નોઇડાના 40 માળના ટ્વિન ટાવર્સ તોડી પાડવા સુપ્રીમનો આદેશ..

Updated: Mar 5th, 2022


- બહુ ચર્ચિત ચૂકાદો

- મંજૂરી વિના ગગનચૂંબી ટાવર્સ ઉભા કરી દેવાયા હતા, બિલ્ડર લોબીને લપડાક સમાન ચૂકાદો

- 22મે સુધીમાં જમીન સમતળ કરાવીને આપવી પડશે

- તગડા ભ્રષ્ટાચાર સિવાય જંગી ઇમારત ઉભી કરવી અશક્ય

ગેરકાયદેસર ઇમારતો ઉભી કરનારા ક્યાંતો પોતાની વગનો ઉપયોગ કરે છે કે  ભ્રષ્ટાચારની ગંગોત્રીનો ઉપયોગ કરીને મોટી ઇમારતો ચણી નાખે છે. કેટલાક જાગૃત લોકોની નજરે જ્યારે કૌભાંડ પકડાય છે ત્યારે બધું તોડવું પડતું હોય છે. કોઇ પણ ગેરકાયદે બાંધકામના પાયા નીચે ભ્રષ્ટાચાર હોય છેે તે સમજી લેવું જોઇએ. રાજ્ય સરકારો અને મ્યુનિસિપલ સ્ટાફ ગેરકાયદે બાંધકામ ઉભું કરનારાઓને પ્રોત્સાહન આપતા હોય છે. આવા બાંધકામો જ્યારે તોડવાના ચુકાદા આવે છે ત્યારે  બિલ્ડરો કરગરતા થઇ જાય છે.નોઇડા જેવી લગડી જગ્યા પર ૪૦ માળના  ટ્વીન ટાવર્સ ઉભા કરતા ત્રણ વર્ષ થયા હતા. તેને તોડી પાડવાનો કેસ છ વર્ષ સુધી ચાલ્યો હતો હવે તેને જમીનદેાસ્ત કરવાની પ્રેાસેસ ચાર મહિના સુધી ચાલશે.જ્યારે કોઇ ગેરકાયદે બાંધેલા ટાવર્સ તોડવાનો વખત આવે ત્યારે આજુબાજુના મકાનોને સાચવવાના હોય છે અને મકાન તોડતા ઉડનારી ડસ્ટથી પણ લોકોને બચાવવાના હોય છે. ૪૦ માળના બે ટાવર્સ જ્યારે તોડી પડાશે અને જમીન સમતલ કરી આપવામાં આવશે ત્યારે તેના ફોટા પણ કોર્ટમાં રજૂ કરવા પડશે. 

૪૦ માળના બે ટાવર્સ તોડી પાડવાની આ પ્રથમ ઘટના હોઇ લોકોનું ખાસ કરીને બિલ્ડર લોબીનું ધ્યાન ખેંચાય તે સ્વભાવિક છે. ૪૦ માળના બે ટાવર્સ ઉભા કરનારી કંપનીની ચરબી સુપ્રીમ કોર્ટે ઉતારી નાખી હતી. તેણે લોકોના રૂપિયા પણ પાછા આપવા પડયા હતા અને નામોશી મળી તે વધારામાં. આશ્ચર્યતો એ વાતનું છે કે ઉત્તર પ્રદેશની સરકારે કંપની પર દંડ નાખવાની નિતી અપનાવી રહી છે. 

ગેરકાયદે મકાનો તોડવાનો સૌથી મોટો અને સૌથી વિવાદાસ્પદ કેસ કેરળ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી સાથે સંકળાયેલો છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારમાં રહેણાંક ઉભા કરવાનો કેસ હતો. સ્થાનિક સત્તાવાળાઓેની મંજૂરી લીધા વિના બિલ્ડીંગ ઉભું કરી દેવાયું હતું. મરૂદા મ્યુનિસિપાલીટી વિસ્તારમાં આવતું આ બિલ્ડીંગ જે બંધાયું હતું ત્યાં કોઇ મકાન માટે પરવાનગી આપવામાં નહોતી આવતી.કોચીની આ ગેરકાયદે ઇમારત બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાઇ હતી. આલ્ફા સેરીનામાં ૨૧૪૦ સ્કેવરફીટના લકઝરી ફ્લેટ હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કોન્ટ્રાક્ટટરો વગદાર હોવા છતાં ફ્લેેટ તોડવા પડયા હતા. તોડી પડાયેલા સૌથી ઉંચા બિલ્ડીંગમાં અમેરિકામાં ડેટ્રોઇટ ખાતે જે એલ હડસન ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનું ૪૩૯ ફૂટ ઉંચું સ્ટ્રક્ચર તોડી પડાયું હતું.

ત્રાસવાદીઓ માટે મોટા ટાવર્સ તોડી પાડવા આસાન હોય છે . જેમકે આખા વિશ્વએ અમેરિકામાં ટ્વિન ટાવર્સ પર ૧૧-૯ ના રોજ અલકાયદાના વિમાનો દ્વારા થયેલા હુમલા જોયા છે . જેમાં બંને ટાવર્સ થોડી મિનિટોમાંજ ભોેંય ભેગા થઇ ગયા હતા. ખુબ ગણત્રી સાથે કરાયેલા હુમલાને જોઇ આખું વિશ્વ સ્તબ્ધ બની ગયું હતું. આ ટ્વિન ટાવર્સ પરના હુમલામાં ૨૭૫૦ થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.પરંતુ અહીં કિસ્સો ગેરકાયદે ઉભા કરાયેલા ટાવર્સને તોડી પાડવાનો છે. આવા ટાવર્સ તોડી પાડવા ખાસ એન્જીન્યરોની ટીમ હોય છે જે બ્લાસ્ટનો ઉપયોગ કરે છે પણ આસપાસ કોઇને નુકશાન ના થાય તેનું ધ્યાન રાખે છે. પોતાના ઘરની બહારનો ઓટલો તોડવાની નોટિસ મળે તો પણ લોકો સહન કરી શકતા નથી. ગેરકાયદે બાંધકામ કરવા આસાન હોય છે. કેટલાંક સત્તાવાળાઓને સમજાવવામાં સફળ થાય છે તો કેટલાંક મામલો કેાર્ટમાં લઇ જાય છે. કોર્ટનો ચુકાદો આવતા સુધીમાં બિલ્ડરો અનેક ગેરકાયદે બાંધકામો ઉભા કરવાની હિંમત કેળવી લે છે. 

નોઇડાના સત્તાવાળાઓને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ગેરકાયદે ઉભા કરાયેલા ૪૦ માળના બે ટાવર્સને તોડી પાડો.  આ ટ્વિન ટાવર્સ એપેક્સ અને સાયને સુપર ટેકના નામે ઓળખાય છે. બહુ ચર્ચિત આ કેસની વિગતો સમજવા જેવી છે.  ૪૦ માળના આ બે ટાવર તોડતાં છથી સાત મહિના થાય. ૧૦૦ કામદારો જોઇએ અને ૨૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય એમ હતો. આવું વિશાળ ડિમોલેશન કરવા માટે સાવચેતી એટલા  માટે રાખવી પડી કે જમીન નીચે કેબલ હોય અને આસપાસની જમીન પરના મકાનો વાઇબ્રેશન જીલી શકે કે કેમ તેનું પણ ધ્યાન રાખવું પડે. તેનો જે ભંગાર પડે તે હટાવતા પણ ત્રણ મહિના લાગી શકે છે. 

સુપ્રિમ કોર્ટે ટ્વિન ટાવર્સમાં ખરીદી કરનારાઓને તેમની રકમ પાછી આપવા પણ આદેશ કર્યો હતો. ૨૮ ફેબ્રુઆરી પહેલાં આ રકમ ચૂકવવાના આદેશ અપાયા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગેરકાયદે ટ્વિન ટાવર્સ ઉભા કરનારા બિલ્ડરો સામે પોલીસ પગલાં લેવાનો આદેશ પણ આપ્યો છે. જે અધિકારી આ ટાવર્સની મંજૂરી સાથે સંકળાયેલા છે તે તમામની સામે કોર્ટે પણ પગલાં લેવાના આદેશ આપ્યા છે એમ લોકો પણ કડક પગલાંની માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સુપરટેક ટ્વિન ટાવર્સ ૨૨ મે સુધીમાં તોડવાના છે. સુપર ટેકના એપેક્સ અને સેયેન ટાવર્સ તોડી પાડવાનો આદેશ ગયા ઓગષ્ટમાં આપવામાં આવ્યો હતો. નોઇડાના સેક્ટર ૯૩-એમાં આવેલા આ ટાવર્સ વર્ષોથી વિવાદમાં હતા.ન્યાયમૂર્તિ ડી વાય ચન્દ્રચૂડ અને સૂર્યકાન્તે આપેલા નોઇડાના સત્તાવાળાઓને ટાવર્સ તોડી પાડવા માટેની સિસ્ટમ એફિડેવિટ કરીને રજૂ કરવા જણાવ્યું હતું. સુપરટેક ટ્વિન ટાવર્સ સાથે સંકળાયેલા તમામ ડિપાર્ટમેન્ટ તેમજ આસપાસના મકાનો અને રહેવાસીઓ ડિમોલેશન માટેની પરવાનગી આપી હતી.  ફ્લેટ ખરીદનારાઓએ જ્યારે પ્લાન માંગ્યો ત્યારે નોઇડા ઓથોરીટીની પોલ ખુલી ગઇ હતી

આખો કેસ જ્યારે કોર્ટમાં લડાયો ત્યારે કોર્ટે શરૂઆતથીજ બિલ્ડરની વિરૂધ્ધનો ચુકાદો આપ્યો હતો. ગેરકાયદે બાંધકામ કરનારાઓ માટે નોઇડાનો કિસ્સો ગાલે લપડાક સમાન છે. સરકારી અધિકારીઓ કે રાજકીય વગના જોરે મકાનો ઉભા કરી દેવાય છે પરંતુ જયારે પકડાય છે અને કોર્ટ ચુકાદો આપે છે ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય છે.દેશમાં ગેરકાયદે ઉભા કરી દેવાયેલા અનેક શોપિંગ સેન્ટરો પણ તોડવા પડયા છે અને મોટી હોટલો પણ તોડવી પડી છે. નોઇડાના ૪૦ માળના ટ્વિન્સ ટાવર તોડવાનો આદેશ દેશભરના બિલ્ડરોની દાદાગીરી પર લપડાક સમાન છે. આવા મકાનોને જ્યારે ગેરકાયદે બાંધકામોની નોટિસો મળે છે ત્યારે તેને ડસ્ટબીનમાં પધરાવી દેવાય છે.પોતાનું કોઇ બગાડી શકે નહીં એવા ભ્રમમાં રાચતા બિલ્ડરોએ નોઇડાનો કેસ નજરમાં રાખીને આગળ વધવું જોઇએ. ૪૦ માળનું ટ્વિન ટાવર્સ ચણી નાખનારાઓએ સરકાર બદલાય તેની રાહ જોયા કરી હતી.  લોકો જજ બદલાય એની રાહ પણ જોતા હોય છે પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે અને ગેરકાયદે કામ કરનારાઓના ગળા સુધી વહેલાં મોડાં પહોંચી જતા હોય છે.

ઉત્તર પ્રદેશની યોગી સરકારના સમજાવવાના પ્રયાસ કરાયા હતા પરંતુ  ત્યાં દાળ ના ગળતાં તેમની સરકાર બદલાય તેની રાહ જોવાતી હતી. જોકે તે દરમ્યાન સુપ્રિમ કોર્ટે ૨૨મે પહેલાં ૪૦ માળના બે ટાવર્સ તોડી પાડવા આદેશ આપી દીધો છે અને તેનો અમલ પણ શરૂ થઇ ગયો છે.

કોઇ બિલ્ડર સેવૈચ્છિક રીતે પોતાની બનાવેલી ઇમારત તોડવા તૈયાર નથી હોતો. સત્તાવાળાઓ ઇમારત તોડવાના આદેશ આપેતો કોર્ટમાં લડે છે અને નીચલી કોર્ટમાં હારેતો ઉપલી કોર્ટમાં દલીલ કરે છે પણ સમજાવટથી ક્યારેય માનતો નથી. જ્યારે કોર્ટ આદેશ આપે છે ત્યારે પોતાની ભૂલ સમજાય છે અને તેની નજર સામે ઇમારતને તોડવી પડે છે. આમ પણ, ઉંચી ઇમારતો તોડવી પડકાર જનક હોય છે. તેના માટે ખાસ એજંસીઓ કામ કરતી હોય છે. 

આવા એજંસીઓ પહેલાં દિવાલો તોડે છે પછી બીમ અને છત તોડે છે. ઇમારત તોડવાની સાથેજ નીચે પડતું મટોડું , સ્લેબ અને ઇંટાડાને ત્વરીત ખસેડી લેવા જેસીબી મશીન અને ડમ્પરો તૈયાર ઉભા હોય છે. સામાન્ય એવા  બે ચાર માળનું મકાન તોડાય છે ત્યારેે તેના બારી બારણા કે કબાટો વેચવા માટે બહાર મુકાય છે. એવું મોટી ઇમારતોમાં સળીયા વેચવાનો ઘંધો જોવા મળે છે. ઘરતીકંપથી કે ત્રાસવાદી હુમલાથી તૂટી પડતા મકાનો આસાપાસના મકાનોને મોટું નુકશાન કરતા હોય છે. 

ગગનચૂંબી ઇમારતો તોડતી એજંસીઓ એક પછી એક માળ  ઉતાર્યા પછી બાકીના માળ બ્લાસ્ટ કરીને નીચે પાડી દે છે. આડેધડ મકાન તોડવામાં આવે તો આજુબાજુના મકાનોના પાયાને નુકશાન થાય છે. 

ન્યુયોર્ક ખાતેના ૨૭૦ પાર્ક એવન્યુના ૫૨ માળ ઉતારતાં ચાર વર્ષ થયા હતા. નોઇડાના ટ્વિન ટાવર્સ ઉતારતા ચાર મહિના લાગશે કેમકે તે માટે ખાસ મશિનરી વપરાવાની છે. 

915 ફ્લેટ તૂટશે...633 બુક થઇ ગયા હતા..

સુપ્રીમે સુપર ટેક કંપનીને મોટો ઝાટકો આપ્યો હતો. ટ્વિન ટાવર્સમાં જેમણે ફ્લેટ ખરીદવા રોકાણ કર્યું હતું તેમને ૧૨ ટકા વ્યાજ સાથે રકમ પાછી આપવા આદેશ કર્યો હતો. ગેરકાયદે બાંધકામ લોકોથી છુપાવીને તેમને વેચાણ માટે મુકતા કોર્ટે તે બાબતે કડક પગલાં લેવા જણાવ્યું છે. સુપર ટેક એમર્લેન્ડને રેસિડેન્ટ વેલફેર એસોસીયેશનને ૨ કરોડ રૂપિયા ચૂકવવના આદેશ આપ્યો હતો. આશ્ચર્ય તો એ વાતનું હતું કે નોઇડા ઓથોરીટીએ ૨૦૦૯માં પ્રોજેક્ટને આપેલી મંજૂરી પણ ગેરકાયદેસરની હતી. ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ, નેશનલ બિલ્ડીંગ કોડનો ભંગ, બે મકાનો વચ્ચેના અંતરનો ભંગ જેવા અનેક ગુનાઓ જાણવા મળ્યા હતા. અલ્હાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદાને સુપ્રીમે યોગ્ય ગણાવતા કુલ ૯૧૫ ફેલેટ , ૨૧ દુકાનો તૂટશે. ૯૧૫માંથી ૬૩૩ ફ્લેટ તો બુક થઇ ગયા હતા. હોમ બાયર્સ એસોસિયેશન પણ મેદાનમાં આવ્યું હતું. તેણે રજૂઆત કરી હતી કે ઓરિજીનલ પ્લાનમાં ટ્વિન ટાવર્સનો ઉલ્લેખ નહોતો.

આજની નવી જોક

લીલી મુંઝાયેલી હતી...

છગને પુછ્યું શુ થયું ?

લીલીએ કહ્યું

છેલ્લા બે વર્ષથી રેમિડેસિવર, ઓમાયક્રોન, ડેલ્ટાક્રોન, એઝિથ્રોમાયસીન જેવા શબ્દો સમજાતાં સમજાતાં હાલત ખરાબ થઈ ગઈ હતી...

ત્યાં હવે વ્લાદિમીર પુતિન, વોલેદિમિર ઝેલેન્સકી, મિખાઈલ પોડોલ્યાક જેવા શબ્દો બોલતાં બોલતાં હવે તો જીભના લોચા વળી જાય છે....

    Sports

    RECENT NEWS