For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇથેનોલ મિશ્રિત પેટ્રોલઃ એક તીર અનેક નિશાન

- આજથી 112 વર્ષ પહેલા હેનરી ફોર્ડે સુપ્રસિદ્ધ ટી મોડેલની કારમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો

Updated: Jul 23rd, 2021

Article Content Image

- પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે તો સરકાર વર્ષે ૪,૦૦,૦૦,૦૦,૦૦૦ ડોલર બચાવી શકે

- બળતણ તરીકે ઉપયોગ કરેલો ઇથેનોલનો વધુમાં વધુ વપરાશ કરી શકાય એ માટે હવે વાહનોની બનાવટમાં રબર અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધારાશે

જે દેશોમાં ખનીજતેલના ભંડાર છે એ દેશોને છેલ્લા એક સૈકાથી લોટરી લાગી ગઈ છે તેમ જે દેશોમાં તેલ ક્ષેત્ર સાવ નથી અથવા નહીંવત્ છે તેનો આર્થિક બોજ વધી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રણ મહિનામાં જ આપણી સરકારે ક્રૂડ ખરીદવાના ૨૪.૭ અબજ ડોલર ચૂકવ્યા છે. ગયા વર્ષેનું આપણું ક્રૂડ ઓઇલ બિલ ૬૨.૭ અબજ ડોલરનું રહ્યું. ૨૦૧૯-૨૦ની તુલનાએ આપણો પેટ્રોલ-ડીઝલનો વપરાશ લોકડાઉનને કારણે ૧૨ ટકા ઓછો રહ્યો એટલે ક્રૂડનું વાર્ષિક બિલ ૬૨.૭ અબજ ડોલરે અટક્યું. અન્યથા ૮૦ અબજ ડોલરથી ૧૦૦ અબજ ડોલરની આળેગાળે હોત. ખનીજતેલ આપણે ડોલરમાં ખરીદવું પડે એટલે એટલા ડોલર પણ આપણે વધારે જોઈએ. જેટલા ડોલર વધારે જોઈએ એટલો રૂપિયો નબળો પડે. આ રીતે વધુ ખનીજતેલ આયાત કરવું આપણા માટે બેધારી તલવાર સાબિત થઈ રહ્યું છે. એવામાં ઇથેનોલ આશાનું એક કિરણ છે.

ઇથેનોલ એક એવું ઇંધણ છે જે પેટ્રોલમાં ભેળવવામાં આવે તો ક્રૂડ ઓઇલની આયાત પણ એટલી ઓછી કરવી પડે. એ રીતે આપણું આયાત બિલ ઘટાડી શકાય. રાજ્યકક્ષાના પેટ્રોલિયમ મંત્રી રામેશ્વર તેલીએ સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, ૨૦૧૪માં પેટ્રોલમાં સરેરાશ ૧.૩ ટકા ઇથેનોલ ભેળવવામાં આવતું હતું તે ૨૦૨૦-૨૧ સુધીમાં વધારીને સરેરાશ ૭.૯૩ ટકા સુધી લાવવામાં આવ્યું છે. નીતિ આયોગનું લક્ષ્ય ૨૦૨૫ સુધીમાં ઇથેનોલની ભેળવણીને ૨૦ ટકા સુધી લઈ જવાનું છે. 

ઇથેનોલ એટલે ઇથાઇલ આલ્કોહોલ. આમ મૂળે તે આલ્કોહોલ છે. અલબત્ત ઇન્ડસ્ટ્રિઅલ ક્વોલિટીનો ઇથાઇલ આલ્કોહોલ પીવાલાયક નથી. તેને શરાબ સમજીને પીનારા ઘણા સ્વર્ગવાસી બની ગયા છે. ૧૮૫૦માં અમેરિકામાં ઈથેનોલનો ઉપયોગ ફાનસ સળગાવવા માટે થતો હતો. ગૃહયુદ્ધ ફાટી નીકળતા તેના પર ટેક્સ નાખવામાં આવેલો, જે લિકર ટેક્સ તર ીકે ઓળખાતો. લિકર ટેક્સ નામ પરથી જ સમજી શકાય છે કે એ સમયે અમેરિકામાં ઇથેનોલનો વપરાશ દારૂ તરીકે પણ થતો હતો, જે અફકોર્સ ઇન્ડસ્ટ્રીઅલ ક્વૉલિટીનો ન હોય, પણ પીવાલાયક હોય.  લિકર ટેક્સને કારણે ઇથેનોલના ભાવ એટલા વધી ગયા કે લોકો તેના વિકલ્પ તરીકે કેરોસીનનો વપરાશ કરવા માંડયા. (ઇંધણ તરીકે, પીવા માટે નહીં.) પરિણામે ઇથેનોલનું ઉત્પાદન સાવ નહીં જેવું થઈ ગયું. ૧૯૦૬માં અમેરિકી સરકારે લિકર ટેક્સ રદ કર્યા પછી તેનો વપરાશ ફરીથી વધ્યો. 

હેનરી ફોર્ડ શા માટે દૃષ્ટા હતા? તેમણે માત્ર કાર ઇન્ડસ્ટ્રીમાં જ ક્રાંતિ નથી કરી, ભવિષ્યના બળતણનો માર્ગ પણ તેમણે ચીંધી બતાવ્યો. ૧૯૦૮માં ફોર્ડ મોટરનું સુપ્રસિદ્ધ ટી મોડેલ માર્કેટમાં આવ્યું તે ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણથી ચાલતું હતું. ફોર્ડે ઇથેનોલને ત્યારે ભવિષ્યના ઇંધણ તરીકે ઓળખાવેલું. કારણ કે ત્યારના અમેરિકામાં ઇથેનોલને પીણું માનવામાં આવતું હતું એટલે અમેરિકી સરકારે ૧૯૧૯માં તેને બળતણ તરીકે ઉપયોગમાં લેવાનો પ્રતિબંધ મૂકી દીધો. ફરીથી તેના ઇંધણ તરીકેના ઉપયોગની પરવાનગી ૧૯૩૩માં મળી.

ખેતી અને ઉદ્યોગને અત્યાર સુધી સામસામા મૂકીને જોવાતા રહ્યા છે, પણ ઇથેનોલ આ બંનેને સામસામેથી પાસપાસે લાવી દે છે. પ્રતિદ્વંદ્વીને બદલે પૂરક બનાવી દે છે. કારણ કે ઇથેનોલ સ્ટાર્ચમાંથી અથવા સેલ્યુલોઝ આધારિત ખેત પેદાશોને સડાવીને, આથીને પ્રાપ્ત કરવામાં આવે છે. અમેરિકામાં મકાઈમાંથી અને બ્રાઝિલમાં શેરડીમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે. શ્યુગર આધારિત કોઈ પણ ખેત પેદાશનો ઉપયોગ ઇથેનોલ બનાવવા કરી શકાય છે. સેલ્યુલોઝમાંથી પણ ઇથેનોલ બનાવી શકાય છે. જેમ કે ઘાસ, નિંદણ, પાકના અવશેષો વગેરે.

ભારતમાં ઇથેનોલ મિશ્રણનો પાઇલોટ પ્રોજેક્ટ ૨૦૦૧માં શરૂ થયો. પેટ્રોલમાં પાંચ ટકા ઇથેનોલ ભેળવીને વેચવાનું શરૂ કરાયું. પ્રયોગમાં મળેલી સફળતાને પગલે નવ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી)ના વેચાણની શરૂઆત થઈ. સરકારે નિષ્ણાતોની સમિતિનો એક રીપોર્ટ પ્રગટ કર્યો છે, જેનું શીર્ષક છેઃ રોડમેપ ફોર ઇથેનોલ બ્લેન્ડિંગ ઇન ઇંડિયા બાય ૨૦૨૫. તેમાં દર્શાવાયું છે કે એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ઇથેનોલના ૧૦ ટકા મિશ્રણ સાથેનું પેટ્રોલ એટલે કે ઇ૧૦ પેટ્રોલ મળતું થઈ જશે અને એ જ રીતે ૨૦૨૫ સુધીમાં ઇ૨૦ પેટ્રોલ મળતું થઈ જશે. નવા વાહનો પણ હવે એ પ્રમાણે બનાવાશે કે જે ઇ૧૦ અને ઇ૨૦ ગુણવત્તાના પેટ્રોલથી ચાલી શકે. 

આવનારા વર્ષોમાં ઇ૧૦૦ સુધી પણ જવાના પ્રયાસો થશે. ન માત્ર ભારતમાં, પરંતુ દુનિયાભરમાં. કારણ કે ખનીજતેલ જેટલું મોંઘું છે એટલું જ ગંદુ છે તેનું રાજકારણ. ઓપેક એ શું છે? પેટ્રોલ વેચતા દેશોની એક એવી કાર્ટેલ જે મન ફાવે તેવા ભાવ વસૂલીને વિશ્વના વિકાસશીલ દેશો અને અવિકસિત દેશોનું તેલ કાઢી નાખે છે. હમણા ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા, પણ તે સતત ઘટેલા રહેવાના નથી.

પેટ્રોલના ભાવ ન ઘટે એટલા માટે સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળ ઓપેક દેશો ક્રૂડ ઓઇલનું ઉત્પાદન પણ નિયંત્રિત કરતા રહે છે. ગયા વર્ષે રશિયાએ પ્રોડક્શન ઘટાડવાનો ઇનકાર કરી દેતા સાઉદી અરેબિયાએ પ્રાઇસ વૉર છેડી દીધી હતી. ભાવ ઘટાડીને રશિયાના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી. પણ સમસ્ત વિશ્વમાં લોકડાઉન હોવાથી આમ લોકોને તેનો લાભ ન મળ્યો. ઇંડિયામાં સરકારે કોવિડની સારવાર અને રસીના ખર્ચા કાઢવા માટે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધાર્યો. 

ઇથેનોલની બોલબાલા જેટલી વધશે એટલી ખેડૂતોની પણ ચાંદી છે. તેઓ વધુમાં વધુ મકાઈનો પાક લઈને રોકડી કરી શકે છે. કોઈ પણ પાકના અવશેષો પણ તેઓ વેચી શકે છે. હરિયાણામાં અને પંજાબમાં જે પરાળ બાળીને છેક દિલ્હી સુધી ધુમાડો પહોંચાડવામાં આવે છે તેનો ઉપયોગ ઈથેનોલ બનાવવામાં થઈ શકે છે. તેનો ડબલ ફાયદો થાય. એક તો પાક અવશેષ બાળવાથી થતું પ્રદૂષણ અટકે અને બીજું ખેડૂતોને આવક થઈ જાય.

સરકારે ખતરે-ખેતરેથી પાક અવશેષો કલેક્ટ કરી તેને ઇથેનોલ બનાવતી ફેક્ટરીઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી ખેડૂતો માટે પણ પાક અવશેષ બાળી નાખવાને બદલે વેચી નાખવાનો વિકલ્પ વધારે મજબૂત બને અને દેશમાં રોજગારી પણ વધે. 

ઇથેનોલનો ઓર એક મોટો ફાયદો એ છે કે તે પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં પ્રદૂષણ ઓછું કરે છે. ક્લાઇમેટ ચેન્જને લઈને વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવામાં ઇથેનોલને કારણે મદદ મળી શકે છે. એક અભ્યાસ પ્રમાણે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલનું મિશ્રણ કર્યા પછી ટુ વ્હીલર્સમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ૫૦ ટકા અને ફોર વ્હીલર્સમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ૩૦ ટકા ઘટશે. ઉપરાંત હાઇડ્રો-કાર્બન વાયુઓનું ઉત્સર્જન ૩૦ ટકા ઓછું થશે. 

પેટ્રોલની તુલનાએ તેની પડતર ઓછી છે. વળી, કાર્યક્ષમતા પેટ્રોલ જેટલી જ છે. અત્યારે જે વાહનો આવે છે તે પાંચ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સાથે દોડી શકે છે. આથી ભવિષ્યમાં વાહનોમાં પણ એ પ્રમાણે થોડો-ઘણો ફેરફાર કરાવવાનો રહેશે.

ઇ૨૦ પેટ્રોલ (૨૦ ટકા ઇથેનોલ સાથેના પેટ્રોલ) સાથે ચાલી શકે તેવા વાહનો બનાવવા માટે તેમાં વધુમાં વધુ ઉપયોગ પ્લાસ્ટિક અને રબરનો કરવામાં આવશે. એન્જિનમાં ઇથેનોલ દહનની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવો પડશે.  ૨૦૨૫ સુધીમાં આ પ્રકારના વાહનો બજારમાં આવી જશે. તેનું પરફોર્મન્સ અત્યારના વાહનો કરતા વધારે સારું હશે.

આજની નવી જોક

છગન (લીલીને)ઃ તારી સાથે લગ્ન કરવાથી મને એક ફાયદો થયો.

લીલીઃ શું ફાયદો થયો?

છગનઃ મને મારા ગુનાની સજા આ જન્મમાં જ મળી ગઈ.

ઇથેનોલનો વપરાશ વધતા ખેડૂતોને થશે ફાયદો

પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાથી અનેક ફાયદા થાય છે, જે આ પ્રમાણે છે.

- કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રો કાર્બન વાયુઓનું ઉત્સર્જન ઘટવાથી, પ્રદૂષણ ઘટશે

- ક્રૂડ ઓઇલ બિલ ઘટવાથી વિદેશી હુંડિયામણ બચશે. રૂપિયો વધુ મજબૂત બનશે

- વાહનોની કાર્યક્ષમતા વધશે.

- સૌથી મહત્ત્વનું, આનો ફાયદો ખેડૂતોને મળશે.

જાગરુકતા

કોરોના વેક્સીનની અફવા અને હકીકત

કોરોના સામેની લડાઈમાં સૌથી સશક્ત હથિયાર કોઈ હોય તો તે વેક્સિન છે. બ્રિટનમાં ભલે કોવિડની ત્રીજી લહેર આવી પણ વેક્સિનેશન થયું હોવાથી ત્યાં હૉસ્પિટલમાં દાખલ થનારા દરદીઓની સંખ્યા ઘટી છે. મૃત્યુ દર તો સાવ નહીંવત્ થઈ ગયો છે. રસી વિશેની કેટલીક માન્યતાઓનું અત્રે ખંડન કરીએ.

અફવા નં.૧ ) મને કોઈ ખતરો નથી તો મારે રસી લેવાની જરૂર નથી. 

હકીકતઃ તમારી ઇમ્યુનિટી સારી હોય તો તમને કોવિડ ન થાય એ વાત સાચી, પણ તોય તમારા થકી કોવિડ બીજાને થઈ શકે છે. આપણે કોરોનાના વાહક, તેના કેરિયર ન બની જઈએ તે માટે રસી લેવી આવશ્યક છે.

અફવા નં.૨) કોરોના વેક્સિન ઝડપથી વિકસાવવામાં આવી હોવાથી અસલામત છે. 

હકીકતઃ માન્યતા પ્રાપ્ત રસીઓ સલામત પણ છે અને અસરકારક પણ.

અફવા નં.૩) રસીકરણ પછી માસ્કની કોઈ જરૂર નથી.

હકીકતઃ જ્યાં સુધી પૂરતી સંખ્યામાં લોકોને રસી ન મળી જાય અને તેમની ઇમ્યુનિટી ન વિકસી જાય ત્યાં સુધી માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતર ત્રણે અત્યંત જરૂરી છે.

અફવા નં.૪) હું રસી લઈશ તો મને કોરોના થશે.

હકીકતઃ રસીને કારણે કોઈ કોરોના પોઝિટીવ થતું નથી. હા, એટલું જરૂર કે રસી લીધા પછી તમારી ઇમ્યુનિટી, તમારી રોગ પ્રતિકારક ક્ષમતા હજુ વિકસિત ન થઈ હોય ત્યાં સુધીમાં તમને કોવિડનો ચેપ લાગે તો તમે કોવિડ પોઝિટીવ થઈ શકો છો. એવા કેસમાં પણ જોખમ ઘટી જાય છે, કારણ કે તમે રસી લઈ લીધી છે. રસી એ કોરોના સામે લડવાની શરીરને અપાતી એક પ્રકારની તાલિમ છે. 

અફવા નં. ૫) રજસ્વલા સ્ત્રીઓ વેક્સિન ન લઈ શકે.

હકીકતઃ આ સાવ ખોટી વાત છે. વેક્સિન  મેન્સ્ટ્રુઅલ સાઇકલને કોઈ અસર કરતી નથી. આથી તે લેવામાં વાંધો નથી.

Gujarat