Get The App

વાઘને ફાડી ખાતી માણસ જાત

Updated: Jan 8th, 2022

GS TEAM


Google News
Google News
વાઘને ફાડી ખાતી માણસ જાત 1 - image


- કેટલાક રાજ્યોમાં વાઘ માલઢોરનો શિકાર કરી જાય તો તેમને ઝેર આપીને મારી નાખવામાં આવે છે

- 1947માં ભારતમાં 40,000 વાઘ હતા, આજે આ આંકડા સુધી પહોંચવું હોય તો જેટલા માણસો પોતાના વાઘ માને છે તેમને પણ ગણી લેવા પડે

- જે જંગલોમાં વાઘ માટે શિકાર યોગ્ય પ્રજાતિઓ બચી નથી તે તેમના માટે લીલા રણ બની ગયાંં છે

વિશ્વમાં બિલાડીની કુલ ૩૬ પ્રજાતિ જોવા મળે છે. તેમાં સૌથી મોટી પ્રજાતિ છે વાઘ. તેનો વજન ૩૦૦ કિલો હોય છે. તે નાઈટ વિઝન કેમેરા જેવી આંખ ધરાવતું નિશાચર પ્રાણી છે.  તેના બચ્ચાં જન્મે ત્યારે અંધ હોય છે. વાઘની જમાતમાં બાળમૃત્યુ દરનું પ્રમાણ ૫૦ ટકા જેટલું ઊંચું છે. જન્મે તેમાંથી માત્ર ૫૦ ટકા જ ટકી શકે છે. તેનું આયુષ્ય ૨૫ વર્ષનું હોય છે. 

ટાઇગર, લાયન, ચીત્તો, જગુઆર, દીપડો આ બધા બિગ કેટ શ્રેણીમાં આવે. વાઘ બીજી પ્રજાતિઓની બિલ્લીઓ સાથે પણ સંવનન કરી શકે છે. સિંહ અને વાઘણ વચ્ચેના સંવનનમાંથી લાઈગર જન્મે છે. વાઘ અને સિંહણના મેટીંગ થકી ટાઈગન જન્મે છે.  ટાઈગન લાઈગર કરતાં વધારે શક્તિશાળી હોય છે. લાઈગરની ઊંચાઈ સાડા ચાર ફૂટ હોય છે જ્યારે ટાઈગનની છ ફૂટ. વાઘની દોડવાની ઝડપ પ્રાણી જગતમાં સૌથી ફાસ્ટ તો નથી પણ ૬૦ કિ.મી. પ્રતિ કલાકની તો ખરી જ. જેમ દરેક માણસની ફીંગર પ્રિન્ટ અલગ હોય છે તેમ દરેક વાઘના પટ્ટા અલગ હોય છે. એ તો સુવિદિત છે કે પ્રાણીઓ તેના મૂત્રની ગંધ છોડીને પોતાના સીમાક્ષેત્રની ઘોષણા કરે છે.   જાણીને થોડું વિચિત્ર લાગશે કે વાઘના મૂત્રની ગંધ બટર પોપકોર્નની સોડમ જેવી હોય છે.  

તે મિત્રોની જેમ પાછળથી હુમલો કરે છે. સ્વભાવે એકાંતપ્રિય હોય છે. તેનું મેનુ વિશાળ છે. હરણ, કાળિયાર, સસલા, રીંછ, પક્ષીઓ, ગેંડો, મગર, ભેંસ અને ચિત્તા સુધીના કોઈ પણ  જીવને પોતાની ડીશ બનાવી શકે છે. બીજી એક નવાઈની વાત એ છે કે તેઓ અન્ય પ્રાણીઓનો અવાજ કાઢી શકે છે. યસ, તેમનામાં મિમિક્રી કરવાની શક્તિ હોય છે. સાબરનો અવાજ કાઢીને તેઓ સાબરને પોતાના વિસ્તાર તરફ આકર્ષે છે અને જેવો શિકાર રેન્જમાં આવી જાય એટલે તેના પર તૂટી પડે છે.

ભારત વિશ્વના ૭૫ ટકા વાઘનું ઘર છે.  દેશ આઝાદ થયો ત્યારે ૪૦,૦૦૦ હજાર વાઘ હતા તે ઘટીને ૨૦૦૬માં ૧૪૧૧ થઈ ગયેલા.  તેનું કારણ શિકારનો શોખ. વાઘના શિકારનો  શોખ રાજાશાહીના વખતથી ચાલ્યો આવે છે. આઝાદી પછી પણ એ કાયદેસર કે ગેરકાયદે ચાલુ રહ્યો. સિંહોને પણ શિકારના શોખે જ સાફ કર્યા. એક સમયે દિલ્હી, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત ભારતના અનેક જંગલોમાં એશિયાટિક લાયન ડણક સંભળાતી. આજે માત્ર ને માત્ર ગીર પૂરતા સીમિત રહી ગયા છે. સરકાર અને પર્યાવરણ પ્રેમીઓના સંયુક્ત પ્રયાસને પગલે ૨૦૧૮માં વાઘની વસ્તી ૧૪૧૧માંથી ૨૯૬૭ થઈ. ૨૦૦૨ કરતા તો  છતાંય ઓછી જ છે. ત્યારે ભારતમાં ૩૭૦૦ વાઘ હતા. વાઘની વસ્તી ઘટવાનું બીજું મોટું કારણ પ્રાણીઓના અંગોનો ગેરકાયદે વેપાર.    પરંપરાગત ચાઈનીઝ મેડિસિનમાં વાઘના અંગોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.  

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના આંકડા પ્રમાણે છેલ્લાં એક વર્ષમાં ભારતમાં ૧૨૭ વાઘના મોત થયાં છે. છેલ્લાં દસ વર્ષમાં ૯૮૪.   ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશમાં વાઘના સૌથી વધારે મોત થઈ રહ્યાં છે. હજુ ૨૯મી ડીસેમ્બરે જ છીંદવાડામાં એક વાઘનું મૃત્યુ થયું. તપાસ દરમિયાન એવી શંકા પેદા થઈ છે કે વાઘને ઝેર આપીને મારવામાં આવ્યો છે. 

દેશમાં ૩૦ ટકા વાઘ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની બહાર ફરે છે. તેમના મૃત્યુના અનેક કારણો છે. તે પ્રાકૃતિક પણ હોય શકે છે અને વીજ વાયર અડવાને કારણે પણ તેમનાં મોત થાય છે અને અમુક કિસ્સાઓમાં તેને ઝેર આપીને મારવામાં આવે છે. ભારતમાં દર  વર્ષે કુલ વસ્તીમાંથી ૫ાંચ ટકા વાઘ મૃત્યુ પામે છે. મધ્ય ભારતમાં જંગલી ડુક્કરોને અટકાવવા માટે કાંટાળી વાડમાંથી વીજ કરંટ પસાર કરવામાં આવે છે. આ વાડને સ્પર્શી જવાથી કેટલાય વાઘને વીજશોક લાગતા તેમનું મૃત્યુ થયું છે. 

કેટલીક જગ્યાએ વાઘને ઝેર આપવાનું  ચલણ જોવા મળે છે. વાઘ કોઈ પશુને મારી નાખે ત્યારે પશુપાલકો રોષે ભરાઈને વાઘના ખોરાકમાં ઝેર નાખી દે છે. આવું સૌથી વધારે ગોવામાં થાય છે. આવું ન થાય એટલા માટે પશુપાલકોને વળતરની માંગણી જોરશોરથી ઊઠી રહી છે. ૨૦૧૦માં ભારતમાં ૮૮ વાઘના મોત થયાં હતાં. ૨૦૧૬માં ૧૨૧ અને ૨૦૧૭માં ૧૧૭, વર્ષ ૨૦૨૦માં ૧૦૬ વાઘના મોત થયાં. દક્ષિણ ભારતમાં અમુક જંગલો એવા છે જ્યાં  હરણ અને બીજા તૃણાહારી પશુઓ ખાઈ શકે એવી વનસ્પતિઓ રહી નથી આથી તેઓ ત્યાંથી પલાયન કરી ચૂક્યા છે. આવા જંગલો  વાઘ માટે લીલા રણ સમાન છે. વાઘને અસ્તિત્વ ટકાવવા માટે તેની આસપાસ પૂરતી માત્રામાં  શિકાર લાયક પ્રજાતિઓ હોવી જરૂરી છે. 

તેમનો બાળ મૃત્યુદર ઉંચો હોવાનું કારણ આનુવાંશિક છે. ભારતમાં જંગલો બહુ ઝડપથી કાપવામાં આવી રહ્યા છે. અનેક જંગલો વિભાજીત થઈ ગયા છે. એક જંગલથી બીજા જંગલમાં જવાના રસ્તા બંધ થઈ ગયા છે. તેમને જંગલમાં જે પ્રાણીઓ છે તેમની સાથે જ સંબંધ બાંધીને પરિવાર આગળ ધપાવવો પડે છે. જીવવિજ્ઞાાન પ્રમાણે સંબંધ જેટલો નજીકનો હોય તેટલા નબળા પ્રાણીઓ જન્મે છે. માની લો કે કોઈ બચ્ચું મજબૂત જન્મી ગયું પણ તે મોટુ થાય એ પહેલાં તેની માતાનો  શિકાર થઈ ગયો તો તે બચ્ચાને શિકાર કરતાં શીખવાનું કોઈ રહેતું નથી પરિણામે તે નબળો વાઘ બની જાય છે. તેને જંગલી કૂતરા પણ મારી ખાય એવું પણ બની શકે છે. 

આપણે ક્યાંક સો વારનો પ્લોટ લીધો હોય તો તેની આપણને લાખ ચિંતા રહે છે. ક્યાંક કોઈ મારો પ્લોટ દબાવી તો નહીં દે ને એવી ફીકર સતાવ્યા કરે છે. પેશકદમી, અતિક્રમણ કે પચાવી પાડવાનો ભય લાગે છે પરંતુ આપણે એ પ્રાણીઓ વિશે વિચારતા નથી  જેની જમીનો, જેના જંગલો, પર્વતો અને ઝરણાં આપણે પચાવી પાડયા છે.   પ્રાણીઓના રહેવા માટેના આવાસો બહુ ઝડપથી ખતમ થતાં જાય છે. વાઘ માણસને ફાડી ખાય છે કે માણસ વાઘને તે તપાસવા જેવું છે. હવે જે માણસો પોતાને વાઘ માને છે તેમને પણ ગણી લેવામાં આવે તો જ વાઘની વસ્તી ભૂતકાળ જેટલી થઈ શકે. 

આપણે કેવળ આપણું વિચારીએ છીએ, અને આપણી બધી સમસ્યાઓ આપણી દ્રષ્ટિએ હોય છે. કોરોના આવ્યો અને લગભગ આખું વિશ્વ લોકડાઉન થઈ ગયું ત્યારે વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો થયો. આ આપણા માટે સંકટની ઘડી હતી પણ પ્રકૃતિ માટે હાશકારાની ક્ષણ હતી. ચોમાસામાં ગીરનું જંગલ સામાન્ય માણસો માટે બંધ કરી દેવામાં આવે છે. તે સિંહ અને બીજા પ્રાણીઓ માટે રાહતના સમાચાર હોય છે. કર્ણાટકના બાંદીપુર ટાઈગર રીઝર્વમાં લોકોની અવરજવર પર રાતે પ્રતિબંધ મૂકી દેવાતા તેની ત્યાંની પ્રાણીસૃષ્ટિ પર ખૂબ જ સકારાત્મક અસર જોવા મળી. 

જીવન સંતુલનમાં રહેલું છે. માનવ જાતિએ  સુખી રહેવું હશે અને લાંબા સમય સુધી પૃથ્વી પર રાજ કરવું હશે તો બીજા પ્રાણીઓને પણ આદર આપવો પડશે અને તેમના અસ્તિત્ત્વની ચિંતા કરવી પડશે. વાઘની વસ્તી સાફ થઈ જશે તો વાઘ આવ્યો, વાઘ આવ્યો... ની વાર્તા પણ પોતાનો આધાર ગુમાવી દેશે.

આજની નવી જોક

લીલી (છગનને) : તમે જરાય શરીફ નથી.

છગનઃ એવું તું કઈ રીતે કહી શકે?

લીલીઃ શરીફ લોકો મોબાઇલમાં પાસવર્ડ ન માગી શકે.

છગનઃ હેં!?

જીકે જંકશન

- દર વર્ષે ચોથી જાન્યુઆરીએ વિશ્વ બ્રેઈલ દિવસ મનાવવામાં આવે છે. એપલ ત્રણ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપિટલ ધરાવતી અમેરિકાની અને દુનિયાની સૌ પ્રથમ કંપની બની છે. તેની માર્કેટ કેપ ભારતની જીડીપી કરતાં પણ વધારે છે. 

- ફ્રાન્સે કોવિડ-૧૯ના નવા વેરિઅન્ટ આઈએચયુની ઓળખ કરી છે. ૧૯૭૧ના યુદ્ધમાં ભારતીય નૌસેનામાંથી પાકિસ્તાન સામે લડત આપનારા તત્કાલીન વાઈસ એડમિરલ એસ. એચ. શર્માનું ૧૦૦ વર્ષની ઉંમરે અવસાન થયું છે. 

- તાજેતરમાં ફિલ્મ નિર્માતા વિજય ગલાનીનું અવસાન થયું હતું. આ વર્ષે જી-૭ દેશોની બેઠક જર્મનીમાં મળશે. અલ્કા મિત્તલને ઓએનજીસીના સર્વપ્રથમ મહિલા સીએમડી બનાવવામાં આવ્યા છે. 

- ભારતે બહુરાષ્ટ્રીય નૌસૈનિક અભ્યાસ મિલનમાં ભાગ લેવા માટે  ૪૬ દેશોને આમંત્રિત કર્યા છે. રશિયાએ ૧૦ નવી હાઈપરસોનિક ઝર્કોન મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. 

અશોક એલુસ્વામી ટેસ્લા માટે કામ કરનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ બન્યા છે. તેઓ ટેસ્લાની ઓટો પાયલોટ ટીમમાં કામ કરશે. 

- દર વર્ષે પાંચમી જાન્યુઆરીએ વિશ્વ પક્ષી દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે પહેલી જાન્યુઆરીએ વિશ્વ પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. 

- લદ્દાખમાં તાજેતરમાં પરંપરાગત નવવર્ષ લોસર મહોત્સવની ઉજવણી કરાઈ હતી. તાજેતરમાં પદ્મશ્રી  સન્માનિત સમાજ સેવિકા સિંધુ તાઈ સપકાલનું અવસાન થયું હતું. 

- ટી. એસ. તિરૂમૂર્તિ યુ.એન.ની આતંકવાદ વિરોધી સમિતિના અધ્યક્ષ બન્યા છે. હરપ્રીત ચંડી એકલપંડે દક્ષિણ ધુ્રવની યાત્રા કરનારી ભારતીય મૂળની પહેલી મહિલા બની છે. 

- ઓમિક્રોન વેરિઅન્ટનું પરીક્ષણ કરવા માટે પહેલી સ્વદેશી ટેસ્ટ કીટ બનાવવામાં આવી છે જેનું નામ છે ઓમિશ્યોર.  એમિ બોર્ન શ્મિટ અમેરિકી નૌસેનાના પરમાણુ જહાજનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બની છે. 

- ઓડિશાનું ગંજમ જિલ્લો બાળ વિવાહ મુક્ત બન્યો છે. દિપકકુમાર અને અજયકુમાર ચૌધરીને આર.બી.આઈ.ના નવા કાર્યકારી નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

Tags :