For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વ: આર્થિક સંકટ અને આંદોલનોનો બેવડો માર

Updated: Aug 3rd, 2021

વિશ્વ: આર્થિક સંકટ અને આંદોલનોનો બેવડો માર

- આર્થિક સુધારા કરનારા દેશો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે રીફોર્મ્સ લાવવાનું ચૂકી જતા વિકાસની દોડમાં અડધે જ હાંફી ગયા

- કોલંબિયા, દક્ષિણ આફ્રિકા, ટયુનિશિયા સહિત અનેક દેશોમાં અશાંતિ ફેલાઈ રહી છે, શામાટે?

- મુક્ત આર્થિક નીતિઓ ત્યજવાનું ચીનનું પગલું આત્મઘાતી સાબિત થઈ શકે છે

પૈસા અને સ્વાસ્થ્યને સીધો સંબંધ છે. એવું નથી કે તમારી પાસે કરોડો હોય તો તમે ૭૦ને બદલે ૧૪૦ વર્ષ જીવી શકો. પરંતુ એ તમને ખુશ રાખે છે, માનસિક તણાવથી મુક્ત રાખે છે અને એ રીતે તમારા સ્વસ્થ રહેવાના ચાન્સીઝ વધારી દે છે. બેંક બેલેન્સ અને બ્લડપ્રેશર વચ્ચે એક અદ્રશ્ય સંબંધ રહેલો છે. આમાં અપવાદ હોઈ શકે છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં આ જ સત્ય છે. માણસ પાસે પૈસા હોય તો એ હેપી રહે એમ દેશ પાસે પૈસા હોય તો તે પણ ખુશ રહે છે.

જેવું અર્થચક્ર ખોરવાય કે અનેક પ્રકારના કોલાહલ શરૂ થઈ જાય છે. થોડા સમયથી આવું  બની રહ્યું છે. કોરોનાએ વૈશ્વિક અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતારી દેતા કેટલાય દેશોમાં અશાંતિ વ્યાપી છે. દક્ષિણ આફ્રિકામાં હુલ્લડો ફાટી નીકળ્યા છે. કોલંબિયામાં હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ટયુનિશિયામાં બંધારણીય કટોકટી ઊભી થઈ છે. જ્યાં જુઓ ત્યાં  બિનઉદારવાદી સરકારોની બોલબાલા છે. પેરુમાં માર્ક્સવાદીઓ સત્તારૂઢ થયા છે, તો બ્રાઝિલ અને મેક્સિકોની લોકતાંત્રિક સંસ્થાઓની સ્વતંત્રતા પર હુમલા થઈ રહ્યા છે.

કોરોનાની લહેર પછી કે લહેરની સાથે જે અશાંતિની લહેરો ફુંકાઈ છે તે ખાસ કરીને વિકાસશીલ દેશોમાં જોવા મળી રહી છે. આ એવા દિવસો છે જ્યાં હજી પૂરો દિવસ પણ નથી, અને પૂરી રાત પણ નથી. આ એવા દેશો છે જે અમેરિકા બનવાનું સ્વપ્ન જૂએ છે, પરંતુ સરકારી હૉસ્પિટલોમાં ગંદકી છે  અને પ્રાઈવેટ હૉસ્પિટલો ઘર ખાલી થઈ જાય એટલી મોંઘી છે. અહીં સરકારી શાળાઓ ખખડધજ છે અને ખાનગી શાળામાં ફીના નામે લૂંટફાટ ચાલી રહી છે. 

અત્યાર સુધી આ બધું તો હતું જ પરંતુ આર્થિક વિકાસની સ્વપ્નીલ દોડમાં તેઓ આ બધું નજરઅંદાજ કરી રહ્યા હતા. બોમ્બની જેમ કોરોના ફાટતા તેમની નોકરીઓ ગઈ છે. હૉસ્પિટલમાં દાખલ થયેલા તેમના સ્વજનો સ્વર્ગસ્થ થઈ ચૂક્યા છે. સ્વપ્ન ભંગ પછીની બિહામણી વાસ્તવિકતા તેમનાથી સહન થઈ શકતી નથી. અમલદારશાહીમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર હૉસ્પિટલોમાં સુવિધાઓનો પણ અભાવ અને બે છેડા ભેગા કરવામાં પડતી મુશ્કેલીએ જનતાનો અસંતોષ વધારી દીધો છે. અત્રે એ નોંધવું બિલકુલ સુસંગત છે કે બ્યુબોનિક પ્લેગમાં યુરોપની અડધી વસ્તી સાફ થઈ ગયા પછી નવજાગૃતિકાળના આંદોલનો થયા હતા.

એક સર્વે પ્રમાણે કોરોનાને કારણે વિશ્વમાં ૧,૪૦,૦૦,૦૦૦ મોત થયાં છે. ચીનને બાદ કરી દઈએ તો વિશ્વની ૬૮ ટકા વસ્તી લોઅર અને મિડલ ઈન્કમવાળા દેશોમાં વસે છે. કુલમાંથી ૮૭ ટકા મૃત્યુ આ દેશોમાં થયા છે. નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં માત્ર પાંચ જ ટકા વસ્તી એવી છે જેને રસીના બંને ડોઝ મળ્યા છે. કોરોના આવ્યા બાદ મધ્યમ આવકવાળા દેશોની જીડીપીનો વિકાસદર ૫ ટકા ઘટી ગયો છે. વધી રહેલી આર્થિક સંકડામણ સામાજિક અશાંતિમાં પરિવર્તિત થઈ રહી છે. સાલ ૨૦૦૮ પછી પહેલી વાર આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. 

અમેરિકા અને બ્રિટન માટે આર્થિક ખળભળાટ એ નવી વાત નથી. ઊભરતા અર્થતંત્રોને આ ઘટના કીડીને કોશના ડામ જેવી લાગી રહી છે. તેઓ નિરાશાનો અનુભવ કરી રહ્યા છે. નવી શતાબ્દીની શરૂઆતમાં વિશ્વના ગરીબ દેશોને ઊંચા લાવવાની ચર્ચા શરૂ થઈ હતી. તેમાં ત્રણ બાબતો પર ભાર મુકાયો હતો. ફોરેન ટેકનોલોજી સ્વીકારો, ઉત્પાદન ક્ષેત્રે રોકાણ વધારો, અને વેપાર માટે અર્થતંત્રના દરવાજા ખોલો. પૂર્વ એશિયાની ટાઈગર  ઈકોનોમીઝ આ કમાલ કરી ચૂકી હતી. આ ટાઈગર ઇકોનોમીઝ એટલે સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને તાઈવાન. વોલસ્ટ્રીટે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઈનાને નવી સુપરસ્ટાર ઇકોનોમી ગણાવીને તેમના માટે સૌ પ્રથમ બ્રિક્સ શબ્દ પ્રયોજ્યો હતો. 

તેવું થયું પણ ખરું, કેટલાક ગરીબ દેશો બહુ ઝડપથી આગળ વધવા લાગ્યા. મલ્ટીનેશનલ કંપનીઓ નવા દેશોમાં પહોંચવા લાગી. ગરીબી ઘટી. નવા બહુધુ્રવીય વિશ્વનો ઉદય થયો. જેમાં બધા અગાઉ કરતાં વધારે સુગ્રથિત બન્યા. ૮૦ના દસક પછી શરૂ થયેલું આ સ્વપ્ન તેના મુકામ સુધી પહોંચી શક્યું નથી.  વિયેતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા અને ચીનને જે સફળતા મળી તે બીજા એશિયન દેશોને મળી નથી. ૩૯ ટકા દેશો  એવા છે જેમનો સંઘ કાશીએ પહોંચતા પહેલાં જ વિખરાઈ ગયો. બ્રાઝિલ અને રશિયા ઠંડા પડી ગયા. લેટિન અમેરિકન દેશોની ગાડી પણ ક્યાંક ને ક્યાંક પાટા પરથી ઊતરી ગઈ. મિડલ ઇસ્ટ અને ઉપસહારન આફ્રિકા ધનાઢ્ય દેશોની તુલનાએ વધારે પાછળ રહી ગયા છે.

તેનું કારણ આ રાષ્ટ્રો અને તેની સરકાર વિકાસ શું છે એ સમજ્યા વિના જ વિકાસની રેસમાં જોડાઈ ગયા હતા.  ઇમારત ગમે તેટલી સારી હોય પણ પાયો મજબૂત ન હોય તો ઇમારત ઊભી રહી શકે? ન રહી શકે. દેશના વિકાસ માટે પણ આવું જ છે. શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા મજબૂત ન હોય તો વિકાસ થઈ શકતો નથી અને જો એકાદ-બે વર્ષ થઈ જાય તો સાતત્ય જાળવી શકતો નથી. વિકાસની દોડમાં સામેલ થયેલા દેશોએ પણ એવું જ કર્યું. તેમણે આર્થિક સુધારા તો લાગુ કર્યા, પણ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રિફોર્મ્સ લાવવાનું ચૂકી ગયા.

વિકાસશીલ દેશોમાં સમસ્યા શું છે એ તો બધાને ખબર છે, પણ સમાધાન કરવામાં આવતું નથી. આફ્રિકા સુસ્ત પાવર પ્લાન્સ, ભારતની ખખડધજ બેન્કિંગ સિસ્ટમ અને રશિયાનો ભ્રષ્ટાચાર તેના પગની બેડી સાબિત થયા છે. નેતાઓ, અદાલતો, મધ્યસ્થ બેંકો અને તેના જેવી જ બીજી સ્વાયત્ત સંસ્થાઓની  સ્વતંત્રતા ખતમ કરી તેના પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોમાં આર્થિક ચક્ર ખોરવાતા વિરોધ ફાટી નીકળ્યો છે અને વિરોધ પ્રદર્શનો આર્થિક વિકાસને વધુ ખોરવી રહ્યા છે. આમ એક  દૂષ્ચક્ર ચાલુ થઈ ગયું છે જેને રોકવું જરૂરી છે. વિકાસશીલ દેશોને અર્થતંત્ર ખોલવાની સલાહ આપતાં વિકસિત દેશો પોતાના દેશની કંપનીઓને સ્પર્ધા ન નડે તે માટે પ્રોટેક્શનિઝમની નીતિ અપનાવી રહ્યા છે. જ્યારે વિશ્વમાં પ્રોટેક્શનિઝમની નીતિ અપનાવનારા દેશોની સંખ્યા વધી જાય ત્યારે વિકાસદર ધીમો પડે છે.

વિશ્વને પ્રવર્તમાન સંકટ અને અશાંતિમાંથી બહાર લાવવા માટે આ એક મોટો પડકાર છે. કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી બાળકો શાળાએ જઈ શકતાં નથી તે પણ એક મોટું વિઘ્ન છે. આવી સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ભવિષ્યના વિકાસના પાયામાં લૂણો લાગવાનું જોખમ છે.  

ચીને મુક્ત વિકાસની નીતિ અપનાવીને તેની આર્થિક સફળતાની દાસ્તાન લખી છે. આશ્ચર્ય તો એ છે કે તે પણ હવે સંકુચિત નીતિઓ તરફ ઢળ્યું છે અર્થતંત્રને વધુને વધુ બંધનયુક્ત બનાવી રહ્યું છે. અમેરિકા અને યુરોપે હંમેશા ગરીબ દેશોમાં પોતાની બજાર શોધી છે. તેનાથી ઊલટું વલણ ચીન માટે આર્થિક રીતે આત્મઘાતી સાબિત થઈ શકે છે. પશ્ચિમી દેશોએ રક્ષણવાદની નીતિ અપનાવી હોવાથી  વિકાસશીલ દેશોના વેપારીઓ માટે નિકાસની તકો ઘટી છે.

બીજીબાજુ ઉત્પાદન ક્ષેત્ર વધુને વધુ ઓટોમેટિવ બનતું જતું  હોઈ તેમાં પણ નોકરીઓ ઘટતી જાય છે. સેવાક્ષેત્રની નોકરીઓ પણ વિકસીત દેશોમાંથી  વિકાસશીલ દેશોમાં  હવે ઓછી આઉટસોર્સ થઈ રહી છે.   જોકે એકની પાછળ બીજાએ ભૂલ કરવા જેવું નથી. કોઈપણ દેશમાં નોકરીની વધુને વધુ તકો ત્યારે જ ખૂલે જ્યારે મુક્ત આર્થિક નીતિઓ અપનાવાય, અને દેશમાં નોકરીઓ જેટલી વધારે હોય એટલી શાંતિ પણ જળવાય.

ટેકનોલોજીનો ઉપયોગ, મુક્ત અર્થતંત્ર, સારામાં સારું શિક્ષણ અને ઉત્તમ તબીબી સેવાઓ જ કોઈપણ દેશની સકસેસ સ્ટોરી લખી શકે છે અને મળેલી સમૃદ્ધિ ટકાવી શકે છે.

જીકે જંકશન

* દર વર્ષે ૩૧મી જુલાઈએ વિશ્વ રેન્જર દિવસ મનાવવામાં આવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર અથવા ઘાયલ થનારા રેન્જર્સને આ દિવસે યાદ કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે.  

* મલેશિયાએ હિપેટાઈટીસ માટે દુનિયાની સૌ પ્રથમ સસ્તી અને અસરકારક દવા રજિસ્ટર કરાવી છે. 

* સાઉદી અરેબિયાએ કેટલાક દેશો પર ૩ વર્ષનો પ્રવાસ પ્રતિબંધ લાદ્યો છે. તેમાં યુ.એ.ઈ., લીબિયા, સિરિયા, યમન, ઈરાન, તુર્કી અને ભારતનો સમાવેશ થાય છે. આ માટે  તેણે જારી કરેલી સૂચિને કોવિડ-૧૯ રેડલિસ્ટ નામ આપવામાં આવ્યું છે. 

* શ્રીલંકામાંથી વિશ્વનો સૌથી મોટો નિલમ પથ્થર મળી આવ્યો છે. તેનો વજન ૫૧૦ કિલો અથવા ૨૫ લાખ કેરેટ છે. તેની કિંમત રૂા. ૭૦૦ કરોડ આંકવામાં આવી રહી છે.  તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ પ્રમાણે ભારત પાસે ૫૦૦ કરોડ ટન સોનાનો ભંડાર છે. 

* કર્ણાટક રાજ્ય સરકારે ખેડૂતોના બાળકો માટે શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે. ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસ દ્વિપ પાસે જ્વાળામુખીની ઓળખ કરવામાં આવી છે. 

* રાજસ્થાન રાજ્ય સરકારે લઘુત્તમ વેતન વધારવાનો નિર્ણય કર્યો છે.  ભારતીય નૌસેનાના જહાજ આઈ.એન.એસ. તલવારે આફ્રિકાના પૂર્વીય તટ પર યોજાયેલા કટલાસ એક્સપ્રેસ યુદ્ધ અભ્યાસ ૨૦૨૧માં ભાગ લીધો હતો. 

* આનંદ રાધાકૃષ્ણનને પ્રતિષ્ઠિત આઈઝનર કોમિક ઈન્ડસ્ટ્રી અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.  નૂપુર ચતુર્વેદી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમના નવા સીઈઓ બન્યા છે. 

* દર વર્ષે ૩૦મી જૂલાઈએ વિશ્વ માનવ તસ્કરી પ્રતિરોધક દિવસ મનાવવામાં આવે છે.  નજીબ મીકાતિ લેબેનોનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. 

* આંતરરાષ્ટ્રીય ક્લિનએર કેટેલિસ્ટ પ્રોગ્રામ અંતર્ગત ભારતના એક માત્ર શહેરની  પસંદગી થઈ છે, તે શહેર એટલે ઈન્દોર.

* છત્તીસગઢ રાજ્ય સરકારે જમીન વિનાના ખેડૂતોને પ્રતિવર્ષ રૂા. ૬ હજાર આપવાનો નિર્ણય કર્યો છે.  ઇંગ્લેન્ડના ભૂતપુર્વ બોલર માઈક હેનરીકનું તાજેતરમાં અવસાન થયું હતું.

આજની નવી જોક

છગન (લલ્લુને): પરિણામ શું આવ્યું?

લલ્લુ: પ્રિન્સિપાલનો છોકરો ફેઇલ થયો.

છગન: ને તું?

લલ્લુ: મેજર સાહેબનો છોકરો ફેઇલ થયો.

છગન: તું?

લલ્લુ: ડૉક્ટર સાહેબનો છોકરો ફેઇલ થઈ ગયો.

છગન: ડોબા તારું પૂછું છું?

લલ્લુ: તમે કંઈ રાષ્ટ્રપતિ છો કે તમારો છોકરો પાસ થઈ જાય?

છગન: હેં!?

Gujarat