે ડિરેકટરની કળા કહેવાય છે તે સમજવા માટે બાસુદાની એક રુકા હુઆ ફેસલા જોવી પડે. કોઇ ફિલ્મમાં કોઇ એક અભિનેતા અદ્ભુત અભિનય કરતો હોય એવું બની શકે છે પણ જો તમામ અભિનેતા પાત્રમાં તલ્લીન થઇ ગયા હોય તો સમજી લેવું આ ડિરેકટરની કમાલ છે.
ઉતાવળે નિર્ણય ન લેવાની એક વ્યક્તિની હઠ પ્રારંભમાં બાકીના ૧૧ માટે અસહજતા, અગવડતાનું કારણ બને છે ને ધીમે ધીમે સ્વીકૃતિ તથા મગ્નતામાં પરિવર્તિત થઇ જાય છે. તથ્યોની સિલસિલાબંધ તપાસ એક-એક મિનીટે પાત્રોનો અભિપ્રાય બદલાવો અને ધારદાર દલીલો દર્શકોને ખુરશી પર ઉભડક બેસાડી રાખે છે. કે. કે. રૈનાનો કન્વિંસિંગ પાવર, પંકજ કપુરની રીસ કમ જીદ, અન્નુ કપુરનું મેનરિઝમ ભરેલું પાત્ર, એમ. કે. રૈનાનું ઉતાવળાપણું આ બધું એટલું સહજ ભજવાયુ છે કે બિલકુલ વાસ્તવિક લાગે. આપણે માની જઇએ કે હા, ક્યાંક આવું બન્યું હશે. ફિલ્મ જેટલી સહજ લાગે છે એટલી જ આ ફિલ્મ બનવાની ઘટના અસાહજિક છે.
ક્લેરિટી ઑફ થોટ સાથેની સાર્થક ફિલ્મો બનાવવામાં બાસુ ચેટરજીનો જોટો જડવો મુશ્કેલ છે. ૬૦થી લઇને ૯૦નો સમય ગાળામાં બોલીવુડ પર એકશન ફિલ્મોનું ભૂત સવાર હતું. પ્રકાશ મહેરા, રમેશ સિપ્પી, મનમોહન દેસાઇ અને યશ ચોપરાના નામના સિક્કા પડતા હતા. એવા સમયે બાસુ ચેટરજી ગ્લેમર વિહોણા કલાકારોને લઇને આવ્યા અને નવશેકા શીરાની જેમ સડેડાટ ગળે ઊતરી જાય એવી સહજ પિક્ચરો બનાવી.
તેમની ફિલ્મોને ઊંચકવામાં જેટલા હાથ વિવેચકોના હતા એટલા જ દર્શકોના. તેમની સિને કૃતિઓ નવો વાયરો લઇને આવી અને હંમેશા માટે અંકિત થઇ ગઇ. એક-બે ફિલ્મો તો ઘણાથી સારી બની જાય, આ કસબીએ શૃંખલાબંધ ઉત્તમ ફિલ્મો આપી. તેમની વિશિષ્ટતા એ છે કે ૩૦-૪૦ વર્ષ પછી પણ એ તાજી હવા વાસી થઇ નથી.
આજે નવા નિશાળિયા નિર્દેશકો કે ફોર્મ્યુલા ફિલ્મો બનાવતા જૂના જોગીઓ ગમે તે ફિલ્મને રોમકોમ (રોમેન્ટિક કોમેડી) નું સ્ટિકર ચોંટાડી દે છે ત્યારે તેમણે તેમની અધિરાઇને પોઝ કરીને બાસુની સિને સૃષ્ટિમાં વિહરવાની અનિવાર્યતા છે. રોમકોમ પિકચર્સ કેવી હોય? તેના એકાધિક આદર્શ ઉદાહરણો આ દિગ્દૃષ્ટાએ આપ્યા છે.
૧૯૭૬માં ચિતચોર મુવિ આવી. આ એ ફિલ્મ જેણે બાસુદાને પ્રતિભાવંતની સાથોસાથ સફળ દિગ્દર્શક પણ બનાવ્યા. અમોલ પાલેકર અભિનિત ચિતચોરે બોક્સ ઑફિસ પર ઉપાડો લીધેલો. મિસ્ટેકન ઓઇડેન્ટીટીની થીમ પર બનેલી આ સ્વીટ રોમેન્ટિક ચિત્રપટ ધમધોકાર ચાલી. વર્ષો પછી રાજશ્રી પ્રોડકશને આના પરથી મેં પ્રેમ કી દિવાની હૂં નામની મોસ્ટ બોગસ રીમેક બનાવી.
સંગીતની તેમની સેન્સ ગજબ હતી. એક એક ગીત અમર, એક એક ગીત સદાબહાર. ગોરી તેરા ગાંવ બડા પ્યારા, જબ દીપ જલે આના, આજ સે પહલે આજ સે જ્યાદા ઉલ્લેખ કરો કે કાનમાં ગૂંજવા લાગે. માધુર્યની રસધાર વહે. યસુદાસનું નામ પડે કે સૌથી પહેલા ચિતચોર સ્મરણે ચડે.
૧૯૭૬માં જ તેમની બીજી મુવિ આવી છોટી સી બાત. એક સીધોસાદો અને શરમાળ યુવાન પ્રેમમાં પડી જાય છે પણ કહેવાની હિંમત કરી શકતો નથી. મદદ માટે એક નિવૃત્તની શરણમાં જાય છે ને પછી ઊડે છે હાસ્યના ફુવારા, રોમાંસના અંગારા. માખણમાં છરી ફરે એમ પટકથા હૃદય સોંસરવી ઊતરતી જાય છે.
શું આવું આપણી સાથે પણ બન્યું નથી? પહેલી વખત પ્રેમ થયો હોય અને બોલવાની હિંમત જ ન થાય. લતા મંગેશકરે ગાયેલું ન જાને ક્યોં હોતા હૈ યે જિંદગી કે સાથ ગીત પરકાયા પ્રવેશની જેમ એક જુદી જ દુનિયામાં ખેંચી જાય છે.
૧૯૭૭માં આવી ખટ્ટામીઠા. બે વૃદ્ધો લગ્ન કરવા માગે છે. બંનેના સંતાનોને આ વિશે ખબર છે. હવે શું હાલત થાય? કલ્પના કરો. આજની તારીખે પણ ઘરડા મા-બાપને પરણાવવાનું કામ અઘરું છે તો એ જમાનામાં કેટલું ક્રાંતીકારી હશે વિચાર કરો.
૧૯૭૭માં વિધવા અને વિધુર માતાપિતાને પરણાવવાનું કામ જેટલુ કઠીન રહ્યું હશે, આ ફિલ્મ બનાવવાનું પણ એટલું જ અઘરું રહ્યું હશે. તેમ છતાં બાસુદાએ બહુ જ સરળતાથી કહાની કહી તેમાં ડ્રાયફ્રુટની જેમ હ્યુમર, ઇમોશન્સ, ફેમિલી વેલ્યુઝ પ્રેમ અને બલિદાન છુટ્ટા હાથે ભભરાવ્યાં છે. આ ફિલ્મનું ગીત થોડા હૈ થોડે કી ઝરૂરત હૈ ઇંડિયન મિડલ કલાસનું એન્થેમ છે. ભારતીય મધ્યમ વર્ગને તે એવા મર્મસ્થળે અડે છે કે તે ભાવુક થયા વિના રહી શકતો નથી.
૧૯૮૬માં આવી ચમેલી કી શાદી. અનિલ કપુરની સૌથી સ્વીટ ફિલ્મ. જેમાં ભારતની જાતિ વ્યવસ્થા પર ધારદાર વ્યંગ કરવામાં આવ્યો છે. એક પહેલવાનને કોલસા ગોડાઉનના માલિકની દીકરી સાથે પ્રેમ થઇ જાય છે. તેમને લગ્ન કરવા છે, પરંતુ વચ્ચે એવરેસ્ટ જેવડું ઊંચું સ્પીડબ્રેકર છે.
બંનેની જાતિ અલગ અલગ છે. પડતા - આખડતા, ઠોકર ખાતા, ઊભા થતાં, સંઘર્ષ કરતા તેઓ મુકામ સુધી પહોંચે છે એ ઘટનાનું બેહદ સુંદર ચિત્રણ એટલે આ ચલચિત્ર. બિભત્સ બન્યા વિના કઇ રીતે કોમેડી કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ ચમેલી કી શાદી પૂરું પાડે છે.
બાસુદાની દરેક ફિલ્મ તેમની બીજી ફિલ્મ કરતા અલગ છે ને અલગમાં સૌથી ઉપર છે એક રૂકા હુઆ ફેંસલા. જેનાથી શરૂઆત કરી હતી એનો જ ઉલ્લેખ વારંવાર થઇ જાય છે તે આ મહાન ફિલ્મકારને સૌથી મોટી અંજલિ છે. એક રૂકા હુઆ ફેસલા કોમ્પ્લેકસ થ્રીલર છે.
જ્યારે બાકીની ફિલ્મો હળવી, રમૂજ ભરેલી અને રોમેન્ટિક છે. આ બધા વચ્ચે એક ફિલ્મનો ઉલ્લેખ રહી જાય છે તે છે ત્રિયાચરિત્ર. તેનો વાસ્તવ આપણને ૪૫ ડીગ્રી ગરમીમાં ટાઢથી ધુ્રજાવી દે છે.
પતિની ગેરહાજરીમાં વહુ પર સસરા દ્વારા રેપ કરવામાં આવે છે. જ્યારે ન્યાયની વાત આવે છે ત્યારે આખો સમાજ એકજૂટ થઇ જાય છે, પીડિતાની વિરુદ્ધ થઇ જાય છે અને તેને ગુનેગાર સાબિત કરવા મચી પડે છે. ત્યારનો ભારતીય સમાજ અને આજનો ભારતીય સમાજ ખાસ અલગ નથી.
આજે પણ પુરુષનું ચરિત્ર માપવાના અને સ્ત્રીનું ચરિત્ર માપવાના કાટલા અલગ-અલગ છે. પહેલાં પણ દુષ્કર્મની પીડીતાને ગુનેગારની દૃષ્ટિથી જોવાતી હતી અને આજે પણ. બાસુદા એ દાયકાઓ પહેલાં ભારતીય સમાજને તેનું અસલી ચરિત્ર બતાવવાનું સાહસ કર્યું હતું એક મહાન દિગ્દર્શકને છાજે એવું સાહસ.
આજની નવી જોક
લીલી સવારના પહોરમાં મેકઅપ કરવા લાગી.
છગન (નીંદરમાંથી ઊઠીને): પાગલ થઈ ગઈ છે કે?
લીલી: ના.
છગન: તો શું સવાર-સવારમાં મેકઅપ કરી રહી છો?
લીલી: મોબાઇલમાં ફેસલોક મારી દીધું છે.ખૂલતું નથી.
છગન: હેં!?