નવસારીમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઇવે માટે ખેતરોમાં ખૂંટા મારી દેવાયા
- ખેડૂતોને જાણ સુધ્ધા ન કરી.! વિકાસ કે વિનાશ.!
- રીલાયન્સ ગેસ પાઈપલાઈન, ગુડ્ઝ કોરીડોર, એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન બાદ હવે નવા હાઈવે માટે સંપાદન
- ખેડૂતો માટે જમીન રહેશે કે નહીં ?
- ઉગત, અંબાડા, સદલાવ ગામમાં ખૂંટા મારી દેવાયા
નવસારી, તા.22 ડિસેમ્બર 2018, શનિવાર
નવસારી જિલ્લાનાં પૂર્વપટ્ટીમાં આવેલાં ત્રણ ગામોમાં શનિવારે ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈ-વે માટે સર્વેની કામગીરી કરી ખેડૂતોની જમીનમાં ખુંટા મારી દેવાતાં ચકચાર મચી છે. જિલ્લાનાં ખેડૂતોની જમીનમાંથી રિલાયન્સ ગેસ પાઈપલાઈન ગુડ્સ કોરીડોર, એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન બાદ હવે નવા હાઈવે માટે જમીન સંપાદનનો પ્રશ્ન આવતા ખેડૂતો જાયે તો જાયે કહાં ? જેવી કફોડી સ્થિતિમાં મૂકાયા છે.
નવસારી જિલ્લાનાં પૂર્વ પટ્ટીમાં આવેલાં ઉગત અંબાડા, સદલાવ ગામોમાં શનિવારે જમીન સંપાદન માટે હૈદરાબાદની એક કંપની દ્વારા ડ્રોન કેમેરાથી ટ્રોપોગ્રાફી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સર્વે કરનારી ટીમે ખેડૂતોની જમીનમાં પરવાનગી વિના ખુંટા મારી દીધા હતા. આ વાતની જાણ થતાં ખેડૂતો સ્થળ પર ધસી ગયા હતા. અને શું કામગીરી કરો છો ? અને શાના માટે કરી રહ્યા છો ? તેની પુછપરછ હાથ ધરી હતી. પરંતુ કામગીરી કરનાર ટીમ તરફથી ત્રુટક-ત્રુટક માહિતી અપાઈ હતી. જે મુજબ કેન્દ્ર સરકારે ભારતમાતા પ્રોજેક્ટ અંતર્ગત દેશનાં હાઈ-વે જોડવાનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં સુરતથી નાશિક થઈ અહમદ નગર જવા માટે નવા હાઈ-વેનું નિર્માણ કરવા જમીનની ફીઝીબીલીટીની ચકાસણી માટે હૈદરાબાદની સર્વે કરનારી એજન્સીને કામગીરી સોંપી છે. જે મુજબ તે ડ્રોન કેમેરાથી ટ્રોપોગ્રાફી કરીને સર્વે કર્યો હતો. અને જે તે સ્થળે જમીનમાં નિશાનનાં ખુંટા ઘટયા હતા. આ વાત સાંભળીને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી.
ખેડૂતોને કોઈપણ જાતની જાણકારી આપવામાં આવી ન હતી. પ્રોજેક્ટ અંગે ખેડૂતોને ન્યાય આપવાની પણ સરકારી તંત્રએ દરકાર દાખવી ન હતી. ખેડૂતોની જમીનમાંથી પ્રોજેક્ટ જવાનો હોય તો તેને તેની જાણ થવી જરૂરી છે. અજાણ્યા માણસો ચુપચાપ આવો સર્વે કરી મિલકીની જમીનમાં પરવાનગી વિના ઘુસી જઈ ખુંધ મારી દેવાથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. કારણ કે હજી સુધી સરકારે બુલેટ ટ્રેન માટે સંપાદન થનાર જમીનનું વળતર સુધ્ધાં જહેર કર્યુ નથી. જિલ્લામાં એક બાદ એક આવતાં પ્રોજેક્ટ માટે ખેડૂતોની ફળદ્રુપ જમીનો કપાઈ રહી છે. ત્યારે આને વિકાસ ગણવો કે વિનાશ ? એવું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભારતમાલા પ્રોજેક્ટ શું છે ?
ભારત દેશનાં ચાર મહાનગરોને જોડતા સ્વર્ણિમ ચર્તુભુજ પરિયોજના હેઠળ હાઈ-વેનું માળખું તૈયાર કરવામાં આવશે. દેશની સરહદો અને બંદરોને નેશનલ હાઈવે સાથે જોડવાની આ મહત્વાકાંક્ષી પરિયોજનાને કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર મારી છે. આ પરિયોજનાનું કામ સાત તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. કુલ રૂ. ૫.૩૪ લાખ હજાર કરોડનાં ખર્ચે દેશમાં ૩૪૮૦૦ કિલોમીટર લાંબો હાઈ-વે બનાવવામાં આવશે. નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડીયા હસ્તક આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં પાંચ રાજ્યો ગુજરાત, આંન્ધપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાના અને મિઝોરમમાં કામ હાથ ધરાશે. દેશનાં પ્રસિધ્ધ યાત્રાધામો તેમજ પર્યટન સ્થળોને આ યોજનામાં સાંકળી લેવાશે. કુલ ૭ લોજીસ્ટીક પાર્ક પૈકી ૧ લોજીસ્ટીક પાર્ક માટે સુરતની પસંદગી કરાઈ છે.
નવસારી જિલ્લામાં ખેડૂતોના વિરોધ વચ્ચે સરકાર ક્યા-ક્યા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરી રહી છે ?
નવસારી જિલ્લામાંથી રિલાયન્સ કંપનીનાં મિથેન ગેસને હજીરાથી મુંબઈ લઈ જવા માટે પાઈપલાઈન નાંખવાના કામ સરકારે ખેડૂતોની જમીન લીધી હતી. જેમાં હજી પણ જમીનમાં વળતર બાબતે કેસો ચાલી રહ્યા છે.રેલ્વે મંત્રાલયે દિલ્હીનાં દાદરીથી મુંબઈ સુધી ગુડ્સ ટ્રેનો માટે અલાયદો ફ્રેઈટ ડેડીકેટેડ કોરીડોર માટે જમીન સંપાદનની પ્રક્રિયા પુરી કરી છે.સરકારે વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ વે માટે જિલ્લામાંથી જમીન સપાદન-સર્વે કામગીરી હજી પુરી નથી થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકારે વળતર નક્કી નહીં કરી સંપાદન કાર્યવાહી હાથ ધરતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. અને ગુજરાત હાઈકોર્ટમાં ૨૦૦ ખેડૂતોએ અરજી કરી ન્યાયની માંગણી કરી છે. ખેડૂતો જમીન આપવા તૈયાર નથી. ત્યાં જ હવે સરકાર ખેડૂતો-પ્રશાસનની જાણ બહાર ભારતમાલા પ્રોજેક્ટ જેમાં સુરત-નાશિક-અહમદનગર હાઈ-વેનાં નિર્માણ માટે જમીન સર્વેની કામગીરી અને ખુંટા મારતાં ખેડૂતોમાં ડર અને અસમંજસની લાગણી ફેલાઈ છે. આમ નવસારી જિલ્લામાં બે-હાઈવેનો, બે રેલ્વેના અને એક ગેસલાઈનનાં પ્રોજેક્ટ માટે સરકાર ખેડૂતોની જમીન લઈ રહી છે.
પ્રોજેક્ટ માટે રૂપિયા ક્યાંથી આવશે ?
- પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂા. ૫.૩૪ લાખ હજાર કરોડ.
- માર્કેટમાંથી રૂ. ૨.૦૯ લાખ હજાર કરોડ ઉભા કરાશે.
- કેન્દ્રીય રિર્ઝવ ફંડમાંથી રૂ. ૨.૧૯ લાખ હજાર કરોડ મેળવાશે.
- ખાનગી રોકાણમાંથી રૂ. ૧.૦૬ લાખ હજાર કરોડ લેવાશે.
આમ કુલ ખર્ચો ઉભો કરવામાં આવશે.