ચંદ્રકાંત બક્ષી, ઓશો, મન્ટો, બેર્તોલુચી આ બધા પર એક સમાન આક્ષેપ મુકાતો રહ્યો છે તે કયો?
- ધ ડ્રીમર્સઃ આ રીતે પણ ફિલ્મ બને
- કલાકારનું કામ સમાજને હચમચાવવાનું હોય છે ને બર્નાર્ડો બેર્તોલુચીએ તે કામ બરાબર કર્યું
- ફ્રાંસમાં રાજકીય આંદોલન થતા ત્રણ મિત્રો લોકડાઉન થઈ જાય છે ને પછી નવું કથાવિશ્વ અનલોક થાય છે
ફિલ્મોનું પણ પોતાનું નસીબ હોય છે. સારી ફિલ્મોને જૂનીનવીમાં વિભાજિત કરી શકાતી નથી. તે ગમે તેટલી જૂની હોય, નવી જ રહે છે. અત્યારે લોકડાઉન છે. સિનેમા હોલ્સ ક્યારે શરૂ થશે તેનો કોઈ અંદાજો નથી. જેની પિક્ચર તૈયાર થઈ ચૂકી છે એ ફિલ્મકારો એવી ચિંતામાં છે કે જો બે-ત્રણ વર્ષ સુધી થિયેટર્સ બંધ રહે તો તેમની ફિલ્મ જૂની થઈ જાય. તેનો કોઈ અર્થ રહેશે નહીં નહીં. આવા વિચાર આવતા હોય તેમણે તેમણે રેબિડ ડોગ્સ વિશે જાણવું જોઈએ. મારિયો બાવાની આ ફિલ્મ બન્યાના ૨૩ વર્ષ બાદ રિલીઝ થઈ તોય તે માસ્ટરપીસ મનાય છે. તેમના જેવા જ બીજા મહાન ઇટાલિયન દિગ્દર્શક બર્નાર્ડો બેર્તોલુચી. તેમની સિનેકૃતિ ૨૦૦૩માં આવી. તે પણ માસ્ટરપીસ મુવિઝના શોકેસની શોભા વધારી રહી છે ને આજે પણ એટલી જ પ્રાસંગિક જણાય છે.
ઇટાલિયન નિર્દેશક બર્નાર્ડો બેર્તોલુચીની ફિલ્મો જોવી સહેલી નથી. દર્શકોને વિચલિત કરી દેવા એ તેમની ફિલ્મોનો સહજ સ્વભાવ છે. વિવાદોમાં ઘેરાવું એ નિયતી. ૨૬મી નવેમ્બર ૨૦૧૮ના રોજ ૭૭ વર્ષની ઉંમરે ફેફસાંના કેન્સરથી તેમનું નિધન થયું ત્યારે દેશ-વિદેશથી શ્રદ્ધાંજલિઓનો ધોધ વહેલો. ૧૯૭૨માં આવેલી તેમની મુવિ લાસ્ટ ટેન્ગો ઇન પેરિસનો ઉલ્લેખ સહુ કોઈએ કર્યો. ૧૯૮૭માં નવ ઑસ્કર ઝટી લેનારી તેમની ધ લાસ્ટ એમ્પરરની ચર્ચા પણ સહુ કોઈએ કરી. ૧૯૬૪માં આવેલી ધ રેવલ્યૂશન અને ૧૯૭૦ની ધ કન્ફર્મિસ્ટ તેમની શરૂઆતી કૃતિ.
તેઓ માર્ક્સવાદી અને નાસ્તિક હતા. તેની પણ તેમની ફિલ્મો પર ગાઢ અસર હતી. તેમને શ્રદ્ધાંજલિ આપનારાઓએ બધા જ સ્મરણો વાગોળ્યા, કિંતુ એક ફિલ્મની વાત ભાગ્યે જ કોઈએ કરી તે ધ ડ્રીમર્સ. આ એક સાવ નાનું ચલચિત્ર હોવા છતાં એક વખત તે જોયા પછી મગજમાંથી ખસવું મુશ્કેલ છે.
ધ ડ્રીમર્સમાં તેમણે એ વિષયને ફંફોળ્યો છે, જેને કોઈ નિર્દેશક સ્પર્શ કરવાનીય હિંમત કરી શકે નહીં. આ ફિલ્મ બધા માટે નથી. સેક્સ અને નગ્નતાને અશ્લીલ ગણી કાઢી તેના સંદર્ભને ન સમજનારા લોકો માટે તો બિલકુલ નથી. સેક્સ તેમની ફિલ્મનું અનિવાર્ય પ્રતીક છે. માનવ સંબંધનું પોત ચકાસતી વખતે લાજ-શરમના તમામ બંધનો તેઓ વસ્ત્રની જેમ ફગાવી દે છે. તેમની ઇરોટિક મુવિઝના પાત્રો પણ જે-તે સમયના સામાજિક અને રાજકીય બદલાવનું પ્રતિબિંબ ઝીલનારા હોય છે. તેની વાર્તા અત્યંત સૂક્ષ્મ તાણાવાણા થકી ગૂંથાયેલી હોય છે.
મંટોની વાર્તાનો વિરોધ એટલે જ થતો હતો કેમ કે તે સમાજને અરીસો દેખાડી દેતા. ને પોતાનો ગંદો ચહેરો જોવો કોને ગમે? તેઓ કહેતા, મેરે અફસાને નાકાબિલ-એ-બરદાસ્ત હૈ ક્યૂંકી ઝમાના નાકાબિલ-એ-બરદાશ્ત હૈ. બર્નાર્ડો બેર્તોલુચી પણ કંઈક એવું જ કરતા. ધ ડ્રીમર્સમાં તેમણે ઐતિહાસિક ઘટનાને પૃષ્ઠભૂમિ બનાવી સેક્સ અને નગ્નતાથી વીંટળાયેલા ઇન્સેસ્ટ સંબંધની વાર્તા કહેલી.
આ ફિલ્મ ૧૯૬૫માં ફ્રાંસમાં થયેલા આંદોલનની આસપાસ ઘૂમે છે. એક અમેરિકન દોસ્ત ફ્રેન્ચ શીખવા પેરિસ આવે છે. તે સિનેમાનો રસિયો છે. એવા ભાઈ બહેનને મળે છે જે એક ફિલ્મમાં નાયક-નાયિકા તરીકે કામ કરી રહ્યા છે. આ બંને એક પૈસાદાર કવિના આદર્શવાદી સંતાનો છે. થોડા વિચિત્ર અને તરંગી પણ છે તોયે અમેરિકાથી આવેલા મેથ્યુને તેઓ કૂલ લાગે છે. ફ્રાંસમાં વિદ્યાર્થી અને શ્રમિકોનું આંદોલન ફાટી નીકળે છે. આ ત્રણે એક રૂમમાં લોકડાઉન થઈ જાય છે ને ઊઘડે છે સિનેમા, સેક્સ તથા પોલિટિક્સ.
બર્નાર્ડોએ પોતે કબૂલેલું કે તેમણે આ ત્રણ થીમ પર જ ફિલ્મ રચી છે. કારણ કે આ ત્રણ ચીજો દ્વારા જ એ સમયની રાજનીતિને સૌથી સારામાં સારી રીતે વાચા આપી શકાય છે. સમાચારમાં સીધેસીધી વાત કરવામાં આવે છે. જ્યારે વાર્તામાં પ્રતીકો સાથે વધારે ઊંડાણપૂર્વક વાત કરવામાં આવે છે. રૂમમાં પુરાયેલા બંને નાયક અને એક નાયિકા ગમતી ફિલ્મના કોઈ સીનનો અભિનય કરે છે અને પછી બીજા બંનેને પૂછે છે કે આ કઈ ફિલ્મ? ખોટો જવાબ આપે તો સજા મળે. ધીમે-ધીમે એ તેમનો રોજનો ખેલ બની જાય.
૧૯૬૦ના ન્યુવેવ ડિરેક્ટર્સને આ ફિલ્મમાં અદ્ભુત અંજલિ આપવામાં આવી છે. બેર્તોલુચી પણ તેમના જ એક. સેમ ફુલર, નિકોલસ રે, જ્યાં લુક ગોદાર અને ચાર્લી ચેપલિન જેવા કેટલાય મહારથી અથવા તેમની ફિલ્મને ધ ડ્રીમર્સની પટકથામાં સુઘડતાથી પરોવવામાં આવ્યાં છે.
૧૯૬૮નું વર્ષ આજે પણ ફ્રાંસના ઈતિહાસમાં યાદ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના વામપંથી આંદોલનનો સૂરજ ૧૬એ કળાએ ખીલ્યો હતો ને સરકારે દમનકારી નીતિઓ અખત્યાર કરી તેમને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવાનું શરૂ કરેલું. (ના, ભાઈ, ખોટા વિચારે ન ચડો. આ જેએનયુની વાત નથી.) લાખો લોકો સડક પર ઊતરી આવ્યા. વિદ્યાર્થીઓના આંદોલનમાં મજૂરો પણ એક્ઠા થવા લાગ્યા. કવિઓ અને ગાયકો પણ આંદોલનમાં જોડાઈ ગયા.
૨૦૧૮માં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા, મોંઘવારી અને બેરોજી મુદ્દે હિંસક ચળવળ થતા ૧૯૬૮ના એ આંદોલનના સ્મરણ પર રીફ્રેશ બટન દબાયેલું. ૨૦૧૮માં થયેલા આંદોલને જ ફ્રાંસવા ઓલાંદને ઘર ભેગ કર્યા અને ફ્રાંસના અરવિંદ કેજરીવાલ, થોડા જ મહિનાઓ પહેલા સ્થપાયેલા સ્થપાયેલા એન માર્શ રાજકીય પક્ષના નેતા ઇમેન્યુઅલ મેક્રોં પ્રમુખ બની ગયા.
વિદ્યાર્થી કમ શ્રમિક આંદોલન ધ ડ્રીમર્સનું એપીસેન્ટર નથી. શરૂઆતમાં તેની વાત કર્યા પછી ફિલ્મનું પોઇન્ટર એક અલગ જ કથા તરફ ઘૂમી જાય છે. હા, નાયક-નાયિકા જે સંવાદ બોલે તેનાથી આંદોલન સામેના સરકાર વલણ તરફ વ્યંગબાણ તકાતા રહે. આંદોલનની નિષ્ફળતા વિશે પણ અમેરિકી નાયક બહુ ઝીણવટ ભર્યા સંવાદો ઉચ્ચારે છે. શરૂઆત બાદ અંતે ફરી પોઇન્ટર આંદોલન પર સ્થિર થાય છે. પોલીસ દમનના ચીતાર સાથે પિક્ચર પૂરું થાય છે. બેકગ્રાઉન્ડ સ્કોરની જેમ તત્કાલીન રાજનીતિ ગૂંજતી રહે અને તેની સાથોસાથ ત્રણ કલાકારોની અંતરંગ કથા પડદા પર ભજવાતી રહે.
આ ત્રણ કલાકારોની કથા તો કોઈપણ બેકગ્રાઉન્ડમાં કરી શકાત તો પછી રાજકીય બેકગ્રાઉન્ડમાં જ કેમ કહેવામાં આવી? તેની પાછળનું કારણ છે, સામાજિક અને જાતિય સ્વતંત્રતા. જે ત્રણ કલાકારો વચ્ચે વાર્તા ત્રિકોણ રચાય છે તેમના હૃદયમાં અને સમાજમાં વસતા તેમના જેવા બીજા લાખો લોકોના હૃદયમાં સામાજિક અને જાતિય સ્વતંત્રતાની વાત રહેલી છે. આ સ્વતંત્રતા ક્રાંતિ સિવાય પ્રાપ્ત થાય નહીં. એટલે જ તેની વાર્તા એક ક્રાંતિકારી આંદોલનના બેકગ્રાઉન્ડમાં કહેવામાં આવી છે.
૧૯૬૮ના આંદોલનમાં જ એક મહિલાએ જાતિય ક્રાંતિનો પાયો મૂક્યો હતો. એટલે જ સેક્સ્યુઅલ રેવલ્યૂશનની વાત કરતી આ ફિલ્મના બેકગ્રાઉન્ડમાં ૧૯૬૮નું આંદોલન બતાડવામાં આવ્યું છે. ત્યારનો ફ્રાંસનો સમાજ પિતૃસત્તાત્મક હતો. યુવક-યુવતીનું એકલા મળવું લોકોને ખૂંચતું. કલાકારનું કામ સમાજને હચમચાવવાનું હોય છે ને બેર્તોલુચીએ તે કામ બરાબર કર્યું. તેમણે સેક્સ્યુઅલ ફ્રીડમનો મુદ્દો છેડીને સામાજિક રૂઢિએને છંછેડવાનું આવકારદાયક સાહસ કર્યું.
ચંદ્રકાંત બક્ષી અને મન્ટો પર હંમેશા આરોપ લાગતો રહ્યો કે તેમની વાર્તાઓમાં સેક્સનો અતિરેક હોય છે. એ આરોપનું એક્સ્ટેન્શન ઓશોના વ્યાખ્યાનોથી લઈને આશ્રમ સુધી થયું. આવો જ આક્ષેપ બેર્તોલુચી પર પણ લાગ્યો કે તેમની ફિલ્મોમાં સેક્સનો અતિરેક હોય છે. અસલમાં તે કથાની જરૂરિયાત રૂપે હતો અને તે ઉપરાંત તેમાં બીજું ઘણું હતું. લોકોએ એ જ પકડયું જે તેમને પકડવું હતું અને પછી વાંક કાઢ્યો આ મહાન વિભૂતિઓનો.
આ નિર્દેશકે ૫૦ વર્ષમાં ૨૪થી ૨૫ ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મો ઇરોટિસિઝમથી ભરેલી હતી તેનો અર્થ એ નથી કે તેઓ રેલવે સ્ટેશન પર મળતી સેમીપોર્ન ચોપડી જેવી ફિલ્મો બનાવતા હતા. ના, તેમની ફિલ્મોમાં પ્રોપર કોન્ટેક્સ્ટ હોય. તેઓ રાજકીય અને સામાજિક પરિવર્તનોથી વાકેફ રહેતા. તેમાં તેમને ટપ્પો પડતો. તેમાં તેમની ચાંચ બરાબર ડૂબતી. એ ફાસીવાદ હોય કે વામપંથ તેમનાથી અસ્પૃશ્ય રહ્યો નથી.
૧૯૬૨માં તેમની ફિલ્મ આવી હતી બિફોર ધ રેવલ્યૂશન. તેમાં માર્ક્સવાદી વિચારોથી પ્રભાવિત નાયક અને કોઈપણ પ્રકારની રાજકીય આઇડિયોલોજી ન ધરાવતી નાયિકા વચ્ચેની પ્રેમકથા કહેવામાં આવી છે. ૧૯૭૦માં રચાયેલી ધ કન્ફર્મિસ્ટમાં ફાસીવાદ અને અંધરાષ્ટ્રવાદ ભણી આંગળી ચીંધવામાં આવી છે.
સાલ્વાડોર દાલી, સિગ્મંડ ફ્રોઇડ, જૉન એલિયા માફક બેર્તોલુચીએ પણ હવસની સાઇકોલોજીનું એક્સ્પ્લોરેશન કરેલું છે. લાસ્ટ ટેન્ગો ઇન પેરિસ બનાવીને. ૧૯૭૨ની એ કૃતિએ ઘણા વિખવાદ પણ ઊભા કરેલા. ૧૯૭૬માં તેમણે ચાર કલાક લાંબી ફિલ્મ બનાવી. તેનું શીર્ષક ૧૯૦૦. તેમાં કિસાનોની સંઘર્ષ ગાથા તથા વામપંથી-દક્ષિણપંથીઓની ઘર્ષણગાથા ચિત્રિત કરવામાં આવી હતી.
૧૯૮૭માં બનેલી ધ લાસ્ટ એમ્પ્રરર, જેના ફિલ્મને નવ ઑસ્કર મળેલા તેમાં તેમણે ચીનના છેલ્લા રાજાથી લઈને માઓવાદી આંદોલન સુધીના ઈતિહાસને વાચા આપી છે. ક્રાંતિની કહાની કહેવા માટે તેમણે ડુંગરાની જેમ દુનિયા ઘૂમ્યા. વિવિધ ક્રાંતિની સફળતા-નિષ્ફળતાનું તટસ્થ વિશ્લેષણ કર્યું. ફાસીવાદની લગાતાર અને લગલગાટ આલોચના કરી.
બેર્તોલુચી સેક્સ પર જ ફિલ્મો બનાવે છે એમ કહેવું તેમના પ્રત્યેનો અન્યાય છે. જિઝસને સૂળીએ ચડાવી દેનારા, સુક્રાતને ઝેર આપનારા, પિકાસોને દેશવટો આપનારા સમાજ માટે આ તો બહુ નાનો અપરાધ કહેવાય. તેને ક્ષમ્ય ગણવો રહ્યો.
જીકે જંકશન
- અલ્બાનિયાના લોકો મરેલા પશુઓને પોતાના ઘરના ઉંબરે ટીંગાડે છે. તેઓ માને છે કે એમ કરવાથી દુષ્ટ આત્માઓ ઘરમાં પ્રવેશ કરતી નથી.
- ૧૯૯૯માં કોસોવોમાં યુદ્ધ થતા ૪,૮૦,૦૦૦ અલ્બબેનિયન મૂળવંશીઓ અલ્બેનિયા પરત આવી ગયા હતા. અલ્બાનિયાામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફત છે.
- અલ્બાનિયાની ઇકોનોમી ઉચ્ચ મધ્યમ આવકવાળી છે. દેશની મોટા ભાગની વસ્તી સર્વિસ સેક્ટર પર નિર્ભર કરે છે. તેની અર્થવ્યવસ્થા કૃષિ તથા ઉદ્યોગ ક્ષેત્ર પર પણ અવલંબન રાખે છે.
- અલ્બાનિયાનું રાષ્ટ્રીય અને વંશીય ચિહ્ન ગરુડ છે. ૧૧૯૦માં તે પથ્થર પર કોતરવામાં આવ્યું હતું.
- તેના રાષ્ટ્રધ્વજમાં કાળા અને લાલ રંગનો ઉપયોગ થયો છે તથા બે મોઢાવાળું ઇગલ દર્શાવવામાં આવ્યું છે.
- અલ્બાનિયાનું લઝરત ગામ ભાંગની રાજધાની છે. આ ગામને કારણે જ અલ્બાનિયા યુરોપમાં ભાંગની નિકાસ કરનારો સૌથી મોટો દેશ છે.
- તમને જાણીને આશ્ચર્ય થશે કે અલ્બાનિયામાં સ્પીડ બોટનો ઉપયોગ પ્રતિબંધિત છે. એટલા માટે કેમ કે ત્યાં સ્પીડબોટનો ઉપયોગ માનવ અથવા ડ્રગ્સની તસ્કરી કરવા માટે થાય છે. અલ્બાનિયાથી ઇટલી અને ગ્રીસમાં થતી તસ્કરી જગ કુખ્યાત છે.
- અલ્બાનિયાની પોલીસ અત્યંત ભ્રષ્ટ છે. તેનું પ્રિય કામ છે લોકોને દંડવાનું. હંમેશા કોઈને કોઈ વાહનચાલકને રોકીને તેઓ દંડ વસૂલતા જોવા મળે છે. આપણે અહીં પોલીસનું પ્રિય કામ છે પાન-ફાકી પકડવાનું.
આજની નવી જોક
છગન (મગનને): વિશ્વને લોકડાઉનનો કન્સેપ્ટ રાજકોટે આપ્યો છે.
મગનઃ એમ? કેવી રીતે?
છગનઃ ત્યાં સદીઓથી બપોરે એકથી ચાર આખું ગામ બંધ રહે છે. જીવન જરૂરી ચીજો સિવાય કશું મળે નહીં.
મગનઃ હેં!?