નુડાનો નવો ડી.પી. ડ્રાફ્ટ જાહેર:નવસારી, વિજલપોર શહેર અને 15 ગામોનો સમાવેશ
97 માંથી 80 ગામોની બાદબાકી કર્યા બાદ ચાર વર્ષે નૂડાની કામગીરી એક ડગલું આગળ વધી
લોકો બે મહિનામાં વાંધા-સૂચનો રજુ કરી શકશે
નવસારી,તા 17 ઓગષ્ટ 2019 , શનિવાર
નવસારી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરેટીએ અચાનક તા.15મી ઓગસ્ટના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી ડેવલોપમેન્ટ પ્લાનનો ડ્રાફ્ટ જાહેર કરતા નૂડાની કામગીરી એક ડગલું આગળ ધપી છે. જેમાં હવે નવસારી-વિજલપોર શહેરો સહિત કુલ 17 ગામોનો સમાવેશ કરાયો છે. લોકો પાસે બે મહિનામાં વાંધા, સૂચનો માંગવામાં આવ્યા છે. ત્યારબાદ આખરી પ્લાનને મંજુર કરાશે.
રાજ્ય સરકારે નવસારી તથા તેના આજુબાજુ આવેલા ગામોના સર્વાંગીણ વિકાસ માટે તા. 9-12-2015ના રોજ નવસારી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (નૂડા) બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી વિજલપોર સહિત કુલ 97 ગામોનો સમાવેશ કરાયો હતો. પરંતુ આજુબાજુના ગામોએ ભૌગોલિક સ્થિતિનાં કારણોસર નૂડામાં જોડાવાનો ઇન્કાર કરી દેતા સરકારે ક્રમશઃ ગામોની નૂડામાંથી બાદબાકી કરવા માંડી હતી. જેમાં 27 ગામો રહી ગયા હતા. આ ગામો માટે સરકારે તા. 16-6-2017ના રોજ ડીપી પ્લાન જાહેર કર્યો હતો. જેમાં વાંધાઓ બાદ બીજા 9 ગામોની બાદબાકી કરવામાં આવી હતી. અને માત્ર 17 ગામો જ રહ્યા હતા. આથી સરકારે જાહેર કરેલા ડી.પી. પ્લાનને તા. 25-2-19ના રોજ રદ કરી દીધો હતો. જેના કારણે નૂડાના ભાવિ સામે જ પ્રશ્નાર્થ ઉભો થયો હતો. બીજી તરફ ડેવલોપર્સ બિલ્ડરોના કામો નૂડાનો ડેવલોપમેન્ટ પ્લાન મંજુર નહીં થયો હોવાથી અટવાઈને બંધ થયા હતા. આ મુદ્દાને સરકારે પણ અભરાઈ પર ચઢાવી દીધા જેવું વલણ અખત્યાર કરી લીધું હતું. પરિણામે લોકો અસંમજસની પરિસ્થિતિમાં મુકાયા હતા અને બાંધકામ ઉદ્યોગ પર માઠી અસર પડી હતી. આથી અકળાયેલા લોકોએ નૂડાને રદ કરવાની અને પૂર્વવત સ્થિતિ બરકરારની માંગણીઓ કરી હતી.
દરમિયાન તા.15મી ઓગસ્ટના રોજ રાજ્ય સરકારની સૂચના મુજબ નૂડાના કારોબારી અધિકારી નાયબ કલેક્ટર કમલેશ જે. રાઠોડે નૂડાનો નવો ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરી તેની અધિસૂચના પ્રસિદ્ધ કરી હતી. જેમાં હવે નવસારી વિજલપોર નવગર પાલિકાના વિસ્તારો ઉપરાંત તેની આજુબાજુ લાગી એવા ૧૫ ગામોનો સમાવેશ થાય છે. નવા ડ્રાફ્ટમાં ઇન્ડસ્ટ્રીયલ રેસિડેન્સીયલ અને એગ્રીકલ્ચરલ એરિયા સાથે ડી.પી.ના પ્રપોઝ રોડ એ આઉટર રોડ પણ દર્શાવાય છે. જેમાં લોકો પાસે વાંધા સૂચનો હોય તો બે મહિનામાં રજુ કરવા જણાવાયું છે. ત્યારબાદ અંતિમ ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવામાં આવશે. આ કામગીરી બાદ ઠપ પડેલો બાંધકામ ઉદ્યોગ, એન.એ. મંજુરીના કામોને વેગ મળશે એવી આશા સેવાઈ રહી છે. આમ નૂડાના કુલ 97માંથી 80ગામોની બાદબાકી બાદ ચાર વર્ષે 17 ગામોને સાથે લઇને કામગીરી એક ડગલું આગળ વધી છે.
નૂડામાં કોનો-કોનો સમાવેશ થયો?
નવસારી શહેર, વિજલપોર શહેર, ઇંટાળવા, જમાલપોર, તીઘરા, વિરાવળ, છાપરા, કાલિયાવાડી, કબીલપોર, ચોવીસી, ધારાગીરી, ભટ્ટાઇ, દાંતેજ, નસીલપોર, ગણેશ સિસોદ્રા, એરૃ અને હાંસાપોર.