ઑનલાઇન શિક્ષણઃ પરિવર્તન વર્સસ પડકાર
- હાઇસ્પીડ ઇન્ટરનેટનું સર્વસુલભ ન હોવું શિક્ષણ ક્ષેત્રે પહેલેથી પ્રવર્તી રહેલી અસમાનતા ઓર વધારશે
- વકીલ જો ઑનલાઇન સુનવાણીમાં પથારીમાં બેસીને દલીલ દેતા હોય તો નેટ પર ભણતા બાળકો પાસે શિસ્તની આશા કેવીરીતે રાખવી?
- ન્યુક્લિઅર ફેમિલીમાં પતિ-પત્ની બંને નોકરી કરતા હોય છે, તેમના બાળકો ઘરે બેસીને કેવીરીતે ભણશે?
કેટલાક પરિવર્તનો અનિવાર્ય હોય છે. તેના ફાયદા અને ગેરફાયદા બંને છે. ફાયદો એ છે કે અગાઉ જડ બની ગયેલી અને સ્વયંભૂ પરિવર્તન ન કરનારી વ્યવસ્થાને ફરજીયાતપણે બદલાવું પડે છે. ગેરફાયદો એ છે કે આવા ફરજિયાત અને અનિવાર્ય બદલાવ નવા પડકાર ઊભા કરે છે, જેનું ટૂંકા ગાળામાં કોઇ સમાધાન હાથ લાગતું નથી. ઓનલાઇન એજ્યુકેશન આવું જ એક પરિવર્તન છે જેણે એક નવી તક પણ ઊભી કરી છે અને અવ્યવસ્થા પણ. નવી તક વિદ્યાર્થી માત્રને કઇ રીતે સુલભ બનાવવી અને સર્જાયેલી અવ્યવસ્થા કઇ રીતે દૂર કરવી તે વિષય શિક્ષણ જગતના માંધાતાઓ અને સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયો છે.
ઑનલાઇન શિક્ષણ સામે સૌથી મોટા ત્રણ પડકારો વીજળી, ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના આવ્યાં છે. અત્યાર સુધી સ્કૂલો વાલીઓને એવું સમજાવતી કે તમારા સંતાનોને મોબાઇલ ફોન ન આપો, જો આપશો તો તેના દૂષ્પરિણામ માટે તમે જવાબદાર હશો. હવે આ જ શાળાઓ વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન આપવાની વાત કરે છે તે વાલીઓના ગળે ઊતરતું નથી. એક ઘરમાં ૩ બાળકો હોય તો ત્રણે માટે એક-એક મોબાઇલ ફોન ખરીદવો પડે. ચોકલેટ-પીપરની જેમ સ્માર્ટફોન વેચાતા અત્યારે બજારમાં તેની શોર્ટેજ ઉભી થઇ ગઇ છે, ખાસ કરીને રૂા. ૧૦ હજારથી નીચેના ફોનની.
લોકડાઉનને કારણે બે-ત્રણ મહિના સુધી ધંધા ઠપ હતા. એ પછી લેપટોપ અને સ્માર્ટ ફોન ઇન્ડસ્ટ્રીને બાદ કરો તો બધે જ મંદી છે એવામાં વાલીઓ માટે બે-ત્રણ તો શું એક ફોન ખરીદવો પણ કસોટીરૂપ, સજારૂપ છે. સ્માર્ટ ફોનની ઘણી બધી બદીઓ છે, પોર્ન સાઇટથી લઇને સોશિયલ મીડિયા સુધી. ટીકટોકની ટકટક ભલે ગઈ, પણ આવી હજી બીજી ઘણી એપ્સ છે. બાળકો તેના રવાડે ન ચડી જાય તેનું ધ્યાન રાખવા માટે વાલીઓનું તેમના પર સીસી ટીવીની જેમ મંડાયેલા રહેવું અઘરું છે. હા, અત્યારે જે ચેલેન્જ આવી છે તેને ધ્યાને લઇને ભવિષ્યમાં સ્ટડી ફોન જેવી કોઇ ચીજ બનાવી શકાય છે, જેમાં કેવળ શિક્ષણલક્ષી જ કન્ટેન્ટ ખૂલે.
બીજો પ્રશ્ન ઇન્ટરનેટ અને વીજળીનો છે. ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનાઢ્ય વર્ગને કોઇ મુશ્કેલી નથી. તેમને મોંઘા ભાવે મળતું હાઇસ્પીડ ઇન્ટરનેટ પોસાઈ શકે છે, પણ ભારતનો મોટો વર્ગ નિમ્ન મધ્યમ અને ગરીબ છે. તેમના સંતાનોનું શું? તેઓ હાઇસ્પીડ ઇન્ટરનેટ લેવા ક્યાં જાય? મોબાઇલ ડેટાની જે સ્પીડ હોય છે તેમાં નિર્વિઘ્ને ઑનલાઇન કલાસ રૂમ ભરવા અશક્ય છે. આટલું ઓછું હોય તેમ ત્રીજો પ્રશ્ન વીજળીનો પણ છે. મહાસત્તા બનવાના અને વિશ્વગુરૂ બનવાના સપનાં જોતાં ભારતમાં હાલતા ને ચાલતા લાઇટ જતી રહે છે. એ હાલતમાં ફોન અને લેપટોપ ચાર્જ રાખવાની પણ સમસ્યા ખડી થાય છે.
કલાસ રૂમના સમયે જ વીજળી ન હોય અને સ્માર્ટ ફોન પણ ચાર્જ ન હોય તો શું કરવાનું? નેટ સ્પીડ ધીમી આવતી હોય તો ક્લાસ કેવી રીતે ભરવા? ઑનલાઇન શિક્ષણ આપનારી મોટાભાગની શાળાઓ એવા માધ્યમ પર ક્લાસ લઇ રહી છે જેમાં રેકોર્ડીંગની કોઇ સુવિધા નથી. વિદ્યાર્થીઓને રેકોર્ડેડ વિડિયો પૂરા પાડવા માટે શાળાઓએ વિશાળ કલાઉડ સ્ટોરેજ ખરીદવો પડે. શાળાઓ તેની ખરીદીમાં કંજૂસી કરી રહી છે. અમુક એરિયામાં અમુક કંપનીનું જ ઇન્ટરનેટ પ્રાપ્ય છે, અમુક મોબાઇલ કંપનીનો ટાવર અમુક જગ્યાએ પકડાતો નથી, આ બધી છોટી-છોટી મગર મોટી સમસ્યાઓ છે.
કોઇપણ વિદ્યાર્થી એક વખતમાં જ એક દાખલો અથવા એક લેસન સમજી જાય તે જરૂરી નથી. જેને બાઉન્સ ગયું હોય તેણે ફરીથી શીખવું- સમજવું પડે છે. પ્રીરેકોર્ડેડ વીડિયો વિના તે સંભવ નથી. સ્કૂલમાં માત્ર શિક્ષણ પાઠય પુસ્તક પૂરતુ સીમિત હોતું નથી, એ સિવાય શિષ્ટાચાર અને શિસ્ત પણ ત્યાં શીખવા મળે છે. આ એક એવી દવા છે જે નાનું બાળક પીવા માગતું નથી પણ તેને પકડીને ગળે ઉતારવાની હોય છે. ઘરે બેસીને ભણતાં વિદ્યાર્થીને આ દવા ગળે ઉતારવી મુશ્કેલ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટની ઑનલાઇન સુનાવણીમાં એક વકીલે ટીશર્ટ પહેરીને પથારીમાં બેઠા-બેઠા દલીલો આપી. આવા વરિષ્ઠ અને સમજદાર લોકો આટલા કેઝ્યુઅલ બની જતા હોય તો વિદ્યાર્થીઓ શિષ્ટાચાર અને શિસ્ત કેવી રીતે શીખી શકે? સ્કૂલમાં વિદ્યાર્થી તોફાન કરે તો શિક્ષક તેને ખિજાઈ શકે, ત્યાં વાલી ન હોવાથી વિદ્યાર્થીને શિક્ષકનો ડર પણ લાગે તે તેના ઠપકાને ગંભીરતાથી લઇ શિસ્ત પાલન કરતા શીખે.
ઑનલાઇનમાં આવી સંભાવનાઓનો છેદ ઊડી જાય છે. ઑનલાઇન ક્લાસ રૂમમાં શિક્ષક ખિજાય તો વિદ્યાર્થી ફોન બંધ નહીં કરી દે તેની શું ખાતરી? આજના જમાનામાં પતિ-પત્ની બંને નોકરી કરતા હોય છે. સવારથી બપોર અથવા બપોરથી સાંજના અને ડે-કેર સ્કૂલમાં તો સવારથી સાંજ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા રહેતા, વાલીઓ ચિંતા મુક્ત રહેતા. હવે તેઓ ઘરે બેસીને ભણે તો વાલીઓને નોકરીએ કેવી રીતે જવું? સંયુક્ત કુટુંબ છે ત્યાં વાંધો નથી, ન્યુક્લિયર ફેમિલી હોય તો બાળકોને કોના ભરોસે મૂકીને જવા? આ બધા બહુ નાના પણ મોટા પ્રશ્નો છે. જેમ હજુ કોરાનાની દવા મળી નથી તેમ આની રસી પણ શોધવાની બાકી છે.
સીબીએસઇ અથવા આઇસીએસી બોર્ડનું ઘણું ખરું સ્ટડી મટિરીયલ ઑનલાઇન અવેલેબલ છે. જીએસઇબી જેવા રાજ્ય શિક્ષણ બોર્ડ અંતર્ગતના વિવિધ ધોરણોનું નહીં જેવું મટિરીયલ ઑનલાઇન પ્રાપ્ય છે. સીબીએસઇ, આઇસીએસી અને જીએસઇબીનું જે મટિરીયલ ઑનલાઇન ઉપલબ્ધ છે તેમાંથી મોટાભાગનું હેતુલક્ષી અથવા પરીક્ષાલક્ષી છે. વિદ્યાર્થીઓની સમજ વધારનારા મટિરિયલનો કાળો દુકાળ છે. ગોઠણપટ્ટીને પ્રેરનારા મટિરિયલયલનો લીલો દુકાળ છે.
કોરોના કાળમાં આપણને આપણી મર્યાદાઓ વધારે સારી રીતે દેખાય છે. આપણી પાસે પૂરતા ડોકટર્સ નથી, પૂરતી માળખાગત સુવિધા નથી, અને સંશોધકો તથા ઇનોવેટર્સનો તો રીતસર શૂન્યાવકાશ છે. ફેસબુક, ટ્વીટર, માઇક્રો પ્રોસેસર્સ, સ્માર્ટ ફોન, રેફ્રીજરેટર, એરકન્ડીશનર, એરો પ્લેન, કોમ્પ્યુટર્સ, આધુનિક શસ્ત્રો આ બધું જ વિદેશથી આવે છે અને વિદેશના બેસ્ટ બ્રઇન્સ દ્વારા બનાવવામાં આવે છે.
આપણે ત્યાં જે વૈજ્ઞાાનિકો અને સંશોધકો છે પણ તેની સંખ્યા વિદેશીઓની તુલનાએ ૦.૦૦૦૧ હશે. ભારતમાં એસેમ્બલ થતાં અને ગર્વભેર સ્વદેશીના નામે વેચાતા સાધનોના સ્પેરપાર્ટ પણ વિદેશથી જ આયાત કરાયેલા હોય છે.
આ બધા માટે આપણી શિક્ષણ પ્રણાલી જવાબદાર છે. ગોખણપટ્ટી અને ટકાવારીલક્ષી આપણી શિક્ષણ પ્રથાને કારણે આપણે ત્યાં બેસ્ટ રીસર્ચ ટેલેન્ટ પાકતી નથી. દુનિયામાં સૌથી વધુ એન્જિનિયર ભારતમાં પેદા થાય છે, અને એન્જિનિયરિંગ ક્ષેત્રે સૌથી વધુ સંશોધનો ચીન અને અમેરિકામાં થાય છે. એ કેવી વક્રતા? એટલે જ એક સમયે શેરી એ ગલીએ ખૂલી ગયેલી એન્જિનિયરિંગ કોલેજો હવે બંધ થઇ રહી છે તો આશ્ચર્ય નથી થતું. એટલે જ આઇઆઇટી અને આઇઆઇએમ વર્લ્ડ રન્કિંગમાં પ્રતિવર્ષ પાછળ ધકેલાતી જાય છે તો અચરજ થતું નથી.
પહેલેથી જ આવા સેંકડો દોષથી પીડાતી ભારતની શિક્ષણ વ્યવસ્થાને હવે સંપૂર્ણપણે ઑનલાઇન પ્લેટફોર્મ પર લઇ જવાનું આવતાં નવી આફત આવી પડી છે. કોઇ શાળા કોલેજ એવી હોય કે જે ઉપર કહ્યા તેવા એકેય દોષથી પીડિત નથી તો તેની ફી એટલી મોંઘી હશે કે ધનાઢ્ય પરિવાર સિવાય કોઇના બાળકોને તેમાં ભણવાનું પોષાય નહીં. નવા આવી પડેલા પડકારો પહેલેથી શૈક્ષણિક અસમાનતાથી ગ્રસિત ભારતીય સમાજમાં વધારે અસમાનતા જન્માવશે. સરકાર, શિક્ષણ શાસ્ત્રીઓ અને શાળા કોલેજના નફાખોર માલિકો જ્યાં સુધી આ બધા પ્રશ્નોનું નક્કર નિરાકરણ નહીં શોધે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ગોથા ખાતું રહેશે. આ અંધકાર હટે તેવી આશા મિથ્યા છે, કારણ કે કોરોનાની જેમ શાળા-કોલેજના માલિકોની નફાખોર વૃત્તિનું મારણ હજુ શોધી શકાયું નથી.
આજની નવી જોક
લીલી (છગનને) : સાંભળો છો? અભેરાઈ પરથી બેગ ઉતારી દોને? મારા હાથ ટૂંકા પડે છે.
છગનઃ હાથ ટૂંકા પડતા હોય તો જીભથી ટ્રાય કરને?
લીલીઃ હેં!?
જીકે જંકશન
- દર વર્ષે ૨૫મી જૂને નાવિક દિવસ મનાવવામાં આવે છે. કર્ણાટક સરકારે ફિવર ક્લિનીક શરૂ કરવાની ઘોષણા કરી છે. કોરોનાના દરદીને ઝડપથી ઓળખી શકાય અને ત્વરીત સારવાર આપી શકાય એટલા માટે આ નિર્ણય લેવાયો છે.
- કર્ણાટકમાં ઑનલાઇન કોચીંગ પ્લેટફોર્મનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેનું નામ છે ગેટ સેટ ગો. ત્યાં ૧૮મી જૂને માસ્ક દિવસ મનાવવામાં આવ્યો હતો. કર્ણાટકમાં કોયેગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે.
- તાજેતરમાં અમેરિકન ફિલ્મ મેકર જોએલ સુમાકરનું અવસાન થયું હતુ. તેમણે બનાવેલી સેઇન્ટ એલમોસ્ટ ફાયર, ધ લોસ્ટ બોયઝ અને ફલેટીનર્સ ફિલ્મો સુપરહીટ રહી હતી.
- કેરળની રાજય સરકારે આર્થિક પછાત વિદ્યાર્થીઓ માટે લેપટોપ યોજના શરૂ કરી છે. આઇસીઆઇસીઆઇ બેંકે વિડિયો કેવાયસી (નો યોર કસ્ટમર) શરૂ કરવાની ઘોષણા કરી છે. પર્યટન મંત્રાલય વૈદિક ફુડ એન્ડ સ્પાયસીઝ ઓફ ઇંડિયા વિષય પર વેબિનાર યોજશે.
- ર્દર વર્ષે ૨૯મી જુને રાષ્ટ્રીય આંકડાકીય દિવસ મનાવવામાં આવે છે. ૨૦મી ઓક્ટોબરે વિશ્વ આંકડાકીય દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય આંકડાકીય દિવસ ભારતના જાણીતા આંકડા શાસ્ત્રી અને રાષ્ટ્રીય આંકડાકીય કચેરીના સ્થાપક પી. સી. મહાલનોબીસની યાદમાં મનાવવામાં આવે છે.
- રશિયાએ ૨૦૨૩ સુધીમાં પહેલા પર્યટકને સ્પેસ વોક માટે લઇ જવાની ઘોષણા કરી છે. દુનિયાના શક્તિશાળી દેશો વચ્ચે હવે અવકાશ સર કરવા માટે હોડ લાગી છે. તાજેતરમાં યોજાયેલી જી-૨૦ દેશોના શિક્ષણ મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા સાઉદી અરેબિયાએ કરી હતી.
- બેંગલોરને દુનિયાની ટોપ-૩૦ સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આઇસીસીએ ભારતના અમ્પાયર નીતિન મેનનને એલીટ પેનલમાં સામેલ કર્યા છે. ભારત ડ્રોનથી તીડ નિયંત્રિત કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
- કોરોનાને હંફાવવામાં કેરળ સરકારે કરેલી કામગીરીની નોંધ આપણી સરકારે ભલે ન લીધી હોય, પણ વિશ્વમાં અચૂક લેવાય છે. યુનાઇટેડ નેશન્સે કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાનું સન્માન કર્યું હતું. મધ્યપ્રદેશ સરકારે કિલ-કોરોના અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
- માઇકલ માર્ટીન આયર્લેન્ડના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા છે. વિશ્વ કરાટે મહાસંઘે ભારતીય કરાટે સંઘની માન્યતા હંગામી ધોરણે રદ કરી છે. મધ્યપ્રદેશમાં કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ આગામી સેમેસ્ટરમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે.