અમેરિકાને કોરોનાએ નહીં, ટ્રમ્પની લાલસાએ કરડી ખાધું
- અમેરિકા એક એવો દેશ છે જેને ભવિષ્યની બહુ પહેલેથી ખબર પડી જાય છે
- યુએસના આરોગ્ય તથા ગુપ્તચર વિભાગે જાન્યુઆરી માસથી ચેતવણી આપવા માંડી હતી, પણ લંકેશ કુંભકર્ણ નિંદ્રામાં હતા
- ચૂંટણી પ્રચારની ગાડી પાટા પરથી ન ઊતરી જાય એટલા માટે તેમણે લોકડાઉનમાં બે મહિના મોડું કર્યું
- યુએસને બરબાદ કરી દેનારા આ મહાશય હવે ચીનનો ભય બતાડીને બીજી વખત જીતવા માગે છે
ચહેરા ઉપર ગમે તેવું માસ્ક ભલેને પહેરી લો. કાળનું વંટોળિયું ફુંકાય ત્યારે ભલભલા માસ્ક ઊડી જાય છે અને અસલી ચહેરો બહાર આવી જાય છે. ગમે તેટલું માર્કેટિંગ કર્યું હોય, ગમે તેટલી શોમેનશિપ કરી હોય તોયે જો પોત નબળું હોય તો કશું ગુપ્ત રહી શકતું નથી. ટેરેસ પર ચડીને પાપ પોકારે છે. જેમ કે ડોનલ્ડ ટ્રમ્પ. આ મહાશયે જાતભાતના સેન્સેશનલ નિવેદનો કરીને સત્તા મેળવી, નીતિ-નિયમો તોડી મરોડીને, પર્યાવરણના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને દેશનો સ્થગિત વિકાસદર પણ ગતિશિલ કરાવ્યો, પણ તેમની માત્રને માત્ર પૈસા બનાવવાની નીતિ તેમને પતન તરફ દોરી ગઈ. વિશ્વનેતા અમેરિકા અત્યારે કોવિડના દરદીઓની સંખ્યાની બાબતમાં પણ વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. તે શ્રીમાન ટ્રમ્પના પ્રતાપે. ને ટ્રમ્પ હાર્યો જુગારી બમણું રમે તેમ બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માટે વધુને વધુ ખોટા નિર્ણયો લેતા જાય છે. તેમની આંધળી લાલચે એક સુંદર દેશને શબઘરમાં પલટવાનો પ્રારંભ કરી દીધો છે.
અમેરિકા એક એવો દેશ છે જેને ભવિષ્યની બહુ પહેલેથી ખબર પડી જાય છે. કારણ કે તેની પાસે એટલા સજ્જ નિષ્ણાતો છે, કારણ કે ત્યાં સર્વોત્તમ બુદ્ધિધન છે. જોકે હીરાની કિંમત ઝવેરી જ કરી શકે. ટ્રમ્પ તેમાં કાચા પડયા છે. ન્યુયોર્ક ટાઇમ્સમાં સમાચાર છે, જાન્યુઆરી માસમાં જ આરોગ્યથી લઈને ગુપ્તચર સુધીના વિવિધ વિભાગે ટ્રમ્પ પ્રશાસને કોરોનાના ઝળુંબી રહેલા કોરોના ચક્રવાત વિશે ચેતવણી આપી દીધી હતી. ટ્રમ્પે આ વાત ધ્યાને જ ન લીધી. શા માટે ધ્યાને ન લીધી? કેમ કે તેમના માટે આ વર્ષ ઇલેક્શનનું છે. તેઓ એવો એક પણ નિર્ણય લેવાના મૂડમાં નહોતા, જે દેશની વિકાસગાડી ધીમી પાડે. જો ત્યારે તેમણે વિકાસગાડી ધીમી પડવા દીધી હોત તો યુએસ પર અત્યારે આટલી મોટી આર્થિક મહામારી પણ ન ત્રાટકી હોત.
જર્મની તથા બીજા ઘણા દેશો જાન્યુઆરીમાં જાગી ગયા હતા અને ટેસ્ટિંગ કિટ બનાવવા મંડાઈ પડયા હતા. ટ્રમ્પ ડબલ્યુએચઓ પર ઠીકરું ફોડે છે. કહ્યું, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનને ફાયદો થાય તેવી રીતે કામ કરી અમેરિકાને ગફલતમાં રાખ્યું. હકીકતમાં આવું કહીને ટ્રમ્પ પોતાની છબિ બચાવવા માગે છે. હૂએ તો તેમને જાન્યુઆરીમાં ટેસ્ટિંગ કિટ બનાવવા તાકીદ કરી દીધી હતી, પણ લંકેશ કુંભકર્ણ નિંદ્રામાં હતા. ફેબુ્રઆરીમાં નેવાના પાણી મોભે ચડવા માંડયા તોય તેઓશ્રી ટેસ્ટિંગ વધારવાના મૂડમાં નહોતા. સેન્ટર ફોર ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલા વૈશ્વિક મહામારીના વિશેષજ્ઞા જેરેમી કોનડાયક સીએનએન સાથેની વાતચીતમાં કહે છે કે, ટેસ્ટિંગ માટે લાંબા સમય સુધી ટ્રમ્પનું વહીવટી તંત્ર માત્રને માત્ર સરકારી એજન્સી સીડીએ પર નિર્ભર હતું. એટલે કોરોના વકરી ગયો.
જગખ્યાત સમાજ શાસ્ત્રી અને લેખક નૉમ ચોમ્સ્કીએ ધ ગાર્ડીયનને ઇન્ટરવ્યૂ આપ્યો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ હજારો મોતનાં દોષિત છે. ધનપતિઓના જીવ બનવા માટે તેમણે અમેરિકાવાસીઓનો જીવ ખતરામાં મૂકી દીધો. જનાબે અમેરિકામાં લોકડાઉન મોડું જાહેર કર્યું તેનું કારણ શું? ના, ના, તેઓ મુહૂર્તની વાટ નહોતા જોતા. તેમને બીક હતી કે જો લોકડાઉન થશે તો ચૂંટણી પ્રચારની તેમની ગાડી પાટા પરથી ઊતરી જશે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઑફ અમેરિકા તેમને ઘડી-ઘડી ચેતવી રહી હતી તોયે તેઓ સભાઓ યોજ્યે જતા હતા. અમેરિકાના મતદાતા બની ગયેલા ગુજરાતીઓ તથા ભારતીયોને આકર્ષવા માટે ફેબુ્રઆરીના અંતમાં અમદાવાદ હાલ્યા આવ્યા. આ ભાઈ એટલા ઘેનમાં હતા કે સાત માર્ચની પ્રેસ વાર્તામાં ચોખ્ખું કહી દીધું, કોરોનાને કારણે ભીડ એકત્રિત ન કરવાની સલાહ આપવામાં આવી છે, પણ હાલ (ચૂંટણી)સભાઓ મોકુફ રાખવાનો કોઈ ઇરાદો નથી.
તેમણે અમેરિકાનું આર્થિક ચિત્ર કઈ રીતે બદલ્યું તેનો અભ્યાસ કરીએ તો પણ સમજાઈ જાય કે તેઓ અનાડી હોવા છતાં કેવડા મોટા ખેલાડી છે. તેણે આવતાવેંત પાકિસ્તાન, યુએન અને પેલેસ્ટાઇનનું ફંડિંગ કાં તો સાવ બંધ કરી દીધું, કાં ઘટાડી નાખ્યું. જે ડોલર બચ્યા તે અમેરિકાના આર્થિક વિકાસ માટે ખર્ચ્યા. અમેરિકન કંપનીઓને વેપાર કરવા માટે મોકળું મેદાન નહીં, રેઢું પડ આપી દીધું. તેમને છુટ્ટો દોર આપી દીધો. અન્ય દેશોમાંથી થતી આયાત પર ઊંચો વેરો ઝીંકી દીધો જેથી સ્થાનિક ઉત્પાદનો સાથે તે સ્પર્ધામાં ન ટકી શકે. અમેરિકન કંપનીઓને વધુને વધુ નોકરી અમેરિકનોને આપવાનું કહી ઇમિગ્રન્ટ્સને ધક્કે ચડાવ્યા. અમેરિકાના તેજોદ્વેષી બેરોજગારો આનાથી બહુ રાજી થયા. તેના કારણે યુએસનો બેરોજગારી દર ઘટયો તથા ગત ફેબુ્રઆરીમાં અમેરિકાનું શેરબજાર વાતાવરણના છેલ્લા સ્તર આયન આવરણમાં પહોંચી ગયું.
પોતાના દેશને ફાયદો થાય એવા નિર્ણયો દરેક દેશની સરકાર લેવા ચાહે, પણ ડોનલ્ડ ટ્રમ્પે તો આડો આંક વાળી દીધો. વળી, તેઓ હંમેશા બિઝનેસમેનની જેમ જ વિચારતા રહ્યા. દેશનો રાષ્ટ્રપતિ બિઝનેસમેન નથી. દેશનો ચીફ ઇકોનોમિસ્ટ અને કોઈ કંપનીનો ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર એકસરખું ન વિચારી શકે તેમ. બંનેનું ચિંતન આર્થિક હોય છે, પરંતુ બંનેના ચિંતનમાં ફેર હોય છે. અર્થશાસ્ત્રીના ચિંતનના કેન્દ્રમાં દેશનો નાગરિક હોય છે, દેશની કંપનીઓ નહીં. જ્યારે ફાઇનાન્સ ઑફિસરે તો માત્ર કંપનીના આર્થિક ફાયદા વિશે જ વિચારવાનું હોય છે. ટ્રમ્પ પ્રમુખ બન્યા પછીયે કંપનીના અધિકારીની જેમ વિચારતા રહ્યા. દેશના વડાની જેમ તેઓ ક્યારેય વિચારવા માગતા જ નહોતા. એટલે તેમણે એવા નિર્ણયો લીધા જેનાથી અમેરિકાની કંપનીઓને મોટો ફાયદો થાય, અમેરિકનોને ટૂંકાગાળાનો ફાયદો થાય, અમેરિકામાં વસતા પરદેશીઓને નુકસાન થાય અને યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકોને ટૂંકાગાળે ફાયદો-લાંબેગાળે નુકસાન થાય.
ચાલાકીથી, છળથી, લાલચથી, સામ-દામ-દંડ-ભેદ બધી નીતિઓ અપનાવીને ટ્રમ્પે લીધેલા નિર્ણયોનો અંતે ફાયદો શો થયો? અત્યારે ત્રણ કરોડ અમેરિકનોની નોકરી સ્વાહા થઈ ગઈ હોવાના સમાચાર છે. રાષ્ટ્રપતિએ જે કંપનીઓને કમાવા દેવા માટે નિયમ-કાયદા નેવે મૂકી દીધા હતા એ કંપનીઓ માઠા સમયમાં તેમના અમેરિકન કર્મચારીઓને, તેમના વહાલા ભાઈ-બહેનને સાચવવા તૈયાર નથી. હવે અમેરિકાનો જીડીપી પાછા પગલે દોડવા લાગ્યો છે.
સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલે અતિ પ્રેશર કરતા ટ્રમ્પે ઠેઠ ૨૪મી માર્ચે લોકડાઉન ઘોષિત કર્યું. આ દિવસોમાં તેમણે જોઈ લીધું કે તેમની ચાર વર્ષની કામગીરી વરસાદમાં ખેતર ધોવાઈ જાય એમ સાફ થઈ ગઈ છે. જાડી ચામડી કોને કહેવાય તે હવે આવે છે. ઇકોનોમી ધોવાઈ ગઈ હોવાના પશ્ચાતાપમાંથી સાહેબ તરત બહાર નીકળી ગયા અને હવે તેમની બીજી વખત ચુંટાવાની શક્યતા ન ધોવાઈ જાય તેના પર કામ કરવા લાગ્યા.
જાન્યુઆરી-ફેબુ્રઆરી મહિનામાં તેઓ શ્રી કોરોના સામે ખમીર દાખવીને લડવા સબબ ચીનના મોંફાટ વખાણ કરી રહ્યા હતા. ને બાદમાં રેલો વાઇટ હાઉસના પગ તળે આવતા ચીન પર કાળઝાળ થઈ ગયા. ૩૦મી એપ્રિલે તો તેમણે એમ કહી દીધું કે, ચીન મને બીજી વખત રાષ્ટ્રપતિ બનવા દેવા માગતું નથી. આ વાઇરસ ચીનથી નીકળ્યો છે. ચીન મને રાષ્ટ્રપતિપદની દોડમાં પાછળ રાખી દેવા માટે કંઈપણ કરશે. ચીન ઇચ્છે છે કે ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન પ્રમુખ બને. બિહારમાં અમે નહીં ચૂંટાઈએ તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે એના જેવી આ વાત છે. રાજકારણી નામની વક્કલની સાથોસાથ જનતા નામની વક્કલ પણ બધે એક સરખી જ હોય છે કે!?
ટૂંકમાં ટ્રમ્પને સત્તા અને પૈસો દેશ કરતા અનેક ગણા પ્યારા છે. પાછી તેમણે ચાલ કેવી ચાલી છે.ચીનને તેમણે ચુનાવી વૈતરણી પાર કરવાની હોડી બનાવી લીધી છે. જો બિડેન ચીનનો બચાવ કરે તો પણ અજાણપણે આમ અમેરિકનોનો રોષ વહોરી બેશે. માન્યુ કે સાચા માણસો રાજનીતિમાં ન ચાલે, કિંતુ આવા હળાહળ જૂઠા રાજકારણીનો વિજયરથ રોકવા કોઈ તો તોડ હોવો જોઈએને. એ તોડ કાળ સિવાય કોઈ કાઢી શકે એમ નથી. જે આપણે જોઈ શકીએ છીએ તે અમેરિકનો જોઈ શકશે કે કેમ? તે તો આપણને ચૂંટણીના પરિણામોમાં જ જોવા મળશે.
જીકે જંકશન
- જર્મનીનો ૧/૩ ભાગ આજે પણ જંગલોથી ઘેરાયેલો છે. દુનિયાની પ્રથમ પ્રિન્ટેડ બુક જર્મન ભાષામાં જ છપાયેલી.
- યુરોપિયન સંઘમાં સૌથી વધુ વસ્તી જર્મનીની છે. ૮.૧ કરોડ. જર્મની દુનિયામાં વસ્તી ગીચતા ધરાવતા દેશોમાં સ્થાન પામે છે.
- બર્લિનમાં યુરોપનું સૌથી મોટું ટ્રેન સ્ટેશન આવેલું છે. બર્લિન પેરિસથી નવ ગણું મોટું છે અને વેનિસથી વધારે બ્રિજ બર્લિનમાં છે.
- બર્લિન સિવાય જર્મનીની રાજધાની રહ્યા હોય એવા શહેરોના નામ નીચે પ્રમાણે છે. આચેન, રેગેન્સબર્ગ, ફ્રેંકફર્ટ-એમ-મે, નુરેમબર્ગ, બર્લિન, મેઇમર બોન અને બર્લિન.
- જર્મની કિતાબોની દુનિયા છે. દર વર્ષે ત્યાં ૯૪,૦૦૦ પુસ્તકો પ્રકાશિત થાય છે. દુનિયાનું સૌથી પહેલું સામયિક ૧૬૬૩માં જર્મનીમાં લોન્ચ થયું હતું.
- ત્યાંના ૬૫ ટકા હાઇવે પર કોઈ સ્પીડ લિમિટ નથી. દુનિયામાં સર્વાધિક બોલાતી ભાષાઓમાં જર્મન ભાષા ત્રીજા સ્થાને છે. યુરોપમાં વધુમાં વધુ લોકો જર્મન ભાષા જ બોલે છે.
- જર્મન ભાષામાં કુલ ૩૫ બોલી છે. ત્યાં કોલેજનું શિક્ષણ ફ્રી છે. તેની સામે આપણું શિક્ષણ ક્ષેત્ર જ એટલું મોંઘું છે કે અસમાનતાને ઉત્તેજન મળે.
- જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, લક્ઝમ્બર્ગ અને લિક્ટેન્સ્ટીનની સત્તાવાર ભાષા જર્મન જ છે. આ દેશમાં જુદા-જુદા ૩૦૦ પ્રકારની બ્રેડ મળે છે. ૧,૦૦૦થી વધુ પ્રકારના સોસ મળે છે.
- બવેરિયામાં બિયરને ભોજન માનવામાં આવે છે. જર્મનીમાં અલગ-અલગ ૧૫૦૦ પ્રકારની બિયર મળે છે.
- ત્યાં જાહેર સ્થળો પર ધુમ્રપાન કરવાની મનાઈ છે, કિંતુ આલ્કોહોલ પીવાની નહીં. દુનિયાનો સૌથી મોટો બિયર મહોત્સવ ઓક્ટોબરવેસ્ટ છે. તેનું આયોજન જર્મનીના મ્યુનિક શહેરમાં થાય છે. બિયરના એક ગ્લાસનો આકાર એક લિટર જેવડો હોય છે.
- દુનિયાના બીજા કોઈ પણ દેશની તુલનામાં સર્વાધિક ફુટબોલ ફેન જર્મનીમાં જ છે. ક્રિસમસ ટ્રીની પરંપરાની શરૂઆત પણ જર્મનીમાં થયેલી. દુનિયામાં સૌથી વધુ પ્રાણી સંગ્રહાલય પણ જર્મનીમાં આવેલા છે. ૪૦૦થી વધુ.
- જર્મનીની મોટા ભાગની ટેક્સી મર્સીડીઝ છે. કોઈ પણ કરેલી વાતમાંથી ફગી જવું જર્મનીમાં અપરાધ મનાય છે. ઓસ્ટ્રિયા, જર્મની સહિત કુલ ૧૭ દેશોમાં આવો કાનૂન છે.
આજની નવી જોક
છગન (મગનને) : જિંદગી કેવા વળાંક પર આવીને ઊભી છે?
મગનઃ કેવા વળાંક પર?
છગનઃ એવા વળાંક પર કે દરેક વળાંક પર પોલીસ ઊભી હોય છે.
મગનઃ હેં!?