Updated: Jul 26th, 2022
નવસારી, તા. 26 જુલાઈ 2022, મંગળવાર
બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ નવસારીના તેલાડા ગામે લોકોએ સ્વૈચ્છિક દારૂબંધીનો નિર્ણય કર્યો છે. ગામલોકોએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે કે, હવે પછી ગામમાં કોઈએ પણ દેશી દારૂ બનાવશે પણ નહીં અને વેચશે પણ નહીં. આ ઉપરાંત ગામમાં કોઈએ પણ વિદેશી દારૂ લાવીને પણ ન વેચવાનો નિર્ણય કર્યો છે.
ગામલોકોએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને પોલીસનો સહયોગ માગ્યો છે. ગ્રામજનોએ ફરિયાદ કરી છે કે, દારૂના કારણે ગામમાં વર્ષે 6થી 8 યુવાનોના મૃત્યુ થઈ જાય છે અને મહિલાઓ ખૂબ જ નાની ઉંમરે વિધવા બની જાય છે.
લઠ્ઠાકાંડના પગલે નવસારી જિલ્લા પોલીસ જાગૃત બની છે અને જિલ્લાના તમામ થાણા અમલદારોને રેડ પાડવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં અમદાવાદમાં 2009માં થયેલા લઠ્ઠાકાંડ બાદ બોટાદમાં થયો છે. આ લઠ્ઠાકાંડમાં 30 લોકોના મોત થયા છે અને 51 લોકો સારવાર હેઠળ છે.