For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સહેલગાહ

- નેધરલેન્ડના શાસકો પાણીથી દેશની રક્ષા કરતા, કેવીરીતે ?

Updated: Aug 1st, 2021


- હૈદરાબાદના રામપ્પા ટેમ્પલને માર્કો પોલોએ મંદિરની દુનિયાનો સૌથી ચમકદાર સિતારો ગણાવ્યો હતો

- જર્મનીમાં ૧૮૯૫માં જુગેન્ડસ્ટીલ કલા આંદોલન થયું હતું, જુગેન્ડસ્ટીલ એટલે યુવા શૈલી : તેનું એપિ સેન્ટર હવે વૈશ્વિક ધરોહર છે

વૈશ્વિક ધરોહરો શું છે? તે એવા સ્થાપત્યો છે જે આપણે જાળવવાના છે. તે એવો ભૂતકાળ છે જેનો પરિચય ભવિષ્ય સાથે કરાવવાનો છે. નવી પેઢીએ તેની પાસેથી કંઈક શીખવાનું છે.  તે આપણું ગૌરવ છે. હડપ્પન સંસ્કૃતિના ધોળાવીરા નગરને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરની સૂચિમાં સ્થાન આપ્યું ત્યારે આપણી છાતી ગજ-ગજ ફૂલી. હડપ્પા, મોહનજોડેરો (અથવા મોહેંજોડેરો) અને એ સમયના બીજા નગરોની મહાનતા હતી, ડ્રેનેજ સિસ્ટમ. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા. યુનેસ્કોએ વિશ્વની આવી બીજી પણ કેટલીક ઐતિહાસિક સાઈટને તેની સૂચિમાં સ્થાન આપ્યું છે. આપણી સાઈટનો સમાવેશ થાય તેનું આપણને ગૌરવ હોય તેમ બીજી સાઈટ વિશે જાણીને આપણે તેમાંથી કશુંક શીખીને તેમાંથી કંઈક નવું કરી શકીએ છીએ. તો ચાલો, આજે કેટલીક નવી વૈશ્વિક ધરોહરોની ઉડતી મુલાકાત લઈએ. 

(૧) ગ્વાંગજો બંદરગાહ- ચીનઃ

ઇટાલિયન વિશ્વ પ્રવાસી માર્કો પોલોએ ગ્વાંગજો બંદરગાહની પ્રશંસા કરેલી. તેણે આ શહેરને અત્યંત સંપન્ન અને ભવ્ય ગણાવેલું. સિલ્ક રૂટના સમુદ્રી માર્ગો માટે આ શહેર બહુ જ મહત્ત્વનું હતું. આજે પણ તે ચાલુ સ્થિતિમાં છે અને ભરપૂર ધમધમે છે. વિશ્વના ૮૦ દેશોના ૩૦૦ પોર્ટ સાથે વેપાર કરે છે. ૧૪મી સદીમાં મિંગ વંશના શાસન કાળથી તે ચીનનું સૌથી વ્યસ્ત બંદર બની ગયું છે. 

(૨) યુરોપના ઝરાઃ 

બ્રિટનના બાથ શહેરમાં પહેલી સદીમાં ગરમ પાણીનો ઝરો બનાવવામાં આવ્યો હતો. એવા  જ ઝરા યુરોપના બીજા ૧૧ શહેરોમાં પણ છે, જેને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરોની સૂચિમાં સ્થાન આપ્યું છે. બાથ શહેરના નામ પરથી જ બાથ  એટલે નહાવું એવો અર્થ રચાયો. જર્મનીના બેડ કિસિંજન, બેડ એમ્સ, બેડન બેડન, ચેક રિપબ્લિકના  ફ્રેન્ટીન કોવિ, કાર્લોવી વેરી, મેરી અનશ્ક લેઝન, બેલ્જિયમના સ્પા, ફ્રાંસના વિચી, ઇટલીના મોન્ટેકાટિની ટર્મ, બ્રિટનના બાથ અને ઓસ્ટ્રિયાના બેડન બેઈવીએન યુરોપ જેવા ઠંડા પ્રદેશમાં ગરમ પાણીના ઝરા વરદાનરૂપ છે. આ પાણી ઔષધિય ગુણો ધરાવે છે.

(૩) કોરદુઆં દીવાદાંડી-ફ્રાંસઃ

ફ્રાંસની આ ૬૮ મીટર ઊંચી દીવાદાંડી ૪૧૦ વર્ષ જૂની છે. ૧૬૧૧માં એન્જિનિયર લૂઇ દા ખૂઆએ તેની ડિઝાઈન બનાવી હતી. ત્યાં સુધી પહોંચવા સમુદ્રમાં નૌકામાં બેસીને જવું પડે છે. વિશ્વની સૌથી ઊંચી પરંપરાગત દીવાદાંડીમાં તે ૧૦મા સ્થાને આવે છે. ફ્રાંસની સૌથી જૂની આ દીવાદાંડી નવજાગૃતિ કાળનું માસ્ટરપીસ છે.  તેનું બાંધકામ ૧૫૮૪માં શરૂ થયેલું અને ૧૬૧૧માં પૂરૂ થયું. 

(૪) ડિયરસ્ટોન સ્મારક-મોંગોલિયાઃ

મોંગોલિયામાં આવેલા કાંસ્ય યુગના આ પ્રાચીન પથ્થરો પર સુંદર ચિત્રકારી કરવામાં આવી છે. તેની પર વિવિધ જાનવર તથા હથિયાર દોરવામાં આવેલા છે. આ સિવાયની પણ ઘણી બધી અજબ-ગજબ પેટર્ન બનાવાઈ છે. પથ્થરોની ઊંચાઈ ૪ મીટરની છે. તેનું વિશેષ આર્કષણ છે ઊડતા હરણોનાં ચિત્રો. તેના પરથી જ તેનું નામ ડિયરસ્ટોન પડયું છે. સર્બિયામાં આવેલા આ પથ્થરો ગ્રેનાઈટ અથવા ગ્રીન સ્ટોનના છે.

(૫) હિમારોક આર્ટ-સાઉદી અરેબિયાઃ

સાઉદી અરબના હિમા વિસ્તારમાં આવેલા પથ્થરો પર ૭૦૦૦ વર્ષ પહેલાં કોતરણી કામ કરવામાં આવ્યું છે. તેમાં ઊંટના ચિત્રો છે. ઉપરાંત અરબી, ગ્રીક અને મસનદ ભાષામાં વાર્તાઓ પણ લખવામાં આવી છે. તે પ્રાચીન સમયમાં આરબ દ્વિપકલ્પ પર ધબકતાં માનવ જીવનનો પરિચય આપે છે. હિમા રોક આર્ટ અંતર્ગત કુલ ૩૪ સાઈટ છે. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી સાઉદી અરેબિયાની આ ૬ઠ્ઠી વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. 

(૬) રામપ્પા મંદિર-ભારતઃ 

હૈદરાબાદથી ૨૦૦ કિલોમીટર દૂર ૧૩મી સદીમાં બનાવવામાં આવેલું રામપ્પા મંદિર ભારતની સમૃદ્ધ પ્રાચીન સ્થાપત્ય કળાનો પુરાવો છે. આ મંદિરને રૂદ્રેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક શિલાલેખમાં લખ્યું છે કે ઇ.સ. ૧૨૧૩માં કાકટિયા શાસક ગણપતિ દેવના શાસન કાળમાં મંત્રી રૂચાર્લા દ્વારા મંદિરનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું. માર્કો પોલોએ તેની મુલાકાત લીધી હતી અને તેને મંદિરોની ગેલેક્સીનો સૌથી ચળકતો સિતારો ગણાવ્યો હતો. બાંધકામ રામપ્પા નામના શિલ્પી દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતનું આ એક માત્ર મંદિર છે જે તેના શિલ્પીના નામથી ઓળખાય છે. 

(૭)  પાસેઓ ડેલ પ્રાદો- સ્પેનઃ 

મેડ્રિડમાં ૧૬મી સદીમાં બનેલો માર્ગ અને ૧૭મી સદીમાં તેના કિનારે બનેલું ઉદ્યાન આજે વૈશ્વિક ધરોહર બની ગયા છે. આ ગાર્ડનમાં કળા અને સંસ્કૃતિની અનેક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ ફૂલની જેમ ઊગી છે. જેમ કે પ્રાદો મ્યુઝિયમ અને રાયનાસોફિયા આર્ટ ગેલેરી. મેડ્રિડ ફરવા આવનારા પ્રવાસીઓ તેની મુલાકાત લેવાનું ચૂકતા નથી. ત્યાં આવેલા ત્રણ મ્યુઝિયમ ગોલ્ડન ટ્રાયંગલ તરીકે ઓળખાય છે. કલાના રસિકો માટે તે તીર્થધામથી જરાય કમ નથી. 

(૮) ડાર્મશ્ટાટ મેથિલ્ડેનહોહે-જર્મનીઃ 

જર્મનીના હેસિયન પ્રાંતના ગ્રાન્ડ ડયૂક અર્નેસ્ટ લુડવિગે ૧૮૯૯માં  કલાના પ્રચાર-પ્રસાર માટે આ સંસ્થાનું નિર્માણ કરેલું. ૧૯૦૧થી ત્યાં કલાના પ્રદર્શનો યોજાતા.  અહીં રશિયાની ઓર્થોડોક્સ કલાનું ચર્ચ એક પ્રદર્શન હોલ અને પ્રખ્યાત વેડિંગ ટાવર આવેલા છે. વેડિંગ ટાવર અર્નેસ્ટ લુડવિગના બીજા લગ્નના અનુસંધાને બનાવવામાં આવ્યો હતો.   આ જગ્યાને કલાકાર કોલોની તરીકે પણ ઓળખવામાં આવે છે. જુગેન્ડસ્ટીલ કલાકારો અહીં રહેતા અને પોતાનું કામ કરતાં. જુગેન્ડસ્ટીલનો અર્થ થાય છે યુથ સ્ટાઈલ, યુવા શૈલી. આ એક કલાકીય ચળવળ હતી જે ૧૮૯૫થી શરૂ થયેલી અને ૧૯૧૦ સુધી ચાલેલી. જર્મન કલાકાર જ્યોર્જ હીર્થે જુગેન્ડ નામનું સામયિક શરૂ કરેલું તેના પરથી જુગેન્ડસ્ટીલ ચળવળ શરૂ થયેલી. જ્યોર્જ હીર્થ ગ્રાફિક્સ આર્ટ અને ઇન્ટિરિયર ડેકોરેશન ક્ષેત્રે સક્રિય હતા. 

(૯) ન્યુ ડચ વોટર લાઈન-નેધરલેન્ડઃ

નેધરલેન્ડમાં સુરક્ષા વ્યવસ્થાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવેલી ન્યુડચ વોટર લાઈન ૪૫ કિલ્લા અને ૬ કિલ્લેબંધીઓનો એક સમૂહ છે.  આ વ્યવસ્થા ૮૫ કિલોમીટરમાં ફેલાયેલી છે.  દુશ્મન દેશોને નજીક આવતા રોકવા માટે તેનો ઉપયોગ થતો હતો. આ અંતર્ગત કુદરતી જળ પ્રવાહોની સાથે કૃત્રિમ જળ પ્રવાહોનું સાયુજ્ય રચવામાં  આવ્યું છે. ઓલ્ડ ડચ વોટર લાઈનનું નિર્માણ ૧૭મી સદીમાં ફ્રેડરિક હેનરી દ્વારા કરવામાં આવ્યું હતું. ઓલ્ડ ડચ વોટર લાઈન ૧૬૨૯થી ૧૮૧૫ દરમિયાન બાંધવામાં આવી અને ન્યુ ડચ લાઈન ૧૮૧૫થી ૧૯૪૦ દરમિયાન. પાણીથી રક્ષણ મેળવવાની આ ઘટના આપણા વૈદિક શ્લેકની યાદ અપાવે છે. જળથી રક્ષો, જળ વડે રક્ષો.

(૧૦) પાડુઆના ભીંત ચિત્રો-ઇટલીઃ

૧૪મી સદીના આ મશહૂર ભીંત ચિત્રો ૮ ધાર્મિક અને ધર્મનિરપેક્ષ ઈમારતો પર બનાવવામાં આવેલા છે. તે ઇટાલીના પડુઆ શહેરમાં સ્થિત છે. અલગ-અલગ કલાકારો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો એક જેવા  જ લાગે છે. આ ચિત્રોમાં પ્રકૃતિ અને માનવ સમુદાય એકમેકમાં ઓતપ્રોત થતા દેખાય છે. ઇટાલી ફરવા જતા વિશ્વ પ્રવાસીઓ માટે તે વિશેષ જોણું બની રહે છે.

(૧૧) ટ્રાન્સ ઇરાનિયન રેલવેઃ 

૧૯૨૭થી ૧૯૩૮ વચ્ચે બનેલી ટ્રાન્સ ઇરાનિયન રેલવે એક દૃષ્ટાંતરૂપ રેલવે નેટવર્ક છે. ૧૩૯૪ કિ.મી. લાંબી આ રેલલાઈન કાસ્પિયન સમુદ્રને ફારસની ખાડી સાથે જોડે છે. આમ તો કાસ્પિયન સી વિશ્વનું સૌથી મોટું સરોવર છે. ટ્રાન્સ ઇરાનિયન રેલવે નેટવર્ક અંતર્ગત ૩૨૪ પૂલ અને ૨૨૪ ગુફા છે. રઝા શાહે તેનું બાંધકામ કર્યું હતું. તે પછીના શાસકોએ તેનો વિસ્તાર કર્યો. ૧૯૩૮માં બંદર શાપુરથી બંદર શાહ સુધીનો જે રુટ બાંધવામાં આવ્યો હતો તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો છે.

જવાહરલાલ નહેરુએ કહ્યું છે, ભૂતકાળમાં રહેવું ન જોઈએ, પરંતુ ભૂતકાળમાંથી શીખવું જોઈએ. ભૂતકાળમાંથી શીખેલા સબક અને વર્તમાનનો પરિશ્રમ બહેતર ભવિષ્યના નિર્માણની ગેરેન્ટી આપી શકે છે.

આજની નવી જોક

છગન (લીલીને) : મને અલાદીનનો ચિરાગ મળ્યો.

લીલીઃ વાહ! તમે શુું માગ્યું જીન પાસે?

છગનઃ મેં જીનને કહ્યું કે તારો મગજ ૧૦ ગણો વધારી દે.

લીલીઃ પછી?

છગનઃ જીન કહે. શૂન્યને ગમે તેટલા સાથે ગુણો જવાબ ઝીરો જ આવે.

લીલીઃ હેં!?

જીકે જંકશન

- દર વર્ષે ૨૮મી જુલાઈએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. આસામના મુખ્યમંત્રીએ વાસ ઔદ્યોગિક પાર્કનો શીલાન્યાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાસના વિવિધ ઉપયોગમાંથી એક ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે પણ થઈ શકે છે. 

- તાજેતરમાં બેડમિંટન પ્લેયર નંદુ નાટેકરનું નિધન થયું હતું. આઈએમએફે અંદાજ બાંધ્યો છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ભારતનો આર્થિક વૃદ્ધિદર ૯.૫ ટકા રહશે.

- બિહારમાં દેશની સૌપ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કિને ભારતની મુલાકાત લીધી હતી.

- ઓડિશા દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં નળમાં આરઓ વોટર અવેલેબલ બનાવવાની યોજના શરૂ થઈ છે. યોજનાનું નામ છે ડ્રિંક ફ્રોમ ટેપ. આ યોજનાનું સર્વપ્રથમ અમલીકરણ પુરીમાં થયું છે. હવે તમે ત્યાં ડાયરેક્ટ નળનું પાણી પી શકો છો. 

- બસવારાજ એસ. બોમ્મઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે. અમેરિકન સરકારે રસીકરણમાં ભારતની મદદ માટે ૨૫ મિલિયન ડોલરની સહાય જાહેર કરી છે.

Gujarat