- નંબર પાંચના જાતકો ન્યુમેરોલોજીમાં સૌથી ભાગ્યશાળી માનવામાં આવ્યા છે, શામાટે?
ભારત બે પ્રકારના કટ્ટરપંથીઓથી પીડિત છે. એક કટ્ટર ધાર્મિકો અને બીજા કટ્ટર લિબરલ. કટ્ટર ધાર્મિક છે તે પોતાના ધર્મ સિવાય કશું જ દુનિયામાં સાચું નથી તેવું માને છે, કટ્ટર લિબરલ માને છે કે મોડર્ન સાયન્સ સિવાય કશું સાચું નથી. સત્ય આ બંનેથી વેગળું ક્યાંક ત્રીજે આંટા મારે છે. આધુનિક વિજ્ઞાાનનું મહત્ત્વ છે તેનો અર્થ એ નથી કે પ્રાચીન વિજ્ઞાાનનું કોઈ મહત્ત્વ નથી.
આધ્યાત્મિક વિજ્ઞાાન એ સ્યુડો સાયન્સ નથી. આ દુનિયામાં ઘણું ખરું એવું છે જે તર્કાતિત છે. આધ્યાત્મિક વિજ્ઞાાન પણ તેમાંનું એક છે. અનુઆધુનિક વિજ્ઞાાને તર્કની મમત મૂકી દીધી છે, પણ લિબરલ્સ મૂકવા તૈયાર નથી. તેઓ એટલીસ્ટ ટ્રાય કરવા પણ તૈયાર નથી. આઇનસ્ટાઇનની થીઅરી સ્ટીફન હોકિંગ્સે ખોટી પાડી તો સ્ટીફનનો નાસ્તિકતાવાદ પણ આવતીકાલે ખોટો પડી જ શકે છે એટલું સરળ સત્ય તેમને ગળે ઊતરતું નથી. આધ્યાત્મ અનુભૂતિના સત્યમાં વિશ્વાસ કરે છે.
અગ્રી, ધર્મ અને આધ્યાત્મના નામે બહુ જ ધતિંગ ચાલે છે, પણ એનો અર્થ એવો કરી લેવો કે ધર્મ માત્ર કે આધ્યાત્મ માત્ર ધતિંગ જ છે એય શું એક્સ્ટ્રીમ વિચાર નથી? વરાહ મિહિરને મહાન ગણિતજ્ઞા તરીકે આપણે યાદ કરીએ છીએ તો એ કેમ ભૂલી જઈએ છીએ કે તેઓ ઉત્તમ જ્યોતિષી પણ હતા. કાલીદાસના કાવ્યો તો આપણે ઘેલા-ઘેલા થઈને વાત કરીએ છીએ, કિન્તુ તેઓ અચ્છા જ્યોતિષી હતા અને તેમણે કુંડલિની જાગૃત કરેલી એ વિશે આપણે શોધ-સંશોધન કરવાનું ભૂલી જઈએ છીએ.
જેમ કટ્ટરપંથીઓ વિધર્મીઓને નફરત કરવી અને પોતાના ધર્મમાં ચાલી આવતી દરેક બાબતને સાચી માનવી એવી જડતા સાથે જીવે છે તેમ કથિત ઑપન માઇન્ડેડ લોકો ધર્મ કે આધ્યાત્મની વાત આવે ત્યારે પોતાના મગજને પેટર્ન લોક મારી દે છે. એઓ પણ એક પ્રકારના બંધિયાર માઇન્ડેડ જ છે. કિરોના મમ્મીએ આવો બંધિયાર મગજ રાખ્યો નહોતો. તેમણે તેમના દીકરાને નાની ઉંમરે ભારતના ભવિષ્યકથન શાસ્ત્રનું એક પુસ્તક વાંચવા આપ્યું. કિરો તે એક બેઠકે વાંચી ગયા અને મચી પડયા. આજે દુનિયા તેમને મહાન અંકશાસ્ત્રી તરીકે યાદ કરે છે.
માનો કે ન માનો અંકોનું મહત્ત્વ છે. દરેક અંકની પોતાની એનર્જી છે. તે એનર્જી વડે તે આપણા જીવનને પ્રાભાવિત કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં મુખ્યત્વે બે નંબર હોય છે. જન્માંક અને ભાગ્યાંક. જન્માંક એટલે? ધારો કે તમારી જન્મ તારીખ ૧૫ છે. તો ૨+૪=૬. છ એ તમારો કર્મ નંબર થશે. જન્માંકને કાર્મિક નંબર યા કર્મ નંબર પણ કહી શકાય. બીજો છે ભાગ્યાંક. અંગ્રેજીમાં તે લાઇફપાથ નંબર કહેવાય છે. ધારો કે તમારી ડેટ ઑફ બર્થ ૧૫-૦૪-૧૯૬૦ છે. તો આ બધા આંકડાનો ટોટલ માંડવાનો. જે આંકડો આવે તે ભાગ્યાંક. તે લાઇફપાથ નંબર. ૧ + ૫ + ૦ + ૪ + ૧ + ૯ + ૬ + ૦ =૨૬=૨+૬=૮. આ અંકો તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી દે છે પ્લસ તમારા જીવનના લક્ષ્યો હાંસલ કરવામાં પણ તમને સહાયક બને છે. નવેય આંકડા નવ ગ્રહોની એનર્જી સૂચવે છે.
૧) નંબર એકમાં સૂર્યની એનર્જી રહેલી હોય છે. તેનો જાતક સરકારી નોકરી અને રાજનીતિમાં સફળ નીવડે છે. આ જાતકનો આઇ મોટો હોય છે. પરંપરા, કુંટુંબ, વારસાનું તેને અભિમાન હોય છે. તે સ્વકેન્દ્રી હોય છે. તેમનો આત્મવિશ્વાસ આસમાને હોય છે. ઉત્તમ સીઇઓ, અધ્યક્ષ, જનરલ, પોલીસ અધિકારી બને છે. તેમને બધું પોતાના નિયંત્રણમાં રાખવાની આદત હોય છે. કોઈ કામ તેમની યોજના પ્રમાણે ન થાય તો ઊકળી ઊઠે છે. તેમને ખુશામત ગમે છે. તેઓ સેલ્ફ એમ્પ્લોઇડ પણ હોઈ શકે.
૨) બે નંબરના જાતકો લાગણીશીલ હોય, કેરિંગ હોય, સાથોસાથ મૂડી પણ હોય. બે નંબરનો માલિક છે. ચંદ્રની કળામાં જેમ વધઘટ થાય તેમ આવા જાતકોનો મૂડ સ્વિંગ થાય. તેમને પૈસાની બાબતમાં પણ ઉતાર ચઢાવ આવ્યા કરે. તેઓ સંવેદનશીલ હોય, તેઓ સારા એક્ટર બને, તેઓ કેરિંગ હોય, સારા ડૉક્ટર અથવા નર્સ બને. તેઓ રોમેન્ટિક લેખક બને. તેઓ શાંતિ પ્રિય હોય. જન્માંક અથવા ભાગ્યાંક બે હોય તેવી મહિલાઓ સારી દાયણ બને, સારી માતા બને. બે નંબરના જાતકો ઉત્તમ પ્રેમી હોય.
૩) નંબર ત્રણ ગુરુનો નંબર છે. તેઓ શૂન્યમાંથી સર્જન કરે. ગરીબમાંથી અમીર બને છે. અત્યંત બુદ્ધિશાળી હોય છે. બેન્કિંગ ક્ષેત્રમાં સારી સફળતા મેળવે છે. મોટિવેશનલ સ્પીકર, સ્ટોક બ્રોકર, ફાઇનાન્શિયલ એનાલિસ્ટ બને છે. ક્રિએટીવ હોય, કોમેડિયન હોય, લોકોનું મનોરંજન કરે, પ્રોફેસર કે ઉપદેશક બને. ગાયક પણ હોઈ શકે. તેઓ અચ્છા પરફોર્મર હોય, કોમ્યુનિકેટર હોય, ઉત્તમ એન્કર બને. તેમને ટ્રાવેલિંગ કરવું બહુ જ ગમે છે. તેઓ સામાજિક હોય છે. તેમના ઘરે મહેમાનોનો આવરો-જાવરો રહે છે.
૪) નંબર ચાર રાહુનો છે. તે વ્યવસ્થાપન, આયોજન, પ્રેક્ટિકાલિટી અને દુન્યવી ઇચ્છાઓનો છે. ચાર નંબરના જાતકો અંકશાસ્ત્રની મદદથી આર્થિક સફળતા મેળવે. નંબર-૨, નંબર-૪ અને નંબર-૮ના જાતકો અત્યંત લાગણીશીલ હોય છે. આઠના જાતકો જાતે કામ કરવામાં માને છે, જ્યારે નંબર ચારના જાતકો ટીમવર્ક દ્વારા ગોલ અચીવ કરે છે. ચાર નંબરના જાતકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે. ચાર નંબરનો જન્માંક હોય એવો જાતક ચાર નંબરના જન્માંકવાળા જાતક સાથે સારી ભાગીદારી કરી શકે છે. તેઓ સારા કર્મચારી હોય, બહાદૂર હોય, સારા મેનેજર પણ બને. ચાર નંબરના જાતકો ગોલ ઓરિએન્ટેડ હોય છે, પણ આઠ નંબરના જાતકોની જેમ ગોલ માટે પરિવારનું સુખ ત્યજી દેતા નથી. તેઓ પરિવાર અને લક્ષ્યો બંનેને બેલેન્સ કરે છે. તેઓ અભ્યાસમાં સારા હોય છે.
૫) નંબર પાંચના જાતકો ન્યુમેરોલોજીમાં સૌથી લકી માનવામાં આવ્યા છે. તેમને નાની ઉંમરે સફળતા મળે છે. આ નંબર કોમ્યુનિકેશન, પત્રકારત્વ, કેલ્ક્યુલેશન અને અકાઉન્ટિંગનો નંબર છે. નંબર પાંચના જાતકો સારા અકાઉન્ટન્ટ, સારા હિસાબનીશ અને પાર્ટી પ્લાનર હોય છે. નંબર પાંચ બુધનો નંબર છે. આવા જાતકો રમતિયાળ હોય છે. વર્ક હાર્ડ, પાર્ટી હાર્ડરમાં માને છે. ક્યારેક ડ્રગ્સ, આલ્કોહોલ અને સ્મોકિંગના રવાડે ચડી જાય છે. તેઓ સારા વિચારક હોય છે. આ માટે તેમને એકાન્ત જોઈએ છે. તેમને હાઇકિંગ, પાર્ટીગ, ક્લબિંગ અને ડ્રિન્કિંગ પસંદ છે.
તેઓ સારા પીઆર એજન્ટ, રેસ્ટોરન્ટ ઓનર અને ક્લબ ઓનર બને છે. તેઓ સ્વતંત્રતાના હિમાયતી હોય છે. તેઓ ખૂબજ એક્ટિવ રહે. તેમની પાસે વસ્તુઓનો ઢગલો હોય. આવા જાતકોના ઘરમાં પાર્ટીનો માહોલ રહે છે. રોજ તેમને નવું-નવું ખાવા જોઈએ છે. તેમના ઘરમાં લોકોની સતત અવર-જવર રહે છે.
૬) નંબર છ શુક્રનો છે. સૌંદર્ય અને કલાકૃતિઓનો નંબર છે. શુક્ર સિનેમા અને ફેશન સિવાય પણ બીજું ઘણું બધું છે. ૬ એ ગૃહશોભાનો નંબર છે. નંબર છના જાતક ઘરે રહીને ધંધો કરે છે. તેમને ઘરનું ખૂબ આકર્ષણ હોવાથી તે ઘરને અત્યંત સુંદર બનાવી દે છે. આવા જાતકો સારા ઇન્ટિરિયર ડેકોરેટર બને છે, વાસ્તુ કન્સલ્ટન્ટ બને છે, ગૃહ ઉદ્યોગ કરે છે. આર્ટ અને ક્રાફ્ટનો બિઝનેસ કરે છે, સારા રસોઇયા બને છે. સુંદરતા, સિનેમા અને કળાનું તેમને આકર્ષણ રહે છે. છ નંબરની મહિલાઓ સારી ગૃહિણી બને.
૭) નંબર સાત કેતુુનું પ્રતિનિધિત્વ કરે છે. કડિયાકામનો નંબર છે. નંબર સાતના જાતકો એકાંતપ્રિય હોય છે. આધ્યાત્મવાદી હોય છે, એકાંતપ્રિય હોય છે. તેઓ સારા નવલકથાકાર હોઈ શકે છે. કાં તો તેઓ અત્યંત અભ્યાસુ હોય છે અથવા કલાકાર. તેઓ સમાજથી અલિપ્ત હોય છે. તેઓ રહસ્યવાદમાં રુચિ ધરાવે છે. તેમને કોઈની સત્તા હેઠળ કામ કરવું ગમતું નથી. તેઓ સારા સંશોધક હોઈ શકે છે. ફિલ્મ ડિરેક્ટર કે એડિટર પણ હોઈ શકે છે.
૮) આઠ નંબરના જાતકોનું એક જ લક્ષ્ય હોય છે. સફળતા મેળવવી, પૈસો કમાવો. આ નંબરનો માલિક શનિ છે. આઠ નંબરના જાતકો જીવનના ઝંઝાવાત સામે ઝઝુમે છે. તેઓ જીવનનો સાચો મરમ જાણે છે. તેમને બિગ મની, બિગ હોમ, બિગ ટોય્ઝ, બિગ થિન્ગ્સ, બિગ ઇન્વેસ્ટમેન્ટ, બિગ ફેઇમ, બધું જ એક્સ્ટ્રા લાર્જ જોઈએ છે. નંબર ચારથી વિપરીત નંબર આઠના જાતકો તેમના હાર્ડવર્ક અને સંપત્તિનો દેખાડો કરે છે. પૈસા અને ભૌતિક સુખ પાછળની આંધળી દોટને લીધે ક્યારેક તેમને સફર પણ કરવું પડે છે. તેઓ કાં તો અતિ ધનાઢ્ય હોય છે અથવા અતિ ગરીબ. ક્યારેય વચગાળામાં હોતા નથી. આઠ નંબરના જાતકો અત્યંત મહત્ત્વાકાંક્ષી હોય. તેઓ મોટા નેતા, સીઈઓ, વકીલ, રાજનેતા અથવા ફિલ્મકાર હોઈ શકે છે.
૯) નવ નંબરનો માલિક છે મંગળ. નંબર નવ એટલે બીજાને ચાહવું, બીજાની કાળજી લેવી, બીજાને પોષણ આપવું. તેઓ સારા ડૉક્ટર બને. તેઓ દુનિયા બદલવાના સપનાં જુએ. વિશ્વને વધારે સારું અને શાંત બનાવવા મથામણ કરે. સેવાકીય કાર્યોમાં તેમને સારી સફળતા મળે. તેમનામાં પ્રેમ અને કરુણા હોય. તેઓ પેટ લવર્સ હોય, માનવતાવાદી હોય, ભલાઈ માટે લડનારા હોય.
કપિલ રાજ શર્માના પુસ્તક એસ્ટ્રોલોજી એટ ધ સ્પીડ ઑફ લાઇટમાં આંકડાની જીવન પર અસર વિશે આછેરી ઝલક આપવામાં આવી છે. પાઇનો શોધક અને નંબરોના જાદુગર મેક્સ કોહાન માનતા કે દુનિયામાં દરેક ચીજ પાછળ કોઈને કોઈ ગણિત હોય છે. ચાહે તે વૃક્ષ હોય કે ઑફિસ ટેબલ. દીવાલ હોય કે દરિયાનું મોજું. ગણિતજ્ઞા કોહાનની વાતને આગળ લઈ જઈએ તો એ ગણિત એટલે નંબર્સ કે બીજું કઈ? એ નંબર તમને ભૌતિકથી લઈને અધિભૌતિક સુધી બધે જ અસર કેમ ન કરે!
આજની નવી જોક
લીલીએ પીયરેથી છગનને ફોન કર્યો, હવે તો મને તેડી જાવ.
છગન કહે, હજી ચાર-પાંચ દિવસ રોકાઈ જાને.
લીલી કહે, ભાઈ-ભાભી, મમ્મી-પપ્પા, પાડોશી, બહેનપણી બધા જોડે ઝઘડી લીધું, પણ તમારા જેવી મજા જ નથી આવતી.
છગન કહે, હેં!?


