Get The App

નવસારી લોકસભા પર કોંગ્રેસે કોળી કાર્ડ ખેલતા ચૂંટણી મુકાબલો રસપ્રદ બનશે

- ખેડૂતો-આદિવાસીઓમાં વિવિધ પ્રોજેક્ટ સામે વિરોધ વચ્ચે

Updated: Mar 30th, 2019

GS TEAM

Google News
Google News
નવસારી લોકસભા પર કોંગ્રેસે કોળી કાર્ડ ખેલતા ચૂંટણી મુકાબલો રસપ્રદ બનશે 1 - image


- ભાજપે રિપીટ કરેલા સી.આર.પાટીલ સક્રિય સાંસદ સાથે મજબૂત આર્થિક સ્થિતિ બીજી તરફ કોંગ્રેસ સંગઠનમાં જેટલા નેતા તેટલા જુથ જેવી હાલત

નવસારી, તા. 30 માર્ચ 2019, શનિવાર

આગામી લોકસભાની ચૂંટણી માટે નવસારીને બેઠક પર ભાજપે પોતાનાં સીટીંગ સાંસદ સી.આર.પાટીલને ત્રીજી ટર્મ માટે સીટ આપી છે. જ્યારે કોંગ્રેસે તેમની સામે કોળી સમાજનાં ધર્મેશભાઈ પટેલ પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે કોળી કાર્ડ ખોલતા મુકાબલો રસપ્રદ બનશે.

રપ નવસારી લોકસભા બેઠક માટે બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોનાં નામોની જાહેરાત થઈ છે. જેમાં ભારતીય જનતા પક્ષ દ્વારા ત્રીજી વખત પોતાનાં સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી છે. સી.આર.પાટીલ પ્રથમ વખત વર્ષ ર૦૦૯માં ભાજપની ટીકિટ પર નવસારી બેઠક પર ચૂંટણી લડયા હતા. અને કોંગ્રેસનાં ધનસુખ રાજપૂતને ૧.૩૨ લાખ મતની સરસાઈથી હરાવ્યા હતા. ર૦૧૪ની ચૂંટણીમાં ફરીથી ભાજપે તેમને ટિકીટ આપી હતી. જેમાં કોંગ્રેસનાં ઉમેદવાર મકસૂદ મિર્ઝાને પ.પ૮ લાખ મતોની જંગી સરસાઈથી પરાજય આપ્યો હતો અને હવે ર૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસે કોળી સમાજનાં યુવા નેતા અને વિજલપોર નગર પાલિકાનાં માજી પ્રમુખ ધર્મેશ પટેલને ઉતાર્યા છે.

સી.આર.પાટીલ પોતાનાં ક્ષેત્રમાં સક્રીય સાંસદ હોવા સાથે મજબૂત આર્થિક સ્થિતિ ધરાવે છે. તેમના પક્ષનું સંગઠન અત્યંત પાવરફૂલ છે. પરંતુ તેમની સામે ખુદ તેમનાં જ પક્ષનાં જલાલપોરનાં માજી ધારાસભ્ય કરશનભાઈ પટેલ સામે પડયા હતાં. તદ્દઉપરાંત કોળી સમાજ દ્વારાં આ બેઠક કોળી સમાજને ફાળવવાની માંગ ઉઠી હતી. કાંઠા વિસ્તારમાં તે અંગે બેનરો પણ લાગ્યા હતા. આ બેઠક પર કોળી અને પરપ્રાંતીય મતદારોનું ગણનાપાત્ર સંખ્યાબળ છે. જો કોળી સમાજનો વિરોધ થાય તો થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડે. પરંતુ ભાજપે સી.આર.પાટીલનું નામ જાહેર કર્યા બાદ થયેલા એક સંમેલનમાં આર.સી.પટેલ હાજર રહી પક્ષનાં ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી લાવવાની જાહેરાત પણ કરી હતી.

બીજી તરફ કોંગ્રેસનાં ઉમેદવાર ધર્મેશ ભીમભાઈ પટેલ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહયા છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનનાં નામે હું બાવો અને મંગળદાસ જેવી સ્થિતિ પ્રવર્તે છે. જેટલા નેતા એટલાં જૂથ છે. આ નબળાઈમાંથી હજી સુધી કોંગ્રેસ બહાર આવી નથી. કોંગ્રેસનાં કમિટેડ મતો ઉપરાંત કોળી ઉમેદવાર હોવાથી કોળી મતો મળવાની સંભાવના વર્તાય છે. તદ્દઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નોટબંધી જી.એસ.ટી.નાં કારણે બરબાદ થયેલા ઉદ્યોગ ધંધાવાળા અને બિલ્ડરો ભાજપથી મોઢુ ફેરવશે. 

વળી બુલેટ ટ્રેન માટે ખેડૂતોને તેમની જમીનની બજાર કિંમતની ચાર ગણી રકમ સાથે વળતર આપવાની માંગણીની સરકારે અવગણના કરી હોવાથી નવસારી જિલ્લાનાં ખેડૂતોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ભારતમાલા પ્રોજેક્ટ માટે ખેડૂતો આદિવાસીઓની જમીન સંપાદનને લઈને તેમનામાં રોષ છે. જેમાં સાસંદ સી.આર.પાટીલ તેમની પડખે નહીં હોવાની લાગણી છે. ઉપરાંત નવસારી બીલીમોરા અમલસાડ રેલવે સ્ટેશને ટ્રેનોની નવી સુવિધા, વર્ષોથી સ્ટોપેજોની પડતર માંગણીઓ પુરી નહીં થવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. આ મુદ્દા સી.આર.પાટીલનાં વિરૂધ્ધ જાય છે. જેથી મુકાબલો રસપ્રદ બનશે તે નક્કી છે.

Tags :