નવસારીની APMC માર્કેટમાં રોજની વિવિધ જાતની 22 ટન કેરી ઠલવાય છે
-છેલ્લા એક સપ્તાહથી કેસર, હાફુસ, દશેરી, રાજાપુરી, તોતાપુરી અને દેશી વગેરે કેરીની હરાજી થઈ રહી છે
નવસારી
નવસારીમાં એ.પી.એમ.સી. માર્કેટમાં છેલ્લા એક સપ્તાહથી ફળોના રાજા કેરીના પાકનું આગમન થતાં કેરીના રસીયાઓમાં આનંદ જોવા મળે છે. હાલ એપીએમસી નવસારીમાં રોજની કેસર, હાફુસ, દશેરી રાજાપુરી, સબજા અને દેશી વિગેરે જાતોની ૨૨ ટનથી વધુ કેરીના પાકની હરાજી કરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લામા કમૌસમી વરસાદ અને ભારે ઘુમ્મસ અને ઝાકળીયા વાતાવરણને કારણે ચાલુ વર્ષે ફળોના રાજા કેરીના પાકને મોટુ નુકસાન થયું હતું. આંબાવાડીઓમાં શરૃઆતમાં અઢળક ફૂટેલ આમુમંજરીને ઘુમ્મસ અને ઝાંકળીયા વાતાવરણની ભારે નુકસાન થતા કેરીના પાકનો ત્રીજો ફાલ ઓછો આવતાં ગત વર્ષ કરતા ઓછો પાક જોવા મળે છે. પરંતુ હાલમાં હોળીના તહેવાર બાદ કેરીનો કિમતી પાક તૈયાર થઈ જતાં નવસારી એપીએમસી માર્કેટમાં સ્થાનિક ખેડૂતો દ્વારા છેલ્લા એક સપ્તાહથી કેસર, હાફૂસ, લંગડો, દશેરી, રાજાપુરી, સબજા, તોતાપુરી વિગેરે હરાજીમાં આવી રહી છે. એપીએમસીના ચેરમેન આશિષભાઈ નાયકના જણાવ્યા મુજબ હાલ ખેડૂતો દ્વારા માર્કેટમાં અંદાજે ૨૨ ટનથી વધુ વિવિધ કેરીઓ હરાજી માટે આવી રહી છે. ખેડૂતોને ચાલુ વર્ષે કેરીનો ઓછો પાક હોવાથી કેરીના ઉંચા અને પોષણક્ષમ ભાવો મળતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. વેપારીઓ પણ હાલમાં કેરીની ખરીદી કરી નવસારીથી મહારાષ્ટ્ર અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં સપ્લાય કરી રહ્યા છે.