For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇ-રૂપીઃ સરકારી યોજનાઓનો ભ્રષ્ટાચાર ખતમ થશે?

Updated: Aug 5th, 2021

Article Content Image

- હવે સરકાર બેંકખાતામાં પૈસા નાખવાને બદલે લાભાર્થીના મોબાઇલમાં વાઉચર મોકલાવી દેશે, જેનો ઉપયોગ માત્ર જે-તે યોજનાના લાભ માટે જ થઈ શકશે

- ઇ-રૂપીને ડિજિટલ કરન્સી ન સમજતા, તે વાઉચર છે

- ભારતમાં 76 કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે, વધુમાં વધુ વહીવટ ઑનલાઇન કરીને પારદર્શિતા લાવવાનો આ યોગ્ય સમય

સી-ફોર નામની એજન્સીએ કરેલા એક સર્વેક્ષણમાં ૭૧ ટકા ગ્રામજનોએ એવું કહ્યું કે, સરકારી યોજનાઓમાં અતિશય ભ્રષ્ટાચાર ચાલે છે. ૩૦ ટકાએ યોજનાગત લાભ માટે પૈસા ખવડાવ્યા હોવાની પણ કબૂલાત કરી. રાજીવ ગાંધીના સમયમાં સરકાર એક રૂપિયો ખર્ચે ત્યારે માત્ર ૧૫ પૈસા છેવાડાના માનવી સુધી પહોંચતા હતા. વચ્ચે ૮૫ પૈસા ચાઉં થઈ જતા. આજે સ્થિતિ બદલાઈ છે પણ ભ્રષ્ટાચારનો અંત આવી ગયો છે એવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. ચૂંટણીમાં દાવા કરવામાં આવે એ અલગ વાત છે, કિન્તુ જમીની હકીકત સૌ કોઈ જાણે છે. સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે ન તો જમીન પરના માણસને કોઈ લાભ થાય છે, ન તો સરકારને. તેવું ન થાય તે માટે મોદી સરકારે એક નવી પહેલ કરી છે, જેણે આશા જગાવી છે કે સરકારી યોજનામાંથી ભ્રષ્ટાચાર નહીંવત થઈ જશે.

કેન્દ્ર સરકારે ઈ-રૂપી નામથી કેશલેસ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા લોન્ચ કરી છે. આ વ્યવસ્થા વ્યક્તિ અને હેતુ આધારિત છે. ભારતમાં અત્યારે ૭૬ કરોડ લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. ગામડાંના લોકો પણ હવે ઓનલાઈન પેમેન્ટ કરતા થઈ ગયા છે. અભણમાં અભણ વ્યક્તિના ઘરમાં પણ કમસેકમ એક વ્યક્તિ તો એવી હોય જ છે જે મોબાઈલ થકી પેમેન્ટ કરવાની અને સ્વીકારવાની સમજણ ધરાવે છે ત્યારે કેશલેસ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા સફળ નીવડવાની સંભાવના ખૂબ વધારે છે.

ઈ-રૂપી કઈ રીતે કામ કરે છે એ સમજવા જેવું છે. 

ઈ-રૂપી વાઉચર આધારિત વ્યવસ્થા છે. તમારી પાસે બિગ બાઝારનું પાંચસો રૂપિયાનું વાઉચર હોય તો તમે ત્યાં જ તે ખર્ચી શકો, અન્યત્ર નહીં. એમેઝોનનું વાઉચર હોય તો એમેઝોનની વેબસાઈટ પર જ ખર્ચી શકાય અન્યત્ર નહીં. એવું જ આ ઈ-રૂપીનું છે. સરકાર અત્યારે મોટાભાગની યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર કરે છે. સીધા બેંકમાં પૈસા નાખે છે પણ ત્યાંય બે પ્રકારની સમસ્યા તો નડે જ છે. પહેલી સમસ્યા બેંકની અમલદારશાહીની નડે છે, અને બીજી સમસ્યા  લાભાર્થીની પોતાની હોય છે. જે-તે યોજના માટે મળેલા પૈસા લાભાર્થી અન્યત્ર ખર્ચી નાખે તો તેનાથી જે ફાયદો થવો જોઈએ તે થતો નથી.  જે હેતુથી તે પૈસા આપવામાં આવેલા હોય તે હેતુ મરી જાય છે. અત્યારે સરકાર જુદી-જુદી ૩,૦૦૦ યોજનામાં રૂપિયા ૧૭.૫૦ લાખ કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરે છે. ઈ-રૂપી તેના કરતાં પણ એક ડગલું આગળ જઈને કામ કરશે. 

દાખલા તરીકે સરકાર દેશના ખેડૂતોને બિયારણ માટે સહાય આપવા માગે છે તો હવે તેના ખાતામાં પૈસા નહીં નાખે, પરંતુ તે ખેડૂતના આધારકાર્ડ સાથે સંલગ્ન મોબાઈલ નંબરમાં એક વાઉચર મોકલી આપશે. એ વાઉચર જે-તે ખેડૂતના નામનું જ હશે, અને તેનો ઉપયોગ ફક્ત ને ફક્ત બિયારણ ખરીદવા માટે જ થઈ શકશે. બિયારણ માટે સરકારે માન્ય કરેલી દુકાન ખાતે જ તે વાઉચર રિડીમ થઈ શકશે.

આવી જ રીતે એલપીજી, રેશન, મેડિકલ ટ્રીટમેન્ટ, પેન્શન અને શિષ્યવૃત્તિ સહિત વિવિધ યોજનાઓ માટે આ રીતે કેશલેસ સહાય મેળવી શકાશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે  લાભાર્થીના ખાતામાં સીધા પૈસા નાખ્યા પછી પણ સરકારને ખબર પડતી નહોતી કે તેમણે આપેલા પૈસા લાભાર્થીએ ક્યાં ખર્ચ્યા? હવે પડશે. ગત જૂલાઈ મહીનામાં દેશમાં ૩૦૦ કરોડ યુપીઆઈ વ્યવહારો થયા છે. યુપીઆઈ થકી રૂપિયા ૬ લાખ કરોડની ચૂકવણી થઈ છે. દેશમાં ઓનલાઈન આર્થિક વ્યવહારો આટલા બધા વધી ચૂક્યા છે ત્યારે ઈ-રૂપી વાઉચર વ્યવસ્થા લાગુ કરવાનો આ બિલકુલ યોગ્ય સમય છે.

આ વ્યવસ્થા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નાણાંકીય સેવા વિભાગ, આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા મળીને તૈયાર કરવામાં આવી છે. ટી.બી. નિવારણ કાર્યક્રમ, માતા અને શિશુ કલ્યાણ યોજનાઓ, દવા અને નિદાનની યોજનાઓ જેમ કે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, ખાતર સબસીડી સહિત વિવિધ યોજનાઓ માટે ઈ-રૂપીનો ઉપયોગ થશે. 

ઈ-રૂપી ડીજીટલ રૂપિયો નથી, પણ ડિજિટલ રોકડ છે, જેનું ફિઝીકલ કેશ અથવા બેંક બેલેન્સમાં રૂપાંતર અમુક બેંકો થકી જ થઈ શકશે અને તે પણ યોજનાઓનો લાભ આપનારી એજન્સીઓ જ કરાવી શકશે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે ઈ-રૂપીમાં લેવડદેવડ નહીં કરી શકે એ ખાસ સમજવું જોઈએ. આ વ્યવસ્થા માત્ર ને માત્ર અમુક વ્યક્તિ અને અમુક સંસ્થા માટે જ હશે. 

માત્ર સરકાર જ ઈ-રૂપી વાઉચર જનરેટ કરી શકશે એવું નથી, ખાનગી કંપનીઓ પણ કરી શકશે. જેમ કે કોઈ કંપનીને એમ થયું કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારી અને તેના પરિવારજનોને કંપની તરફથી રસી અપાવવી છે તો તે તમામ કર્મચારી અને તેમના પરિવારજનોના નામના ઈ-રૂપી વાઉચર જનરેટ કરી શકશે અને એ વાઉચરનો ઉપયોગ અગાઉથી ઠરાવવામાં આવેલી હોસ્પિટલમાં જ થઈ શકશે.  આવા જ વાઉચર શોપિંગ માટે જનરેટ કરી શકાય, અન્ય કોઈ હેતુ માટે જનરેટ કરી શકાય. આનો સૌથી મોટો ફાયદો એ છે કે લાભાર્થીને ફરજિયાતપણે તેનો ઉપયોગ જે-તે લાભ મેળવવા માટે જ કરવાનો રહેશે, અને લાભ આપનારનો હેતુ પણ સિદ્ધ થશે. તેના પૈસા વેડફાશે નહીં જે-તે કામમાં ખર્ચાશે. 

બીજા અનેક દેશોમાં હાલ આ પ્રકારની પેમેન્ટ વ્યવસ્થા અમલી છે. અમેરિકન સરકાર જે વિદ્યાર્થીના ભણતરનો ભાર ઉપાડવા માગતી હોય તેના ખાતામાં પૈસા નાખવાને બદલે તેને શિક્ષણ વાઉચર અથવા સ્કૂલ વાઉચર આપી દે છે. તેનો ઉપયોગ શાળાની ફી ભરવા સિવાય બીજે ક્યાંય થઈ શકતો નથી. અમેરિકા ઉપરાંત કોલંબિયા, ચીલી, સ્વીડન અને હોંગકોંગમાં આવી વાઉચર વ્યવસ્થા અમલમાં છે.

સરકારી યોજનાનો હેતુ ગરીબોને ગરીબીમાંથી ઊંચા લાવવાનો હોય છે. ભ્રષ્ટાચારને કારણે તેમને યોજનાનો લાભ મળતો નથી અને તેઓ આજીવન ગરીબ રહી જાય છે, બીજી બાજુ ગરીબો ઊંચા ન આવવાના કારણે યોજના નિષ્ફળ જાય છે સરકારની મહેનત પાણીમાં જાય છે. વર્ષો સુધી સરકાર સહાય જાહેર કરતી રહે છે અને વર્ષો સુધી પૈસા વેડફાતા રહે છે, ચાઉં થતાં રહે છે. 

ઈ-રૂપી આ દૂષ્ચક્ર અટકાવશે તેવો અંદાજ છે. તેનાથી ગરીબી નિવારણની દિશામાં મહત્ત્વપૂર્ણ કામગીરી થઈ શકે છે. કોઈપણ દેશ વિકાસશીલમાંથી વિકસિત ત્યારે જ બને છે જ્યારે સરકાર શિક્ષણ અને આરોગ્ય પાછળનો ખર્ચ વધારે. ઈ-રૂપી થકી સરકાર શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ તો કરશે જ, સાથોસાથ તે ખર્ચ ચોક્કસ વ્યક્તિ સુધી પહોંચવાથી તેનો નક્કર લાભ પણ મળશે. ઇ-રુપીનો રણકાર કેવોક છે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.

આજની નવી જોક

છગન (મગનને) : ભારતીય પત્ની પોતાના પતિનું બધું જ માને છે. સિવાય એક.

મગનઃ એ શું?

છગનઃ કહ્યું નથી માનતી.

મગનઃ હેં!?

વિચાર

ઇંડિયાની પોતાની ડિજિટલ કરન્સી શા માટે નહીં?

ઈતિહાસમાં ૨૧મી સદીની બીજી શતાબ્દીનો ઉલ્લેખ નાણાકીય જગતમાં ક્રાંતિ  લાવનારા દાયકા તરીકે થશે. કોઈને કલ્પના નહોતી કે જેના માલિકનું નામ ગુપ્ત છે એવો એક વર્ચ્યુઅલ સિક્કો નામે બિટ કોઈન ગોલ્ડ, પ્લેટિનમ અને પેટ્રોલ કરતા પણ સેંકડો ગણી મોંઘી જણસ બની જશે. આજે ૨,૦૦૦ કરતા વધારે ક્રિપ્ટો કરન્સીઝ છે અને તેનું વૈશ્વિક માર્કેટ ૧.૨ ટ્રિલિયન ડોલરનું છે. ક્રિપ્ટો તો એક પ્રકારની ટેકનોલોજીનું નામ છે. એ સિવાયની પણ ડિજિટલ કરન્સીઝ હોઈ શકે છે. 

ક્રિપ્ટો કરન્સી માર્કેટની વિશેષતા એ છે કે તેમાં વચ્ચે કોઈ મધ્યસ્થ બેંક નથી. તેમ છતાં તેની લોકપ્રિયતા આટલી બધી છે તેનો અર્થ એ થયો કે હવે લોકો ડિજિટલ મની ઇચ્છે છે. ક્રિપ્ટો કરન્સીને લોકો સોના-ચાંદી જેવી મિલકત માનવા લાગ્યા છે ત્યારે ભારત સરકારે આ પ્રવાહથી અલિપ્ત રહેવું જોઈએ નહીં. આરબીઆઈએ ક્રિપ્ટો અથવા અન્ય પ્રકારની ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનો સમય પાકી ગયો છે. મુહૂર્ત વીતી રહ્યું છે.

જીકે જંકશન

- નિકોલ પાશિન્યાન અર્માનિયાના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. દર વર્ષે પહેલીથી ૭મી ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. 

- તાજેતરમાં ફિલ્મ સમીક્ષક રાશિદ ઈરાનીનું નિધન થયું હતું. કન્ફેડરેશન ઓફ ઇંડિયન ઈન્ડસ્ટ્રી અને સિરમ ઈન્સ્ટીટયૂટએ ગ્રામ્ય ક્ષેત્રે રસીકરણ માટે સમજૂતિ કરી છે. 

- ઇટલીના મર્સેલજેકેબ્સ ટોક્યો ઓલિમ્પિકની ૧૦૦ મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડમેડલ વિજેતા બન્યા છે. હાઈટેક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કેરળ રાજ્ય સરકારે કૃષિકરણ યોજના શરૂ કરી છે. 

- ભુવનેશ્વર કોવિડ-૧૯ સામે ૧૦૦ ટકા રસીકરણ કરનારું દેશનું પહેલું શહેર બન્યું છે.  દિલ્હી યુનિવર્સિટીના સંશોધકોએ દેડકાની એક નવી પ્રજાતિની ઓળખ કરી છે. દર વર્ષે ૨૯મી જુલાઈએ આંતરરાષ્ટ્રિય વાઘ દિવસ મનાવવામાં આવે છે. 

- નાઈજિરિયાએ પોતાની નવી ક્રીપ્ટો કરન્સી લોંચ કરી છે. આ કરન્સીનું નામ છે ઈ-નાયરા. નાસાનું પર્સીવરન્સ રોવર મંગળના જેઝેરો નામક ક્રેટર (ખાડો)માં ખાખાખોળા કરી રહ્યું છે. વિશ્વ કેડેટ કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતની પ્રિયા મલિક ગોલ્ડમેડલ વિજેતા બની છે.

- દર વર્ષે ૨૭મી જૂલાઈએ અર્ધસૈનિક દળ સી.આર.પી.એફ. (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૮૩મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો. 

- તાજેતરમાં ભૌતિક વિજ્ઞાાની સ્ટીવન બેનવર્ગનું નિધન થયું હતું. અમેરિકાના આ વિજ્ઞાાનીને ૧૯૭૯માં નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

- ઑનલાઈન શિક્ષણ આપતી ભારતની કંપની બાયજુએ સિંગાપોરની ટેક એજ્યુકેશન કંપની ગ્રેટ લર્નિંગ ૬૦ કરોડ ડોલરમાં ખરીદી હતી. જાપાનની માત્ર ૧૩ વર્ષની ખેલ વિરાંગના મોમીજી નિશયા ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ વિજેતા બની છે. સ્કેટબોર્ડિંગમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

- ફિલિપાઈન્સ ગોલ્ડરાઈસના વાવેતરને મંજૂરી આપનારો પહેલો દેશ બન્યો છે. તાજેતરમાં લોલોજોન્સ દ્વારા એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જનું શીર્ષક છે ઓવર ઈટ.

- યુકેમાં એક નવા વાઇરસે ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું છે. તેનું નામ છે, નોરો વાઇરસ. તેના ૧૫૩ કેસ નોંધાયા છે. આ વાઇરસનો ભોગ બનનાર દરદીને ઝાડા-ઊલટી થઈ જાય છે.

Gujarat