Get The App

કોરોના આપણને સુધારવાનું કામ કરી રહ્યો છે, આપણી કુટેવોને બદલી રહ્યો છે

- કોરોના અને પરિવર્તન

- હૈયેહૈયુ દળાય એવો રૂઢિ પ્રયોગ પણ હવે લુપ્ત થઈ જશે

Updated: May 25th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના આપણને સુધારવાનું કામ કરી રહ્યો છે, આપણી કુટેવોને બદલી રહ્યો છે 1 - image


- ભારતમાં રોજ ૨૦ કરોડ લોકો ભૂખ્યા સૂવે છે અને બીજી બાજુ ૨૦ લાખ ક્વિન્ટલ ખોરાક ડસ્ટબિનમાં સ્વાહા થઈ જાય છે

જય અને વીરુ સપનું જોતાં હોય છે કે આ છેલ્લો ગુનો, આના પછી ગુનાખોરીનો ધંધો છોડી દેવો છે અને ગામડામાં રહીને શાંતિથી ખેતી કરવી છે. વીરુ પૂછે છે, આપણને હળ ચલાવતા આવડતું નથી તો ખેતી કેવી રીતે કરીશું? જય કહે છે, પરિસ્થિતિએ બંદૂક ચલાવતા શીખવી દીધું તો હળ ચલાવતા પણ શીખવી દેશે. કોરોના પણ એવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે જે માણસજાતને નવું-નવું શીખવવાની છે. થોડા સમય બાદ આ રોગચાળો તો જતો રહેશે પણ આપણું જીવન કાયમ માટે બદલી નાખશે. કોરોના આવવાથી બધું ખરાબ જ થવાનું છે એવું નથી કેટલાક એવા પરિવર્તનો આવ્યા છે જે સકારાત્મક છે અને હંમેશા માટે રહી જવાના છે.

મનોવિજ્ઞાાન કહે છે માણસ ક્યારેક ક્યારેક અતિઆશાવાદી બની જાય છે. અતિઆશાવાદી લોકો વિપરીત સ્થિતિમાં પણ એવું માનીને ચાલે છે કે બીજાની તુલનામાં તેઓ વધારે સુરક્ષિત છે. મોટાભાગના માણસો આવા અતિઆશાવાદનો શિકાર હોય છે. તેઓ માને છે કે અમને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે નહીં. આ અતિઆશાવાદ ભારતીયોની સૌથી મોટી ખૂબી પણ છે અને ખામી પણ. તેના કારણે જ આપણે આજ સુધી સાફ-સફાઇ પ્રત્યે લાપરવાહ હતા. ઓફિસમાં કામ કરતા-કરતા અનેક ચીજોને અડતા, નાસ્તો કરતા-કરતા લેપટોપ અને ફોનનો ઉપયોગ કરતા, એ જ હાથ નાકમાં નાખીએ, એ જ હાથથી માથું ખંજવાળીએ, વળી કોઇ નાસ્તાની ઓફર કરે તો હાથ ધોયા વિના તેના પર ત્રાટકીએ. આપણને આજ સુધી ક્યારેય એ અહેસાસ થયો નથી કે મારા હાથ ગંધારા છે, તેમાં રોગના કીટાણું હોય શકે છે અને તે મારી તથા મારા સંપર્કમાં આવનારા લોકોની તબિયત ખરાબ કરી શકે છે. કોરોનાએ આપણી આ કુટેવને કાઢવાની યશસ્વી કામગીરી કરી છે. કોરોના લાંબા સમય સુધી જવાનો નથી એટલે લાંબા સમય સુધી આપણે સ્વચ્છતા બાબતે સભાન રહેવું આવશ્યક છે. લાંબા સમયની પ્રેક્ટિસ કોરોનાના ગયા પછી પણ રહેશે. કારણ કે તે આપણી આદત બની ચૂકી હશે.

ઘરમાં કે ઓફિસમાં એવા ઘણાંય લોકો હોય છે જેને ઊંચેથી છીંક ખાવાની આદત હોય છે. બ્રિટન અને અમેરિકામાં છીંક ખાવી એ બેડમેનર્સ છે. કોઇ છીંક ખાય તો મોં સાઇડમાં કરી દે, તેના પર હાથ કે રૂમાલ કંઇ ઢાંકે અને તરત જ સો સોરી કહીને દિલગીરી વ્યક્ત કરે. જ્યારે આપણા નંગો ન તો મોઢું ઢાંકે, ન તો મોં આડું કરે અને ઊંચા અવાજે છીંક ખાય. તેમની આ કુટેવને કારણે તેમણે અત્યાર સુધીમાં કેટલાને ચેપ લગાડયો હશે, કેટલાને બિમાર પાડયા હશે એ ભગવાન જાણે. કોરોનાએ તેમની આ ગંદી આદતમાં સુધારો લાવવાનું કામ કર્યું છે. હવે તેઓ છીંક ખાતી વખતે રૂમાલ, ટીશ્યૂ, માસ્ક અથવા કોણીનો ઉપયોગ કરતા થયા છે. 

પહેલાં શરદી-ઊધરસના દર્દીઓ પણ છીંક કે ઊધરસ ખાતી વખતે નિશ્ચિંત રહેતાં. તેઓ આપણી બાજુમાં બેઠા હોય તોયે શરમાયા વિના ને મોં ઢાંક્યા વિના જોરથી છીંક કે ઉધરસ ખાતા. આપણે તેની સામું અણગમાથી જોઇએ તો તરત કહે નોર્મલ શરદી-ઉધરસ છે યાર, એમાં શું? તેમની આ નોર્મલસી એ કોણ જાણે કેટલા લોકોને એબનોર્મલ સ્થિતિમાં મૂકી દીધા હશે? હવે સૌ પ્રથમ તો સામાન્ય શરદી- ઊધરસ થયા હોય તેના પણ મોતીયા મરી જાય છે, તેમને ભય લાગે છે કે ક્યાંક અમને કોરોના તો નહીં હોય ને? કોરોના હોય કે ન હોય તેઓ એકસ્ટ્રા કેર કરતા થઇ ગયા છે. તેમની આ આદત હંમેશા બની રહેશે એવો વાજબી આશાવાદ સેવી શકાય છે.

કોરોનામાં સૌથી વધુ ભાર સોશિયલ ડિસ્ટેન્સીંગ ઉર્ફે ફિઝિકલ ડિસ્ટેન્સીંગ પર મૂકવામાં આવી રહ્યો છે. પહેલાં આપણે ક્યાંય પણ જતાં તો અતિશય ભીડભાડનો સામનો કરવો પડતો, લોકડાઉન ખૂલ્યા પછી પણ ભીડનો તો સામનો કરવો જ પડે છે, પરંતુ તેની પેટર્ન બદલાઈ ગઈ છે. તમે ક્યાંય લાઇનમાં ઊભા હો તો પણ તમારી આગળ અને પાછળ બે-ત્રણ ફૂટનું અંતર હોય છે.

 પહેલાં લાઇનમાં ઊભતી વખતે જે ધક્કા-મુક્કીનો સામનો કરવો પડતો તે હવે ભૂતકાળ બની ચૂક્યો છે. આ ખરેખર સારી વાત છે. આવી રીતે ક્યાંય બહાર જવાનું થાય, કોઇ મેળાવડામાં જવાનું થાય તો ખરેખર મઝા પડે. કોરોના આપણને હૈયેહૈયું દળાય એવી ભીડના ત્રાસમાંથી મુક્તિનું વરદાન આપી ગયો છે. આ રૂઢિ પ્રયોગ પણ દાદાજી માત્ર ફોટામાં રહી જાય તેમ માત્ર શબ્દકોશમાં રહી જવાનો છે. આગામી વર્ષોમાં ફિઝિક્લ ડિસ્ટેન્સીંગની આ આદત આપણા જીવનનો મહત્ત્વનો હિસ્સો બની જશે. તેનાથી દુનિયા વધારે ફરવા જેવી, વધારે સહ્ય અને વધારે સુંદર બનશે. અત્યારે તો હોટેલ બંધ છે કિંતુ જ્યારે તે ખૂલશે ત્યારે પણ તેમાં ટેબલ ખીચોખીચ ગોઠવવાની કુપ્રથા બંધ થશે. તમે બહાર નીકળશો તો ખરેખર તમને અહેસાસ  થશે કે તમે પિકનિક મનાવવા નીકળ્યા છો. મંદિરની બહાર પણ રાશનની દુકાનની બહાર જોવા મળી રહી છે તેવી શિસ્તબદ્ધ કતાર જોવા મળશે. આ કંઇ નાની-સૂની ભેટ નથી. 

એક સર્વે પ્રમાણે ભારતમાં ૨૦ કરોડ લોકોને જમવાનું મળતું નથી. તેમને ભૂખ્યા સુવું પડે છે. બીજી બાજુ દર વર્ષે ૨૦ લાખ કવિન્ટલ ભોજન ડસ્ટબિનમાં  સ્વાહા કરી દેવામાં આવે છે. જમણવારોમાં થાળી અડધી મૂકી દેવી એ તો જાણે ફેશન બની ગયેલી. ઘણી બધી એવી સંસ્થાઓ છે જે આવા ફેંકાયેલા અનાજનો ભૂખ્યા માણસો તથા પ્રાણીઓ માટે સદ્ઉપયોગ કરે છે પણ બહુ જ ઓછું અન્ન એવું હોય છે જે ફેંકવામાં આવ્યા પછી વપરાશમાં લેવા યોગ્ય રહે.  કોરોના સંકટ ત્રાટકતા જનતા ભોજનની કિંમત સમજી રહી છે, અને સમજવાની છે. હવે ઘણાં બધા ઘરમાં જરૂર હોય તેના કરતા બે જણાંનું વધુ રાંધવાની ગ્રામ્ય પરંપરાને શ્રદ્ધાંજલી આપી દેવામાં આવી છે. તેની સામે ખપ પૂરતુ જ રાંધવાની પરંપરા અપનાવતા ઘરની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. અનાજનો બગાડ ન કરવાનું ડહાપણ ધરાવતી વસ્તી વધતી જઇ રહી છે. હમણાં તો ભોજન સમારંભ યોજવા કે મેળાવડા કરવા પર પ્રતિબંધ છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે ફરીથી આવા કાર્યક્રમો શરૂ થશે ત્યારે અન્નના બગાડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

છેલ્લાં બે દાયકાથી ઝડપજી બનેલા શહેરીકરણને કારણે વિભક્ત કુટુંબની સંખ્યા વધતી જતી હતી જેને આપણે ન્યુક્લિઅર ફેમિલી પણ કહીએ છીએ. મોટા શહેરોની ભાગદોડ ભરી જિંદગીને અપનાવનારા લોકો વધતા જતા હતા. ખબર નહીં ક્યા સુવર્ણમૃગ તરફ દોડી રહ્યા હતા. કોરોનાએ તેમની આ દોડને પાવરબ્રેક મારવાનું કામ કર્યું છે. અગાઉની વ્યસ્ત જિંદગીને કારણે તેમનો સમાજ અને પરિવાર સાથેનો સંપર્ક પ્રતિદિન ઘટતો જતો હતો. કોરોના આવી પડતા આ નેગેટીવ ડેવલોપમેન્ટને બ્રેક લાગી છે. દીકરા-દીકરી માતાપિતાને સમય આપવા માંડયા છે, મોતનો ભય અનુભવાતા ઘણાં બધા લોકોને એમ થઇ રહ્યું છે કે સમૂહમાં રહેતા હોત તો એકબીજાનો સધિયારો રહેત. તેઓ આ દિવસોમાં એવા સગા-વહાલાઓને ફોન કરી રહ્યા છે જેમને અગાઉ ક્યારેય યાદ કરતા ન હતા અથવા જવેલ્લે જ સંભારતા. આમ સોશિયલ ડિસ્ટન્સ અથવા ફિઝિકલ ડિસ્ટન્સ પાડી રહેલો માણસ અસલમાં બીજા માણસની નજીક આવી રહ્યો છે. મહત્વાકાંક્ષાની એફ-વન રેસ ધીમી પડતા લોકોને સંબંધની કિંમત સમજાવા લાગી છે. 

નોકરાણી, સફાઇ કર્મી, ડિલેવરી બોય આ બધાને આપણે ક્યારેય મહત્વ આપતા નહોતા. કોરોનાએ આપણને તેમને માન-સન્માન આપવાનું પણ શીખવ્યું છે. આ બધું કોરોના જશે પછી પણ રહેશે અને દુનિયાને વધુ રહેવા લાયક બનાવશે એવું માનવુ ન તો ઓછું છે ન વધારે.

જીકે જંકશન

સૂક્ષ્મ ડ્રેગન કોરોનાની ભેટ આપનારા 

ડ્રેગન વિશે કેટલાક રસપ્રદ ફેક્ટ્સ

- ચીન પાસે વિશ્વનું સૌથી પ્રાચીન કેલેન્ડર છે. ચંદ્ર આધારિત આ કેલેન્ડરની ઉત્ત્પતિ ઇ.પૂ. ૨૬૦૦માં થઇ હતી. તેમાં બાર રાશિચક્રના પ્રતિક હતા. ૬૦ વર્ષની મહેનત બાદ તે કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું. 

- તંગ સામ્રાજ્યમાં કોઇપણ શિક્ષિત વ્યક્તિને નમસ્કાર કરવામાં આવતા હતા. તેમની પાસેથી આશા રાખવામાં આવતી હતી કે તેઓ વિદાય લે એ તેની પહેલાં એકાદી કવિતા જરૂર સંભળાવશે.  ચીનમાં ખોડખાંપણ સાથે જન્મતાં બાળકોની સંખ્યા વધતી જાય છે. આવું પ્રદુષણને કારણે થઇ રહ્યું છે. 

- પશ્ચિમી સંસ્કૃતિમાં ડ્રેગનને ખરાબ પ્રાણી માનવામાં આવે છે. ચીનની પૌરાણિક કથાઓમાં ડ્રેગનને સૌથી મોટો દાનવ કહેવામાં આવ્યો છે. એ ઉપરાંત ફિનિક્સ, વાઘ અને કાચબાને પણ દાનવ કહેવામાં આવ્યા છે. 

- ચીનની સૌથી લાંબી નદી ૩૪૯૪ માઇલ લાંબી છે. તેનું નામ છે યાંગ્તઝે. ચીનની પીળી નદી ૨૯૧૩ કિ.મી. લાંબી છે.  ચીનમાં ઝુલતા પુલની શોધ ઇ.સ.પૂર્વે ૨૫માં થઇ હતી. એટલે કે આજથી ૨૦૪૫ વર્ષ પહેલાં. 

- બેટ ચીનમાં સદ્ભાગ્યનું પરંપરાગત પ્રતિક છે. તેનો ઉપયોગ ચીનાઇ માટી, ટેક્સટાઇલ અને બીજા ઉત્પાદનોની આકૃતિઓમાં પણ કરવામાં આવે છે. 

- ચીનમાં ૯૨ ટકા લોકો ચાઇનીઝ ભાષા બોલે છે. ચાઇનીઝ ભાષા સાત પરિવારોમાં વિભાજીત છે. મંડાવીન, કેન્તોંષોસ, વૂ, હક્કા, ગેન, જીંગ, મિન.

- ચીનનું સૌથી મોટું વેકેશન ચાઇનીઝ નૂતન વર્ષ પર પડે છે. તેઓ માને છે કે નવા વર્ષના પ્રથમ દિવસે દરેક વર્ષ જૂનુ થઇ જાય છે આથી તેઓ નવા વર્ષના પ્રથમ દિવસે હરકોઇના જન્મ દિવસની ઉજવણી કરે છે. 

- આઇસ્ક્રીમની શોધ પણ ચીનમાં થઇ છે. ચીનમાં શોધાયેલા નૂડલ્સ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ચીનમાં અંતિમ સંસ્કાર માટે કાળાને બદલે સફેદ રંગનો ઉપયોગ થાય છે. ચીનના નાગરીકોમાં સૌથી વધુ હોબી સ્ટેમ્પ એકત્રિત કરવાની જોવા મળે છે.

આજની નવી જોક

છગન (મગનને):  કેમ ટેન્શનમાં દેખાય છે?

મગનઃ ટેન્શનનું ટેન્શન છે.

છગનઃ એટલે?

મગનઃ ટેન્શન એ રીતે મારી પાછળ પડી ગયું છે જાણે મારો પહેલો પ્રેમ ન હોય?

છગનઃ હેં!?

Tags :