પોસ્ટ લોકડાઉનની વાત બધા કરે છે, પોસ્ટ કોરોના વિશે કોઈ કશું કહેતું નથી, કારણ...
- જૂના જમાનામાં ચાંદી પૈસો હતો, આજે કરન્સી પૈસો છે,
- હવે વિશ્વભરમાં નવી મોનિટરી સિસ્ટમ આવશે
- વોટ નેક્સ્ટ?
- લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો જો કર્મચારીઓને છુટ્ટા ન કરે તો યુરોપ-અમેરિકા તેમને આર્થિક સહાય કરશેઃ પેબેક પ્રોટેક્શન પ્રોગ્રામ
કોરોના અને લોકડાઉન સહિયારી સમસ્યા છે, પણ ચિંતા બધાની પોતપોતાની છે. કોઈને એ ચિંતા છે કે મારી સ્કૂલ-કોલેજ ક્યારે શરૂ થશે?, કોઈને ચિંતા છે કે પરીક્ષા ક્યારે લેવાશે?, કોઈને ગયેલી નોકરીની ચિંતા છે, કોઈને કપાયેલા પગારની ચિંતા છે, કોઈને ઠપ થયેલા ધંધાની ફિકર છે તો કોઈને વતન પરત જવું છે, તો કોઈને જમવું છે! બધાને પોતપોતાના પ્રશ્નો છે અને તેના યથાસંભવ ઉકેલ વિશે તેઓ વિચારી રહ્યા છે. વિચારી-વિચારીને થાકેલા લોકોએ લીકર શોપ્સની સામે લાઇન લગાડી છે. તેઓ વિચારની દાબડી બંધ કરીને ભાન ભૂલી જવા માગે છે. એ માટેનું રસાયણ મેળવવા જતા પણ ઘણાએ બાઇટિંગ રૂપી લાકડી ખાધી છે!
ખરી કસોટી હવે શરૂ થઈ છે. ૪૦ દિવસના લોકડાઉન પછી કોઈ ઘરમાં રહેવા માગતું નથી અને સામા પક્ષે ગુજરાતમાં, એકલા ગુજરાતમાં રોજના ૫૦ જેટલા મૃત્યુ થવા માંડયા છે. શોખથી આંટાફેરા કરનારો વર્ગ તો ક્યારનો પોલીસની પ્રસાદી ખાઈને ઘરમાં અહોભાગ્યનો અનુભવ કરી રહ્યો છે. હવે જે વર્ગ બહાર નીકળવા માગે છે તે ઘરનો મોભી છે. અર્થ ઉપાર્જન કરવા માગે છે. નાનામાં નાની વ્યક્તિ હોય કે મોટામાં મોટી સંસ્થા તેમને હવે કામ વગર બેસી રહેવું પોસાય તેમ નથી. માથે મીટર ચડે છે. જે લોકોને વતનમાં જવું અથવા આજે પેટનો ખાડો પૂરવાની માટી ક્યાંથી ગોતવી તેવા અસ્તિત્ત્વના પ્રશ્નો છે તેમને છોડીને બીજા લોકો નુકસાનીનું આકલન કરી રહ્યા છે અને એનું પણ આકલન કરી રહ્યા છે કે હવે આમાંથી રસ્તો શું છે? ક્યારે બધું રાબેતા મુજબ થશે? નવું ચિત્ર શું હશે?
બોલીવુડના ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકોની હમણા વીડિયો કોન્ફરન્સ યોજાઈ. તેમણે અંદાજ બાંધ્યો છે કે કોરોના મહામારીને લીધે જે મંદી આવી છે તેમાંથી બહાર નીકળવામાં બોલીવુડને બે વર્ષ લાગશે. ફિલ્મ જગતને કુલમાંથી ૬૦ ટકા આવક બોક્સ ઑફિસમાંથી થાય છે. અત્યારે ૯,૫૦૦ થિયેટર બંધ પડેલાં છે. પહેલો પ્રશ્ન તો એ છે કે સરકાર તેને ક્યારે ખોલવાની અનુમતી આપશે. બીજો સવાલ એ કે મહામારી પછી લોકો હિંમત કરશે થિયેટરમાં ઘૂસવાની? તેથી જ નિર્માતાઓ પહેલા લો બજેટની ફિલ્મો રિલીઝ કરશે. તેમાં જો દર્શકો ધસારો કરશે તો હાઇ બજેટ મુવિઝ રમતી મૂકશે. નિર્માતાઓનું આ ગણિત ખોટું પણ પડી શકે છે. લીકર શોપની જેમ સિનેમાહોલ સામે પણ ત્રણ કિ.મી. લાંબી લાઇનો લાગી શકે છે. વર્તમાન સમયમાં જનતાની સાયકોલોજી જજ કરવી અઘરી છે. જો એવું થશે તો નાના બજેટની ફિલ્મોના પ્રોડયુસર-ડિરેક્ટર્સ ખાટી જશે.
કોરોનાનો કાળમીઢ ઘા સહી ચૂકેલા સ્પેને લોકડાઉન તબક્કાવાર ખોલવાનો આરંભ કર્યો છે. ચાર તબક્કામાં આઠ સપ્તાહનું ટાઇમ ટેબલ બનાવવામાં આવ્યું છે. સાહસ કરવું પડશે. મંદીની અસર કોવિડ-૧૯ કરતા પણ વિકરાળ હશે તે તો લગભગ બધા મૂર્ધન્ય અર્થ ચિંતકો કહી ચૂક્યા છે, કેવડી મોટી હશે તેની કલ્પના કરવાનું સાહસ કરી શક્યા નથી. થઈ શકે તેમ જ નથી. હા, એક વાત પાકી કે લોકડાઉન ખોલવામાં જેટલું મોડું થશે તેટલી આર્થિક બેહાલી અધિક વિકરાળ હશે. અત્યારથી કહેવાઈ રહ્યુ છે કે ભારતમાં ફક્ત બે જ વર્ગ રહેશે અમીર અને ગરીબ. ૫૦ ટકા વસ્તી ગરીબી રેખા નીચે ખાબકશે. ત્યાંથી પાછા ઉપર આવી શકાશે, પણ એમાં વાર લાગશે. કેટલી વાર એ કહેવાનું સાહસ થઈ શકે તેમ નથી.
પોસ્ટ લોકડાઉનની વાત બધા કરે છે, પોસ્ટ કોરોના વિશે કોઈ કશું કહેતું નથી. કેમ કે કોરોના ક્યારે જતો રહેશે એની કોઈ ખાત્રી નથી. જતા રહ્યા પછી પાછો ઉથલો મારશે કે કેમ તેનીય ગેરેન્ટી નથી.
દુનિયા પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, મહામંદી, શીતયુદ્ધ, આતંકવાદ આ બધામાંથી ઉગરીને વધારે સારી બની છે તો નિસંદેહ કોરોનામાંથી નીકળીને પણ વધારે સારી બનશે. કોરોના પછીની દુનિયા વિશે નેટવર્કમાં એક મહિના પહેલા લખાઈ ગયું છે એ ઉપરાંતની વાત કરવી છે. કોરોના પછીની દુનિયામાં મોનીટરી અને ફાયનાન્સિયલ સિસ્ટમ બદલાઈ જશે. જૂના જમાનામાં ચાંદી પૈસો હતો, આજે કરન્સી પૈસો છે, આવતીકાલે કંઈક નવું આવશે. મોનીટરી સિસ્ટમ બદલાશે. જેથી કરીને આવા સંકટના સમયમાં પણ આર્થિક લેવડ-દેવડ ન અટકે તથા પૈસાનું ધોવાણ અટકે. તેનું અવમૂલ્યન અટકે.
માણસ કરકસર કરતા શીખશે. ખર્ચના આધાર પર ઇકોનોમીને ધમધમાવવાનો આઇડિયા ડસ્ટબિનમાં જશે. ઑફિસ સાથેના ઘરનો નવો કન્સેપ્ટ આવશે. જેથી આવી કોઈ મહામારી ત્રાટકે ત્યારે ઝાઝી અગવડ વિણ ઘરે બેઠા કામ ચાલુ રાખી શકાય. એક સર્વેમાં એવું બહાર આવેલું કે સરેરાશ માનવી જે ઘરમાં રહે છે તેની પણ ઘણી ખરી જગ્યા વપરાયા વગર પડી રહે છે. તેનો ઉપયોગ ઑફિસ તરીકે થઈ શકે. ઑફિસ વિથ હોમ અને હોમ વિથ ઑફિસ ન્યૂ નોર્મલ હશે.
અત્યારે આપણે ઐતિહાસિક વળાંક પર ઊભા છીએ. જીવન કાયમ માટે બદલાઈ જવાનું છે. આપણી આદતથી લઈને આર્થિક પ્રવૃત્તિ સુધી બધું જ. ઑનલાઇન બજાર પ્રાથમિક બની જશે, ઑફલાઇન સેકન્ડરી. આથી દરેક ધંધાર્થીએ ઑનલાઇન મેદાનમાં ઊતરવું જ રહ્યું. અત્યારે ઔદ્યોગિક રાજ્યોમાંથી શ્રમિકો વતન જતા રહ્યા છે. તેઓ ઉદ્યોગ ચાલુ કરશે તો કોના સહારે કરશે? ૧) હાલ પૂરતું તેઓ લોકલ શ્રમિકોના આધારે કામ ચલાવશે, પણ ૨) ભવિષ્યમાં તેમના ઉદ્યોગો ઓટોમેશન પર લઈ જશે. એટલે ફરી એ જ દૂષ્ચક્ર આગળ વધશે. બેરોજગારી. તેનું સોલ્યુશન અત્યારથી જ શરૂ થઈ ગયું છે. સરકારે ગરીબોના ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરી દીધું છે. ભલે ચણા-મમરા જેટલા તો ચણા-મમરા જેટલા, કિંતુ શરૂ કરી દીધું છે. ભવિષ્યમાં વધુ પૈસા નાખવા પડશે. યુનિવર્સલ બેઝિક ઇનકમ આવતીકાલની નરી હકીકત છે. તેના વિના આરો નથી. સરકાર આ પૈસા ક્યાંથી કાઢશે? ઉદ્યોગગૃહો પર ઊંચો ટેક્સ નાખીને. ઉદ્યોગગૃહો આ માટે તૈયાર નહીં થાય ત્યાં સુધી કોરોના પછીની દુનિયાના રીસેટલમેન્ટમાં મોડું થશે.
દોડતા-દોડતા ભવિષ્યમાં પહોંચી જવાયું? ચાલો પાછા વર્તમાનમાં આવીએ. ભવિષ્યમાં ઓટોમેશનને લીધે નોકરી જાય ત્યારની વાત ત્યારે અત્યારે કોરોનાને કારણે ભારતનો જોબ લોસ રેટ ૨૭ ટકા થઈ ગયો છે, એવું સેન્ટર ફોર મોનિટરિંગ ઇંડિયન ઇકોનોમી કહે છે. અમેરિકામાં ૩ કરોડ નોકરીઓ ગઈ છે અને ભારતમાં ૧૨ કરોડથી વધુ ગઈ હોવાનો અંદાજ છે. અમેરિકા અને યુરોપની સરકાર નોકરીઓ બચાવવા કામે લાગી ગઈ છે. તેમણે એક તરીથી બે નિશાન તાક્યા છે. એટલે કે નોકરીની સાથોસાથ નાના ઉદ્યોગોને પણ બચાવી રહી છે. નાના ઉદ્યોગો એટલા માટે કેમ કે કોઈપણ ઇકોનોમીમાં નાના ઉદ્યોગોનું મોટું પ્રદાન હોય છે.
અમેરિકાના સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા પીપીપી (પેબેક પ્રોટેક્શન પ્રોગ્રામ) શરૂ કરવામાં આવ્યો છે. આ સ્કીમ અંતર્ગત નાના ઉદ્યોગકારોને ઑફર કરવામાં આવે છે કે તમને મંદીમાંથી બહાર લાવવા અમે લોન આપીએ. જો તમે અત્યારે તમારે ત્યાં જેટલા કર્મચારીઓ છે તેમાંથી એકેયને છુટ્ટો નહીં કરો તો આ લોન ગ્રાન્ટમાં ફેરવાઈ જશે. આ રકમ એટલી છે જેના વડે જે-તે ઉદ્યોગકાર તેના કર્મચારીઓનો અઢી મહિનાનો સેલેરીનો ખર્ચ કાઢી શકે. મતલબ એમએસએમઇમાં કામ કરતા કામદારોનો અઢી મહિનાનો પગાર સરકાર ભોગવે. તેનાથી નાના ઉદ્યોગકારોનેય રાહત અને કર્મચારીઓનું પણ નોકરી જવાનું જોખમ હાલ પૂરતું ટળી જાય. એક તીર બે નિશાન.
અમેરિકન સરકાર નાના ઉદ્યોગોનું મહત્ત્વ સમજે છે. એટલે જ તે અમેરિકાના મેહુલ ચોક્સી કે નીરવ મોદીને બદલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના મશાલચીઓની વહારે આવી છે. એક સર્વેક્ષણ પ્રમાણે અમેરિકામાં જે ઉદ્યોગોમાં ૧૦ અથવા તેનાથી ઓછા કર્મચારીઓ કામ કરતા હોય તેવા ઉદ્યોગોમાંથી ૬૦ ટકા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ છેલ્લા ત્રણ મહિનાની જ વાત છે.
બ્રિટન અને યુરોપિયન યુનિયને શું સ્કીમ કરી છે? માની લો કે તમે કોઈ નાનો કે મધ્યમ કદનો ઉદ્યોગ લઈને બેઠા છો. કોવિડ-૧૯ ત્રાટક્યા પછી તમે તમારો સ્ટાફ ઘટાડવા માગો છો. અથવા સ્ટાફના કામના કલાકો ઘટાડવા માગો છો તો તમારે સરકારને યાદી આપી દેવાની કે આટલા કર્મચારીઓને બે કલાાક, આટલા કર્મચારીઓને ચાર કલાક અને આટલા કર્મચારીઓને ઝીરો કલાક કામે બોલાવવાના રહેશે. કેટલા મહિનાઓ સુધી એ પણ તમારે લખી દેવાનું. માની લો કે જે કર્મચારીને તમે ઝીરો કલાકના લિસ્ટમાં મૂકી દીધા. ટેમ્પરરી તેમને ઘરે બેસાડી દીધા તો તમે જેટલી સેલેરી ચૂકવતા હોવ તેટલી જ સેલેરી સરકાર ચૂકવે. તેઓ આના માટે વળતર શબ્દ પ્રયોજે છે.
ભારતમાં નોકરીઓ ગઈ તેના માટે ઉદ્યોગકારો પર માછલા ધોવાઈ રહ્યા છે. અલબત જે ઉદ્યોગપતિઓ અબજોના ઢગલા પર બેઠા છે તેમણે ધન ભેગું કર્યે કરવાના પાગલપનમાંથી તત્પૂરતું મુક્ત થઈ અત્યારે કર્મચારીઓની વહારે થવું જોઈએ. તેમને છુટ્ટા ન કરવા જોઈએ, પણ જે ઉદ્યોગપતિઓ નાના છે અને તેઓ કર્મચારીઓને છુટ્ટા કરે તો તેમને દોષ દઈ શકાય નહીં. તેમની મદદે ભારત સરકારે આવવું જોઈએ. તેમને મલમ લગાડવું જોઈએ.
હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. અમેરિકા અને યુરોપમાં રાવ ઊઠી રહી છે કે ઉપરની બંને સ્કીમોનો ફાયદો મોટી એમએસએમઈઝ ઉઠાવી રહી છે. જે એમએસએમઇઝને ખરેખર લાભની જરૂર છે તેના સુધી તે લાભ પહોંચી રહ્યો નથી. અમેરિકા અને યુરોપમાં આ સ્થિતિ હોય તો ભારતમાં શું થાય? નૈતિક મૂલ્યોને ઊંચા રાખવાનો સમય છે ત્યારે જ ધન લાલસુઓ નૈતિક મૂલ્યોને જૂતા નીચે કચડી રહ્યા છે.
બીજી વાત, દેશના ગરીબોને સહાય કરવા માટે સરકાર પાસે હવે પૂરતું ધન નથી. એવામાં જે અબજપતિઓ છે તેમણે આગળ આવવું જોઈએ. ઘણા આગળ આવી પણ રહ્યા છે. હજી ઘણા જે નથી આવ્યા કે હજી જેણે મુઠ્ઠી પૂરતી ખોલી નથી તેમણે ખોલવાની જરૂર છે. પોતાની મહેનતના પૈસાની સખાવત કરવામાં કષ્ટ પડે. તે કષ્ટ સહન કરવો જ પડશે. કેમ કે અતિ ધન તે એક આંકડો જ છે. દુનિયાના પહેલા ક્રમના ધનપતિ હોવ કે પાંચમા તેનાથી જીવન જીવવામાં કોઈ ફરક પડી જતો નથી. હા, અહમ જરૂર સંતોષાય, એથી વિશેષ નહીં. અત્યારે અહમ સંતોષવાનો સમય નથી. દાનવીર ભામાષા, કર્ણ, ગારડી કે જલારામ બનવાનો અવસર છે. બીજું, અત્યારે જો ધનકુબેરો ગરીબોને મદદ કરશે, કર્મચારીઓને નોકરીમાંથી નહીં કાઢે તો આગામી દિવસોમાં તેનો પ્રત્યક્ષ ફાયદો અર્થવ્યવસ્થાને અને એ જ રીતે પરોક્ષ ફાયદો તેમના જ ધંધાને તેમની જ તિજોરીને મળશે.
અત્યારે જે પરિવારના બૂરા હાલ છે તેની પાછળ પૈસા નહીં વાપરવામાં આવે તો કાલે વધારે બૂરા હાલ થઈ જશે અને તે તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસ ખરીદીને તમને કમાણી કરવા સક્ષમ નહીં રહી શકે. તમારા દેશની ઇકોનોમીને સમૃદ્ધ બનાવવામાં યોગદાન નહીં આપી શકે.
આવું થશે તો એમાં કોઈ શંકા નથી કે કોરોના મહામારી અને આર્થિક મહામારીમાંથી આપણે ઊગરી જઈશું. સોનું જેમ ભઠ્ઠીમાં તપ્યા પછી વધારે ઝગારા મારવા લાગે તેમ આપણે વધારે ઉમદા મનુષ્ય બનીને બહાર આવીશું. ૧૦૦ ટકા.
આજની નવી જોક
છગન (મગનને): લોકડાઉનની પોઝીટીવ ઇફેક્ટ જોઈ?
મગનઃ જલંધરથી હિમાચલની પર્વતમાળાઓ દેખાવા લાગી એ?
છગનઃ અરે, હિમાચલની પર્વતમાળાની ક્યાં વાત કરે છે, પ્રદૂષણ એટલું ઘટી ગયું છે કે બેંક એકાઉન્ટનું તળિયું પણ સાફ દેખાવા લાગ્યું છે.
મગનઃ હેં!?